ઢોકળાંના લોટ, ખાટી છાશ અને મસાલાથી બનાવેલા હાંડવા વડાં બહારથી ક્રિસ્પી અને અંદરથી સ્વાદિષ્ટ બને છે. સવારના નાસ્તા કે સાંજની ચા સાથે સર્વ કરવા માટે આ સરળ ગુજરાતી નાસ્તો ટ્રાય કરો.
આજની રેસિપી : હાંડવા વડાં
સામગ્રી : વડા માટે : એક મોટું બાઉલ ઢોકળાંનો લોટ, અડધો ગ્લાસ ગરમ પાણી, એક મોટું બાઉલ ખાટી છાશ અથવા ખાટું દહીં, બે-ત્રણ ચમચી આદું-મરચાં-લસણની પેસ્ટ, બે ચમચી વાટેલું જીરું, સ્વાદ અનુસાર મીઠું, બે-ત્રણ ચમચી ઝીણી સમારેલી કોથમીર, એક ચમચી ખાવાનો બેકિંગ સોડા
વઘાર માટે : ૧-૨ ચમચી તેલ, રાઈ, જીરું, તલ, લીમડાનાં પાન, ૧-૨ સૂકાં લાલ મરચાં, તળવા માટે જરૂર મુજબ તેલ
બનાવવાની રીત : એક મોટા બાઉલમાં ઢોકળાંનો લોટ લો. એમાં અડધો ગ્લાસ ગરમ પાણી અને ખાટી છાશ અથવા ખાટું દહીં ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરીને મધ્યમ ઘટ્ટ ખીરું તૈયાર કરો. ખીરું બહુ પાતળું ન રાખવું. બાઉલને ઢાંકીને ખીરાને ૭-૮ કલાક અથવા આખી રાત ગરમ જગ્યાએ આથો આવવા માટે રાખો. વડાં બનાવવાના સમયે આથો આવેલા ખીરામાં આદું-મરચાં-લસણની પેસ્ટ, વાટેલું જીરું, મીઠું અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરો. હવે નાના વઘારણમાં તેલ ગરમ કરો. એમાં રાઈ, જીરું, તલ, લીમડાનાં પાન અને સૂકાં લાલ મરચાં નાખીને સરસ વઘાર કરો. તૈયાર કરેલો વઘાર ખીરામાં ઉમેરીને સારી રીતે મિક્સ કરો. હવે એમાં એક ચમચી બેકિંગ સોડા ઉમેરો. એના ઉપર થોડું ગરમ પાણી નાખીને તરત જ ખીરાને સારી રીતે ફેટી લો. સોડા નાખ્યા પછી ખીરું થોડું ફૂલી જશે. પાટલા પર અથવા સપાટ જગ્યાએ થોડું તેલ લગાવો. હાથને પણ થોડો તેલવાળો કરો. ખીરાનો એક ભાગ હાથમાં લઈને પાટલા પર મૂકો અને આંગળીઓની મદદથી હળવેથી થેપીને વડા જેવો આકાર આપો. એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ મધ્યમ ગરમ થાય ત્યારે તૈયાર કરેલાં વડાં ધીમેથી એમાં નાખો. વડાંને મધ્યમથી ધીમા તાપે બન્ને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. તૈયાર થયેલાં વડાં બહાર કાઢીને વધારાનું તેલ નિતારી લો. ગરમાગરમ હાંડવા વડાંને લીલી ચટણી, તળેલાં લીલાં મરચાં અને ગરમ ચા સાથે સર્વ કરો. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સ્વાદિષ્ટ એવાં આ વડાં સવારના નાસ્તા કે સાંજના નાસ્તા માટે ખૂબ જ સરસ લાગે છે.
નોંધ : તૈયાર વડાંને સંપૂર્ણ ઠંડાં કર્યા પછી હવાબંધ ડબ્બામાં રાખી શકાય છે. લાંબા સમય સુધી સાચવવા માટે એને ભેજથી બચાવીને રાખવાં જરૂરી છે.
