ફ્લોર ટાઇમ એટલે જમીન સાથે કનેક્ટેડ રહેવું, જમીન પર બેસવું અને સૂવું. આપણે ચૅર, સોફા અને બેડ સાથે બંધાઈ ગયા છીએ ત્યારે ફ્લોર ટાઇમના ફાયદા પણ જાણી લેવા જેવા છે
પ્રતીકાત્મક તસવીર
અત્યારે લોકોની લાઇફસ્ટાઇલ એવી થઈ ગઈ છે કે ઑફિસમાં હોઈએ ત્યારે મોટા ભાગનો સમય ડેસ્ક પર અને ઘરે આવ્યા બાદ ચૅર, કાઉચ, સોફા અને બેડ પર પસાર થાય છે. શરીર જમીન સાથે કનેક્ટ થતું નથી ત્યારે કુદરત સાથે જોડાયેલા રહીએ એ માટે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર છેલ્લા કેટલાક સમયથી ફ્લોર ટાઇમ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ફ્લોર ટાઇમ જમીન સાથે કનેક્ટેડ રહેવાની અને આંતરિક શાંતિ મેળવવાની એક રીત છે. આ ટ્રેન્ડ માત્ર ફિટનેસ માટે નથી, માનસિક સ્વાસ્થ્યને સારું રાખવા માટે પણ બહુ ઉપયોગી થાય છે. ફ્લોર ટાઇમ ટ્રેન્ડ કોઈ અચાનક શરૂ થયેલો ટ્રેન્ડ નથી. હાલમાં ઑફિસ, ઘર અને સ્કૂલમાં ‘ચૅર કલ્ચર’ વધી રહ્યું હોવાથી ઘણી સમસ્યાઓ વધી રહી છે એટલું જ નહીં, લાંબા સમય સુધી બેસી રહેવાથી વજન વધે છે, મૂડ-ડિસઑર્ડર થાય છે અને હાર્ટ-સંબંધિત બીમારીઓ પણ પણ વધી રહી છે ત્યારે આ બધાનું એકમાત્ર સોલ્યુશન ગ્રાઉન્ડિંગ એટલે જમીન સાથે જોડાયેલા રહેવું છે. ફ્લોર ટાઇમ ટ્રેન્ડ સાથે સંકળાયેલાં તમામ પાસાઓ વિશે ઘાટકોપર ઈસ્ટમાં રહેતાં અનુભવી વેલનેસ કોચ અને નૅચરોપથીની પ્રૅક્ટિસ કરતાં ડૉ. ફાલ્ગુની શાહ પાસેથી તેમના જ શબ્દોમાં જાણીએ.
ફ્લોર ટાઇમ ટ્રેન્ડ શું છે?
ADVERTISEMENT
આપણી ભારતીય સંસ્કૃતિમાં ભોજન જમીન પર બેસીને જ થાય છે અને જમીન પર જ સૂતા હતા. હવે ડાઇનિંગ ટેબલ, બેડ અને સોફાનું ચલણ વધ્યું છે. સુવિધાઓ વધવાની સાથે શારીરિક પ્રવૃત્તિઓ ઓછી અને જીવનશૈલી ઝડપી બની ગઈ છે, પરિણામે ફિઝિકલ અને મેન્ટલ હેલ્થની સમસ્યાઓ ઉદ્ભવે છે. બૉડીને રિલૅક્સ ફીલ કરાવવા સ્પામાં અને મસાજ કરાવવા જવું પડે છે, જે ખર્ચાળ હોવાથી બધા જ લોકો કરાવી શકે એમ નથી હોતું. ઘણી વાર આરામ ન મળવાને લીધે ઘણી તકલીફો થાય છે ત્યારે આજકાલની ફાસ્ટ પેસ્ડ લાઇફસ્ટાઇલમાં શરીર રિલૅક્સ્ડ ફીલ કરે એનું ધ્યાન રાખવું જરૂરી છે અને એ માટે ફ્લોર એટલે કે જમીન પર ફક્ત બેસવા અથવા સૂવાથી રિલૅક્સેશન મળી શકે છે. આપણા શરીરના જૉઇન્ટ્સ એ પ્રમાણે જ બનેલા છે કે એ મુક્તપણે જમીન પર બેસી શકે અને મૂવમેન્ટ કરી શકે. ચૅર-કલ્ચરને થોડા સમય માટે ભુલાવીને જમીન પર બેસવું, સૂવું અને મનગમતી પ્રવૃત્તિઓમાં સમય પસાર કરવો શારીરિક સ્વાસ્થ્ય ઉપરાંત માનસિક શાંતિ માટે પણ જરૂરી છે. એ એક પ્રકારનું આધ્યાત્મિક ગ્રાઉન્ડિંગ છે જ્યાં આપણે જમીન પર બેસીને આરામ અનુભવવાની સાથે કુદરતની સમીપ જઈ શકીએ છીએ. ફ્લોર ટાઇમમાં એટલે કે જેટલો સમય તમે જમીન પર વિતાવો છો એમાં શરીરને સ્વસ્થ રાખવાની કસરતો, યોગ, પ્રાણાયામ, મેડિટેશન કરી શકાય છે. આ વર્ષોથી થતી આવતી પ્રૅક્ટિસ છે, પણ છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર ફ્લોર ટાઇમ ટ્રેન્ડ ઝડપથી વાઇરલ બન્યો. ઇન્ફ્લુઅન્સર્સ શીખવી રહ્યા છે કે દિવસમાં અડધો કલાક પણ જમીન પર બેસવાથી કઈ રીતે શારીરિક અને માનસિક ફાયદાઓ થાય છે.
ફ્લોર ટાઇમ બાળક સાથે
કોર એક્સરસાઇઝ
ફ્લોર પર કોરને કરો મજબૂત
ઓવરઑલ ફિટનેસની વાત કરીએ તો ફ્લોર એક્સરસાઇઝ કોર એટલે કે પેટ, કમર, પેલ્વિસ અને હિપ્સના સ્નાયુઓને મજબૂત બનાવવા માટે જરૂરી છે. એ આપણી આખી બૉડીની સ્ટ્રેન્ગ્થનું સેન્ટર હોય છે. કોરને મજબૂત બનાવતી કસરતમાં પ્લૅન્ક, ક્રન્ચિસ, ડેડ બગ, રશિયન ટ્વિસ્ટ કરી શકાય. આ કસરતથી ફ્લેક્સિબિલિટી અને બૅલૅન્સ તો સુધરશે જ અને સાથે સ્ટ્રેન્ગ્થ પણ વધશે. યોગની વાત કરું તો જે મહિલાઓને યુરિનેશન સંબંધિત સમસ્યાઓ હોય, પેલ્વિકના મસલ્સ વીક હોય, માસિક કે મેનોપૉઝમાં હેરાનગતિ થતી હોય, પ્રસૂતિ પછી મસલ્સને સ્ટ્રૉન્ગ બનાવવા હોય તેમના માટે કેગલ એક્સરસાઇઝ અને ઉકડુ આસન કારગત નીવડે છે.
કેગલ એક્સરસાઇઝ
જમીન પર બેસીને ખાવું
ફ્લોર ટાઇમ પોઝિશન્સ
જમીન પર યોગની કેટલીક પોઝિશન્સ તમારી ફિઝિકલ હેલ્થને સુધારવાની સાથે અંદરથી ફીલ ગુડ કરાવશે. સુખાસન એટલે કે ક્રૉસ લેગ સિટિંગથી પણ પોશ્ચર સુધરે છે. ઘૂંટણ પર બેસીને વજ્રાસનની પોઝિશનમાં બેસવાથી જઠર તંત્ર સુધરે છે. ભોજન પછી પાચનને સરળ બનાવવા આ રીતે પાંચ મિનિટ બેસશો તો ફાયદામાં રહેશો. કમરના દુખાવા માટે ઉત્તમ કહેવાતી પોઝિશન એટલે મલાસનની પ્રૅક્ટિસ, પણ ડેઇલી કરવામાં આવે તો ફાયદો થશે. સારી ઊંઘ આવે અને તનાવ દૂર થાય એ માટે શવાસન એટલે કે જમીન પર પીઠના બળે સીધું રિલૅક્સ થઈને સૂઈ જવાથી પણ રિઝલ્ટ તો મળે જ છે. પ્રાણાયામ અને મેડિટેશન કરવા માટે પદ્માસનમાં બેસશો તો આંતરિક ઊર્જાને વધારવાની સાથે શારીરિક રીતે પણ ફ્રેશ ફીલ થશે. આ પોઝિશન્સ શરૂઆતમાં પાંચથી દસ મિનિટ સુધી કરવી. જેમને ઘૂંટણ કે પીઠમાં દુખાવો હોય એ લોકોએ તબીબી સલાહ વગર કંઈ પણ કરવાનું ટાળવું જોઈએ. આ પ્રકારની કસરતો જીવનને તનાવરહિત રાખવામાં અને નર્વસ સિસ્ટમને ડિજિટલ ડીટૉક્સમાં પણ મદદ કરે છે.
સાઇકોલૉજિકલ બેનિફિટ્સ
જ્યારે તમે જમીન સાથે કનેક્ટેડ થાઓ ત્યારે તમને નેચર ફીલ થાય છે અને જ્યારે નેચર તમારી બૉડીને ફીલ થાય ત્યારે આંતરિક અને આધ્યાત્મિક શાંતિ ફીલ થાય છે. આ પ્રૅક્ટિસ તમારી મેન્ટલ હેલ્થને સારી રાખવામાં બહુ જ મદદ કરે છે. આજકાલ ઘણા લોકોને ફરિયાદ હોય છે કે ઘરમાં શાંતિ હોવા છતાં મનને શાંતિ નથી મળતી. તેઓ ઘરની નજીક આવેલા ગાર્ડનમાં ઉઘાડા પગે એક લટાર મારી આવશે તો તેમને માનસિક શાંતિ અને વિચારોમાં સ્થિરતાનો અનુભવ થશે; સ્ટ્રેસ અને ઍન્ગ્ઝાયટી ઘટશે, મન પ્રફુલ્લિત રહેશે. ઑફિસમાં ચૅર પર બેસીને કમ્પ્યુટરની સ્ક્રીન સામે રહીએ તો મગજ સતત વિચારો કરતું રહે છે, પણ જે સમયે તમે તમારા ઘરની જમીન પર અથવા ઘાસમાં બેસશો તો સ્ક્રીનથી દૂર જવાનું મન થાય છે. મોબાઇલને એક બાજુ મૂકીને સ્વ સાથે સમય વિતાવવાનું મન થાય છે. તેથી ડિજિટલ બ્રેક માટે પણ ફ્લોર ટાઇમ બહુ અસરકારક છે. જેમને વારંવાર મૂડ-સ્વિંગ્સ થતા હોય એ લોકોના ન્યુરોકેમિકલ્સ ગ્રાઉન્ડિંગ દ્વારા સંતુલિત થાય છે.
કોણ અનુસરી શકે?
ફ્લોર ટાઇમ ટ્રેન્ડ દરેક વ્યક્તિ માટે અનુકૂળ હોય છે. વર્કઆઉટ કરતા લોકો માટે જમીન પર રહેવું કમ્ફર્ટ આપે છે, ડેસ્ક-જૉબ કરતા લોકો માટે તો ફ્લોર ટાઇમ પસાર કરવો મસ્ટ છે. પેરન્ટ્સ તેમનાં બાળકો સાથે જમીન પર પ્લેટાઇમ ફાળવે તો એ રિલૅક્સિંગ ઍક્ટિવિટીની સાથે સંબંધોને વધુ ગાઢ બનાવવાની પ્રૅક્ટિસ તરીકે પણ જોવામાં આવે છે. મોટી ઉંમરના લોકો પણ પ્રાણાયામ અને યોગ કરીને ફ્લેક્સિબિલિટી વધારી શકે છે અને ગ્રાઉન્ડિંગ તંદુરસ્ત રહેવા માટે સર્વોત્તમ પર્યાય છે. ઘણા લોકો તો આજની તારીખમાં પણ ભોજન ડાઇનિંગ ટેબલને બદલે જમીન પર બેસીને ખાવાનું પસંદ કરે છે. પાચનતંત્ર માટે બહુ સારું છે. ભારત સહિત જૅપનીઝ સંસ્કૃતિમાં જમીન પર બેસીને ભોજન આરોગવાની પદ્ધતિ સામેલ છે.
ફ્લોર ટાઇમ ક્યારે અપનાવવો?
જો એક્સરસાઇઝ અને યોગ તમારા રૂટીનમાં હોય તો દિવસની શરૂઆતમાં ફ્લોર ટાઇમને અપનાવી શકાય. આમ તો આ બન્ને ચીજો બહુ જરૂરી હોય છે પણ નોકરિયાત લોકોને સવાર-સવારમાં સમય મળવો બહુ મુશ્કેલ હોય છે. તેથી સાંજે અથવા રાતે જમ્યાના બે કલાક બાદ કસરત કરી શકાય છે, પણ આઇડિયલ ટાઇમ તો મૉર્નિંગનો જ છે. બ્રશ કરતાં અને પાણી પીતાં મલાસનની પોઝિશનમાં બેસી શકાય, વર્ક ફ્રૉમ હોમ કરતા લોકો સ્ક્રીન-ટાઇમમાંથી દર બે કલાકે બ્રેક લઈને જમીન પર થોડી વાર રિલૅક્સ થવા સૂઈ શકે છે. મ્યુઝિક સાંભળવાનો, વાંચન કે લેખનનો શોખ હોય તો તમે જમીન પર બેસીને કરી શકો છો. વાતો કરવી હોય તો પણ જમીન પર પલાંઠી વાળીને બેસશો તો હેલ્થની સાથે સંબંધો પણ સુધરશે.

