Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કસરત પીડાદાયી લાગતી હોય તો એક વાર બાયપાસ કરાવી જુઓ

કસરત પીડાદાયી લાગતી હોય તો એક વાર બાયપાસ કરાવી જુઓ

28 April, 2022 10:45 AM IST | Mumbai
JD Majethia

વાત બિલકુલ ખોટી નથી. જેમ વેન્ટિલેટરના માસ્ક કરતાં કપડાનો માસ્ક બહુ સારો હતો એવું જ અહીં પણ છે. બાયપાસ કરાવવા કરતાં વર્કઆઉટની પીડા સહન કરવી હજારો ગણી હિતાવહ છે

જમનાદાસ મજીઠિયા

જેડી કૉલિંગ

જમનાદાસ મજીઠિયા


અમરપટ્ટો બાંધીને કોઈ આવ્યું નથી, પણ એ પણ એટલું જ સાચું કે જવાનું પણ તંદુરસ્તી સાથે આવે એનાથી ઉત્તમ બીજું કશું નથી. હેલ્થના ફ્રન્ટ પર આવતી હેરાનગતિ આપણી આજુબાજુના સૌને હેરાન કરે અને એ હેરાનગતિની સાથોસાથ આપણે પણ દુખી થવું પડે. એના કરતાં બહેતર છે કે આજ સુધી જીવ્યા છીએ એ લાઇફ-સ્ટાઇલમાં ચેન્જ લાવીએ.

કેટલાક મિત્રોની ઈ-મેઇલ આવી છે કે આપણે હેલ્થની બાબતમાં બહુ બેદરકાર છીએ એટલે તમારે એના વિશે વધારે લખવું જોઈએ. વાતને આગળ વધારતાં પહેલાં કહેવાનું કે આવી ઈ-મેઇલ કરવાને બદલે જો ઈ-મેઇલ કરીને એવી જાણ કરી હોત કે અમે અમારા ફૅમિલીનું ચેકઅપ કરાવી લીધું કે કરાવવા માટે બુકિંગ કરાવી લીધું તો વધારે આનંદ થયો હોત.
આપણે સલાહ આપવામાં એક્સપર્ટ છીએ, પણ સલાહ માનવાની વાત આવે ત્યારે આપણે છેલ્લી લાઇનમાં જઈને બેસી જતા હોઈએ છીએ. હેલ્થના મુદ્દે એ વાત જરા પણ યોગ્ય નથી તો એ પણ યોગ્ય નથી કે આપણે માત્ર ચેકઅપ વિશે જ વિચારીએ.



ચેકઅપની બાબતમાં સજાગ થવા ઉપરાંત આપણે એક બાબતમાં રિવર્સ કામ પણ કરવાનું છે. નિયમિત ચેકઅપનો નિયમ રાખવાની સાથોસાથ આપણે ખાવાપીવાની બાબતમાં પણ હવે સજાગ થવાની જરૂર છે. એક વાત યાદ રાખજો કે આપણું શરીર અમૂલ્ય છે. અમૂલ્યનો અર્થ જાણો છોને તમે. જેનું મૂલ્ય ન આંકી શકાય એ અમૂલ્ય. લાખો-કરોડો આપતાં પણ આ શરીર પાછું નથી મળવાનું, જિંદગી દાવ પર લાગી ગઈ હશે ત્યારે કરોડો રૂપિયા ખર્ચી નાખશો તો એ દાવ અન-ડુ નહીં થાય. જે ડૅમેજ થઈ ગયું હશે એની મરમ્મત થશે, રિપેરિંગ થશે, પણ એ પહેલાં જેવી અન-ઓપન્ડ તો નહીં જ કહેવાય, માટે હેલ્થ ચેકઅપમાં રિપોર્ટ સારા આવે તો ભગવાનનો પાડ માનીને પહેલું કામ ખાનપાનની સ્ટાઇલ સુધારી નાખવાનું કરવાનું અને નક્કી કરી લેવાનું કે આપણે આપણા અમૂલ્ય શરીરમાં કોઈ પ્રકારનો એવો પદાર્થ જવા નથી દેવો જે શરીર માટે ઉપયોગી ન હોય, જેની કોઈ ઊપજ ન હોય. હમણાં મેં એક બહુ સરસ લાઇન વાંચી,
‘ઇફ યુ ફીલ વર્કિંગ-આઉટ ઇઝ પેઇનફુલ, ધેન ટ્રાય બાયપાસ સર્જરી.’ 


અર્થાત્, તમને એવું લાગતું હોય કે કસરત કરવી પીડાદાયી છે તો જાઓ જઈને બાયપાસ સર્જરી કરાવી જુઓ. સંદર્ભ બહુ સીધો-સાદો અને સરળ છે. વર્કઆઉટ કરતા રહેશો તો હેલ્થની બીજી બધી મુસીબતોથી દૂર રહેશો. વ્યાયામ બહુ જરૂરી છે અને ચાળીસી વટાવ્યા પછી તો ખાસ એની જરૂર છે. આ ઉંમરે થતો વ્યાયામ પણ મેઇન્ટેનન્સની ગરજ સારે છે. ગાડીથી માંડીને ઘરનાં ગૅજેટ્સ સુધ્ધાંનાં આપણે સમયાંતરે મેઇન્ટેનન્સ કરાવીએ છીએને, સમર પહેલાં એસી સરખું કરાવી લઈએ અને વિન્ટર પહેલાં ગીઝર સરખું કરાવી લઈએ, તો પછી બૉડીના મેઇન્ટેનન્સની બાબતમાં આપણે કેમ બેદરકાર રહીએ. દર ૬થી ૯ મહિને ચેકઅપ કરાવવું જ જોઈએ અને પહેલી વાર તમારે મોટું ચેકઅપ આવશે, પણ એ કરાવી લીધા પછી તો રૂટીનમાં નાનું-નાનું ચેકઅપ જ આવવાનું છે, જેમાં બહુ બજેટ પણ નહીં ફાળવવું પડે.

બજેટ પરથી યાદ આવ્યું કે ધારો કે એવું લાગે કે આ બધું બહુ મોંઘું છે તો ઘણી એવી સેવાભાવી સામાજિક સંસ્થા દ્વારા ચલાવવામાં આવતાં કેન્દ્રોમાં બહુ સસ્તા ભાવે ચેકઅપ કરી આપે છે, તો હવે તો કૉમ્પિટિશનને લીધે હેલ્થ ચેકઅપમાં પણ મોટું ડિસ્કાઉન્ટ ચાલતું હોય છે. હમણાં જ મેં કોઈ જગ્યાએ પેપરમાં વાંચ્યું કે ૧૮,૦૦૦ની ટેસ્ટ માત્ર ૪૦૦૦ રૂપિયામાં કરી આપવાની ઑફર હતી. એનો લાભ લો, તમારી જ્ઞાતિની સામાજિક સંસ્થાનો લાભ લો, પણ ચેકઅપ કરાવો અને આવનારી તકલીફો સામે અત્યારથી જ સક્ષમ થઈ જાઓ. તમારે માટે નહીં તો એ લોકો માટે જેઓ આપણી સાથે સંકળાયેલા છે. જેમણે પોતાનું ભવિષ્ય આપણા પર છોડી દીધું છે તેમના પ્રત્યે એટલા તો જવાબદાર બનીએ.


આ વાત હું એમ જ નથી કહેતો. મારા જાતઅનુભવ પરથી કહું છું. થોડી જ ક્ષણોમાં મારી આંખ સામે જે બધી વાતો આવી ગઈ હતી એના પરથી કહું છું અને એ વાતો હજી પણ આંખ સામે છે. એ સમયે જ મેં નક્કી કર્યું હતું કે હું આ બધી વાતો તમારી સાથે શૅર કરીશ. ભલે કોઈને કંટાળો આવે, ભલે કોઈને એવું લાગે કે આ વખતે જેડીભાઈએ કોઈ ગ્રેટ વાત લખી નથી, પણ સાહેબ, બહુ અગત્યની વાત લખી છે આ વખતે, એ ભૂલતા નહીં. સમય આવી ગયો છે કે હવે આપણે સજાગ થઈએ અને સજાગ થવાની શરૂઆત આજથી, અત્યારથી જ કરીએ.

યોગ છે, બીજી ઘણી એવી એક્સરસાઇઝ છે જે ઘરે બેસીને તમે કરી શકો છો. હવે તો ઍપ્સ પણ એવી આવી ગઈ છે જે ઑનલાઇન જ તમને એક્સરસાઇઝ શીખવી દે. વૉક કરો. ખાવાપીવાની બાબતમાં હવે જાગી જાઓ. આપણે ગુજરાતી, એટલે ફરસાણ અને મિષ્ટાન્ન વિના ચાલે નહીં તો સ્વાદમાં પણ આપણાં અઢળક નખરાં છે, પણ હવે જીભને નહીં, બાકીના શરીરને મહત્ત્વ આપીને આગળ વધવાનું છે.

તમને ખબર હશે કે બ્લડ-રિપોર્ટ્સ બરાબર ન હોય તો તમે બ્લડ પણ ડોનેટ ન કરી શકો. કૉલેસ્ટરોલ, ડાયાબિટીઝ કે પછી બ્લડપ્રેશરના ઇશ્યુ વચ્ચે તમે તમારા જ ફૅમિલીના પડખે ઊભા ન રહી શકો એ તો કેવું ખરાબ કહેવાય. બહેતર છે કે આપણે ખાવા-પીવાની બાબતમાં સજાગ થઈને વર્તીએ.

મારા એક ડાયટિશ્યન મિત્રએ બહુ સરસ સલાહ આપી હતી. બહુ ભાવતું ખાવું હોય તો એની ક્વૉન્ટિટીને પાંચ ભાગમાં વહેંચી નાખવાની અને બે ભાગ ખાવાના. મૅક્સિમમ ત્રણ ભાગ, પણ ચાર-પાંચ સુધી તો પહોંચવાનું જ નહીં. જે ભાવતું હોય એને આ રીતે પાંચ સ્કેલમાં વહેંચીને જુઓ. પેંડો ભાવતો હોય તો એના પાંચ ભાગ કરીને બે ભાગ પર અટકી જવાનું અને ત્રીજાની આગળ તો વધવાનું જ નહીં. ક્યાંય પ્રસંગમાં ગયા હોઈએ તો પણ આ જ નિયમ રાખવાનો. ભલે લોકો આગ્રહ કરતા હોય તો કરે, સ્પષ્ટતા રાખવાની અને ના પાડી દેવાની કે ભાઈ હું નથી ખાતો આવું કશું.

હું કહીશ કે હવે કૅરલેસ રહેવાને બદલે કૅરફુલનેસ દેખાડવાનો સમય આવી ગયો છે. મેં ઘણા એવા લોકોને જોયા છે જેઓ દર બીજા દિવસે દવા લેવાનું ભૂલી જાય છે. પર્મનન્ટ લેવાની દવા પણ ભૂલી જાય એ કેમ ચાલે? એવા પણ અનેક લોકો છે જેઓ પ્રીમિયમ ભરવાની બાબતમાં બેદરકારી દાખવે અને એવા પણ અઢળક લોકો છે જેઓ આજે પણ મેડિકલ ઇન્શ્યૉરન્સ લેવા રાજી નથી. હું કહીશ કે ખેંચાઈને પણ મેડિકલ ઇન્શ્યૉરન્સ રાખવો. બહુ જરૂરી છે. હવે મેડિકલનાં જે બિલ આવે છે એ ચીરી નાખે એવાં હોય છે, દવાનો ભાવ પણ વધી ગયો છે અને ટ્રીટમેન્ટ બહુ મોંઘી થઈ ગઈ છે ત્યારે મેડિકલ ઇન્શ્યૉરન્સ એવા સમયે કામ આવે છે જે સમયે આપણે બીજી બધી રીતે તૂટી પડ્યા હોઈએ. ફરી એક વાર કહીશ કે પ્લીઝ, ખેંચાઈને પણ ઇન્શ્યૉરન્સ રાખજો.
તમે બધા મારા પ્રિય છો એટલે તમને કહું છું કે હેલ્થની બાબતમાં બિલકુલ કૅરલેસ રહેવું નહીં અને આપણી આસપાસમાં જેકોઈ હોય તેમને પણ કૅરલેસ રહેવા દેવા નહીં. તેમને પણ કહેતા રહેવું કે ભાઈ, ચેકઅપ કરાવી લો અને સમયસરનું ચેકઅપ આવનારા ખતરાને ટાળવાનું કામ સરળતાથી કરશે. અમરપટ્ટો બાંધીને આપણે કોઈ આવ્યા નથી, પણ સાથોસાથ એ પણ એટલું જ સાચું છે કે જવાનું પણ તંદુરસ્તી સાથે આવે એનાથી ઉત્તમ બીજું કશું નથી. હેલ્થના ફ્રન્ટ પર આવતી હેરાનગતિ આપણી આજુબાજુના સૌને હેરાન કરે અને એ હેરાનગતિની સાથોસાથ આપણે પણ દુખી થવું પડે. એના કરતાં બહેતર છે કે આજ સુધી જીવ્યા છીએ એ લાઇફ-સ્ટાઇલમાં ચેન્જ લાવીએ અને હેલ્થની બાબતમાં બેદરકાર રહેવાને બદલે ફૅમિલીને આંખ સામે રાખીને જવાબદાર બનીએ.

તમે જ્યારે શરીરથી મસ્ત હો તો દિવસ પણ સરસ શરૂ થાય અને નાહકનું ચિડાવાનું પણ બંધ થઈ જાય. જો તમારો દિવસ સારો જાય તો તમે બીજાના દિવસને પણ બગાડવાનું છોડી દો. જીવન સારું જાય એ માટે શાંતિથી જીવન જીવવું અને મારી જેમ કરવું નહીં. હસવાનું રાખજો અને હસાવવાનું પણ કરતા રહેજો. આવી સલાહ હું કોને આપી શકું એ તમે સમજી ગયા હશો. અંગત હોય તેને જ આવી સલાહ આપી શકાય. મેં મારાં માબાપ, ભાઈઓ-ભાભીઓ, બહેનો, પત્ની અને બાળકો તથા મારા મિત્રોને આ જ સલાહ આપી છે અને હવે તમને કહું છું. પ્લીઝ, ધ્યાન રાખજો, સમયસર ચેકઅપ કરાવજો અને ખાનપાનની ખોટી અને ખરાબ આદત કાઢીને લાંબું સ્વસ્થ જીવન જીવો.

 

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

28 April, 2022 10:45 AM IST | Mumbai | JD Majethia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK