ક્ષમા અને માફી એ બન્ને ભારે સમજવા જેવા શબ્દો છે. કોઈ માફી માગે તો એનો અર્થ વહેવારમાં તેનો પરાજય થયો
ઇલસ્ટ્રેશન
‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્’ વાક્ય તમે ઘણી વાર સાંભળ્યું હશે અથવા કોઈકને સંભળાવવા માટે બોલ્યા પણ હશો. વહેવારમાં આપણે ક્ષમા નથી બોલતા. માફી માગવી અથવા માફ કરવું આટલી વાતમાં ક્ષમાનો સમાવેશ થઈ જાય છે.
વહેવારમાં ક્યાંક ને ક્યાંક, કોઈક ને કોઈક વાર આપણાથી એવું કોઈ વર્તન થઈ જાય છે જે થયા પછી આપણને અંદરથી આ જે કંઈ થયું એ વાજબી નહોતું, કંઈક ખોટું બોલાયું હતું અથવા કંઈક ખોટું કરી બેઠા એ સમજાય છે. માણસ તેની જિંદગીના વહેવારમાં ખોટું નથી કરતો એવું નથી. ખોટું કરે છે, પણ પોતે ખોટું કર્યું છે એ સમજણ પણ આવી જાય છે. ઘરમાં કુટુંબીજનો સાથે હોય કે પછી કામકાજના ક્ષેત્રે ઑફિસના કર્મચારી કે પછી અન્ય સાથીદારો સાથે આપણે આવું વર્તન કરી બેસીએ છીએ. ત્યાર પછી એવું લાગે છે કે આપણાથી ખોટું થયું છે. આ ભાવ મનોમન રહે છે, આપણે કોઈને કહેતા નથી એનું કારણ એ છે કે આપણામાં રાક્ષસી અહંકાર છલોછલ ભરેલો હોય છે. અંગ્રેજીમાં sorry એટલું કહેવાથી પતી જાય છે. Sorry શબ્દ બન્ને પક્ષ તરત જ ભૂલી જાય છે. આપણી પાસે આવો શક્તિશાળી શબ્દ નથી. આપણે કોઈને sorry કહેતા નથી અને કોઈ કહે તો એને માનતા નથી. ઊલટું sorryને હલકાઈ ગણીએ છીએ. Sorry ખરેખર તો વિજય છે. સાચા ભાવથી તમને sorry લાગે તો કોઈકને કહીશું. જોજો કોઈ દૂરના અજાણ્યા માણસને sorry કહેતાં સંકોચ થાય, પણ ઘરના સભ્યોને sorry કહી શકો છો. માતા-પિતાને, અન્ય વડીલોને કે પછી સમવયસ્ક ભાઈ-બહેન કે મિત્રોને કોઈક વાર અંદરખાનેથી sorry કહેવાની હિંમતથી દાખવજો.
ADVERTISEMENT
Sorryના બે ભાગ છે. એક sorry કહેનારો અને બીજો sorryને રાજીખુશીથી સ્વીકારનારો. Sorry કહેવું સહેલું છે, પણ sorryને રાજીખુશીથી સામા પક્ષને આપી દેવું ભારે અઘરું છે. માણસનો સ્વભાવ એવો છે કે જેને તે પોતાનું અપમાન ગણે છે એ વાસ્તવમાં તેના અહંકારને વાગેલી ઠેસ હોય છે. આ ઠેસ ચામડી પર લાગેલા ઘા જેવી હોય છે. ક્યાંય સુધી ચચર્યા કરે છે. એ ચચરાટ ભુલાતો નથી એટલે sorry કહેનારાને વળતું sorry કહેવાતું નથી.
ક્ષમા અને માફી એ બન્ને ભારે સમજવા જેવા શબ્દો છે. કોઈ માફી માગે તો એનો અર્થ વહેવારમાં તેનો પરાજય થયો, તેનું નાક વઢાયું આવા બધા અર્થો કાઢવામાં આવે છે. ખોટું કામ કર્યા પછી પણ પોતાના ખોટા કામને વાજબી ઠેરવવા માણસ ડંફાસ મારે છે. આવી ડંફાસ વાજબી નથી. કોઈ આતંકવાદી ફાંસીની સજા પામે અને પછી પોતે માફી ન માગે તો એમાં કોઈ મોટાઈ નથી. તેને માફી મળવાની જ નથી.
ઊડીને આંખે વળગે એવો માફીનો દાખલો વીર સાવરકરનો છે. સાવરકર અડધી રાતે બ્રિટન અને ફ્રાન્સ વચ્ચેની દરિયાઈ ખાડીમાં દુશ્મનોના હાથ વચ્ચેથી કૂદી પડ્યા હતા. આ અપરાધ હતો. આ અપરાધ માટે તેમને ફાંસી જેવી જ કાળા પાણીની સજા થઈ હતી. આ કાળા પાણીની સજા એટલે શું? આનો અર્થ જેને કાળા પાણીની સજા થઈ હોય એ જ સમજી શકે. સાવરકરે આ સજામાંથી પોતાને મુક્તિ મળે એ માટે શત્રુ અંગ્રેજી સરકારની માફી પણ માગી હતી. તેમને સરકારે આ માફી સ્વીકારીને ચોક્કસ શરતો સાથે મુક્ત પણ કર્યા હતા. આજે એ યુગ પુરો થયો છે. સાવરકર નથી, પણ તેમણે પોતાની આત્મકથામાં આ વાત લખી છે. શું સાવરકર જેવો વીર પુરુષ અંગ્રેજોની માફી માગે ખરો? તે મરી જવું પસંદ કરે, પણ તેમણે માફી માગી હતી. એ માફીમાં કેવો ઉદાત્ત ભાવ હતો એમ તેમણે સમજાવ્યું ત્યારે જ આપણને સમજાયું. જેલમાં ૧૦ વર્ષ રહેવાથી સ્વાતંયપ્રાપ્તિનું કોઈ કામ થશે નહીં એ નિશ્ચિત હતું. ખોટું બોલીને માફી માગીને બહાર નીકળ્યા પછી ક્રાન્તિનાં કામ થઈ શકે એમ વિચારીને તેમણે માફી માગી હતી. આ માફી પોતાની જાતને બચાવવા માટે નહીં પણ દેશના કલ્યાણ માટે હતી. જો પકડાઈ જાય તો ફાંસીની સજાનો અમલ નિશ્ચિત હતો.
જીવના ભોગે પણ માફી માગવી સહેલી નથી, પણ માફી એટલે માત્ર sorry નહીં પણ sorry ઉપરની ઘણી ઊંચી વિભાવના છે. ભગત સિંહને ફાંસીની સજા થઈ હતી અને જો માફી માગે તો ફાંસીને બદલે જન્મટીપ મળે એવી જોગવાઈ પણ હતી. ભગત સિંહે આવી જોગવાઈ સ્વીકારીને પોતાનો જીવ નહોતો બચાવ્યો, પણ આવી માફીને હડસેલી નાખી હતી. અહીં માફી માટેની જે ઊંચી વિભાવના છે એ હાલતાં-ચાલતાં sorry કહેવાનો સામાન્ય શિરસ્તો નથી.
માફી માગવી સહેલી છે, પણ માફી સ્વીકારવી એ ભારે અઘરું કામ છે. ગાંધીજીની હત્યા કરનારા ગોડસેને માફ કરવાનો પ્રસ્તાવ પણ આવ્યો હતો, પણ એ તો કાયદા ઉપરની વાત કહેવાય. ગૃહપ્રધાન સરદાર પટેલે
એ પ્રસ્તાવ વિશે વાત કરવાની જ ના પાડી દીધી હતી.
માફી એ કાંઈ sorry નથી, પણ sorry કરતાંય ઘણી ઉપરની વાત છે. જો આપણે આમાંથી થોડુંક પણ શીખીએ તો રોજેરોજના ગૃહકંકાસ ઘણા ઓછા થઈ જાય છે.
