Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આપણે સાંભળીએ છીએ પણ જાગતા નથી

આપણે સાંભળીએ છીએ પણ જાગતા નથી

Published : 17 August, 2026 09:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રામાયણનો કુંભકર્ણ માત્ર છ મહિના સૂતો રાક્ષસ નહોતો, પરંતુ આજના જીવનમાં આળસ, અજ્ઞાનતા, અહંકાર અને ઈશ્વરવિમુખતાનું રૂપક બની શકે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


રામાયણની કથા અનુસાર રાવણના નાના ભાઈ કુંભકર્ણને બ્રહ્માજીનું વરદાન પ્રાપ્ત હતું કે તે ૬ મહિના સુધી સૂતો રહેશે અને ૬ મહિના જાગતો રહેશે. જગાડવા પર તે માત્ર એક દિવસ માટે ઊઠે છે અને ફરીથી સૂઈ જાય છે. જોકે આજના ઇન્ટરનેટ યુગમાં આ વાત કોઈના ગળે ઊતરે એવી છે? વ્યાવહારિક દૃષ્ટિકોણથી જોવા જઈએ તો વાસ્તવમાં કુંભકર્ણ કોઈ સંજ્ઞાવાચક નામ નથી, એ એક લાક્ષણિક નામ છે. જી હા, જે મનુષ્યના કર્ણ અર્થાત્ કાન કુંભ એટલે કે ઘડા સમાન હોય તે કુંભકર્ણ છે. કુંભની વિશેષતા એ છે કે એના મુખની પાસે જો કંઈ બોલવામાં આવે તો એની અંદર અવાજ તો જશે અને અંદર એનો પડઘો પણ પડશે, પરંતુ કુંભ ત્યાં ને ત્યાં જ રહેશે. દાખલા તરીકે માની લો કે તમે કુંભની અંદર એમ બોલો કે ‘ભાગો ભાગો વાઘ આવ્યો’ તો આ કથન કુંભની અંદર પડઘો તો જરૂર પાડશે પરંતુ કુંભ ક્યાંય ભાગશે નહીં, ત્યાં ને ત્યાંજ પડ્યો રહેશે. અતઃ એના માટે જાગવાનો કે ભાગવાનો કોઈ પ્રશ્ન જ નથી. 
સામાન્ય રીતે જ્યારે કોઈ મનુષ્યની બુદ્ધિમાં કોઈ વાત નથી બેસતી તો ઘણી વખત એમ કહેવામાં આવે છે કે ‘આ તો સાવ પથ્થરબુદ્ધિ છે’, જ્યારે કોઈ વ્યક્તિ વાતને સાંભળ્યા અને સમજ્યા છતાં એને અમલમાં લાવીને પોતાના વ્યવહારમાં નથી લાવતી તો એમ કહેવામાં આવે છે કે ‘આ તો સાવ જડ છે’ અને જ્યારે કોઈ મનુષ્ય વાતને સાંભળ્યા અને સમજ્યા બાદ પોતાના જીવનમાં ગંભીરતાપૂર્વક વ્યવહાર કરે છે તો એને માટે એમ કહેવામાં આવે છે કે ‘આ તો જાણે સાગર સમાન ગંભીર છે.’ અતઃ જેમ બુદ્ધિની શિથિલતા પથ્થરની રૂપક છે, અકાર્યાત્મકતાની તુલના જડ સાથે કરવામાં આવે છે અને ગંભીરતાની તુલના સાગર સાથે કરવામાં આવે છે એવી જ રીતે મનુષ્ય ભલે બહેરો ન હોય પણ વાતને સાંભળીનેય એની અવગણના કરે તો તેના કાનની તુલના ‘કુંભ’ સાથે કરવામાં આવે છે. 
વર્તમાન સમયને જોતાં એ કહેવું જરાય ગેરવાજબી નહીં હોય કે કુંભકર્ણ આજે પણ જીવતો છે; કારણ કે આજે દરેક મનુષ્ય પર આળસ, નિદ્રા અને ઈશ્વરવિમુખતાનો એવો પ્રભાવ છે માનો કે કુંભકર્ણનો તેમના મનમાં પ્રવેશ છે. તેઓ ‘રામમિલન’નો આનંદ નથી ઉઠાવતા, પરંતુ ધનના અને દારૂના નશામાં મસ્ત રહે છે. આ બધી વાતોને સાંભળ્યા બાદ શું એ કહેવું અસત્ય હશે કે કુંભકર્ણ આજે પણ જીવતો છે? હવે આ તો આપણે સૌએ પોતાના મનની અંદર ડોકિયું કરીને જોવું પડશે કે ક્યાંક આપણા મનના કોઈક ખૂણામાં કુંભકર્ણ સુસ્તી, નિદ્રા, અજ્ઞાનતા, અહંકાર, ઈશ્વરવિમુખતા વગેરે રૂપમાં છુપાઈને તો નથી બેઠોને? જો છુપાઈને બેઠો હોય તો આજે ને આજે જ રાવણના આ ભાઈના અંતિમ સંસ્કાર કરીને એને રાખ કરી દો.


Whatsapp-channel Whatsapp-channel

17 August, 2026 09:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK