કિલ્લા જેવી બહારની દીવાલોના ઝરૂખામાં વિષ્ણુ ભગવાનના અવતારો આદિનાં સુંદર પેઇન્ટિંગ્સ છે તો મંદિરમાં પ્રવેશવાનો મુખ્ય શામિયાનો ઇસ્લામિક આર્કિટેક્ચરનો નમૂનો છે. મુખ્ય મંદિરમાં લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાન યુગલ સ્વરૂપે બિરાજે છે.
સ્થાનિક લોકો બીકાનેર શહેરને લાડથી બીકાણા પણ કહે છે. કહેવાય છે કે શેઠ ભાંડાસર જૈન મંદિરના બાંધકામમાં ૪૦,૦૦૦ કિલો શુદ્ધ ઘી વપરાયું છે.
થાર રણની સરહદે આવેલા રાજસ્થાનના બીકાનેર વિશે જેમને જાણ હશે તેમને એ પણ ખબર હશે કે અહીંનાં નમકીન બહુ સ્વાદિષ્ટ હોય છે. જોકે જેમની પાસે આ રેડ ટાઉન વિશે વિશેષ માહિતી હશે તેમને એ પણ ખ્યાલ હશે કે ૧૪મી સદીમાં વસેલા આ નગરમાં અદ્ભુત કિલ્લાઓ, મહેલો અને મંદિરો પણ છે. આજે તીર્થાટન એક્સપ્રેસમાં જઈએ પ્રાચીન વિષ્ણુજીના મંદિરનાં અને દેરાસરનાં દર્શને
યસ, અમને ખ્યાલ છે કે ઉનાળો શરૂ થઈ ગયો છે. ધીમે-ધીમે ઉષ્ણતામાનનો પારો ઊંચે ચડતો જવાનો છે. એવામાં રાજસ્થાન કેમનું જવાય? એમાંય રણના કિનારે આવેલા આ શહેરમાં તો જવાના વિચારમાત્રથી પરસેવો છૂટી જાય. પરંતુ ભાઈ, જવું પડે એમ છે કારણ કે અક્ષયતૃતીયાના દિવસે બીકાનેર નગરની ૫૩૮મી વર્ષગાંઠ છે, જેમાં ૩ દિવસનો સાંસ્કૃતિક ઉત્સવ થવાનો છે. ત્યારે આ સોનેરી રેતી અને ભવ્ય વારસો ધરાવતા નગરની ઝાંખી કરવાનો મોકો ચૂકવા જેવો નથી.
ADVERTISEMENT

નગરશેઠ શ્રી લક્ષ્મીનાથજી મંદિર
ભારતના સૌથી મોટા રાજ્ય રાજસ્થાનનું ફોર્થ લાજેસ્ટ શહેર બીકાનેર એક સમયે જંગલ દેશ નામે ઓળખાતું. માઇલો સુધી રણ અને સૂકી બંજર જમીન પર ચકલું પણ નહોતું ફરકતું, પરંતુ રાઠૌર વંજના મહારાજા રાવ જોધા (જેમણે જોધપુર શહેરની સ્થાપના કરી)ના પ્રથમ પુત્ર રાવ બીકાએ પિતાની ગાદી સંભાળવાને બદલે સ્વયંનું રાજ્ય સ્થાપવાનું નક્કી કર્યું અને જોધપુરથી ૨૩૦ કિલોમીટરના અંતરે આવેલા થાર રેગિસ્તાનના એક નાના કસબા પર પસંદગીનો કળશ ઢોળ્યો. જોકે એ નાનકો કસબો જે ત્યારે નખલિસ્તાન નામે ઓળખાતો એ મધ્ય એશિયા અને ગુજરાત તટ વચ્ચેના વ્યાપારમાર્ગ પર આવેલો હતો. રાવ બીકાએ ઈસવીસન ૧૪૭૮માં આ ગામડા પર પોતાને રહેવા એક કિલ્લો બનાવડાવ્યો અને કસબાને નામ મળ્યું બીકાનેર. મીન્સ બીકા કી બસ્તી. રાજા આવ્યા એટલે આ વિસ્તારમાં લોકો રહેવા આવ્યા અને ધીરે-ધીરે વિસ્તારનો વ્યાપ વધતો ગયો. રાવ બીકાએ ઈસવીસન ૧૪૮૮ની અખાત્રીજે ઑફિશ્યલી બીકાનેર શહેરની સ્થાપના કરી. એક તો નગરનું ભૌગોલિક સ્થાન, વળી રણપ્રદેશ હોવા છતાં પાણી મળી રહેતું હોવાથી બીકાનેર એની શતાબ્દી ઊજવે એ પહેલાં જ અહીંનો વૈભવ જબરદસ્ત રીતે ફૂલ્યોફાલ્યો. એમાંય ઈસવીસન ૧૫૭૧થી ૧૬૧૧ દરમ્યાન બીકાનેર દોમ-દોમ જાહોજલાલીમાં આળોટ્યું અને એ અરસામાં જ શહેરમાં એક સે બઢકર એક સ્થાપત્યોનાં નિર્માણ થયાં. એનાં બે અણમોલ રતન છે નગરની મધ્યમાં આવેલું નગરશેઠ શ્રી લક્ષ્મીનાથજી મંદિર અને એને અડીને આવેલું શેઠ ભાંડાસર (ભાંડાશા) જૈન મંદિર.

નગરશેઠ મંદિરની બહારની દીવાલ પર મોટા અક્ષરે લખેલું સૂત્ર ‘હે નાથ, મૈં આપકો ભૂલું નહીં’ દર્શનાર્થીઓને ભીતરથી જગાડી દે છે.
બીકાનેર રેગિસ્તાનમાં સ્થાપત્યોનું સ્વર્ગ છે
થાર રેગિસ્તાનની વચ્ચોવચ વસેલું બીકાનેર ઐતિહાસિક શહેર છે. અહીં અનેક હડપ્પાકાલીન અવશેષો મળ્યા છે. આ રંગીન નખલિસ્તાન આધુનિક અને પ્રાચીન સંસ્કૃતિનું આકર્ષક મિશ્રણ છે. ભવ્ય કિલ્લાઓ, અલંકૃત મહેલો, સમૃદ્ધ મંદિરો તો ખરાં; સ્થાનિક લોકોનાં ઘરો પણ ચમકદાર છે. મંદિરો ઉપરાંત બીકાનેરમાં જૂનાગઢ કિલ્લો (ચિંતામણિ પૅલેસ), લક્ષ્મી નિવાસ મહેલ, મ્યુઝિયમ, રામપુરિયા હવેલી, ગજનેર સરોવર, ગજનેર પૅલેસ, શિવબાડી મંદિર, લાલગઢ પૅલેસ અપ્રતિમ છે. અને હા, કરણીમાતાનું ફેમસ રૅટ ટેમ્પલ અહીંથી ફક્ત ૩૦ કિલોમીટરના અંતરે છે.
વેલ, અક્ષયતૃતીયા તો બહાનું છે, પરંતુ બીકાનેરનાં આ બેઉ મંદિરો તીર્થાટનપ્રેમીઓ, અરે, ફક્ત તીર્થાટનપ્રેમીઓ જ શું કામ, ભારતના ગૌરવવંતા ઇતિહાસ પર ફક્ર કરનારા દરેક સનાતની માટે મસ્ટ વિઝિટ છે. એટલે ભલે તમારે ઉનાળામાં આ જીવંત નગરીએ ન જવું હોય તો શિયાળામાં જજો; પરંતુ જયપુર, જોધપુર, ઉદયપુર, જેસલમેરની જાજરમાન જહોજલાલીની કૅટેગરીમાં આવતા બીકાનેર શહેરમાં અવશ્ય જજો. એ ફક્ત ‘કૅમલ ટાઉન’ નથી, ‘કમાલનું ટાઉન’ છે.
નગરશેઠ શ્રી લક્ષ્મીનાથજી મંદિર : શહેરમાં પ્રવેશો એટલે સૌપ્રથમ કાર્ય શહેરના રક્ષક કહેવાતા નગરશેઠને જ પાયલાગણ કરવાનું હોયને! એટલે સૌપ્રથમ જઈએ લક્ષ્મીનાથજી મંદિર. બીકાનેરનાં પ્રાચીન મંદિરોની સૂચિમાં ગણના પામતું આ મંદિર વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીદેવીને સમર્પિત છે. મહારાજ રાવ લૂણકરણે ઈસવીસન ૧૫૦૫થી ૧૫૨૬ દરમ્યાન આ મંદિર બંધાવડાવ્યું. એ પછી મહારાજ ગંગાસિહે મંદિરનો વિસ્તાર કર્યો. લાલ બલુઆ પથ્થર તેમ સફેદ આરસપહાણનો ઉપયોગ કરીને બનાવાયેલા આ મંદિરના પ્રમુખ દેવ વિષ્ણુજી રાજવી વંશના આરાધ્યદેવ હતા. આથી મંદિરનું નિર્માણ થયું ત્યારથી ૧૮મી સદી સુધી અહીંના રાજાઓ મંદિરની સામે આવેલા મહેલમાં જ રહેતા, જેથી તેમને સતત પ્રભુના દિદાર થાય. આ ઉપરાંત અનેક ધાર્મિક તહેવારોમાં નગરમાં નીકળતી શોભાયાત્રા, સમારોહમાં તેઓ સામેલ થતા. ઇન ફૅક્ટ, રાજવંશજોએ જ આ ભગવાનને નગરશેઠની ઉપાધિ અર્પી છે. રાજાઓ દરેક કાર્ય કરવા પહેલાં અહીં ભગવાનના આશીર્વાદ લેવા આવતા અને આજે બીકાનેરવાસીઓ એ પરંપરા પાળે છે. સેંકડો એવા શહેરીજનો છે જેઓ વિષ્ણુજીના આશીર્વાદ લીધા પછી જ દિનચર્યા શરૂ કરે છે.
કિલ્લા જેવી બહારની દીવાલોના ઝરૂખામાં વિષ્ણુ ભગવાનના અવતારો આદિનાં સુંદર પેઇન્ટિંગ્સ છે તો મંદિરમાં પ્રવેશવાનો મુખ્ય શામિયાનો ઇસ્લામિક આર્કિટેક્ચરનો નમૂનો છે. મુખ્ય મંદિરમાં લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાન યુગલ સ્વરૂપે બિરાજે છે. ખાસ તો ગર્ભગૃહના ચાંદીના દરવાજા બેનમૂન છે. કારીગરોએ આ દરવાજાની કોતરણીમાં જીવ રેડી દીધો છે. એ સિવાય પણ ચાંદીનાં અનેક માસ્ટરપીસ અહીં છે. રંગીન ચિત્રો અને નકાશી એ સમયની કુશળ હસ્તકલાનો પરિચય કરાવે છે તો સમયે-સમયે થતી આરતી અને રાજસ્થાની લહેકામાં ગવાતાં ભજનો અવિસ્મરણીય આધ્યાત્મિકતાનો અનુભવ કરાવે છે. મુખ્ય મંદિરના પ્રાંગણમાં નીલકંઠ મહાદેવ, બદરીનારાયણજી, મગવિદ્યાજી, સૂર્યનારાયણ દેવ, રૂપ ચતુર્ભુજીનાં નાનાં મંદિરો છે. બહારના પરિસરમાં ગણેશજી અને ગીતા મંદિર છે. સવારના છ-સાડાછ (ઉનાળા-શિયાળાની ઋતુ મુજબ) વાગ્યે ખૂલી જતું મંદિર બપોરે સાડાબાર વાગ્યે બંધ થાય છે અને ફરી સાંજે પાંચથી રાત્રે ૯.૩૦/૧૦ વાગ્યા સુધી ખુલ્લું રહે છે. અને હા, મંદિરમાં ચામડાની વસ્તુઓ લઈ જવી અલાઉડ નથી એ જ રીતે ફોટોગ્રાફી પણ નો પ્લીઝ.

ભાંડાસર જૈન મંદિરનું ગર્ભગૃહ
શેઠ ભાંડાસર શ્વેતાંબર જૈન મંદિર: પંદરમી સદીમાં રાજસ્થાનના એક ઓસવાળ બંધુની દિલદારી કેવી હતી એ જોવી અને જાણવી હોય તો બીકાનેરના ભાંડાશાનાં જૈન દેરાં જોવાં જોઈએ. આ દેરાસરના બાંધકામમાં પૂરું ૪૦,૦૦૦ કિલો શુદ્ધ ઘી વપરાયું છે. કન્સ્ટ્રક્શન કરવા માટેના મિશ્રણને એકઠું કરવા જે પાણી જોઈએ એને બદલે જૈન વેપારી ભાંડાશાએ ઘી વાપર્યું છે. એની કથા એ છે કે બીકાનેરના ઘીના વેપારી ભાંડાશાને દેરાસર બંધાવવાની ઇચ્છા થઈ. એ માટે તેમણે જાણીતા કારીગરને બોલાવ્યો. તે મિસ્ત્રી સાથે વાત કરતા ભાંડાશા ઘીની પેઢીમાં બેઠા હતા અને ઘી રાખેલા એક પાત્રમાં માખી પડી. ભાંડાશાએ ઘીમાંથી માખી કાઢી નાખી. શેઠિયાની આ ક્રિયા જોઈને મિસ્ત્રીને થયું આ મખ્ખીચુસ કંજૂસ શેઠ શું મંદિર બનાવશે, તેનાથી દમડીયે નહીં છૂટે. શેઠનો ઉપહાસ કરવા માટે કારીગરે શેઠને કહ્યું, ‘આપણા શહેરમાં જે રીતનું વિષમ હવામાન છે, રેતીની ડમરીઓ ઊડતી રહે છે એવામાં જો એવું મંદિર બનાવવું હોય જે સેંકડો વર્ષો ટકે તો મંદિરના બાંધકામમાં પાણીની અવેજીમાં ઘી વાપરવું સારું રહેશે.’
બીકાનેરનાં ધાર્મિક સ્થળોને મોગલોએ પણ નુકસાન નહોતું પહોંચાડ્યું
૧૪મી-૧૫મી સદી દરમ્યાન આ રૂટથી જ મોગલોની આવનજાવન થતી. આમ છતાં તે ક્રૂર શાસકોએ બીકાનેરનાં ધાર્મિક સ્થળોને હાથ નથી લગાવ્યો, કારણ કે ઇતિહાસ કહે છે કે ૧૬મી સદીમાં આ પ્રદેશના તત્કાલીન મહારાજા રાયસિંહે મોગલોનું આધિપત્ય સ્વીકારી લીધું હતું અને અકબર તેમ જ જહાંગીરના દરબારમાં સેનાપતિનો દરજ્જો પ્રાપ્ત કરીને મોગલોને અનેક પ્રદેશો જિતાડવામાં અહમ્ ભૂમિકા નિભાવી હતી. એના શિરપાવરૂપે વિધર્મી શાસકોએ અહીંનાં ધાર્મિક સ્થળોને નુકસાન નહોતું પહોંચાડ્યું.
મિસ્ત્રી તો બોલી ગયો, પરંતુ શેઠ ભાંડાશાએ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના કારીગરનો પ્રસ્તાવ માની લીધો અને ઘી ભેગું કરવાની તૈયારીમાં લાગી પડ્યા. શેઠની આવી તત્પર ઉદારતા જોઈને મિસ્ત્રીને મનમાં ડંખ્યું કે ‘મેં શા માટે વેપારીને ખોટું કહ્યું?’ તેણે તરત શેઠની માફી માગી અને પાણી વાપરવાની તૈયારી બતાવી, પરંતુ ભાંડાશા તો મક્કમ હતા. તેમણે કહ્યું, ‘એ સઘળું ઘી મેં દેવને સર્મપિત કરી દીધું છે. તું એનાથી જ આ જિનાલયનું બાંધકામ કર.’ આ વાત છે ૧૪મી સદીની. ‘ઘી કુંડ’ નામે ઓળખાતું આ દેરાસર બાંધવાનું કામ ભગીરથ હતું. એના નિર્માણમાં દાયકાઓ લાગ્યા ને શેઠ ભાંડાશાનો દેહાંત થઈ ગયો. એ પછી તેમની પુત્રીએ દહેરાનું કામ પૂરું કરાવ્યું અને ઈસવીસન ૧૪૬૮માં ત્રિમજલીય કલાકૃતિ તૈયાર થઈ. શુભ્ર આરસપહાણ અને પીળા પથ્થરમાં નિર્મિત આ જિન મંદિરમાં પ્રવેશતાં જ ચિત્રિત સીડીઓ અને રંગીન ચિત્રોથી સજેલો ઘુમ્મટ દર્શનાર્થીઓનું સ્વાગત કરે છે. અંદર પ્રવેશતાં જ પત્તી ચિત્રકારીથી સુશોભિત સ્તંભો, ભીંતચિત્રો, અલંકૃત મિરરવર્ક અહીં આવનારને અચંબિત કરી દે છે. રંગમંડપનો ઘુમ્મટ તથા પ્રદિક્ષણા પથ પરની ચિત્રકારી આજે ૭૦૦ વર્ષ પછી પણ ચમકે છે (ઘીના જ પ્રભાવે કદાચ). તો ગર્ભગૃહનો સોનેથી મઢેલો ‘થેવા આર્ટ’નો દરવાજો, તોરણ, બારસંગની બ્યુટી તો બેજોડ છે. પ્રથમ મજલે જૈન ધર્મના પાંચમા ભગવાન સુમતિનાથ ચૌમુખજી સ્વરૂપે છે અને ઉપરના બેઉ મજલામાં પણ અનેક જિન પ્રતિમાઓ છે. જૈન દેરાસરનો શિખરનો ભાગ અને બહારની દીવાલ કોતરણીયુક્ત પીળા પત્રની છે અને ફ્લોરિંગમાં સફેદ આરસમાં સુંદર ઇન-લે વર્ક કરવામાં આવ્યું છે. હાલમાં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ અંતર્ગત રહેલા આ દેવાલયમાં જૈનો તો મોટી સંખ્યામાં સેવા-પૂજા-દર્શન અર્થે આવે જ છે, પણ વિદેશી મુલાકાતીઓની સંખ્યા પણ નોંધનીય છે. એક શ્રાવકના કહેવા અનુસાર ૩ પેઢીથી આ દેરાસરના પૂજારી તરીકે કાર્યરત મુખ્ય પૂજારી દુનિયાની ૧૨ ભિન્ન ભાષાઓ જાણે છે અને અહીં આવનારા ફૉરેન ટૂરિસ્ટોને દેરાસરના ઇતિહાસની પૂરી માહિતી આપે છે.
છોટા કાશી તરીકે ઓળખાતા આ નગરની દરેક ગલી અને ચૌરાહે શિવાલય, કૃષ્ણ મંદિર, માતા મંદિરો છે. શહેરમાં ૩૦થી વધુ જિન મંદિરો છે જેમાં ૨૮ જિનાલય પ્રાચીન છે.
બીકાનેર શહેરની સાંકડી ગલીઓમાં આવેલું આ મંદિર સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ખુલ્લું રહે છે. જૈન ભાઈ-બહેનોએ પ્રભુપૂજા કરવી હોય તો ૧૦ વાગ્યા સુધી કરી શકાય છે. મુંબઈથી બીકાનેર જવા ડાયરેક્ટ ટ્રેનો છે, પણ અહીં હવાઈ સેવા નથી કારણ કે ઍરપોર્ટ જ નથી. બીકાનેરની સૌથી નજીક હવાઈમથક જોધપુર છે. રહેવા માટે આ રેડ ટાઉનમાં અનેક તારાંકિત હોટેલો છે. વળી રણમાં રહેવું હોય તોય સુવિધા છે. જમવામાં પીત્ઝા, પાસ્તાથી લઈ રાજસ્થાની થાળી બધું જ ટેસ્ટફુલ. અને હા, બીકાનેર જાઓ છો તો ચટપટાં નમકીન, ભુજિયા અને બીકાનેરી પાપડ ખરીદવાનું ભૂલતા નહીં.
