આપણે સંજોગોનું સર્જન નથી, એના સર્જક છીએ. મનુષ્યનો મનોરથ અને દૃઢ સંકલ્પ પ્રતિકૂળ સંજોગોને પણ અનુકૂળ પરિસ્થિતિમાં ફેરવવાને શક્તિમાન હોય છે. જોકે મોટા ભાગે આપણે સૌ સંજોગોને આધીન થઈને જીવતા હોઈએ છીએ.
કિશોરકુમાર
‘We are not creatures of circumstances, we are creators of circumstances.’
આપણે સંજોગોનું સર્જન નથી, એના સર્જક છીએ. મનુષ્યનો મનોરથ અને દૃઢ સંકલ્પ પ્રતિકૂળ સંજોગોને પણ અનુકૂળ પરિસ્થિતિમાં ફેરવવાને શક્તિમાન હોય છે. જોકે મોટા ભાગે આપણે સૌ સંજોગોને આધીન થઈને જીવતા હોઈએ છીએ.
ADVERTISEMENT
કિશોરકુમારે સંજોગોને આધીન થવાને બદલે રિટાયર થવાનો નિર્ણય લીધો ત્યારે શરૂઆતમાં દુનિયાએ આ વાતને તેમનો તરંગી તુક્કો માન્યો, પણ ધીમે-ધીમે લોકોને અહેસાસ થવા લાગ્યો કે તેઓ આ બાબતે સિરિયસ હતા. તેમણે પ્લેબૅક સિંગર તરીકે કામ ઓછું કરી નાખ્યું. સ્ટેજ-શો પણ પસંદગીના જ કરતા. તબિયતની થોડી ગરબડને કારણે ડૉક્ટરોએ તેમને સ્ટેજ પર વધુ ઊછળકૂદ કરવાની ના પાડી હતી એટલે લીના હમેશાં સાથે રહેતી.
એ દિવસોને યાદ કરતાં લીના કહે છે, ‘સ્ટેજ-શો વખતે હું તેમને ‘ઇના મીના ડિકા’ કે ‘મૈં હૂં ઝૂમ ઝૂમ ઝૂમરુ’ અને બીજાં ધમાલમસ્તીનાં ગીતો ગાવાની ના પાડતી, કારણ કે મસ્તીમાં આવીને તેઓ નાચવા માંડે એટલે તબિયત પર અસર થાય. જ્યારે પ્રેક્ષકો આ ગીતોની ફરમાઈશ કરતા ત્યારે મારી તરફ આંગળી ચીંધીને તેઓ કહેતા, ‘દેખો, મેરી લગામ વહાં બૈઠી હૈ...’ અને પછી બધું ભૂલીને અસલી મૂડમાં આવીને ધમાલમસ્તી કરવા માંડતા.’
‘એક દિવસ તેમણે મને ફસાવી દીધી. સ્ટેજ પરથી જાહેરાત કરી, ‘મૈં થક ગયા હૂં ઇસલિયે બ્રેક લેતા હૂં. અબ લીના આપકો ગાના સુનાએગી,’ હું બૅકસ્ટેજમાં આ સાંભળીને ગભરાઈ ગઈ. મેં ઇશારો કરીને ના પાડી.’
‘પણ તેઓ માનવા તૈયાર જ નહોતા. સ્ટેજ પરથી કહે, ‘તુમ બહોત અચ્છા ગાતી હો. ડરને કી કોઇ બાત નહીં.’ પણ મેં આનાકાની કરી એટલે તેમણે ગીત શરૂ કર્યું, ‘લીના ઓ લીના, દિલ તૂને છીના’ અને ઇશારો કર્યો. અંતે નાછૂટકે મારે સ્ટેજ પર આવવું પડ્યું. તેઓ જવાની તૈયારી કરતા હતા એટલે મેં કહ્યું, ‘તમારે તો સ્ટેજ પર રહેવું જ પડશે. થાકી ગયા હો તો ખુરસીમાં બેસી જાઓ.’
તેઓ બેઠા અને મેં ગીત શરૂ કર્યું, ‘બુદ્ધુ પડ ગયા પલ્લે મેં.’ તેઓ નવાઈથી મને જોતા હતા. મારા ચહેરાનાં એક્સપ્રેશન જોઈને પ્રેક્ષકોને મજા આવતી. તેઓ પણ સામે એ જ રીતે રીઍક્ટ કરતા રહ્યા. ગીત પૂરું થયું. ખૂબ તાળીઓ પડી. મને કહે, ‘સચમુચ તુમને મેરે લિયે હી ગાના ગાયા હૈ.’
એક શોમાં મને સ્ટેજ પર બોલાવીને ગીત શરૂ કર્યું, ‘મુઝ કો ઠંડ લગ રહી હૈ, મુઝ સે દૂર તૂ ન જા...’ ગાતાં-ગાતાં મારો હાથ પકડીને જે રીતે ધ્રૂજવાનું શરૂ કર્યું એ જોઈને મને એટલું હસવું આવ્યું કે હું આગળ ગાઈ જ ન શકી.’
ઘરે હોઈએ ત્યારે વાતો કરતાં અચાનક મને કહે, ‘લીના, મૈં સચ કહતા હૂં. મુઝસે કભી દૂર ન હોના’ અને ભાવુક થઈને ‘જાલસાઝ’નું ગીત શરૂ કરે,
‘પ્યાર કા જહાં હો, છોટા સા મકાં હો,
જિસ મેં રહે હમ, જિસ મેં રહો તૂમ,
કોઈ ના વહાં હો.’
અને પછી જૂના દિવસોને યાદ કરતાં ‘જીવન કે સફર મેં રાહી, મિલતે હૈ બિછડ જાને કો...’ સંભળાવે. તેમનો મૂડ ક્યારે બદલાય એ કહેવાય નહીં. અચાનક કહે, ‘અચ્છા, તુમ સિરિયસ હો જાઓ. મૈં શૂટિંગ કરતા હૂં...’ અને હાથમાં કૅમેરા હોય એમ શૂટિંગની શરૂઆત કરે અને મારે ઍક્ટિંગ કરવી પડે. કહે, ‘અબ ઐસી ઍક્ટિંગ કરો જૈસે મૈં આજ તુમસે પહલી બાર મિલા હૂં ઔર પ્રપોઝ કરતા હૂં.’
‘એક દિવસ મને કહે, ‘જબ મૈં નહીં રહૂંગા તબ દેખના, સબ મુઝે યાદ કરેંગે. મૈં હમેશા લોગોં કે દિલ મેં રહૂંગા. વો મુઝે કભી નહીં ભૂલેંગે.’ હું કહેતી, ‘એ વાતમાં દમ નથી. દુનિયાનો નિયમ છે, ‘Out of sight, out of mind...’ મોટા-મોટા નેતાઓ, અભિનેતાઓ, મહાત્માઓને લોકો વર્ષમાં એકાદ દિવસ જન્મદિવસે યાદ કરે છે અને ભૂલી જાય છે.’ તો કહેતા, ‘મારા ગયા પછી મને કોઈ નહીં ભૂલે. મારા અવાજની નકલ કરનારાઓ પણ પ્રખ્યાત થઈ જશે. તું મારી પત્ની છોને એટલે તને એવું લાગે છે.’
અને પછી અમિતને બોલાવીને કહે, ‘તૂ યહાં બૈઠ, સુન. જો મૈં કહ રહા હૂં વો ઠીક કહતા હૂં ના?’ પછી મને કહે, ‘તું પહેલાં જાય તો પછી કોઈ સવાલ પેદા નથી થતો, પણ હું જાઉં તો જોજે લોકો મને ભૂલી નહીં શકે. હું સૌના દિલમાં એવી જગ્યા બનાવીને જઈશ કે ત્યાંથી મને કોઈ હટાવી નહીં શકે. નવા સિંગર આવશે, નવી સ્ટાઇલ આવશે, પણ કોઈ કિશોરકુમાર નહીં બની શકે.’
કોણ જાણે કેમ એ સમયે મને તેમની વાતો સમજાતી નહોતી. મારા માનવામાં નહોતું આવતું કે આવું બની શકે? તેમનામાં કોઈ ‘Sense of Intuition’ (પૂર્વાનુમાન કરવાની શક્તિ) હતી એ તો નક્કી હતું. એક વાર અમે ધારવાડથી મુંબઈ આવતાં હતાં. મુંબઈથી અમારે ન્યુ યૉર્કની ફ્લાઇટ પકડવાની હતી. ઍરપોર્ટ જવા અમે હાઇવે પર કારમાં જતાં હતાં ત્યારે આકાશમાં એક પ્લેન જોયું. મને કહે, ‘આજ તો હમ બમ્બઈ નહીં પહોંચેંગે.’ પછી ડૅડીને પૂછ્યું, ‘બમ્બઈ જાને કે લિયે ટૅક્સી તો મિલેગી ના?’ મને નવાઈ લાગી કેમ આવી વાત કરે છે? મેં કહ્યું, ‘રોજ ફ્લાઇટ મુંબઈ જાય છે. આજે કેમ નહીં જાય? શું કામ ટૅક્સીમાં જવાની વાત કરો છો?’
તેમણે કોઈ જવાબ ન આપ્યો. ઍરપોર્ટ પહોંચ્યાં તો ખબર પડી કે મુંબઈની ફ્લાઇટ કૅન્સલ થઈ છે. છેવટે અમે ટૅક્સીમાં મુંબઈ પહોંચ્યાં. રસ્તામાં મેં વારંવાર પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પાડી કે આવું થશે? જવાબ મળ્યો, ‘મને ખબર નથી. ઘણી વાર મને આવા સંકેત મળે છે. શું કામ, શા માટે આવું થાય છે, મને સમજ નથી પડતી.’
મેં કહ્યું, ‘એવું તો નથીને કે મુંબઈ નહીં પહોંચાય તો ન્યુ યૉર્કની ફ્લાઇટ મિસ થશે એની ચિંતામાં હતા?’ તો કહે, ‘તુ વર્ગો છે. ઍનલાઇઝ કરવાનું કામ તારું છે.’
લીનાની વાતો પરથી આપણે એટલું કહી શકીએ કે કિશોરકુમારનો અંતરાત્મા એટલું જ કહેતો હતો, ‘બહુત નાચ્યો ગોપાલ.’ આંતરસ્ફુરણા એટલે ઈશ્વર ધીરેથી આપણને કાનમાં આવીને જે વાત કહી જાય એ. આપણા જીવનની કરુણતા એ છે કે જીવન કેવી રીતે જીવવું એની સમજણ આવે છે ત્યારે મોટા ભાગનું જીવન વીતી ચૂક્યું હોય છે. જે વીતી ગયું છે એ કદી પાછું નથી આવવાનું, પણ જે બાકી છે એને પૂરેપૂરું માણી લેવું એવી મનોદશા કિશોરકુમારની હતી. તેમના મનમાં મુંબઈ છોડીને ખંડવા જવાની ઇચ્છા પ્રબળ થતી જતી હતી. ત્યાંનું ઘર, ગલી, નુક્કડ, દૂધ–જલેબી અને રસગુલ્લાની દુકાનો, ઝાડ-પાન અને પંખીઓની સ્મૃતિ તેમને બેચેન બનાવતી હતી. તેમને થતું
જિંદગીના રસને પીવામાં કરો જલદી ‘મરીઝ’
એક તો ઓછી મદિરા ને ગળતું જામ છે...
કિશોરકુમાર જીવનના એવા તબક્કા પર આવીને ઊભા હતા જ્યાં તેમનો જીવન પ્રત્યેનો અભિગમ સાવ બદલાઈ ચૂક્યો હતો. ભૂતકાળમાં ઊભી થયેલી કડવાશ ભૂલી જવાનો સમય આવી ચૂક્યો હતો. આમ પણ ભૂતકાળ મુલાકાત લેવા જેવી જગ્યા છે એ વાત સાચી પણ ત્યાં કાયમ રોકાવા જેવું નથી. કાકા કાલેલકર કહેતા, ‘ખુદ ઈશ્વરને પણ ભૂતકાળમાં રસ નથી. નહીંતર તેણે મનુષ્યને ખોપરીની પાછળ આંખ આપી હોત.’
એક ફિલ્મમાં અમિતાભ બચ્ચન મહેમાનકલાકાર બનીને આવે એવી તેમની ઇચ્છા હતી. ડેટ માટે અમિતકુમારે અનેક વાર અમિતાભ બચ્ચનને મળવાનો પ્રયત્ન કર્યા બાદ વાત ન બની એટલે કિશોરકુમારે થોડા સમય માટે તેમને પ્લેબૅક આપવાનું બંધ કર્યું હતું, પણ એ રિસામણાં લાંબો સમય ન ચાલ્યાં. આ પરિસ્થિતિ માટે પ્રકાશ મહેરાને જવાબદાર ગણીને તેમણે અમિતાભ બચ્ચનને ક્લીન ચિટ આપી.
એટલું જ નહીં, એક સ્ટેજ-શોમાં ગ્રીનરૂમમાં બેઠેલા અમિતાભ બચ્ચનને બોલાવવા કિશોરકુમારે જીદ કરી કે જ્યાં સુધી તે સ્ટેજ પર નહીં આવે ત્યાં સુધી પોતે સ્ટેજ પરથી ઊભા નહીં થાય એમ બોલીને રીતસર મંચ પર સૂઈ ગયા.
યોગિતા બાલીનાં લગ્ન મિથુન ચક્રવર્તી સાથે થયા બાદ કિશોરકુમારે મિથુન માટે પ્લેબૅક આપવાનું બંધ કર્યું હતું, પરંતુ ‘વક્ત કી આવાઝ’માં ફરી વાર મિથુન માટે આશા ભોસલે સાથે ‘ગુરુ ગુરુ, આ જાઓ ગુરુ’ રેકૉર્ડ કર્યું હતું, જે તેમના સ્વરમાં રેકૉર્ડ થયેલું અંતિમ ગીત હતું.
એ રેકૉર્ડિંગને યાદ કરતાં આશા ભોસલેએ કહ્યું હતું, ‘કિશોરદા સામાન્ય રીતે ગીત પૂરું થાય એટલે મજાકના મૂડમાં હોય પરંતુ એ દિવસે કહે, ‘મારી તબિયત ઠીક નથી. હાર્ટબીટ મિસ થાય છે. જોજે હું અચાનક અહીંથી જતો રહીશ, કોઈને ખબર પણ નહીં પડે.’ તેઓ એકદમ થાકેલા હતા. મારા માથા પર હાથ મૂકીને કહે, ‘તું હમણાં અહીં જ છેને? આપણે લંડન જવાનું છે. તારા દીકરા નંદુને કહે મને ફોન કરે.’ આટલું કહીને તેઓ ગયા. એ અમારી આખરી મુલાકાત હતી.’
એક વાત નક્કી હતી કે ગમા–અણગમાની ગ્રંથિઓ છોડીને, ગઈગુજરી ભૂલીને, કિશોરકુમાર સગવડ અને સમૃદ્ધિના Drawing Roomમાંથી Withdrawing Roomમાં જવાની તૈયારીમાં હતા.
