ડોનલ્ડ ટ્રમ્પે હવે ઈરાન પાસે સર્વોપરી પ્રભુત્વની ચાવી સમાન ટચૂકડા ટાપુને અંકે કરવાની મંશા દર્શાવી છે, પણ એ માત્ર ઈરાન માટે જ નહીં, સમગ્ર વિશ્વભરના એનર્જી સ્રોત અને અર્થવ્યવસ્થાને અસ્તવ્યસ્ત કરી નાખે એમ છે
ખાર્ગ આઇલૅન્ડ પર ઑઇલ ટ્રાન્સપોર્ટેશન માટેની જાયન્ટ ફૅસિલિટી.
ઇઝરાયલ અને અમેરિકા જેવા ડિફેન્સ લીડર ગણાતા બન્ને દેશોએ ઈરાન પર હુમલો કર્યો અને આખા વિશ્વમાં હોહા થઈ ગઈ. એનું એક મુખ્ય કારણ એ છે કે વિશ્વને મળતા ઑઇલ અને ગૅસના કુલ જથ્થામાં ઈરાન એક અત્યંત મહત્ત્વનો સ્રોત છે. એથીયે વધુ મહત્ત્વનું એ કે આખા વિશ્વને એનર્જીનો જે જથ્થો મળે છે એ માર્ગ એટલે કે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ ઈરાનની સરહદ સાથે જોડાયેલી છે. હમણાં સુધી આપણે સામાન્યજન આ બે જ મુખ્ય કારણો વિશે જાણતા હતા અને વાતો કરતા હતા; પરંતુ ત્રિકોણનો હજી એક ત્રીજો ખૂણો પણ છે જેના પર અમેરિકાએ છેલ્લે-છેલ્લે, અર્થાત્ વાટાઘાટોના દરવાજા ખૂલે એના બરાબર ૮-૧૦ કલાક પહેલાં હુમલો કર્યો અને એ હુમલાનો આશય ત્રિકોણના એ ત્રીજા ખૂણાને મહત્તમ નુકસાન પહોંચાડવાનો હતો. કારણ શું? કારણ માત્ર એટલું કે જો શક્ય બને તો મિસ્ટર ડોનલ્ડ ટ્રમ્પ પણ સીધી યા આડકતરી રીતે એ આઇલૅન્ડ પર પ્રભુત્વ મેળવી લેવાની મનસા ધરાવે છે. આ ત્રીજો ખૂણો એટલે ઉત્તરી ફારસની ખાડીમાં આવેલો એક એવો કોરલ દ્વીપ (આઇલૅન્ડ) જેનો વિસ્તાર લંડનમાં આવેલા હીથ્રો ઍરપોર્ટ કરતાં લગભગ બમણો છે. એનું નામ છે ખાર્ગ આઇલૅન્ડ, જેનું ક્ષેત્રફળ આમ તો માત્ર ૨૦ સ્ક્વેર કિલોમીટર જેટલું જ છે.
સમજો કે આ ખાર્ગ આઇલૅન્ડ એટલે ઈરાનને જીવંત રાખતો સૌથી મહત્ત્વનો પ્રાણવાયુ છે. ઈરાનનું અર્થતંત્ર, વેપાર, એક્સપોર્ટ આ બધું તો ખરું જ; એથીયે વિશેષ વિશ્વ સામે પોતાનું નાક અને કૉલર ઊંચાં રાખવા માટે ઈરાનને સૌથી વધુ હિંમત આપનારો આઇલૅન્ડ એટલે ખાર્ગ આઇલૅન્ડ. આ ટાપુ એવો છે મેળવવાનું ઝનૂન લગભગ દરેક રાજવીનું સપનું રહ્યું છે.
ADVERTISEMENT

૧૭ મિલ્યન બૅરલ કૅપેસિટીવાળા ટૅન્ક ફાર્મથી ખાર્ગ આઇલૅન્ડની જેટ્ટીની નીચે તેલ લઈ જતી પાઇપો.
ખાર્ગ પર હુમલાથી ઈરાન પર જ નહીં વૈશ્વિક આફત ઊભી થશે
ધારો કે અમેરિકા જેવો કોઈ શક્તિશાળી દેશ આ આઇલૅન્ડ પર કબજો કરી લેવાની મેલી મુરાદ સાથે અથવા ઈરાન રાષ્ટ્રને વિનાશ તરફ ધકેલી દેવા માટે ખાર્ગ આઇલૅન્ડ પર હુમલો કરે છે તો સ્વાભાવિક છે કે ઈરાન જે વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદક તરીકે મોખરાના સ્થાને છે એનું તેલ વિશ્વ માટે ઉપલબ્ધ થઈ શકશે નહીં. ચીન અને યુરોપ-એશિયાના જે અનેક દેશો ઈરાનના સૌથી મોટા ગ્રાહક છે એમને તેલ-ગૅસ જેવી અનેક ચીજવસ્તુઓ મળવી બંધ થઈ જશે. સ્વાભાવિક રીતે એનર્જીનો આ મુખ્ય સ્રોત જ મળવો મુશ્કેલ થઈ જાય તો આખા વિશ્વના અનેક દેશોમાં મોંઘવારી આકાશને આંબી જાય અને આખી વૈશ્વિક અર્થવ્યવસ્થા માત્ર ખોરવાય નહીં, ભાંગી જ પડે.
આવા કોઈ પણ હુમલાને કારણે ઈરાન અને એની અર્થવ્યવસ્થા તો ભાંગી પડશે જ, પરંતુ એથીયે વધુ વિશ્વ પર જે અસર પડશે (જેમાંથી અમેરિકા અને ઇઝરાયલ પણ બાકાત નથી) એ વધુ ગંભીર હશે. ખાડી દેશોમાં એક વણલખ્યો નિયમ છે કે કોઈ પણ દેશ જો એમના બેઝિક એનર્જી સ્રોત પર હુમલો કરે તો એ માટે સમગ્ર ખાડી દેશો રિટેલીએશન કરશે. ધારો કે ઈરાન પર હુમલો કરવાના આશયથી અમેરિકા કે ઇઝરાયલ ખાર્ગ આઇલૅન્ડ પર હુમલો કરે છે તો એની સીધી અસર પર્શિયન ગલ્ફ પર પડશે અને બધા જ ખાડી દેશોની વ્યાપાર-વ્યવસ્થા અને જહાજોની આવાગમન-વ્યવસ્થા ભાંગી પડશે.
આજકાલનો નહીં, આ લાલચનો ઇતિહાસ પાંચસો વર્ષ કરતાંય વધુ જૂનો છે અને એ પણ ખૂબ લોહિયાળ રહ્યો છે. એવું તે શું છે ખાર્ગ આઇલૅન્ડમાં? ખાર્ગ દ્વીપનો ઇતિહાસ આપણને છેક ૧૪મી સદીથી મળે છે. મૂળ ગ્રીક પ્રજા કે જે ઇસ્લામિક વિચારધારાના ઉદયકાળમાં જારૂન તરીકે ઓળખાતી હતી તેમણે આ ભૂ-ભાગમાં રહેવાનું શરૂ કર્યું અને પોતાની ઓળખ તરીકે નામ અપનાવ્યું ‘હોર્મુઝ’. તેમણે ૧૪મી સદીમાં ખાર્ગ આઈલૅન્ડનો કબજો મેળવ્યો અને શરૂ કર્યું ફારસની ખાડીમાં પહેલવહેલું અને સાવ નવું એક ટ્રેડ હબ. અર્થાત્ ખાર્ગ દ્વીપ તેમના માટે વ્યાપાર સંદર્ભે આવાગમન માટે એક અગત્યનું પૉઇન્ટ બની ગયું. ત્યાર બાદ ધીરે-ધીરે અહીં ખજૂરની ખેતી પણ થઈ અને આસપાસના તેલના ભંડાર માટે પણ એનો ઉપયોગ શરૂ થયો. કદાચ આ જ કારણથી એક ઈરાનિયન લેખકે ક્યારેક આ ખાર્ગ આઇલૅન્ડને ‘ફારસની ખાડીનું અનાથ મોતી’ તરીકે ઉલ્લેખ્યું હતું.
ઇતિહાસના પાને સોનેરી મિલકત
કહાનીની શરૂઆત થાય છે છેક સાલ ૧૫૦૭ની આસપાસથી. પોર્ટુગલ આખા વિશ્વમાં પોતાના સામ્રાજ્યના ફેલાવા માટે યુદ્ધ ખેલી રહ્યું હતું. એ સમયે એટલે કે ૧૫૦૭ની સાલમાં પોર્ટુગીઝોએ ત્યાં રહેતા અને એ ટાપુનો ટ્રેડ હબ તરીકે ઉપયોગ કરતા દરેક હોર્મુઝ પરિવારનો બેરહમીથી નાશ કર્યો અને આ ટાપુને હસ્તગત કર્યો. ત્યાર બાદ ૧૭૦૦ના દશકમાં ફરી એક વાર આ દ્વીપ માટે યુદ્ધ ખેલાયું. આ યુદ્ધ પોર્ટુગીઝ, ખાડી દેશોમાં રહેતી ઇસ્લામિક તાકાતો અને ડચ યોદ્ધાઓ વચ્ચે થયું. પોર્ટુગીઝ ન માત્ર હાર્યા બલ્કે તેમણે નિર્દયતાપૂર્વક પોતાના વિશાળ સૈન્યની બરબાદી પણ વેઠવી પડી. ઇસ્લામિક તાકાતોએ ડચ સૈન્યની તાકાત સામે લડવા કરતાં સમજણપૂર્વકનું સમાધાન સ્વીકાર્યું અને ડચ સામ્રાજ્ય દ્વારા ખાર્ગ આઇલૅન્ડ હસ્તગત કરી લેવામાં આવ્યો.
અંગ્રેજોએ આ ખાર્ગ આઇલૅન્ડ પર આધિપત્ય જમાવ્યું ૧૮૩૮ની સાલમાં અને ત્યાર બાદ ફરી એક વાર એ માટે યુદ્ધ થયું અને ફરી એક વાર અંગ્રેજોએ એનો કબજો મેળવ્યો ૧૮૫૬ની સાલમાં. આ રીતે અંગ્રેજો બે વાર ખાર્ગના માલિક તો બન્યા પણ બન્ને વાર તેમણે આઇલૅન્ડ છોડવો પડ્યો. એક વાર યુદ્ધ દ્વારા અને બીજી વાર સમજૂતીના આદેશ દ્વારા. માત્ર થોડો સમય આ દ્વીપે શાંતિના શ્વાસ ભર્યા હશે ત્યાં ૧૯૮૦ના દશકમાં ફરી એક વાર હુમલાઓ થયા અને આ વખતે આક્રમણકારી હતું ઇરાક. એણે આ ખાર્ગ આઇલૅન્ડ પર એટલો જબરદસ્ત બૉમ્બમારો કર્યો હતો કે આખો ટાપુ લગભગ-લગભગ તબાહ થઈ ગયો. ત્યાર બાદ હમણાં છેલ્લે અમેરિકા દ્વારા આ સોનેરી મિલકત ગણાતા ટાપુ પર જબરદસ્ત હવાઈ હુમલા કરવામાં આવ્યા અને એના પર સ્થાપિત લગભગ બધાં જ સૈન્ય-મથકોનો નાશ કરી નાખ્યો. એટલું જ નહીં, ડોનલ્ડ ટ્રમ્પે જાહેરમાં કહ્યું પણ હતું કે તેઓ આ ટાપુ પર કબજો જમાવી લેવા માગે છે. અચ્છા, આ આખા ઇતિહાસમાં મજાની વાત એ છે કે ખાર્ગ માત્ર ટાપુ નથી, વિશ્વના દરેક પ્રમુખ અને દરેક સૈન્યને એક પાઠ શીખવનારો શિક્ષક પણ છે. એ પાઠ આ ટાપુ એના પર આધિપત્ય જમાવનાર દરેકને શીખવે છે કે કબજો મેળવવો સહેલો છે, પરંતુ આધિપત્ય જમાવી રાખવું અસંભવ. આથી જ તો આટલા બધા હુમલા થયા અને આટલા બધા શાસકોએ એનો કબજો મેળવ્યો, પરંતુ એમાંથી એક પણ સામ્રાજ્ય કે રાજ્ય એવું નથી જે કાયમી ધોરણે ખાર્ગનો કબજો પોતાની પાસે રાખી શક્યું હોય. તો પછી હવે પ્રશ્ન એ થાય કે આ ખાર્ગ આઇલૅન્ડમાં એવું તે શું છે કે જેના માટે વર્ષોવર્ષથી આટલાં બધાં યુદ્ધ થાય છે?

ખાર્ગ આઇલૅન્ડ પરનાં ઑઇલ ટર્મિનલ્સ લાખો ટન ઑઇલ ટૅન્કરમાં અપલોડ કરવાની ક્ષમતા ધરાવે છે.
કાળા પાણીની સજા
ઇતિહાસનું વધુ એક પાનું ખોલીએ તો વળી આ ખાર્ગનો એક સાવ અલગ પ્રકારનો ઇતિહાસ પણ જાણવા મળે છે જેને તમે ભારતના એક કાળા ઇતિહાસ સાથે પણ સરખાવી શકો. અંગ્રેજોએ ક્યારેક ભારતના આંદામાન અને નિકોબાર ટાપુનો ઉપયોગ સ્વતંત્રતાસેનાનીઓને સજા આપવા માટે અત્યંત પીડાદાયક જેલ તરીકે કર્યો હતો જેને આપણે કાળા પાણીની સજા તરીકે જાણીએ છીએ. એ જ રીતે ૧૯૨૫થી ૧૯૪૫ના સમયગાળા દરમ્યાન શાહરઝા પહલવીએ આ ખાર્ગ આઇલૅન્ડનો ઉપયોગ પોતાના રાજનૈતિક વિરોધીઓને કેદી બનાવી જેલમાં રાખવા માટે કર્યો હતો.
શા માટે મહત્ત્વનો ખાર્ગ?
ખાર્ગને મહત્ત્વનો અને મહામૂલો બનાવનાર કારણો છે એની ક્ષમતા અને ભૌગોલિક સ્થિતિ. વાત કંઈક એવી છે કે વિશ્વમાં સૌથી વધુ ક્રૂડ ઑઇલનું ઉત્પાદન કરનારા દેશ ઈરાનની કુલ એક્સપોર્ટનો ૯૦ ટકા હિસ્સો આ ખાર્ગના ટર્મિનલથી થઈને જ પસાર થાય છે. ખાર્ગના ટર્મિનલની લોડિંગ-ક્ષમતા એને એટલો ખાસ બનાવે છે કે લગભગ રોજના ૭૦ લાખ બૅરલ પ્રતિદિન લોડિંગ એકલું ખાર્ગ આઇલૅન્ડ કરી શકે છે. ખાર્ગ સાથે અનેક ઑફશોર ફીલ્ડ્સ સીધી પાઇપલાઇન્સ સાથે જોડાયેલી છે. એમાં ફરીદુન, ડેરિયસ, સાઇરસ અને અર્દશિર જેવી ઑફશોર ફીલ્ડ સામેલ છે. આ જબરદસ્ત પાઇપલાઇન કનેક્વિટીને કારણે ખાર્ગ એકસાથે ૧૦ સુપર ટૅન્કર્સને (સુપર ટૅન્કર્સ - એટલે એવાં અતિવિશાળ જહાજો જે એકસાથે ૨૦ લાખ બૅરલ કરતાં પણ વધુ ક્રૂડ ઑઇલનું વહન કરી શકે) સેવા પૂરી પાડી શકે.
પણ હીરાની ઓળખ બહુ મોડી થઈ એમ કહીએ તો ચાલે. હમણાં સુધી જે આઇલૅન્ડનો ઉપયોગ માત્ર એક ટ્રેડ પૉઇન્ટ તરીકે થતો હતો એ આઇલૅન્ડને હવે એક નવી ઓળખ મળવાની હતી અને આ ઓળખની પહેચાન થઈ છેક ૧૯૫૮ની સાલમાં. ત્યાર પછી એ ઈરાન નામના રાષ્ટ્રની લાઇફલાઇન બની જવાની હતી. સાલ હતી ૧૯૫૮ની. હમણાં સુધી આ આઇલૅન્ડની આસપાસનાં રાષ્ટ્રોને એ સમજાયું નહોતું કે ચોતરફ ઊંડા સમુદ્રી જળથી ઘેરાયેલા આ જે ભૂ-ભાગનો ઉપયોગ આપણે માત્ર ઇમ્પોર્ટન્ટ ટ્રેડ પૉઇન્ટ તરીકે કરી રહ્યા છીએ એ ઇમ્પોર્ટન્ટ ઑઇલ ટર્મિનલ પણ બની શકે.
બન્યું ઑઇલ એક્સપોર્ટ હબ
થતું કંઈક એવું હતું કે ઈરાનના છીછરા દરિયાકિનારાથી નાની-નાની હોડીઓમાં ઑઇલ બૅરલ્સ ભરીને ગહેરા સમુદ્રમાં લાવવામાં આવતી અને ત્યાંથી મોટાં જહાજોમાં એનું લોડિંગ કરવામાં આવતું. જોકે ખાર્ગ દ્વીપ એક એવો દ્વીપ હતો જે ઊંડા સમુદ્રની વચ્ચે તરી રહ્યો હતો. વિચાર આવ્યો કે નાની-નાની હોડીમાં બૅરલ્સ ભરીને લાવવા કરતાં જો તેલને ખાર્ગ આઇલૅન્ડ સુધી પહોંચાડે એવી પાઇપલાઇન્સ નાખવામાં આવે તો? અને શરૂ થયું કામ ઈરાનના તેલના કૂવાથી લઈને રિફાઇનરીઝ સુધીના તેલ પહોંચાડતા સ્રોતોને ખાર્ગ સાથે જોડવાનું. ૧૯૬૦-’૭૦ના દશકોમાં ઈરાને ખાર્ગ આઇલૅન્ડને ક્રૂડ ઑઇલ એક્સપોર્ટ હબ તરીકે વિકસાવવાનું નક્કી કર્યું અને આ નાનકડા ટાપુને અનેક પાઇપલાઇન્સ દ્વારા જોડવામાં આવ્યો. એક પાઇપલાઇનથી શરૂ થયેલી એ યોજના આજે અનેક ઑફશોર ફીલ્ડ્સને ખાર્ગ સાથે જોડી ચૂકી છે.
એટલું જ નહીં, ખુઝેસ્તાનના મુખ્ય તેલના કૂવા સાથે એનું સીધું જોડાણ હોવાને કારણે આજે હવે ત્યાંથી સીધું તેલ આ ટાપુ પર મેળવી શકાય છે. જો આપણે આજના ક્રૂડ ઑઇલના ભાવ પ્રમાણે ગણતરી કરીએ તો એમ કહી શકાય કે ૧૭૨ મિલ્યન ડૉલરનું ક્રૂડ માત્ર એક દિવસમાં આ આઇલૅન્ડ પરથી પસાર થાય છે. ટૂંકમાં, એમ કહી શકાય કે આખા ઈરાનની અર્થવ્યવસ્થા જો કોઈ એક જ બાબત પર નિર્ભર હોય તો એ છે ખાર્ગ આઇલૅન્ડ.
તો હવે ફરી પ્રશ્ન એ થાય કે ઈરાન આટલો મોટો દરિયાકાંઠો ધરાવતો દેશ હોવા છતાં એ માત્ર આ એક ટાપુ પર શું કામ આટલું બધું નિર્ભર રહે છે? જવાબ કંઈક એવો છે કે ઈરાનના લગભગ બધા જ દરિયાકિનારાઓ અત્યંત છીછરા છે જેને કારણે મોટાં-મોટાં કમર્શિયલ ટૅન્કરો કે જહાજો છેક ઈરાનના દરિયાકિનારા સુધી આવી શકે નહીં. એની સામે આ છીછરા દરિયાકિનારાઓથી માત્ર ૩૩ કિલોમીટર દૂર સમુદ્રમાં સ્થિત એવો ખાર્ગ આઇલૅન્ડ એક એવો જમીની વિસ્તાર છે જેની ચારે બાજુ ઊંડાં પાણી છે. એને કારણે કોઈ પણ જહાજ ખૂબ સરળતાથી લાંગરી શકાય છે.
આ સિવાય ખાર્ગ પાસે કંઈક એવું છે જે આખા પર્શિયન સમુદ્રના કોઈ આઇલૅન્ડ પાસે નથી. સમુદ્રની વચ્ચોવચ તાજા-મીઠા પાણીનો સ્રોત. વિચાર કરો, જહાજને લાંગરવા માટે સમુદ્રનાં ઊંડાં પાણી, જમીન પર તાજા મીઠા પાણીનો સ્રોત અને તેલના કૂવા અત્યંત નજીક તો ખરા જ સાથે વળી પાઇપલાઇન સાથે જોડાયેલા પણ ખરા. આ આખું દુર્લભ કૉમ્બિનેશન ખાર્ગ આઇલૅન્ડને એટલો સ્પેશ્યલ અને સ્ટ્રૅટેજિકલી એટલો મહત્ત્વનો બનાવે છે કે વિશ્વના મોટા ભાગના કદ્દાવર શાસકો એનું આધિપત્ય મેળવવાની મનસા લઈને બેઠા છે.
શું છે ખાર્ગ આઇલૅન્ડ પર?
લગભગ આખા ઈરાનમાં ઉત્પાદિત થતા તેલ અને ગૅસને ખાર્ગ આઇલૅન્ડ સુધી અનેકો પાઇપલાઇન્સ દ્વારા પહોંચાડવામાં આવે છે જેને કારણે આ આઇલૅન્ડ પર અનેક સ્ટોરેજ ફૅસિલિટીઝ બનાવવામાં આવી છે. વિશ્વભરથી મોટાં-મોટાં જહાજો આ ઑઇલ અને ગૅસ લેવા આવે છે એટલે ત્યાં ચોતરફ પોર્ટ્સ બનાવવામાં આવ્યા છે અને સાથે જ આટલી મહામૂલી મિલકત સચવાતી હોવાને કારણે ઈરાનિયન ફોર્સના અનેક બેઝ બનાવવામાં આવ્યા છે જેથી ૨૪ કલાક આ આઇલૅન્ડ પર અને એની ફરતે ચોકીપહેરો રાખી શકાય અને મુશ્કેલીના સમયે તરત હુમલા માટે કે સ્વરક્ષા માટે તૈયાર રહી શકાય.
મુશ્કેલી શું છે?
આવી સોનેરી મિલકતને મેળવવી અને એની માલિકી જાળવી રાખવી આટલું કસોટીભર્યું કેમ છે?
વાત કંઈક એવી છે કે જે કોઈ રાજવી કે સામ્રાજ્ય આ ખાર્ગ ટાપુ પર કબજો મેળવવા વિશે વિચારે તેણે સૌથી પહેલાં એ યાદ રાખવું પડે કે ઈરાન જેવો વિશાળ ભૂ-પ્રદેશ એનાથી માત્ર ૩૩ કિલોમીટર દૂર છે અને આટલી નજીકની દૂરી હોવાથી કબજો મેળવનાર જો એવું ધારી લે કે એને કોઈ બફર ક્ષેત્ર મળશે તો એ એની સૌથી મોટી ભૂલ ગણાશે, કારણ કે હમણાંનાં અત્યાધુનિક લડાકુ શસ્ત્રો અને વ્યવસ્થા તો છોડો, ૩૩ કિલોમીટર જેટલું અંતર તો કોઈ તોપગોળા દ્વારા પણ હુમલો કરી શકે એટલું નજીક ગણાય. એનો સીધો અર્થ એ થયો કે આ ટાપુ પર જે પણ સૈન્યટુકડીને તહેનાત કરવામાં આવે એ રોજ સવારે એ વિચાર સાથે જ જાગશે કે ઈરાન જેવો દેશ તેમના પર ક્યારેય હુમલો કરી શકે છે. તો કરવું શું? સ્વાભાવિક છે આ પરિસ્થિતિ કે ડરને કારણે તમારે એ ટાપુ પર લડાયક હવાઈ જહાજ કે દરિયાઈ જહાજ સ્થાયીરૂપે સ્થિત કરવાં પડે. જોકે ફરી એ જ મુશ્કેલી આવીને ઊભી રહેશે. આવું કોઈ પણ પગલું ઈરાન ક્યારેય કોઈ સેનાને કે રાષ્ટ્રને ભરવા દેશે જ નહીં.
વળી એક બીજી મોટી મુશ્કેલી એ પણ ખરી કે ટાપુનો કબજો મેળવવા ઇચ્છતી સેના કે રાષ્ટ્ર પર ઈરાને પૂર્ણ તાકાતે હુમલો કરવાની પણ જરૂર નથી. એ તો બસ ત્યાં કબજો કરનાર પર સતત છાપામારી, પ્રતાડતા, ધમકીઓ અને સતત તનાવ ઊભાં કરતું રહે એટલું જ પૂરતું છે. અર્થાત્, ત્યાં રહેનાર કે આવનાર સૈન્યને શાંતિથી જીવવા પણ નહીં દેવી અને કબજો પણ મેળવવા નહીં દેવો. સામેથી એટલી હેરાનગતિ કરવી કે કબજો મેળવવાની આશા રાખનાર આખરે કંટાળી જાય અને સ્વીકારી લે કે આ ટાપુની ઇચ્છા રાખવી વ્યર્થ છે અને આ બધા જ માટે તેણે પૂરો હુમલો કરવાની પણ જરૂર નથી.
આજ સુધીના આ આઇલૅન્ડના ઇતિહાસમાં કંઈક આવું જ થતું રહ્યું છે. જેમ કે અંગ્રેજોએ એનો બે વાર કબજો મેળવ્યો હતો. તેમનો વિચાર કંઈક એવો હતો કે આ દ્વીપનો ઉપયોગ તેઓ શતરંજના એક મોહરા તરીકે કરશે અને દુશ્મન દેશ સાથે વાતચીતમાં પોતાનો દબાવ બનાવી શકશે. એટલું જ નહીં, તેમણે આખા ખાડી પ્રદેશ પર પોતાનું આધિપત્ય સાબિત કરવા માટે ખાર્ગ આઇલૅન્ડને શક્તિપ્રદર્શનના એક મહત્ત્વના દબાવબિંદુ તરીકે ગણ્યું હતું. જોકે આખરે તેમને પણ એ સમજાઈ ગયું કે આ ટાપુ પર કબજો મેળવવો એક વાત છે અને એ કબજો જાળવી રાખવો સાવ અલગ બાબત છે. આખરે તેમને સમજાઈ ગયું કે આ ટાપુ પોતાને હસ્તક જાળવી રાખવાનો લાભ એટલો નથી જેટલો એ માટે ખર્ચ થઈ રહ્યો છે. તેમણે હાર સ્વીકારવી પડી અને સમયાંતરે ટાપુ છોડવો પડ્યો.
કંઈક એવો જ પાઠ ઇરાકને પણ ભણાવવામાં આવ્યો હતો. ઇરાકને મહાપ્રયત્ન પછી એટલું સમજાઈ ગયું કે આ ટાપુનો કબજો મેળવી શકાય, એને બરબાદ કરી દઈ શકાય; પરંતુ કબજો જાળવી રાખવો એ અશક્ય બાબત છે. વાત કંઈક એવી બની હતી કે ૧૯૮૦થી ૧૯૮૮ દરમયાન ઇરાક દ્વારા આ ખાર્ગ આઇલૅન્ડ પર અનેક હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. ઇરાક સાથેનું આ યુદ્ધ વિશ્વના ઇતિહાસમાં ટૅન્કરયુદ્ધ તરીકે નોંધાયેલું છે. ઇરાકે હવાઈ હુમલા દ્વારા વારંવાર ખાર્ગ આઇલૅન્ડને નિશાન બનાવ્યો જેને કારણે એ સમયે આ ટાપુ પર બનાવવામાં આવેલી લગભગ બધી જ સુવિધાઓ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગઈ. એને કારણે ઈરાને કેટલાક સમય દરમ્યાન પોતાની નિકાસ લવાન ટાપુ અને સિરરી દ્વીપ પર સ્થળાંતરિત કરી દીધી. જોકે સતત થતા રહેલા હુમલાઓ પણ ઇરાકને આ ટાપુનું આધિપત્ય ન અપાવી શક્યા. આખરે ઇરાકે હુમલાઓ બંધ કર્યા અને સંધિકરાર દ્વારા યુદ્ધનો અંત લાવવો પડ્યો. ઈરાને ફરી કબજો મેળવ્યો અને ફરી ખાર્ગનું પુનઃ નિર્માણ થયું. ૨૦૨૦ની સાલ આવતા સુધીમાં તો ફરી એક વાર આ ટાપુ પરથી પ્રતિદિન દોઢ મિલ્યન બૅરલની નિકાસ ફરી શરૂ થઈ ગઈ. ઇરાકના એ હુમલા અને છતાં ખાર્ગની માલિકી નહીં મેળવી શકવાની શીખને કારણે આખા વિશ્વને એ સમજાઈ ગયું કે ટાપુ અને એની વ્યવસ્થાને ખેદાનમેદાન કરી દઈ શકાય, પરંતુ એની ભૂગોળ બદલી શકાય નહીં. ભૌગોલિક દૃષ્ટિએ આ આઇલૅન્ડ તો ત્યાં જ રહેવાનો છે જ્યાં આવેલો છે અને નષ્ટ કરાયેલી વ્યવસ્થા કે પાઇપલાઇન્સ તો ફરી બનાવી શકાય, ફરી એને ક્રૂડ ઑઇલની મુખ્ય ભૂમિ બનાવી જ શકાય.
આ જ કારણથી લગભગ સવા મહિના સુધી ચાલેલા આ ૩ દેશો વચ્ચેના યુદ્ધ દરમ્યાન પણ અમેરિકા અને ઇઝરાયલ બન્ને ખાર્ગ આઇલૅન્ડ પર સીધો હુમલો કરવાથી દૂર રહેતાં હતાં, પરંતુ જ્યારે ટ્રમ્પ મહાશયને સમજાયું કે હવે વાત યુદ્ધથી હટીને વાતચીત શરૂ કરવા તરફ જઈ રહી છે ત્યારે તેમણે છેલ્લા અને સૌથી મોટા નુકસાન કરનારા હુમલા તરીકે વાતચીતનો માર્ગ ખૂલ્યો હોવાની જાહેરાત કરતાં પહેલાંના થોડા કલાકો પહેલાં જ ખાર્ગ આઇલૅન્ડ પર એક જબરદસ્ત હુમલો કર્યો જેથી ઈરાનને છેલ્લું પણ મહત્તમ નુકસાન પહોંચાડી શકાય.
