Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઉંમર ક્યારેય સપનાંઓને પૂરાં કરવામાં નડતરરૂપ હોતી નથી

ઉંમર ક્યારેય સપનાંઓને પૂરાં કરવામાં નડતરરૂપ હોતી નથી

17 April, 2024 11:24 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે ૬૯ વર્ષની ઉંમરે પણ બાળક જેવો ઉત્સાહ ધરાવતાં બીનાબહેનનો એકદમ અનોખો હોમમેડ આઇસક્રીમ મુંબઈમાં ખાસ્સો પૉપ્યુલર બની ગયો છે.

બીના દોશી

યે જો હૈ ઝિંદગી

બીના દોશી


પંચાવન વર્ષની ઉંમરે નવરાશનો ઉપયોગ કરવાના હેતુસર હોમમેડ આઇસક્રીમ બનાવવાનું કામ બીના દોશીએ શરૂ કર્યું હતું. આજે ૬૯ વર્ષની ઉંમરે પણ બાળક જેવો ઉત્સાહ ધરાવતાં બીનાબહેનનો એકદમ અનોખો હોમમેડ આઇસક્રીમ મુંબઈમાં ખાસ્સો પૉપ્યુલર બની ગયો છે

જે ઉંમરમાં લોકો ભજન અને ભોજન સિવાય બીજું કંઈ વિચારતા હોતા નથી એ ઉંમરે એક બિઝનેસ ચાલુ કરવાનું સાહસ કરવું અને એ પણ જ્યારે આખું જીવન હાઉસવાઇફ બનીને જ રહ્યાં હોય એ પછી તો એ સહેલું નથી જ. બીના દોશી બીનાઝ હોમમેડ આઇસક્રીમના નામે હાલમાં એક નાનો બિઝનેસ ચલાવે છે જેના હેઠળ તેમનો આઇસક્રીમ મુથ્થુસ્વામી કેટરર્સ, ગાયા કેટરર્સ, સ્ટુડિયો કિચન કેટરર્સ, કેપકો કેટરિંગ હેઠળ બ્લુ સી બૅન્ક્વેટ, જે. કે. બૅન્ક્વેટ્સ, NSCI ડોમમાં અને જુહુ અને વાલકેશ્વરમાં આવેલી દક્ષિણાયન રેસ્ટોરાંમાં મળે છે. અમદાવાદમાં દક્ષિણાયનની બે બ્રાન્ચ છે ત્યાં પણ આ આઇસક્રીમ મળે છે એટલું જ નહીં, મુંબઈમાં જુદી-જુદી ફૂડ ડિલિવરી ઍપની મદદથી નરીમાન પૉઇન્ટથી લઈને લોખંડવાલા સુધી અને ચેમ્બુર અને એની આજુબાજુના એરિયામાં આ આઇસક્રીમની હોમ ડિલિવરી થાય છે. પવઈ અને મલાડમાં પણ તેમનું સ્ટોરેજ છે જેને કારણે એની આસપાસના એરિયામાં પણ ડિલિવરી શક્ય બને છે.  



શરૂઆત 
નેપિઅન સી રોડ પર રહેતાં બીનાબહેન ચાર દેરાણી-જેઠાણીવાળી જૉઇન્ટ ફૅમિલીમાં રહેતાં. સમય જતાં બધાં ધીમે-ધીમે છૂટાં પડતાં ગયાં. તેમને બે દીકરા છે જે એક સમયે અબ્રૉડ ભણવા ગયા ત્યારે બીનાબહેન ઘણાં ફ્રી રહેવા લાગ્યાં. આઇસક્રીમનો બિઝનેસ કરવાનો વિચાર કઈ રીતે મગજમાં આવ્યો એ વિશે વાત કરતાં બીનાબહેન કહે છે, ‘મારા પતિને આઇસક્રીમનો ખૂબ શોખ હતો એટલે અમે ઘરે ખૂબ આઇસક્રીમ બનાવતાં. ઘરે જે પણ મહેમાન આવે એ પણ મારા આઇસક્રીમનાં ખૂબ વખાણ કરતાં. એક વખત મારા પતિના ફ્રેન્ડની દીકરીનાં લગ્નની એક પાર્ટીમાં તેમણે મારા આઇસક્રીમની રિક્વેસ્ટ કરી. મેં બનાવીને મોકલ્યો ત્યારે એ લોકોએ ખૂબ વખાણ્યો અને કહ્યું કે મારે આ કામ પ્રોફેશનલી શરૂ કરવું જોઈએ. નવરી પડી તો લાગ્યું કે કરી જોઈએ. શરૂઆત ઘરના ઑર્ડર્સ અને પાર્ટી ઑર્ડર્સથી કરી અને ધીમે-ધીમે આગળ વધ્યા.’


મહેનત 
કોઈ પણ કામ શરૂ કરવામાં એક સિદ્ધાંત મુખ્ય છે કે કામ કામને શીખવે. આ વાત કરતાં બીનાબહેન કહે છે, ‘શરૂઆતમાં હ્યુઝ રોડ, ચોપાટી પર અમે એક જગ્યા ભાડે રાખી જ્યાં અમે આઇસક્રીમ બનાવતાં. એ સમયે વધુ ને વધુ સમય હું આ જગ્યા પર રહેતી અને કામ કરતી. સવારે ૪ વાગ્યે ઊઠીને ન્યુઝપેપરમાં ફ્લાયર્સ નાખવા માટે જતી. મારા માણસો સાઇકલ પર ડિલિવરી આપતા. થોડા સમય પહેલાં જ મેં એક સ્કૂટર લીધું. ધીમે-ધીમે અમે લોઅર પરેલ, બાંદરા, લોખંડવાલા અને ચેમ્બુરમાં ફ્રીઝર રાખ્યાં. અમે આઇસક્રીમ બનાવીએ એક જગ્યાએ અને પછી આ ચારેય એરિયાનાં ફ્રીઝર સુધી પહોંચાડીએ. જ્યાંથી ઑર્ડર આવે એ રીતે ડિલિવર થાય. હાલમાં મારી પાસે ૩ હેલ્પર્સ છે અને બે મૅનેજર છે.’


ક્વૉલિટી 
ઘરમાં જે આઇસક્રીમના સંચામાં તેઓ આઇસક્રીમ બનાવતાં એ જ સંચામાં આઇસક્રીમ બનાવવાનું તેમણે વિચારેલું. ટ્રેડિશનલી બરફની કોઠીમાં જ તેમણે આઇસક્રીમ બનાવવાનું શરૂ કર્યું. એમાં આજુબાજુ બરફ અને મીઠું ભરવામાં આવતું હોય છે અને દૂધ, ખાંડ અને બાકીની વસ્તુઓને પહેલાં હાથેથી જ તેઓ વલોવતાં. આજે હવે એ કામ મોટર કરે છે. દરરોજ ઍવરેજ ૭૦ લીટર દૂધનો આઇસક્રીમ બને છે. પોતાના આઇસક્રીમની વિશેષતા જણાવતાં બીનાબહેન કહે છે, ‘હું ક્રીમનો નહીં, દૂધનો આઇસક્રીમ બનાવું છું જેને કારણે એ ભારે નથી લાગતો, લાઇટ રહે છે. વળી મારો આઇસક્રીમ એકદમ ગળ્યો નથી હોતો. આજકાલ લોકો એકંદરે ઓછી ગળી વસ્તુ પસંદ કરતા હોય છે. એની અંદર જે પણ ફ્લેવર્સ હું ઉમેરું છું એ ફ્લેવર્સ બધી નૅચરલ જ હોય છે. કોઈ પ્રિઝર્વેટિવ્સ કે કેમિકલરહિત હું એ બનાવું છું. ૨-૩ ફલેવરને છોડીને કોઈ આઇસક્રીમમાં હું કલર પણ નાખતી નથી. હોમમેડ આઇસક્રીમ એમનેમ જ નામ નથી રાખ્યું, ઘરની વસ્તુ છે તો એ વધુ જ સારી ક્વૉલિટીની હોવાની.’

ફૂડ-બિઝનેસ અઘરો 
આજના સમયમાં ફૂડ-બિઝનેસમાં ટકી રહેવું અઘરું છે એમ વાત કરતાં બીનાબહેન કહે છે, ‘ફૂડ એક એવી વસ્તુ છે જેમાં દરેક વ્યક્તિનો સ્વાદ જુદો જ હોવાનો. મારા આઇસક્રીમનો ફીડબૅક જ્યારે હું લઉં ત્યારે ૯૫ ટકા લોકો કહે છે કે ખૂબ જ સરસ છે, પરંતુ એમાં પાંચ ટકા લોકો એવા નીકળે જે તમને સજેશન આપે કે એકદમ સ્મૂધ નહોતો કે ગળ્યો ઓછો છે. ઘણા લોકોએ મને કહ્યું કે તમે તમારા આઇસક્રીમમાં થોડી ખાંડ વધારો, ક્રીમ વાપરો વગેરે; પણ મને એ યોગ્ય લાગતું નથી. અમુક નિર્ણયો તમારે તમારી સમજને આધારે જ લેવા જોઈએ. જે તમને લાગે એ કરવું, બજારમાં જે મળે છે એની નકલ કરવાનો અર્થ નથી.’

ફ્લેવર્સ 
બીનાબહેનને નવી ફ્લેવર્સ ટ્રાય કરવાનો ખૂબ શોખ છે. નવી ફ્લેવર્સ તે જાતે જ બનાવે છે અને રેસિપી આખી સેટ ન થાય ત્યાં સુધી તે પોતે જ લાગેલાં રહે છે. તેઓ ફ્રૂટ અને ડ્રાયફ્રૂટ તેમ જ ચૉકલેટની જુદી-જુદી ફ્લેવર્સની સાથે પૉપકૉર્ન, ચાય-બિસ્કુટ, પાન, ચોકોચિપ્સ, લેમનગ્રાસ, જિંજર ક્રન્ચ, વરિયાળી, ઠંડાઈ જેવી એકદમ અનોખી ફ્લેવર્સ પણ તેઓ ઑર્ડરથી બનાવે છે. આજકાલ કાચી કેરી, જાંબુ ક્રશ સોર્બે, શુગરકેન સોર્બે, રેડ રુબી થાઇ, સ્ટ્રૉબેરી ચીઝ કેક, લોટસ બિસ્કોફ, ઑરેન્જ ડાર્ક ચૉકલેટ જેવી ફ્લેવર્સની બોલબાલા છે. પોતાની ઉંમર વિશે વાત કરતાં બીનાબહેન કહે છે, ‘મને નથી લાગતું કે મોટી ઉંમરે કામ ન થાય. મન હોય તો માળવે જવાય. હા, એ વાત ચોક્કસ છે કે યુવાન વય જેટલું કામ હવે ન થાય છતાં મને એમ છે કે હું ૭૦ વર્ષે ખુદને એક આઇસક્રીમ પાર્લર ગિફ્ટ આપું. છેલ્લા ઘણા વખતથી આ બાબતે કોશિશો ચાલુ છે મારી. ભગવાનની ઇચ્છા હશે તો એ પણ સફળ થશે. ક્યારેક અફસોસ ચોક્કસ થાય કે આ કામ વહેલું શરૂ કરવાનું હતું, પરંતુ દેર આએ દુરસ્ત આએ.’

આઇસક્રીમના કોર્સ કરવા અમેરિકા, દુબઈ, ઇટલી જઈ આવ્યાં છે
આઇસક્રીમ બનાવવાના કામમાં તેમને એટલો રસ છે કે જે સ્કિલ્સ તેમને આવડે છે એના કરતાં પણ વધુ ને વધુ તેમને શીખવું છે, જેના માટે તેઓ દુનિયાના અલગ-અલગ ખૂણે જઈને આઇસક્રીમના કોર્સ પણ કરે છે. ૬૨ વર્ષની ઉંમરે અમેરિકા જઈને તેમણે ૧૦ દિવસનો એક કોર્સ કરેલો જેમાં મોટા પાયે આઇસક્રીમનો બિઝનેસ કઈ રીતે કરાય એ વિશે થિયરી બેઝ્ડ લર્નિંગ હતું. તેમને વધુ પ્રૅક્ટિકલ નૉલેજ જોઈતું હતું એટલે તેઓ ૨૦૧૮માં દુબઈ ગયાં, જ્યાં તેમણે જલાટો કંપનીમાં પાંચ દિવસનો કોર્સ કર્યો. આ વર્ષે તેઓ એકલાં ઇટલી ગયાં. ત્યાં એકલાં જ રોકાયાં. ભાષાની તકલીફ હોવા છતાં એકલા બસમાં ટ્રાવેલ કર્યું અને કોર્સ પૂરો કર્યો. આ અનુભવો વિશે બીનાબહેન કહે છે, ‘જરૂરી નથી કે કોર્સમાંથી બધું જ તમે કામે લગાડી શકો પરંતુ એક નવો અનુભવ મળે અને અમુક બાબતોને તમે અપનાવી શકો જેનાથી બિઝનેસને આગળ વધારી શકાય. સતત નવું કરવું અને શીખતાં રહેવું મારે મન જરૂરી છે.’

Whatsapp-channel Whatsapp-channel

17 April, 2024 11:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK