Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બાળકોને લાગ્યું છે પૉપ ઇટનું ઘેલું

બાળકોને લાગ્યું છે પૉપ ઇટનું ઘેલું

22 October, 2021 03:43 PM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

કલરફુલ અને જુદા-જુદા શેપમાં મળતા પૉપ ઇટ ટૉયને એક તરફથી દબાવો એટલે એ પટ અવાજ સાથે નીચેની તરફ ઘૂસે. સાંભળવામાં સાવ ફાલતુ લાગતા આ રમકડાએ આખી દુનિયાનાં બાળકોમાં ખૂબ ક્રેઝ જન્માવ્યો છે

ધ્યાની અને પરીધી નિસર

ધ્યાની અને પરીધી નિસર


નાનપણમાં આપણે બબલ રૅપને ફોડીને જે મજા કરતા એ મજા આજનાં બાળકોને એક રમકડા થકી મળે છે. કલરફુલ અને જુદા-જુદા શેપમાં મળતા પૉપ ઇટ ટૉયને એક તરફથી દબાવો એટલે એ પટ અવાજ સાથે નીચેની તરફ ઘૂસે. સાંભળવામાં સાવ ફાલતુ લાગતા આ રમકડાએ આખી દુનિયાનાં બાળકોમાં ખૂબ ક્રેઝ જન્માવ્યો છે



બધાં જ રમકડાંઓમાં સેન્સરી ટૉય્ઝનું ઘેલું અનોખું હોય છે, કારણ કે એ સેન્સિસ એટલે કે ઇન્દ્રિયો દ્વારા સુખ આપતું હોય છે. એને જોઈને, અડીને, એનો અવાજ સાંભળીને મજા પડતી હોય છે. આવા જ એક રમકડાએ દુનિયાને ઘેલું કર્યું છે અને એનું નામ છે પૉપ ઇટ. સિલિકોનના રંગબેરંગી જુદા-જુદા આકાર અને પચરંગી રંગોમાં રંગાયેલું આ રમકડું આકર્ષક તો છે, પરંતુ એને રમવાનું કઈ રીતે એ સમજો તો એક વયસ્ક તરીકે લાગે કે સાવ આવું ગાંડપણ? ફક્ત એને દબાવવાનું જેથી ઊપસેલો ભાગ નીચે થઈ જાય અને પાછળથી દબાવો તો એ ફરી પૉપ થઈને ઉપર આવી જાય. આને પણ કઈ રમત કહેવાય? એમાં શું મજા આવે? જો આવું થાય તો યાદ કરો તમારું બાળપણ. આપણે પણ નાના હતા ત્યારે ગિફ્ટ રૅપ માટે આવતું બબલ રૅપ આપણા હાથમાં આવે એવા જ એના બબલ્સ આપણે ફોડવા લાગતા. એ ફોડવાથી શું મળે? કંઈ નહીં. મજા આવે. આ મજા જે આવે એને સેન્સરી ટૉય્ઝની મજા કહે છે જે પૉપ ઇટ બાળકોને આપે છે. પૉપ ઇટનું દુનિયાભરમાં સેલ ૫૦૦ મિલ્યનથી બિલ્યન પીસનું માનવામાં આવે છે.


 


બાળકોની મજા

૮ વર્ષના દિયાન વીતરાગ છેડાએ તેના બધા મિત્રો પાસે આ પૉપ ઇટ જોયું અને તેને સહજપણે થયું કે તેની પાસે પણ આ ટૉય હોવું જ જોઈએ. તેણે તેના દાદા પાસેથી ડાયનૉસોર અને હાર્ટ એવા બે શેપનાં ટૉયઝ મગવડાવ્યાં. એ વિશે વાત કરતાં દિયાન કહે છે, ‘બપોરના સમયે મમ્મી ગૅજેટ્સને અડવા ન દે. ટીવી જોવા ન દે. ભણવું એ સમયે મને ગમે નહીં. ત્યારે બોર થવા કરતાં મને પૉપ ઇટથી રમવું વધારે ગમે છે. સ્કૂલનું રાઇટિંગ કરીને હું થાકી જાઉં તો મારાં આંગળાંને આ ગેમથી રાહત મળે છે.”

આવી ગેમ બાળકોને આપવાની આપણને ઇચ્છા તો ન થાય એ વિશે વાત કરતાં વીતરાગ છેડા કહે છે, ‘પહેલાં તો સાવ ટાઇમપાસ ગેમ લાગી મને, પણ પછી જોયું તો દિયાન એની સાથે બહુ મજેથી રમતો હતો. એ ફક્ત પૉપ નથી કરતો, એમાં સ્પીડ ગેમ રમે છે અને પૉપ થકી જ જુદા-જુદા ફેસ અને નવા-નવા શેપ પણ બનાવે છે. ત્યારે મને થયું કે આ ગેમ એટલી પણ ખરાબ નથી. અંતે રમકડાને તમે કઈ રીતે રમો છો એ વધુ મહત્ત્વનું છે.’

સ્ટ્રેસ-બસ્ટર

આઠ વર્ષની પરિધિ અને પાંચ વર્ષની ધ્યાની નિસરનાં મમ્મીને પણ સૌપહેલાં આ ગેમ બાળકોને રમવા દેવા જેવી નહોતી લાગી. એ વિશે વાત કરતાં હેમાલી નિસર કહે છે, ‘૩-૪ મહિના પહેલાં પરિધિ મારી પાસે આવી અને તેણે કહ્યું કે મને પૉપ ઇટ જોઈએ છે. મને તો આ ગેમ વિશે ખબર જ નહોતી. પરિધિએ જ્યારે મને એ યુટ્યુબ પર બતાવી તો મેં તેને કહ્યું કે આવી ફાલતુ ગેમનું શું કરવું છે? તો તેણે મને કહ્યું કે મમ્મી, આ સ્ટ્રેસ-બસ્ટર ગેમ છે.

મારી આઠ વર્ષની દીકરીને તેનું સ્ટ્રેસ દૂર કરવા એક રમકડું જોઈએ છે એ વાત પોતાનામાં જ કેટલી હાસ્યાસ્પદ છે. જોકે આપણને લાગે, પણ બાળકોના પોતાના પ્રૉબ્લેમ્સ હોય છે. એમાં પણ છેલ્લાં બે વર્ષથી સ્કૂલ અને મિત્રોને તેઓ ભયંકર મિસ કરી રહ્યાં છે.એટલે તેનું મન સારું રહે એ માટે અમે ઘણું જતન કરીએ છીએ. એ જતનરૂપે જ અમે પૉપ ઇટ લઇ આવ્યા. તેને એ રમવાની ખૂબ મજા પડે છે. કદાચ એમ કહું કે ભયંકર આદત પડી ગઈ છે એની તેને. જોકે સાચું કહું તો ગમે એટલી આ ગેમને સિલી કહીએ, હું પણ ક્યારેક એ રમી લઉં છું અને સાચે મજા પડે છે.’

રમત કે થેરપી?

પૉપ ઇટ ગેમ ઑટિસ્ટિક, ADHD અને હાઇપરઍક્ટિવ બાળકોની થેરપી માટે પણ ઉપયોગી છે એ વિશે વાત કરતાં સેઠ GSMC અને કેઈએમ હૉસ્પિટલના ઑક્યુપેશનલ થેરપિસ્ટ ડૉ. ઉષા કસર કહે છે, ‘આ પ્રકારની રમતોમાં રિપીટેટિવ ઍક્શનને લીધે એ મગજને શાંત કરે છે. ઑટિસ્ટિક બાળકોને એમાં મજા આવે છે. ખાસ કરીને આ બાળકો એક ખાસ રમકડા સાથે અટૅચ થઈ જતાં હોય છે. એને તેઓ હંમેશાં સાથે જ રાખતાં હોય છે. એવાં બાળકોને આ રમકડું આપી શકાય. પૉપ ઇટ મગજને બિઝી રાખે છે અને એને કારણે જે બાળક હાઇપરઍક્ટિવ હોય તેને ફાયદો કરે છે. આ સિવાય એ સ્ટ્રેસને દૂર કરવામાં મદદરૂપ છે.’

કઈ રીતે વાપરવું?

આ રમકડાને ધારીએ એ રીતે ક્રીએટિવલી યુઝ કરી શકાય છે એમ સમજાવતાં ડૉ. ઉષા કહે છે, ‘હું એને થેરપી માટે યુઝ કરું છું. એમાં રંગ ઓળખવા માટે, ફાઇન મોટર સ્કિલ ડેવલપ કરવા, અટેન્શન સ્પાન વધારવા, પર્સેપ્શન ચકાસવા અને લેખન કરવામાં હાથની ગ્રિપ વધારવા માટે પણ એનો ઉપયોગ કરી શકાય. રાઇટ ટુ લેફ્ટ પૉપ કરવું, કોઈ એક કલર પૉપ કરવો, ગણતરી કરવી, એમાં બરફ જમાવવો કે ચૉકલેટ સિરપ ફેલાવી એને જમાવીને ચૉકલેટ કપ્સ બનાવવા જેવી અઢળક પ્રવૃત્તિઓ એની સાથે કરી શકાય છે. બાળકને આપણે માટીમાં રમવા દઈએ છીએ. હવે તે માટીમાંથી શું બનાવે એના પર નિર્ભર છે. એવું જ પૉપ ઇટનું છે. ફક્ત સ્પેશ્યલ બાળકો માટે નહીં,નૉર્મલ બાળકો માટે પણ એ કામનું છે. જરૂરી છે એનો અતિરેક ન થાય. એનું ગાંડપણ કે એના વગર બીજું કઈ ન સૂઝે એવી હાલત ન થવી જોઈએ.’

આ ક્રેઝ શરૂ ક્યાંથી થયો?

બીબીસીના એક રિપોર્ટ મુજબ ઇઝરાયલી ગેમ ડિઝાઇનર્સ દંપતી થિયો અને ઓરા કોસ્ટરની પોતાની રમકડાંની કંપની હતી જેનું નામ થિયોરા હતું. તેમણે સાથે મળીને ૧૯૦ રમતો બનાવી હતી. તેમણે બંનેએ જ ૧૯૭૫માં પૉપ ઇટની બેઝિક ડિઝાઇન તૈયાર કરેલી. જોકે આ ડિઝાઇન પાછળ એક ટ્રૅજિક સ્ટોરી છે. ઓરાની બહેનનું મૃત્યુ બ્રેસ્ટ કૅન્સરને કારણે ૧૯૭૪માં થયું હતું. એ પછી ઓરાએ બ્રેસ્ટના જ એક મોટા મેદાનની કલ્પના કરેલી જેમાં નીપલ વડે એને પ્રેસ કરી શકાય. જેમની પાસે તેમણે આ બનાવડાવ્યું એમાં તેમણે બ્રીફ પણ એ જ આપેલી કે બ્રેસ્ટ ભરેલું કાર્પેટ તૈયાર કર જેમાં એને એક બાજુથી દબાવી શકાય. પણ એ ખાસ ચાલી નહીં જેનું મુખ્ય કારણ કદાચ એ હતું કે આજે પૉપ ઇટમાં જે સિલિકોન મટીરિયલ વાપરવામાં આવે છે એવું મટીરિયલ એ સમયે શોધાયું જ નહોતું. થોડાં વર્ષો પછી થિયો અને ઓરાનાં બાળકોએ પોતાનાં માતા-પિતાનો આ આઇડિયા ફૉક્સમાઇન્ડ કંપનીને વેચ્યો. પૉપ ઇટને લાસ્ટ વન લૉસ્ટના નામે રી-પૅકેજ કરવામાં આવી જે બે પ્લેયરની ગેમ હતી. જોકે ૨૦૧૪માં એ લૉન્ચ થઈ ત્યારે અમુક હજારો પીસ વેચાયાં. આ પછી ૨૦૧૯માં યુએસના માર્કેટમાં એ થોડી ચાલી નીકળી. છતાં કોઈ ચમત્કારી ક્રેઝ ત્યારે શરૂ થયો જ્યારે ટિક-ટૉક અને યુટ્યુબ પર લોકો એના વિડિયો બનાવતા થયા. એમાં પણ એક વિડિયો જેસિકા લેચર નામની નૉર્થ કેરોલિનામાં ફાર્મ ધરાવતી સ્ત્રીએ ગેઇટલીન રે નામના વાંદરાનો બનાવ્યો હતો જેમાં આ વાંદરો એક બાજુથી એને પ્રેસ કરે છે અને બીજી બાજુ ફેરવી એને ફરીથી પ્રેસ કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

22 October, 2021 03:43 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK