કસાઈઓ દ્વારા અઢળક વાર અટૅક થયો છે, કેટલીયે વાર મરતાં-મરતાં બચ્યા છે અને છતાં ગાયમાતાનો જીવ બચાવવા, એમની ગેરકાયદે તસ્કરી અટકાવવા દિવસ-રાતનો વિચાર કર્યા વિના મચેલા ગૌરક્ષકોના અનુભવો ધ્રુજારી થાય એવા છે
આદર્શ અજિત જૈન
વીસ-પચીસ વર્ષની ઉંમર હોય, ઘરનો એકનો એક દીકરો હોય, ઘરમાં કમાનારી વ્યક્તિ તરીકે પોતે એકલો હોય, પાકા મકાનનાં ઠેકાણાં ન હોય અને એ પછીયે સવારે નોકરીએ જાય અને જ્યારે-જ્યારે ઇન્ફર્મેશન મળે ત્યારે રાતના સમયે ગાયમાતાની તસ્કરી કરી રહેલી ટ્રકોને પકડવા માટે પહોંચી જાય. દેશભરમાં આવા ગૌરક્ષકોની ફોજ છે જેમણે ગાયમાતાની રક્ષા માટે પોતાનું જીવન જાણે સમર્પિત કરી દીધું છે. તેઓ તો ગાયની રક્ષા માટે દોડતા હોય છે, પણ તેમની સાથે તેમના પરિવારે પણ તેમની હિંમત બનવા માટે બધું જ બાજુ પર મૂકી દીધું હોય છે. આજે જ્યારે ક્લાઇમેટ ચેન્જ અને પ્રદૂષણ જેવા વારંવાર ચર્ચાતા વિષયો એમનું મહત્ત્વ ખોઈ બેઠા છે, ગૌરક્ષાનો વિષય પણ સામાન્ય જનતા માટે એવો જ બનતો જાય છે ત્યારે ગૌરક્ષકો દ્વારા થતા કામની દિલ દહેલાવનારી વાતો જાણીએ અને સોશ્યલ મીડિયાના ઘોંઘાટમાં ખોવાઈ ગયેલી દયા અને કરુણા જેવી સંવેદનાઓને ફરી જગાડીએ.
પરિવારથી દૂર બિહારમાં રહેતાં આ દબંગ લેડી ગૌમાતાની રક્ષા માટે લડી રહ્યાં છે
ADVERTISEMENT
પહેલી વાર ૨૦૦૫માં મૂળ સાઉથ ઇન્ડિયાનાં પણ દિલ્હીમાં સ્થાયી થયેલાં આર. લતાદેવી હસબન્ડના કહેવાથી ગૌજન નામના એક ફાઉન્ડેશન સાથે જોડાયાં હતાં અને તેમણે પોતાની રીતે થોડીક ગાયમાતાની સેવા કરવાનું શરૂ કર્યું. જોકે ટર્નિંગ પૉઇન્ટ આવ્યો ૨૦૧૭માં. ત્યારે કતલખાને ગાડીમાં ઠસોઠસ ભરીને ટ્રાન્સપોર્ટ થઈ રહેલા ગૌવંશની અવદશા તેમણે જોઈ. લતાદેવી કહે છે, ‘આપણે ત્યાં ગાયમાતા પૂજનીય છે એ સંસ્કાર તો લગભગ દરેકના લોહીમાં છે, પરંતુ તેમની આટલી કરુણ સ્થિતિ પણ હોઈ શકે એની જ્યારે ખબર પડી અને નજરોનજર એ દૃશ્ય જોયું ત્યારે મારું હૃદય ધબકારા ચૂકી ગયું હતું. એ ક્ષણે નક્કી કર્યું કે હવે જીવનની એક પણ મિનિટ વેડફીશ નહીં અને પોતાને ગૌરક્ષા માટે સમર્પિત કરી દીધી.’

આર. લતાદેવી
બંગલાદેશમાં થતી ગૌવંશની તસ્કરીનું બિહાર બહુ મોટું હબ છે. ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને કર્ણાટકથી અહીં થઈને ખટારા પસાર થતા હોય છે જે આગળ પશ્ચિમ બંગાળ પણ જાય અને અહીંથી પાછા ઝારખંડ પણ જાય. કતલખાને જતી ગાયોને બચાવવા માટે આ લોકેશન પર જાપ્તો રહે એ બહુ મહત્ત્વનું છે. આ જ કારણ હતું કે લતાદેવી અહીં શિફ્ટ થઈ ગયાં. વર્ષમાં દસ-પંદર દિવસ દિલ્હી પરિવાર સાથે હોય અને બાકીનો બધો સમય બિહાર પાસેના એક નાનકડા ગામમાં આવેલી ગૌશાળામાં હોય. એક તરફ જ્યાં ગૌરક્ષકોની ટીમ બનાવીને કસાઈઓ સાથે પંગો લેવાનું કામ ચાલુ છે તો બીજી બાજુ કસાઈઓની ધમકીથી ડર્યા વિના કામ કરવાનું પણ ચાલુ છે. તેઓ કહે છે, ‘તમે જ્યારે દૂરથી આવતી ગૌવંશથી ભરેલી ગાડીઓ રોકો ત્યારે તમારે કસાઈઓના રોષનો સામનો કરવો જ પડે. ઘણી વાર ગાડીઓના કાચ તૂટ્યા છે. ઘેરીને ઊભી રહી ગયેલી અને ગાડી પર પથરાઓ ફેંકતી ભીડમાંથી ડર્યા કે ગાડીને અટકાવ્યા વિના રસ્તો બનાવીને નીકળી જવું આસાન નથી. જોકે અમે એ કર્યું છે – એક વાર નહીં, અઢળક વાર. પથરાવ થયો છે; બંદૂકની ગોળીઓ પણ ગાડી પર વાગી છે. પોલીસ મોડી પડે અને તમારે એ આક્રોશમાંથી જાતને બચાવવાની હોય ત્યારે અઘરું હોય, પણ ગાયમાતાના જ આશીર્વાદ છે કે ક્યારેય કોઈ બહુ મોટું નુકસાન નથી થયું. અને થાય તો પણ શું છે? અમે તો એ જ વિચારીએ કે આમેય ક્યાં કોઈ અમરપટ્ટો લઈને આવ્યું છે, એક દિવસ તો જવાનું જ છે; ગાયમાતાની રક્ષા માટે પ્રાણ જાય તો પણ શું વાંધો છે?’
લતાદેવીનાં ગૌવંશનાં બચાવકાર્યોને કારણે ઘણાં કતલખાનાં બંધ થઈ ગયાં અને ગેરકાયદે દુકાનો પર વારંવાર રેઇડ પાડીને તેમને જુદા કામમાં વાળી દીધા. રોષમાં તેમની વિરુદ્ધ પોલીસ-ફરિયાદો થઈ છે, પરંતુ તેમનો જુસ્સો અકબંધ છે.
ગૌમાતાની રક્ષા માટે લડતો લાતુરમાં રહેતો ૨૩ વર્ષનો આ યુવાન ઘણી વાર મોતના મુખમાંથી પાછો ફર્યો છે
લાતુરમાં કૉમર્સમાં પોસ્ટ-ગ્રૅજ્યુએશનના પહેલા વર્ષમાં ભણી રહેલો ૨૩ વર્ષનો આદર્શ અજિત જૈન દોઢ વર્ષથી ગૌરક્ષાના કાર્યમાં જોડાયો છે અને અત્યાર સુધીમાં લગભગ ત્રણેક વાર તેના પર હુમલા થઈ ચૂક્યા છે. સ્મગલ થઈ રહેલી ગાયોની ગાડી પાછળ ઘણી વાર પંદર-પંદર દિવસ સુધી તે ઘરે પાછો નથી આવતો. ઘણી વાર વડાપાંઉ પર આખો દિવસ નીકળી જાય અને પોતે એક પોલીસ-સ્ટેશનથી બીજા પોલીસ-સ્ટેશનમાં દોડતો હોય. ગૌરક્ષાનું આટલું ઝનૂન શું કામ? એના જવાબમાં આદર્શ કહે છે, ‘મમ્મી પાસે સાંભળ્યું છે કે નાનપણમાં મને ગાયનું દૂધ જ પિવડાવવામાં આવતું. મને એમ લાગે છે કે ગાયમાતાનું મારા પર ઋણ છે. તેમણે તો પ્રત્યક્ષ પણ માની જેમ મને સાચવ્યો છે. ઘણાબધા સ્ટેટની બૉર્ડર સાથે જોડાયેલું હોવાથી લાતુરમાં પણ ગૌવંશની તસ્કરીઓ કરતી ગાડીઓની આવ-જા વધારે છે. અહીં કતલખાનાંઓમાં પણ ગૌવંશની હત્યા બહુ જ સરળતા સાથે થતી હોય એવું મેં જોયું છે. આ જ કારણ છે કે અહીં કોઈ નિષ્ઠા સાથે જાપ્તો રાખે એ જરૂરી હતું. આજે એ કામ મેં ઉપાડી લીધું છે. બેશક સામાજિક સંસ્થાઓનો સપોર્ટ મળી રહ્યો છે. કસાઈઓની નજરોમાં પણ આવી ગયો છું. મારી ખિલાફ પણ ઘણા FIR બોલે છે અને મેં પોતે પણ ઘણાની ખિલાફ પોલીસ-ફરિયાદ નોંધાવી છે. આમ તો ઘણી વાર મને ઘેરીને નુકસાન પહોંચાડવાની કોશિશ થઈ છે, પરંતુ હજી હમણાં એક મહિના પહેલાં જ બનેલી ઘટના ક્યારેય નહીં ભૂલી શકું. એમાં બન્યું હતું એવું કે લગભગ ૧૦ ટન જેટલું ગૌમાંસ પકડીને હું પાછો ફરી રહ્યો હતો. એ સમયે ગાડીનો ડ્રાઇવર હતો તેણે ત્યાં કસાઈઓને અમારા લોકેશનની જાણ કરી દીધી. થોડાક આગળ ગયા તો એક ઝુંડ હતું જે મારી રાહ જોઈને ઊભું હતું. હાથમાં પશુને કાપવાનું ચાકુ હતું. મને મારા મિત્રો સાથે જુદો પાડીને પહેલાં તો માર્યો. એ દરમ્યાન તક શોધીને હું નજીકના એક પેટ્રોલ-પમ્પ તરફ ભાગ્યો અને સંતાઈને પોલીસ બોલાવી. ત્યાં CCTV કૅમેરા હતા અને ફરિયાદ થઈ. માંડ બચ્યો હતો. આ લોકો મારા ઘર સુધી પણ પહોંચી ગયા હતા. એમાં મારા આવવા-જવાના સમયની રેકી કરતા હતા. જોકે એનાં પ્રૂફ આપીને પોલીસમાં આ કરી રહેલા લોકોને પકડાવી દીધા હતા. મારો નાનો ભાઈ છે. મમ્મી-પપ્પાને મારી સેફ્ટીની ચિંતા હોય છે, પણ મને ખબર છે કે જો હું આ કામ બંધ કરી દઈશ તો લાતુરમાં આ લોકોને છુટ્ટોદોર મળી જશે અને ઘણી ગૌમાતાઓ હોમાઈ જશે. હું એવું કેવી રીતે થવા દઉં?’
સામ, દામ, દંડ અને ભેદ એમ દરેક રીતે ગૌવંશ હત્યા કરનારાઓ સામે કાળ બનીને લડી રહ્યા છે આ વકીલ
વર્ષ હતું ૨૦૧૩. નવી-નવી વકીલાતની ડિગ્રી સાથે રાજુ ગુપ્તા મુંબઈમાં પોતાનું કામ શરૂ કરી ચૂક્યા હતા. બકરી ઈદ નજીક હતી અને નાગપાડા વિસ્તારમાંથી પસાર થઈ રહેલા આ વકીલે જોયું કે બે નાનાં વાછરડાં એક જગ્યાએ બાંધેલાં હતાં. તપાસ કરી તો ખબર પડી કે બકરી ઈદના દિવસે આ વાછરડાં પણ કપાશે. વકીલનો જીવ એટલે આ ઈલીગલ છે એ તો સમજાઈ ગયું, પરંતુ આશ્ચર્ય એ હતું કે હાઈ કોર્ટથી પાંચ-છ કિલોમીટરના ડિસ્ટન્સ પર આ રીતે વાછરડાંને ખુલ્લામાં કાપવા માટેની હિંમત કેવી રીતે આવી છે આ લોકોમાં. તેમણે ત્યાં ને ત્યાં જ પોલીસમાં ફરિયાદ કરી. રાજુભાઈ કહે છે, ‘મારા એક મિત્રને પણ બોલાવી લીધો હતો. વાછરડાં લઈને ત્યાંથી પોલીસ જતી રહી અને પછી ત્યાંના લોકો અમારી નજીક આવ્યા. ખૂબ માર્યા અમને. જેમ-તેમ કરીને જીવ બચાવીને ત્યાંથી ભાગ્યા, પરંતુ મનમાં એક વાત ઘર કરી ગઈ કે જેને હિન્દુઓ માતા માને છે, જેમનામાં દેવતાઓનો વાસ ગણે છે અને જેની પવિત્ર ઊર્જાને આપણે પ્રણામ કરીએ છીએ એ ગાયમાતાની આ રીતે ખુલ્લેઆમ કતલ કરવી ઈલીગલ પણ છે તો આવું થાય છે કઈ રીતે? આ એ સમય હતો જ્યારે હું કોઈ ધાર્મિક સંસ્થાઓને જાણતો નહોતો, કોઈ પશુપ્રેમીઓના સંપર્કમાં પણ નહોતો. જોકે મનોમન સંકલ્પ કર્યો કે આવું હું નહીં થવા દઉં. ત્યારથી આ મિશનમાં લાગેલો છું.’
અહીં ઉલ્લેખનીય છે કે રાજુભાઈએ અત્યાર સુધીના ગૌવંશ બચાવના લડેલા તમામ કેસ તેઓ જીત્યા છે. તેઓ કહે છે, ‘૧૦૦ ટકા સક્સેસરેટ મળ્યો છે એ ગાયમાતાની કૃપાથી જ છે. અમે સ્ટ્રૅટેજી એવી બનાવીએ કે સામેવાળી વ્યક્તિને ગૌવંશ પર કબજો કરવાની તક જ ન આપીએ. છેલ્લાં ત્રણ વર્ષમાં સાડાત્રણ હજાર કેસ અમે લડ્યા છીએ અને બધા જ જીત્યા છીએ એનો તો ડેટા છે અમારી પાસે. આમાં બને કેવું કે જ્યારે કોઈ ગેરકાયદે ગૌવંશની તસ્કરી કરતું હોય તેની ગાડી પકડાય એટલે પોલીસ-ફરિયાદ થાય. પોલીસ-ફરિયાદ પછી કેસ કોર્ટમાં જાય. એમાં એ તસ્કરી કરનારા એડી-ચોટીનું જોર લગાવીને એ ગૌવંશને પાછો મેળવવાનો પ્રયાસ કરે. એ સમયે કાયદાનો જ ઉપયોગ કરીને તેમને હરાવવા અને ગૌવંશને તેમના હાથમાંથી સહીસલામત બચાવી લેવા એ જ લક્ષ્ય હોય છે અમારું જેમાં આજ સુધી એકધારી સફળતા મળતી રહી છે.’
કસાઈઓ દ્વારા થયેલા હુમલામાં પિતા શહીદ થઈ ગયા, એ આઘાતમાં માતા ગુજરી ગઈ, ડરથી પત્ની સંતાનોને લઈને અલગ થઈ ગઈ તોય અટક્યા નથી આ ભાઈ

અજિતપાલ મોંઘા
અમરાવતીમાં રહેતા અજિતપાલ મોંઘાના જીવનનું એક જ લક્ષ્ય છે કે કેમ પણ કરીને ગાયમાતાની રક્ષા કરવી. કૉર્પોરેટ કંપનીમાં જૉબ પરથી પાછા ફરતી વખતે એક નાનકડું ગલૂડિયું ઘાયલ થયું હતું. એને ગૌશાળા પ્લસ વેટરિનરી હૉસ્પિટલ તરીકે જાણીતી એક જગ્યાએ લઈ ગયા. એ દિવસે પહેલી વાર ખબર પડી કે ગૌવંશની મોટા પ્રમાણમાં તસ્કરી થાય છે. ૪૨ વર્ષના અજિત મોંઘા કહે છે, ‘લગભગ સાતેક વર્ષ પહેલાંની વાત છે. એ ઘટના બની એના ત્રણેક દિવસ પછી હું મારી ગાડીમાં આગળ જઈ રહ્યો હતો. એવામાં રસ્તામાં એક ટેમ્પો બગડી જવાથી ઊભો હતો. હું મદદ કરવા માટે આગળ ગયો તો તેઓ મારા પર જ ઊંધો હુમલો કરવા દોડ્યા. એ સમયે મને જાણ નહોતી કે ટેમ્પોમાં એવું શું છે કે તેઓ ડરે છે. જોકે ટેમ્પો હલતો હતો અને થોડોક ભાગ ખૂલ્યો ત્યારે ખબર પડી કે ખૂબ દયનીય સ્થિતિમાં ગાય અને એનાં વાછરડાં હતાં. મને મારવા આવતા એ લોકો કોણ છે એની પણ ત્યારે ખબર નહોતી. જોકે એ વખતે ત્યાં ને ત્યાં પોલીસને ફોન કર્યો. પોલીસ આવી અને ગાયમાતાને છોડાવીને અમે પાછા પેલી ગૌશાળામાં ગયા. એ દિવસ અને આજનો દિવસ મનોમન ગૌસેવાનું પ્રણ લઈ લીધું. નોકરી છોડી દીધી. રિયલ એસ્ટેટ બ્રોકર તરીકે કામ શરૂ કર્યું અને સાથે રાતે આ રીતે ગૌવંશને લઈ જતી ગાડીઓને પકડવાનું કામ શરૂ કર્યું. ધીમે-ધીમે ટીમ પણ બનતી ગઈ.’
અત્યાર સુધીમાં લગભગ વીસેક વાર કસાઈઓના હુમલાનો ભોગ બની ચૂકેલા પણ બચી ગયેલા અજિત મોંઘાના પિતા પર અનાયાસ થયેલો હુમલો તેઓ ઝીલી ન શક્યા. અજિત કહે છે, ‘એ દિવસે મારા ફાધર મારી ગાડી લઈને મારા રેગ્યુલર રૂટ પરથી પસાર થઈ રહ્યા હતા અને પાછળથી એક ખટારાએ જાણીજોઈને ટક્કર મારીને અકસ્માત કર્યો એમાં પિતા ગુજરી ગયા. એ હુમલો મને મારવા માટે થયો હતો પરંતુ પિતાજી જતા રહ્યા. એના આઘાતમાં મારાં મમ્મી એક મહિનામાં ગુજરી ગયાં. મારા ઘર પર સતત નજર રખાતી હતી. પરિવારને જોખમ છે એ સમજાઈ ગયું હતું અને મારી પત્ની અમારાં બાળકોને કંઈ થાય એવું ઇચ્છતી નહોતી. મારો ગૌવંશ બચાવવાનો સંકલ્પ હું નહીં મૂકું એવી સ્પષ્ટતા પછી પત્ની પણ બાળકોને સાથે લઈને મને છોડીને જતી રહી છે. અમે અલગ થઈ ગયાં. હું એકલો અમરાવતીમાં રહું છું અને એ પછીયે ડર નથી. મને પોતાને નવાઈ લાગે છે કે આટલી હિંમત ક્યાંથી આવે છે. મેં સેંકડો પોલીસ-ફરિયાદ કરી છે. કસાઈઓ દ્વારા મારી વિરુદ્ધ પણ ફરિયાદ થઈ છે.’
અજિત મોંઘાએ હવે ભગવાનને બદલે ગાયમાતાને જ પૂજવાનું શરૂ કર્યું છે. દરરોજ ગૌપૂજન કરે છે. ૩૦ જેટલા ગૌરક્ષકોની ટીમ બનાવીને અડીખમ રીતે તેઓ ગૌરક્ષાનું કામ કરી રહ્યા છે.
આ સિલસિલો અટકશે કેમ કરીને?
ગૌવંશ કે અન્ય કોઈ પણ મૂંગા જીવો કસાઈ પાસે કતલખાના સુધી પહોંચાડવાનું કામ ક્યાંક ને ક્યાંક ગામના ખેડૂતો અને પશુપાલકો દ્વારા જ થતું હોય છે. આવું થાય છે શું કામ? એ પ્રશ્નનો જવાબ ગૌરક્ષાનું દેશભરમાં વિશાળ પાયે કામ કરતા અને ગાયમાતાને જીવન સમર્પિત કરનારા ધ્યાન ફાઉન્ડેશનના રાકેશ પાંડે આપે છે, ‘ખોડૂતોમાં પણ હજી એ જાગૃતિ નથી જેમાં તેમને દૂધ ન આપતી ગાયના ગૌમૂત્ર અને છાણનો પણ પ્રોડક્ટિવ ઉપયોગ થઈ શકે છે એ વાત સમજાય. એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. સામાન્ય રીતે ગૌવંશને કતલખાને મોકલવું એ દંડનીય અપરાધ છે એટલે મોટા ભાગના કેસમાં ખેડૂત ચાર-પાંચ હજારમાં દૂધ ન આપતી ગાય વેચે ત્યારે અજાણ બનતો હોય છે કે ગાયોનું શું થશે એની તેને ખબર જ નથી. હું પોતે ખેડૂત રહી ચૂક્યો છું અને જ્યારે તમારી પોતાની આવક ઓછી હોય એ સમયે દૂધ ન આપતી ગાયને પાળવાનું ગરીબ ખેડૂત માટે અઘરું હોય છે એ મેં જોયું છે. કતલખાને જતી ગાયોને બચાવવાનો પહેલો માર્ગ જ એ છે જેમાં તમે દૂધણી ન હોય એવી ગાયોની ઉપયોગિતા પણ ખેડૂતોને સમજાવો અને સાથે જ જે ગાયને નભાવવા માટે સક્ષમ ન હોય એવા ખેડૂતોને મદદ કરો.’
જેઓ પોતે પણ અઢળક વાર કસાઈઓના હુમલાઓનો શિકાર બની ચૂક્યા છે એવા લક્ષ્મીનારાયણ ચાંડક આ જ વાતને વધુ સ્પષ્ટતા સાથે સમજાવતાં કહે છે, ‘ગાયનું ગોબર પ્રાકૃતિક ખાતર બનાવવામાં ગજબનાક ઉપયોગી છે એ વિષય પર ગુજરાતના ગોપાલ સુતારિયાએ ખૂબ કામ કર્યું છે. તેમણે ગૌમૂત્ર અને ગાયના છાણમાંથી કેટલીક દવાઓ બનાવી છે જે જમીન અને પાક બન્ને માટે સારી છે. આવનારા સમયમાં આ દવાઓ જો દેશભરની જમીનને ઉપજાઉ બનાવવામાં ઉપયોગમાં લેવાય તો ગાયમાતાની જરૂરિયાત અત્યંત લેવલ પર વધી જશે એમાં બેમત નથી. બીજી બાજુ લોકો પણ જો ગૌમૂત્ર અને છાણ આધારિત પ્રોડક્ટ્સ પોતાની રોજબરોજની જિંદગીમાં વાપરતા હોય, કુદરતી ખાતરથી ઊગેલા આહારનો આગ્રહ રાખતા થઈ જાય તો તેમની જરૂરિયાત વધશે અને ગૌવંશને કતલખાને મોકલવાનું પ્રમાણ અટકશે.’
નાગપુરમાં મહેશ્વરી ઍનિમલ વેલ્ફેર ફાઉન્ડેશન અંતર્ગત હાઇડ્રોલિક જેટ પમ્પ સાથેની એક વિશિષ્ટ ઍમ્બ્યુલન્સ ગૌશાળાઓને દાનમાં આપતા અજય મહેશ્વરી ગૌવંશની હત્યા અટકાવવાનો વધુ એક સુઝાવ આપતાં કહે છે, ‘કાયદાકીય રીતે વધુ મજબૂત પગલાં લેવા એ માટેની લડત આપણે આપવી પડશે. અત્યારે પશુઓને પ્રતાડિત કરવાના કાયદા ખૂબ જ નબળા છે. આપણી મજબૂત લીગલ ટીમ બનાવીને સરકાર પર દબાણ લાવવું જોઈએ. એ માટે અમે ઍડ્વોકેટ અસોસિએશન ફૉર કાઉ નામની એક સંસ્થા ઊભી કરવાનું પણ નક્કી કર્યું છે.’
ઘણી વાર જીવલેણ હુમલાનો ભોગ બની ચૂકેલો ભિવંડીનો આ યુવાન ગાયની તસ્કરીનું નેક્સસ પકડવા ૬૪ દિવસ મસ્જિદની બહાર ભિખારી તરીકે રહેલો

યતીન્દ્ર શાંતિલાલ જૈન
૩૭ વર્ષનો યતીન્દ્ર શાંતિલાલ જૈન ગૌરક્ષામાં એટલા ખતરાઓ સાથે ખેલી ચૂક્યો છે કે હવે તેને કસાઈઓનો નહીં પણ કસાઈઓને તેનો ડર લાગે છે. ઘરમાં મા-બાપ, પત્ની, સંતાન એમ બધાં જ યતીન્દ્રભાઈને ગૌરક્ષા માટે મરવું પડે તો મરજે એવું ગ્રીન સિગ્નલ આપી ચૂક્યાં છે. ૨૦૦પમાં પહેલી વાર ગૌરક્ષા માટે સક્રિય થયેલા યતીનભાઈ એ પાછળની વાતો ખોલતાં કહે છે, ‘મારા જન્મ પહેલાંની એક ઘટના છે જેણે ગાયમાતા પ્રત્યેની લાગણીઓ હું ગર્ભમાં હતો ત્યારે જ જન્માવી દીધી. મારા જન્મ વખતે ખૂબ વરસાદ હતો. મમ્મીને લેબરપેઇન શરૂ થયું. તેમને હૉસ્પિટલમાં લઈ જવા માટે કોઈ વાહન નહોતું મળતું. વરસાદ એટલો તીવ્ર કે વીજળી જતી રહી હતી. એ દરમ્યાન વીજળીના એક થાંભલા સાથે એક ગાયમાતા શૉર્ટ સર્કિટને કારણે મૃત્યુ પામી. એ શૉર્ટ સર્કિટ આગળ વધી શક્યું હોત અને કદાચ મને અને મમ્મીને બન્નેને નુકસાન થયું હોત, પરંતુ ગૌમાતાને કારણે અમે બચી ગયાં. એ વખતે મમ્મીએ જ ગાયમાતાની રક્ષાનો સંપર્ક કર્યો. એ પછી લગભગ અડધો કલાકમાં જ મારો જન્મ થયો. આ જ કારણ હશે કે નાનપણથી મને ગૌમાતાનું આકર્ષણ અને ઘરેથી પણ એ જ દિશામાં સપોર્ટ મળ્યો હતો. ગાયમાતાની તસ્કરી થાય છે અને એમને બચાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ કામ કરે છે એની જ્યારે ખબર પડી ત્યારે ૨૦૦૭માં પહેલી વાર બકરી ઈદ સમયે હું પણ એ કામમાં જોડાયો હતો. એ સમયે મહારાષ્ટ્રમાં ગૌવંશ હત્યા પ્રતિબંધનો કાયદો નહોતો. એ વખતે પહેલી વાર પોલીસકેસ વખતે હું પણ અન્ય સાથીઓ સાથે બકરી સાથે ગૌવંશની હત્યા થઈ રહી છે એ ફરિયાદ કરવા ગયો. પોલીસ બાઇક પર એ જ એરિયામાં અમને લઈ ગઈ જેમની વિરુદ્ધ અમે ફરિયાદ કરી હતી. બાઇક પર પોલીસ સાથે અમે ગયા અને ત્યાં જઈને કદાચ પોલીસના તેવર અમારી મદદ કરવાના નહીં પણ અમને ત્યાંના ક્રાઉડને હવાલે કરી દેવાના લાગ્યા. સમયસૂચકતા વાપરીને મુસલમાનોની માફક માથા પર રૂમાલ બાંધીને અમે ત્યાંથી છટકી ગયા. આવી જ રીતે પહેલાં પણ હથિયારબંધ ગાડીઓ સાથે પોલીસ-સ્ટેશનમાં અમારા પર હુમલો થવાનો હતો, પણ અમે છટકી ગયા. લગભગ દોઢસો જેટલા ગૌવંશને બચાવવાની વાત હતી, પરંતુ એટલા બધા લોકો અમારી વિરુદ્ધ પોલીસ-સ્ટેશનમાં ભેગા થયા અને સાથે હથિયારો. ફિલ્મોમાં જોઈએ એમ પોલીસ પણ ડરીને ત્યાંથી સરકી ગઈ હતી. ભગવાન જાણે અમે કઈ રીતે ત્યાંથી ભાગ્યા છીએ. લગભગ ૨૦૦૯ની એ ઘટનાએ મને એવો ડરાવી દીધો હતો કે એક મહિના સુધી ઘરની બહાર નહોતો નીકળ્યો. જોકે મારી હાલત મમ્મીએ જોઈ એ પછી તેમણે મને મારા જન્મ પહેલાંનો એ કિસ્સો કહ્યો અને ત્યારથી મેં પાછળ વળીને જોયું નથી.’
૨૦૧૫માં ગાયનું માંસ એક્સપોર્ટ કરતી એક બહુ જ મોટી કંપની પર પોલીસનો છાપો મરાવીને લગભગ ૯૯,૦૦૦ કિલો ગૌમાંસ પકડાવનારા અને એમાં ૫૬ લોકો પર કેસ દાખલ કરનારા યતીન્દ્રભાઈ ગાયોની રક્ષા માટે ભિખારી પણ બન્યા છે. તેઓ કહે છે, ‘એ કંપનીમાં આટલું માંસ આવે છે ક્યાંથી એની તપાસ કરવા માટે હું જ્યાંથી આખું નેટવર્ક ચાલતું હોવાના ખબર મળ્યા હતા એ જગ્યાએ એક મસ્જિદની બહાર ભિખારી બનીને રહ્યો હતો. લગભગ ૬૪ દિવસ એક જ જગ્યાએ ભિખારી તરીકે રહીને બધો જ ડેટા ભેગો કર્યો હતો. એમાં ખબર પડી કે દરરોજ ૨૨૦૦ ગૌવંશની અહીં કતલ થાય છે. ગાયના માંસ ઉપરાંત એની ચામડી, શિંગડાં, લોહી, હાડકાં એમ જુદા-જુદા પાર્ટ્સ જુદાં-જુદાં ગોડાઉનોમાં જાય છે અને એનો પણ મોટો વેપાર થાય છે. આવી તો કેટલીયે જગ્યાએ રેઇડ પડાવી છે. ક્યારેક કોઈ કરપ્ટ ઑફિસર હોય તો કેટલાક ઑનેસ્ટ પોલીસ-ઑફિસરનો સાથ લઈને કાયદાકીય રીતે પણ ઊંડા ઊતરીને એવી રીતે વાહનો જપ્ત કરાવડાવ્યાં કે ફરી તેઓ આ કામ જલદી રીસ્ટાર્ટ ન કરી શકે. ૨૦૧૫માં ગૌવંશ હત્યા પ્રતિબંધનો કાયદો મહારાષ્ટ્રમાં લાગુ થયો ત્યારે હતું કે હવે આ ઓછું થશે, પરંતુ કસાઈઓ પોતાની રીતે નવા રસ્તા ગોતી જ લે છે. જોકે અમે પણ ગાયમાતાની ઢાલ બનીને ઊભા રહીએ છીએ. સ્વાભાવિક છે કે તેમનું આખું નેક્સસ તોડીએ, વારંવાર રેઇડ પડાવીને અને તેમની તસ્કરીનાં વાહનોને અધવચ્ચે પકડાવીને જ્યારે કામમાં અડચણ લાવીએ તો તેમને ખટકવાના તો છીએ જ. હુમલા પણ થાય છે અને ધમકીઓ તો એકધારી આવતી હોય છે. જોકે હવે આ કામમાંથી પાછા હટવાનો સવાલ જ નથી. પરિવાર સાથે છે એટલે બીજો કોઈ ડર નથી.’
મુંબઈનાં ડૉક્ટર જ્યારે બંગલાદેશ જતી ગાયમાતાની તસ્કરી રોકવા અને ગૌમાતાની સેવા માટે ઝારખંડ શિફ્ટ થઈ ગયાં
દીકરી સ્વિટ્ઝરલૅન્ડમાં ડૉક્ટર છે, દીકરો મેડિકલનું આગળ ભણવા ઑસ્ટ્રેલિયા જવાની તૈયારી કરે છે અને હસબન્ડ વલસાડમાં એક મલ્ટિનૅશનલ કંપનીમાં ચીફ સાયન્ટિસ્ટ તરીકે એ શરતે કામ કરી રહ્યા છે જેમાં કંપની પોતાની કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટીના ભાગરૂપે ડોનેશન ગૌસેવામાં આપશે. પતિ અને સંતાનોથી દૂર પત્ની એટલે કે શાલિની મિશ્રા જે પોતે પણ MBBS ડૉક્ટર છે તેઓ ઝારખંડ પાસેના એક નાનકડા ગામમાં લગભગ ૨૪,૦૦૦ ગૌવંશની સેવા કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં હજારો ગૌવંશને કતલખાને જતાં બચાવી લેનારાં અને બચાવ્યા પછી પણ એમની બધી જ રીતે સેવા કરવાની જવાબદારી નિભાવતાં આ ડૉક્ટર પણ ઘણી વાર કસાઈઓના હાથે મરતાં-મરતાં બચ્યાં છે. જોકે તેમને મૃત્યુનો કોઈ ડર નથી. ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં તેઓ કહે છે, ‘અત્યારે હું ૬૦ની છું. આજથી ૧૫ વર્ષ પહેલાં ઇન્ડિયન મેડિકલ અસોસિએશનના એક પ્રોગ્રામમાં યોગી અશ્વિનીજી તરીકે એક અનોખા સંત આવેલા. તેમને હું ગુરુ માનતી. તેમણે સત્કર્મની વાત કરી અને મને જાણે કે આહવાન કર્યું કે બંગલાદેશ જઈને કપાઈ રહેલા ગૌવંશને બચાવી લો. હું ગોરેગામમાં મારું ક્લિનિક ચલાવતી. રાતે ૧૨ વાગ્યા સુધી દવાખાનું ચાલે. ઘણીબધી મહિલા પેશન્ટ આવતી. એમાં આ નવા કાર્યમાં અને ગાયમાતાની સ્થિતિની વાતોએ મને ઝંઝોડી નાખી. જ્યારે ગુરુમાએ પૂછ્યું કે ક્યારે જઈશ તો મારી એક જ વાત હતી કે જો ઘરે ગઈ તો કદાચ પાછી નહીં આવી શકું એટલે અત્યારે જ જઉં છું. ત્યારે ધ્યાન ફાઉન્ડેશન સાથે જોડાઈને ગૌવંશ રક્ષાનું કાર્ય શરૂ કર્યું.’
એ સમયે દીકરી બારમા ધોરણમાં અને દીકરો છઠ્ઠા ધોરણમાં ભણતાં હતાં. પોતાનાં સાસુ-સસરાને બન્ને બાળકો સોંપીને શાલિનીબહેન ગયાં ત્યારે પરિવારનો સપોર્ટ મળ્યો. તેઓ કહે છે, ‘મગજમાં એક જ ધૂન હતી કે ગૌવંશને બચાવવા છે. બાકી બધું ઉપરવાળાને સોંપી દીધું. મને મળવું હોય ત્યારે હસબન્ડ, સંતાનો, સાસુ-સસરા ઝારખંડ આવતાં. જોકે આપણે જ્યારે સારાં કર્મ કરીએ છીએ ત્યારે ઈશ્વર પણ તમારાં કાર્યો કરી લે છે. બન્ને સંતાનો સરસ ભણ્યાં અને ખૂબ આગળ પણ વધ્યાં. મારી ગેરહાજરીથી તેમના જીવનમાં કંઈ ખૂટી ગયું છે એવું નથી લાગતું. એ પછી ગૌમાતાનું કામ ન હોય ત્યાં સુધી હું ગૌશાળામાંથી બહાર નીકળતી નથી. કોઈ રિલેટિવ વગેરેના લગ્ન જેવા કોઈ પ્રસંગોમાં નથી જતી. મારી દીકરીને પણ કહી દીધું છે કે તું લગ્ન પણ આ ગૌશાળામાં જ કરજે, આજે લોકો ડેસ્ટિનેશન વેડિંગ કરે છે તો તારું ડેસ્ટિનેશન વેડિંગ આ ગાયમાતાની છત્રછાયામાં કરીશું. હવે તો બૉર્ડર પરથી બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ કે લોકલ પોલીસ પણ જો કોઈ ગૌવંશ પકડે તો સીધો અમારી ગૌશાળાને ફોન આવે અને તાત્કાલિક ત્યાંથી ગોવંશને અમારી ગૌશાળામાં લાવવાની વ્યવસ્થા હું કરી લઉં છું. હુમલાઓ અને ધમકીઓ વગેરે તો ચાલ્યા કરે. એને માઇન્ડમાં લીધું હોત તો ૧૫ વર્ષથી જે કામ થઈ રહ્યું છે એ કરી જ ન શકી હોત.’
