આપણા જૈન સમાજમાં ઘણાં મોટાં ટ્રસ્ટો છે, જીવદયા માટે નાણાકીય રીતે સધ્ધર એવી ઘણી સંસ્થાઓ પણ છે. આ લોકોએ ખાસ બકરાઓના આશ્રય માટે અલગથી બકરા પાંજરાપોળની શરૂઆત કરવી જોઈએ
પ્રફુલ ફુરિયા માનવ જાગૃતિ ચૅરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે
હું જૈન સમાજનો એક નાનો અને સામાન્ય કાર્યકર છું. આપણો જૈન ધર્મ અહિંસા પરમો ધર્મની આધારશિલા પર ટકેલો છે. સંસારના નાનામાં નાના જીવથી લઈને મોટામાં મોટા જીવ પ્રત્યે સમાન ભાવે દયા, કરુણા અને અનુકંપા રાખવી એ આપણા ધર્મનો પાયાનો સિદ્ધાંત છે. આ સિદ્ધાંતનું પાલન કરવું એ આપણાં જૈન ભાઈ-બહેનોની પરમ ફરજ અને નૈતિક જવાબદારી છે. આપણે દર વર્ષે જોઈએ છીએ કે જ્યારે પણ બકરી ઈદનો તહેવાર નજીક આવે છે ત્યારે સમાજની ઘણી ઉદાર વ્યક્તિઓ, સોસાયટીઓ, સંસ્થાઓ જાગૃત થઈ જાય છે. આ મૂંગા અને નિર્દોષ જીવોને કસાઈવાડેથી છોડાવવાનું એક મોટું અભિયાન ઉપાડવામાં આવે છે. હું વ્યક્તિગત રીતે આ ઉમદા અભિયાનની હૃદયપૂર્વક પ્રશંસા કરું છું.
આ સદ્કાર્યની પાછળ છુપાયેલી એક વરવી વાસ્તવિકતા તરફ પણ આપણું ધ્યાન જવું જરૂરી છે. મને અંગત રીતે એવું લાગે છે કે કસાઈઓ પાસેથી મોંઘા ભાવે બકરા ખરીદીને આપણે અજાણતાંમાં જ તે કસાઈઓને વધુ પ્રોત્સાહન આપી રહ્યા છીએ. આપણે તેમને આર્થિક રીતે વધુ મજબૂત અને સક્ષમ બનાવી રહ્યા છીએ. કસાઈઓ આપણા આ જીવદયાના ભાવનો વ્યાપારી લાભ ઉઠાવે છે. આપણે એક જીવ છોડાવવા માટે જે મોટી રકમ તેમને આપીએ છીએ એમાંથી તેઓ બીજા બે નવા જીવો ખરીદીને ફરી વેચવા માટે લઈ આવે છે. આનો અર્થ એ થયો કે આપણે એક જીવ બચાવવાના સંતોષ સામે બીજા બે જીવોનાં મૃત્યુનું નિમિત્ત બની રહ્યા છીએ. આપણી જીવદયાની રકમ આડકતરી રીતે કતલખાનાના વેપારને જ પ્રોત્સાહન પૂરું પાડે છે.
ADVERTISEMENT
આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને મારું એક નમ્ર અને ચિંતનપૂર્વકનું સૂચન છે. આપણા જૈન સમાજમાં ઘણાં મોટાં ટ્રસ્ટો છે, જીવદયા માટે નાણાકીય રીતે સધ્ધર એવી ઘણી સંસ્થાઓ પણ છે. આ લોકોએ ખાસ બકરાઓના આશ્રય માટે અલગથી બકરા પાંજરાપોળની શરૂઆત કરવી જોઈએ. આપણે મૂળ પશુપાલકો જેઓ બકરાનો ઉછેર કરે છે તેમને સીધી જ પૂરતી અને યોગ્ય રકમ આપવી જોઈએ. જો પશુપાલકોને તેમનાં પશુઓની સાચી કિંમત આપણી સંસ્થાઓ તરફથી મળી જશે તો તેઓ પોતાના બકરા કસાઈઓને વેચવાને બદલે સીધા જ આપણી જીવદયાની સંસ્થાઓને સોંપી દેશે. બકરો તો એક એવો બિચારો નિર્દોષ જીવ છે જે જાણે માત્ર કતલ થવા માટે જ જન્મ્યો હોય એવી એની પરિસ્થિતિ છે. જો સમયસર આ બકરાઓની યોગ્ય કાળજી લેવામાં આવે અને એમના માટે અલગ વ્યવસ્થા થાય તો હાલમાં આપણી ગૌશાળાઓમાં જે બકરા રાખવામાં આવે છે એને કારણે ગૌશાળાઓ પર પડતું આર્થિક અને વ્યવસ્થાપનનું ભારણ પણ ઘણું ઓછું થઈ જશે.
મારી જૈન સમાજના તમામ મોભીઓને, શ્રેષ્ઠીવર્યોને, જીવદયાનું કાર્ય કરતી વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓને અને પરમ પૂજ્ય સાધુ-ભગવંતોનાં ચરણોમાં ત્રિવિધ વંદન સાથે નમ્ર પ્રાર્થના છે કે તેઓ આ વિષયની ગંભીરતાને સમજીને સક્રિયતા દાખવે. સમાજ આ બાબતમાં આગળ આવે અને એક સુવ્યવસ્થિત બકરા-બચાવો પ્રોજેક્ટ તથા અલગ પાંજરાપોળ શરૂ કરવા માટે તત્પરતા દાખવે એવી મારી હૃદયપૂર્વકની નમ્ર અપીલ છે. ઉપરોક્ત વિચારો મારાં સંપૂર્ણપણે વ્યક્તિગત મંતવ્યો છે. તમામ જીવદયાપ્રેમી ભાઈ-બહેનોને આ નવી દિશામાં વિચારવા અને આગળ આવવા માટે હું નમ્ર વિનંતી કરું છું.
