° °

આજનું ઇ-પેપર
Monday, 05 December, 2022


યુવાનો માટે ફ્રેન્ડ, ફિલોસૉફર અને ગાઇડની ભૂમિકા ભજવી શકે છે પૉડકાસ્ટ

30 September, 2022 02:56 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

સ્પિરિચ્યુઅલથી માંડીને સેલ્ફ હેલ્પ, કરીઅર ગાઇડન્સથી લઈને કૉમેડી જેવા અગણિત જુદા-જુદા વિષયો પરના પૉડકાસ્ટ યુવાનોને બહોળા પ્રમાણમાં તક અને ચૉઇસ બંને આપે છે

ભાવના સોમૈયા ઇન્ટરનૅશનલ પૉડકાસ્ટ ડે

ભાવના સોમૈયા

એક જનરેશન હતી જે રેડિયોને પોતાનો જોડીદાર ગણતી, જ્યારે આજની જનરેશનમાં આ સ્થાન પૉડકાસ્ટ પૂરું કરી શકે છે. સ્પિરિચ્યુઅલથી માંડીને સેલ્ફ હેલ્પ, કરીઅર ગાઇડન્સથી લઈને કૉમેડી જેવા અગણિત જુદા-જુદા વિષયો પરના પૉડકાસ્ટ યુવાનોને બહોળા પ્રમાણમાં તક અને ચૉઇસ બંને આપે છે

યુવાનોને દરેક વાતમાં એક્સપર્ટ ઑપિનિયન જોઈએ છે. ફ્રેન્ડ‍્લી, મનપસંદ અવાજમાં એ મળે તો તેઓ એની સાથે તરત કનેક્ટ થઈ જાય છે.

એક જનરેશન હતી કે આખો દિવસ રેડિયો ખુદ સાથે વળગાડીને રાખતી. ‘બિનાકા ગીતમાલા’થી લઈને ‘હવા મહેલ’ સુધી દરેકેદરેક પ્રોગ્રામ ખૂબ ધ્યાનથી સાંભળતી. એ પછી આવ્યો એફએમ રેડિયોનો જમાનો જેનું ફૉર્મેટ ખાસ યુવાનોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. કારમાં, ઘરમાં, ટ્રાવેલ કરતી વખતે સતત લોકો એફએમ રેડિયો સાંભળતા. એટલું જ નહીં, એમાં કામ કરતા રેડિયો જૉકીઝની પૉપ્યુલરિટી ફિલ્મસ્ટાર્સના લેવલની ગણી શકાય એટલી વધી ગઈ. તેમને સાંભળવા માટે લોકો રાહ જુએ એવી હાલત ઊભી થઈ હતી. જોકે હાલમાં એફએમ રેડિયોની લોકપ્રિયતામાં ઘટાડો થઈ ગયો છે ત્યારે ભારતમાં છેલ્લાં ૫-૭ વર્ષથી જે પા-પા પગલી ભરીને પોતાની જગ્યા બનાવી રહ્યું છે એવું ઑડિયો માધ્યમ છે પૉડકાસ્ટ. 

ઑડિયો માધ્યમ 

અલગ-અલગ પ્લૅટફૉર્મ પર તમે એ સાંભળી શકો છો, જેમાં ગૂગલ અને ઍપલ પૉડકાસ્ટ બે મોટાં પ્લૅટફૉર્મ છે. બાકી જેટલી પણ મ્યુઝિક ઍપ્સ છે એની અંદર એક ઑપ્શન પૉડકાસ્ટનું હોય છે. અમુક ઍપ્સ એવી પણ છે જે ફક્ત પૉડકાસ્ટ માટે જ બનેલી હોય. જેમ યુટ્યુબ પર કન્ટેન્ટ ક્રીએટર્સ પોતાના કન્ટેન્ટને લઈને પોતાની ચૅનલ પર વિડિયો બનાવે છે એમ અહીં પૉડકાસ્ટર્સ પોતાના તૈયાર કરેલા કન્ટેટ વડે ઑડિયો તૈયાર કરે જેને તમે ફોન પર સરળતાથી સાંભળી શકો છો. 

ફ્રીડમ ઘણી 

અદિતિ કટબામન મનન દેસાઇ

પૉડકાસ્ટ ભારતની બહાર ખૂબ જ પૉપ્યુલર માધ્યમ છે. ભારતમાં એ હજુ ઘણું નવું છે એમ કહી શકાય. લોકો ધીમે-ધીમે આ માધ્યમથી અવગત થઈ રહ્યા છે, જેમાં યુવાનો ખાસ પૉડકાસ્ટ સાંભળવામાં જ નહીં, પૉડકાસ્ટ બનાવવામાં પણ ખૂબ હરખથી જોડાઈ રહ્યા છે. મુંબઈમાં કૉર્પોરેટ જૉબમાં જોડાયેલી ૨૯ વર્ષની અદિતિ કટબામના એક સફળ યુટ્યુબર હતી. તેણે ૧૦ વર્ષ યુટ્યુબ પર કન્ટેન્ટ બનાવ્યું અને આ વર્ષના જૂન મહિનામાં તેણે પોતાનું પૉડકાસ્ટ ‘કંઈ પણ’ના નામે શરૂ કર્યું. આ વિશે વાત કરતાં અદિતિ કહે છે, ‘પૉડકાસ્ટ મને ખૂબ જ આકર્ષક લાગ્યું. પૉડકાસ્ટમાં ફ્રીડમ ખૂબ વધારે છે. તમને જે વિષય પર બોલવું હોય પૂરી છૂટ છે. કોઈ રેગ્યુલેશન નથી. મેં એવાં-એવાં વિધાનો પર પૉડકાસ્ટ કર્યાં છે જે યુટ્યુબ પર તો વિચારી પણ ન શકું. આમ, એક ક્રીએટર તરીકે તમને જોઈતી ફ્રીડમ આજની તારીખે સોશ્યલ મીડિયા પર પણ નથી જેટલી પૉડકાસ્ટ પર છે. હું મારા ઘરમાં પલંગ પર સૂતાં-સૂતાં પણ પૉડકાસ્ટ રેકૉર્ડ કરતી હોઉં છું.’

ધીમી ગતિએ પૉપ્યુલરિટી 

પૉડકાસ્ટ દરેક જુદી-જુદી ભાષામાં અને જુદા-જુદા વિષયો પર મળે છે. સ્ટોરીઝ, કૉમેડી, બિઝનેસ, સ્પિરિચ્યુઅલ, સેલ્ફ હેલ્પ, સાહિત્ય, હેલ્થ, વેલનેસ જેવા ઢગલાબંધ વિષયો પર પૉડકાસ્ટની કૅટેગરી વહેંચાયેલી છે. આમ શ્રોતાઓને પોતાની ચૉઇસ મળી રહે. ગુજરાતી કન્ટેન્ટની વાત કરીએ તો ‘મરીઝ’ની કવિતાઓથી લઈને કિશોરકાકાના જોક્સ પણ પૉડકાસ્ટ પર મળી રહે. ગુજરાતી પૉપ્યુલર સ્ટૅન્ડ-અપ કૉમેડિયન્સનું પણ ઘણું-બધું કન્ટેન્ટ પૉડકાસ્ટ પર છે. આ વિશે વાત કરતાં રેડિયો સાથે ઘણાં વર્ષોથી જોડાયેલા પૉપ્યુલર કૉમેડિયન મનન દેસાઈ કહે છે, ‘અમે ખુદે જ ૨-૩ વર્ષ પહેલાં ખુદનું કન્ટેન્ટ પૉડકાસ્ટ માધ્યમ પર નાખ્યું હતું, પણ હવે અમે એ માધ્યમોમાં ઍક્ટિવ નથી. અમારા પૉડકાસ્ટને સાંભળનારી ગુજરાતી જનતા ભારતની બહાર જ રહે છે. ભારતમાં લોકો માટે એ હજુ પૉપ્યુલર માધ્યમ બન્યું નથી. આજકાલ સોશ્યલ મીડિયાની બોલબાલા વધુ છે. રીલ્સનું વિશ્વ એટલું મોટું થઈ ગયું છે કે ઑડિયો પર લોકોનું ધ્યાન કેન્દ્રિત નથી થઈ રહ્યું. કન્ટેન્ટ ગમે તેવું હોય, પણ વિઝ્યુઅલ હોય એટલે ઘણું. વળી, લોકોનો ધ્યાન કેન્દ્રિત થવાનો સમય ઓછો ને ઓછો થતો જાય છે. અટેન્શન સ્પૅન ખૂબ ઓછો થઈ ગયો છે. એવામાં પૉડકાસ્ટ સાંભળવાની ધીરજ લોકોમાં ઊભી કરવી અઘરી છે. એટલે જ કદાચ એવા લોકો ભાગ્યે જ જોવા મળશે જે ફક્ત પૉડકાસ્ટ જ બનાવે છે અને તેમની પ્રેઝન્સ બીજા કોઈ માધ્યમમાં નથી. ઊલટું લોકો આજકાલ પૉડકાસ્ટ રેકૉર્ડ કરતી વખતે વિડિયો પણ રેકૉર્ડ કરીને બીજા પ્લૅટફૉર્મ પર નાખે છે કે એમાંથી તે કમાઈ શકે.’ 

પર્સનલાઇઝ્ડ મીડિયમ 

પૉડકાસ્ટ એક પર્સનલાઇઝ્ડ માધ્યમની જેમ કામ કરે છે, એમ સમજાવતાં હાલમાં સ્પિરિચ્યુઅલ ઑન્ટ્રપ્રનર અને છેલ્લાં ૧૫-૨૦ વર્ષથી જુદી-જુદીં એફએમ રેડિયો ચૅનલ્સ સાથે સંલગ્ન રહેનાર જિજ્ઞેશ વસાવડા કહે છે, ‘હાલમાં વ્યક્તિ વધુ ને વધુ એકાકી બનતી જાય છે એવામાં ઑડિયો મીડિયમ એમના માટે એક કમ્પૅન્યનશિપની ખોટને પૂરે છે. કોઈ મિત્ર સાથે ફોન પર વાત કરીને આનંદ થાય એવો જ આનંદ તમારા ફેવરિટ પૉડકાસ્ટરને સાંભળવામાં આવે છે. વળી, ખુદના મોબાઇલ પર, પોતાની ચૉઇસથી, પોતાના સમયે, જેને પણ સાંભળવા હોય, જેટલી વાર સાંભળવા હોય એ પૉડકાસ્ટ દ્વારા શક્ય બને છે. આમ, લોકોને કમ્યુનિકેશનનું આવું પર્સનલાઇઝ્ડ માધ્યમ મળે તો સારું જ છે. યુવાનોને તો ખાસ આજકાલ દરેક બાબતોમાં એક્સપર્ટ ઑપિનિયન અને ગાઇડન્સ જોઈતું જ હોય છે. એ પણ ફ્રેન્ડલી, મનપસંદ અવાજમાં મળે તો તે એની સાથે તરત કનેક્ટ થઈ જાય છે. એ કનેક્શન સધાય એટલે આપોઆપ એ માધ્યમ સફળ થાય છે.’ 

કન્ટેન્ટનું મહત્ત્વ 

પ્રિન્ટ, બ્રોડકાસ્ટ અને ટેલિવિઝન જેવાં લગભગ બધાં જ કમ્યુનિકેશનના માધ્યમનો અનુભવ લઈ ચૂકેલાં અનુભવી પત્રકાર ભાવના સોમૈયાએ ખુદ પોતે પણ ઘણા શોઝ પૉડકાસ્ટના માધ્યમથી કરેલા છે. આ વિશે વાત કરતાં ભાવના સોમૈયા કહે છે, ‘જો કોઈ ક્રીએટર પૉડકાસ્ટ વિશે મૂંઝાતા હોય તો હું એમને કહીશ કે આ અતિ સરળ મીડિયમ છે. એમાં કામ કરવું પણ ઘણું સરળ છે. પૉડકાસ્ટ ભલે અવાજનું માધ્યમ હોય, પણ એની જીત એ એના કન્ટેન્ટમાં રહેલી છે. જે જગ્યાએ ફક્ત કન્ટેન્ટ જ રાજા છે એવી જગ્યા એટલે પૉડકાસ્ટ, વ્યક્તિના વિચારો, એને વ્યક્ત કરવાની એની રીત અને એની ભાષા પરની પકડ જ છે જે અહીં મહત્ત્વની છે. એના પર જ એ જગત સાથે ઘરના એક ખૂણામાં બેસીને સંબંધ પ્રસ્થાપિત કરી શકે છે. યુવાનોને દુનિયા સુધી પહોંચવાની, પોતાના વિચારોને વહેતા કરવાની ઇચ્છા હોય તો તેમણે ચોક્કસ પૉડકાસ્ટ શરૂ કરવું જોઈએ.’                                                                                                                    

જૂનો કન્સેપ્ટ અને નવું માધ્યમ

ભારત સ્ટોરી ટેલર્સનો દેશ છે. આપણે ત્યાં હજારો વર્ષોથી વાર્તાઓ વહેતી આવી રહી છે એમ વાત કરતા જિજ્ઞેશ વસાવડા કહે છે, એક સમયે બાપુ પાસે લોકો કથા સાંભળતા. બાપુનો ચહેરો ન દેખાય તોય કથા સંભળાય એટલું ઘણું. પછી ઓડીઓ કેસેટ્સ આવી એમાં લોકો સાંભળવા લાગ્યા. સામાન્ય રીતે પણ ભારતીયોને વાતો કરવી જેટલી ગમે એટલી જ સાંભળવી પણ ગમે. વર્ષોથી આપણે કોઈને કોઈ માધ્યમો દ્વારા વાતો અને વાર્તાઓ સાંભળતા આવ્યા છીએ. પૉડકાસ્ટમાં પણ એ જ કરવાનું છે. આમ, રીતો અને આદતો તો એ જ છે પરંતુ માધ્યમો બદલાતા રહેવાના. પૉડકાસ્ટનું પણ એવું જ છે. કન્સેપ્ટ એ જ જૂનો,માધ્યમ નવું.

30 September, 2022 02:56 PM IST | Mumbai | Jigisha Jain

અન્ય લેખો

ગર્લ્સ ઍન્ડ બૉય્‍સ, તમારા ફ્રેન્ડ બનવા પેરન્ટ્સે શું કરવું?

આજના પેરન્ટ્સને બધા જ એવી સલાહ આપે છે કે સંતાન ટીન એજનું થાય એટલે તેના મિત્ર બનવું. મોટા ભાગના પેરન્ટ્સ આ બાબતે સજાગ પ્રયત્ન કરે પણ છે,

02 December, 2022 04:21 IST | Mumbai | Jigisha Jain

૧૦,૦૦૦માંથી એક રમતવીર ઇન્ટરનૅશનલ સ્તરે પહોંચે છે

પૅરા-બૅડ્‍‍મિન્ટનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નંબર વન રૅન્ક ધરાવતી ૩૩ વર્ષની માનસી જોષીને આ જોખમની ખબર હોવા છતાં તેના પેરન્ટ્સે તેને સપોર્ટ કર્યો.

27 November, 2022 02:22 IST | Mumbai | Jigisha Jain

એવું શું છે આપણા સંવિધાનમાં જે ભારતને મુઠ્ઠીઊંચેરું બનાવે છે?

ભારતીય સંવિધાન દિવસ: આપણને ‘પ્રજા’માંથી ‘નાગરિક’નું બિરુદ આપનાર ભારતના સંવિધાનનો સાર જન-જન સુધી પહોંચે એ માટે આજની તારીખે સંવિધાન દિવસ ઊજવવામાં આવે છે.

26 November, 2022 06:34 IST | Mumbai | Jigisha Jain

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK