પ્રવાસીઓ માટે નિયમો સરળ બનાવવામાં આવ્યા
પ્રતીકાત્મક તસવીર
પર્યટનને વેગ આપવાના એક મોટા પગલામાં કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ ટાપુઓના પ્રશાસને પ્રવાસીઓ માટે લાંબા સમયથી ચાલતા નિયમો હળવા કર્યા છે. પ્રશાસન દ્વારા જાહેર કરાયેલી સુધારેલી માર્ગદર્શિકા હેઠળ પ્રવાસીઓને હવે પ્રવેશ-પરવાનગી મેળવવા માટે સ્થાનિક સ્પૉન્સરની જરૂર રહેશે નહીં. ઉપરાંત અરજદારોને અરજી કરતાં પહેલાં તેમના વતન અથવા સ્થાનિક પોલીસ-અધિકારીઓ પાસેથી પોલીસ ક્લિયરન્સ મેળવવાની જરૂર રહેશે નહીં. એને બદલે અરજી સબમિટ કર્યા પછી હવે બૅકગ્રાઉન્ડ ચેક અને સુરક્ષા-તપાસ લક્ષદ્વીપ પોલીસ દ્વારા સીધી કરવામાં આવશે. આ ફેરફારોનો હેતુ પર્યાવરણીય રીતે સંવેદનશીલ લક્ષદ્વીપ માટે સુરક્ષા-પ્રોટોકૉલ જાળવી રાખીને મુસાફરીના આયોજનને સરળ બનાવવાનો છે.
આ પહેલાં લક્ષદ્વીપમાં સ્થાનિક સ્પૉન્સરની વ્યવસ્થા કરવી પડતી હતી. સ્થાનિક પોલીસ-સ્ટેશનમાંથી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ લઈને પરમિટ માટેની અરજી અનેક સહાયક દસ્તાવેજો સાથે સબમિટ કરવી પડતી હતી અને તેમના ક્લિયરન્સની રાહ જોવી પડતી હતી.
ADVERTISEMENT
હજી પણ શું ફરજિયાત છે?
પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે, પણ બધા મુલાકાતીઓ માટે પરમિટ ફરજિયાત છે. મુસાફરીના ઓછામાં ઓછા ૧૪ દિવસ પહેલાં પરમિટ માટે અરજી કરવી પડશે અને એમાં તારીખો સ્પષ્ટપણે જણાવવી પડશે. જે ટાપુની મુલાકાત લેવી હોય એ દરેક ટાપુનો ઉલ્લેખ કરવો પડશે. અરજીમાં ટ્રાન્ઝિટ ટાપુઓનો પણ સમાવેશ કરવો પડશે. ટ્રાન્ઝિટ ફક્ત કવરત્તી કે અગાટી ટાપુ પરથી મળશે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે મુલાકાતીઓને એવા ટાપુઓમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં જે તેમની મંજૂર પરમિટમાં સૂચિબદ્ધ નથી.
