Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > સાઇકલ મારી સરરર જાય

સાઇકલ મારી સરરર જાય

05 August, 2021 01:52 PM IST | Mumbai
Bhavini Lodaya

વડાપાંઉ ખાવા વાશી અને ફોટો પાડવા બાંદરા એમ જ નીકળી પડતા સાઇકલવીરની યાત્રા જાણીએ

‘ડિસેમ્બરમાં થનારી રાઇડિંગ ઇવેન્ટ માટે જૂન મહિનાથી મેં પ્રૅક્ટિસ શરૂ કરેલી. દિલ્હીના ઇન્ડિયા ગેટથી શરૂ થયેલી મારી સાઇકલ યાત્રા ગેટ વે ઑફ ઇન્ડિયા પર પૂરી થઈ અને હું અહીં પહોંચ્યો એ ઘડી મારા જીવનની અદ્ભુત ઘડી હતી  યશ છેડા

‘ડિસેમ્બરમાં થનારી રાઇડિંગ ઇવેન્ટ માટે જૂન મહિનાથી મેં પ્રૅક્ટિસ શરૂ કરેલી. દિલ્હીના ઇન્ડિયા ગેટથી શરૂ થયેલી મારી સાઇકલ યાત્રા ગેટ વે ઑફ ઇન્ડિયા પર પૂરી થઈ અને હું અહીં પહોંચ્યો એ ઘડી મારા જીવનની અદ્ભુત ઘડી હતી યશ છેડા


‍મુલુંડના યશ છેડાને ૩૮મા વર્ષે સાઇકલનો એવો શોખ જાગ્યો કે તેણે મહારાષ્ટ્ર, ગુજરાત, નૈનીતાલ તેમ જ દિલ્હી ગેટથી મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયાની સાઇકલ-સફર કરીને છેલ્લાં ત્રણ વર્ષમાં ૩૫,૦૦૦ કિલોમીટર સાઇક્લિંગ કરી લીધું. વડાપાંઉ ખાવા વાશી અને ફોટો પાડવા બાંદરા એમ જ નીકળી પડતા સાઇકલવીરની યાત્રા જાણીએ

બાળપણની સૌની લાડકી સાઇકલ હવે મોટાઓની પણ પ્રિય થઈ ગઈ છે. મુંબઈમાં પણ હવે તો સાઇકલપ્રેમીઓનાં અનેક ગ્રુપ્સ તમને જોવા મળી જશે. કોઈ ગ્લોબલ વૉર્મિંગના સમયમાં પ્રદૂષણને નાથવા સાઇકલ વાપરે તો કોઈ તંદુરસ્તી જાળવવા એક્સરસાઇઝ માટે. જોકે કોઈ જ કારણ વિના જસ્ટ ફૉર એન્જૉયમેન્ટ સાઇકલ લઈને નીકળી પડનારા સાઇકલપ્રેમીઓ પણ કંઈ ઓછા નથી. મુલુંડના ૪૦ વર્ષના યશ છેડા પણ એમાંના જ એક છે. નાનપણમાં તેમને સાઇકલ કે સ્પોર્ટ્સ માટે એટલો લગાવ નહોતો, પણ છેક ૩૮ વર્ષની ઉંમરે કંઈક એવું થયું કે તેમના જીવનમાં સાઇકલ તેમની બેસ્ટ સાથી બની ગઈ છે. ફૅશન નહીં, પૅશન માટે તેઓ સાઇકલ ચલાવે છે અને બે પૈડાંવાળી પવનપાવડી લઈને તેઓ દિલ્હીથી મુંબઈની સફર પણ કરી આવ્યા છે. મન થાય કે વાશીમાં વડાપાંઉ ખાવાં છે તો સાઇકલ લઈને ઊપડી જવાનું. ફોટો પાડવા માટે બાંદરાના સી-લિન્ક પર જવું છે તો સાઇકલ લઈને પહોંચી જવાનું. એટલું જ નહીં, સાઇકલને એક સ્પોર્ટ્સની જેમ તેમણે જીવનમાં વણી લીધી છે અને એ માટેની કસોટીભરી ઇવેન્ટ્સમાં પણ પાર્ટિસિપેટ કરી આવ્યા છે. 
અચાનક જન્મેલો શોખ 
યશનો સાઇકલપ્રેમ અચાનક ફૂટી નીકળેલા મશરૂમ જેવો છે. નાનપણથી જ સ્પોર્ટ્સ પ્રત્યે રુચિ હતી, પણ ખાસ ભાગ લીધો નહોતો. જોકે ૩૮મા વર્ષે કઈ રીતે નવું પૅશન મળ્યું એની વાત કરતાં યશ કહે છે, ‘૨૦૧૮માં મુલુંડમાં સર્વોદય મંડળમાં રમતોના ઉત્સવનું આયોજન હતું જેમાં સાત કિલોમીટરની સાઇકલની રેસ હતી અને એમાં મેં ભાગ લીધો. હું ત્રીજો વિજેતા બન્યો ત્યારે એટલી ખુશી થઈ કે મનમાં થયું કે બસ, હવે સાઇકલ લઈને ચલાવવાનું શરૂ કરું. જેમ-જેમ ચલાવતો ગયો એમ-એમ શોખ એટલો વધ્યો કે મેં મુલુંડ સાઇકલ રાઇડર ગ્રુપ જૉઇન કર્યું. ત્યાં મને જે. પી. શેટ્ટી ગુરુ મળ્યા જેમણે મને લાંબું સાઇક્લિંગ કરવા માટે શું કરવું જોઈએ એની તાલીમ સાથે અનહદ પ્રેરણા આપી. સ્ટૅમિના વધારવા ઘાટકોપર, થાણે એમ ચડાણવાળી જગ્યાઓ સુધી જઈને પ્રૅક્ટિસ કરતો. પછી ફ્લૅટ રૂટ પર ચાલુ કર્યું. ઇવેન્ટમાં ભાગ લેતો થયો અને પહેલા જ વર્ષે એડોકસ ઇન્ડિયા દ્વારા આયોજિત સુપર રેડોનન્યુર (એસ.આર.) ઇવેન્ટમાં ભાગ લીધો. એમાં રાઇડિંગના ચાર સેટને એસ.આર. કહેવાય છે. ૧૦૦ કિલોમીટર ૧૩૧/૨, ૨૦૦ કિલોમીટર ૨૦, ૪૦૦ કિલોમીટર ૨૮ અને ૬૦૦ કિલોમીટર ૪૦ કલાકમાં પૂરા કરવાના હોય. એ ચાર રાઇડનો સેટ પૂરો કર્યો. સમગ્ર ભારતમાં ૫૦થી વધુ ક્લબ આ પ્રકારની ઇવેન્ટ કરે છે. આમાં એક વાર આપણે રજિસ્ટર કરાવીએ તો કોઈ પણ ક્લબ દ્વારા ભાગ લઈ શકાય. બસ, પછી તો મારી સાઇકલ ભાગતી ગઈ. લોકલ ક્લબની ઘણી ઇવેન્ટ જીત્યો. લોનાવલા ભોર ઘાટમાં ત્રીજો આવ્યો હતો. સાઇકલ લઈને ફન માટે ઇગતપુરી, વડાપાંઉ ખાવા વાશી અને ફોટો પાડવા બાંદરા જતો. આમ આખું મહારાષ્ટ્ર, ગુજરાત અને બીજાં અનેક સ્થળોએ ફર્યો છું. નૈનીતાલની સફર પણ પાંચ દિવસ સતત સાઇકલ પર માણી છે.’
દિલ્હીથી ગેટવે ઑફ ઇન્ડિયા 
સાઇકલનું ઘેલું એવું લાગ્યું કે ૨૦૨૦માં પેન ઇન્ડિયા દ્વારા આયોજિત દિલ્હી ગેટથી ગેટવે ઑફ ઇન્ડિયાની રાઇડિંગમાં ભાગ લેવાનું સાહસ કરી જ નાખ્યું. એ માટે તેણે ખૂબ પ્રૅક્ટિસ પણ કરી. લાંબી સાઇકલ-સફરની તૈયારીઓ વિશે યશ કહે છે, ‘ડિસેમ્બરમાં થનારી રાઇડિંગ ઇવેન્ટ માટે જૂન મહિનાથી મેં પ્રૅક્ટિસ શરૂ કરેલી. ત્રણ મહિનામાં ૫૦૦૦થી ૬૦૦૦ કિલોમીટરની પ્રૅક્ટિસ કરી હતી. બસ, પછી ડિસેમ્બરમાં દિલ્હી ફ્લાઇટમાં ગયો અને ત્યાં સાઇકલ પર દિલ્હીમાં ફર્યો અને પછી દિલ્હી ગેટથી શરૂ થઈ મારી સાઇકલ-રાઇડિંગ. ઑલઓવર ઇન્ડિયામાંથી ૪૨ રાઇડર હતા. દિલ્હીમાં કડકડતી ઠંડી સાથે રોમાંચભરી સફરની મજા કંઈક અલગ જ હતી. ખૂબ એક્સાઇટેડ હતો. માથે હેલ્મેટ, હાથમાં સર્જિકલ ગ્લઝ કેમ કે એમાં ઠંડી ન લાગે, ચશ્માં, થર્મલ જૅકેટ બધું પહેરીને સવારે નીકળ્યા દિલ્હીના ઇન્ડિયા ગેટથી જયપુર, જયપુરથી ભીલવાડા, ભીલવાડાથી રતનપુર, રતનપુરથી બરોડા, બરોડાથી વાપી આમ રોજ સવારે સાત વાગ્યે શરૂ થતી સવારી સાંજે ૭.૩૦ વાગ્યા સુધી સળંગ ચાલતી રહેતી. વાપીથી ગેટવે ઑફ ઇન્ડિયા પર સફર પૂરી થઈ અને પહોંચ્યો ત્યારે એ ઘડી મારા જીવનની અદ્ભુત ઘડી હતી.’
જીવનમાં ડિસિપ્લિન આવી
પ્રિન્ટિંગ અને પૅકેજિંગનો વ્યવસાય ધરાવતા યશનું જીવન સાઇકલ-રાઇડિંગના શોખથી ખૂબ શિસ્તબદ્ધ બની ગયું છે. તે ઉમેરે છે, ‘પ્રૅક્ટિસ ખૂબ જરૂરી છે. રોજના ૫૦ કિલોમીટર સાઇકલ ચલાવું છું. સવારે પાંચ વાગ્યે ઊઠી જાઉં છું અને છ વાગ્યે સાઇકલ ચલાવવા નીકળી જાઉં છું. આખો દિવસ જો કામમાં જશે તો રાઇડિંગ માટે સમય કાઢવા વહેલા ઊઠવાની આદત કેળવવી જ પડશે. આમ બધાં કામ યોજનાબદ્ધ રીતે થવા લાગ્યાં. શરીરમાં સ્ફૂર્તિ આવવા લાગી. મહેનત છે, પણ જ્યાં પેઇન છે ત્યાં જ ગેઇન મળે એ વાતને મારા જીવનમાં ઉતારી દીધી છે. સાઇકલે મારા જીવનમાં અઢળક ખુશીઓના રંગ ભરી દીધા. ‘હું કરીને જ રહીશ’ એવી મારી જીદ મારી પ્રેરણા બની. કોઈકે કહ્યું છે કે ૬૦ દિવસ જો સતત તમે એક આદતને કેળવો તો એકસઠમા દિવસથી એ તમારા જીવનનો ભાગ બની જશે. આમ શોખને જીવતો રાખવા ડિસિપ્લિન જાળવું છું . રાઇડિંગ કરીને પાછો ઘરે આવું છું ત્યારે મારો દસ વર્ષનો દીકરો જીહાન મને પૂછે છે કે પપ્પા, કેટલા કિલોમીટર ચલાવીને આવ્યા? એ સવાલ મને ખૂબ મોટિવેટ કરે છે. મારી વાઇફ જુલી પણ મારા આ શોખને માટે ખૂબ સપોર્ટ કરે છે.’
વિશેષ બાબતોનું ધ્યાન 
સાઇકલ ચલાવવી હોય તો તમારે બૉડી અને ફૂડ બન્નેનું બહુ ધ્યાન રાખવું પડે. નવશીખિયા રાઇડરોએ કઈ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ એ વિશે તે કહે છે, ‘રાઇડિંગ શરૂ કરતાં પહેલાં કાર્બની જરૂર પડે છે જેનાથી સ્પીડ આવે અને પત્યા પછી પ્રોટીન જે મસલ ગેઇન કરે. આથી સવારે પૌંઆ, ઇડલી, કેળાં એવો ખોરાક ખાઈ શકાય છે. રાઇડિંગ કરવા જાઓ ત્યારે પાણીની બૉટલ, ખજૂર, બદામ, ચૉકલેટ, સિંગની ચિક્કી જેવી ખાવા-પીવાની વસ્તુઓ સાથે રાખવી જેથી તમને લો ફીલ થાય તો આવું કંઈ પણ ખાવાથી તરત તાકાત આવે.’
સેફટી ટિપ્સ 
સેફટી માટે હેલ્મેટ, લાઇટ બધું બરાબર હોવું જરૂરી છે. તમારું મગજ, આંખો અને ધ્યાન બધે જ હોવું જોઈએ. સાઇડ મિરરથી જોવું સરળ નથી હોતું. હાઇવે પર તમે જે સ્પીડમાં જતા હો એ જ સ્પીડ મેઇન્ટેઇન કરો જેથી પાછળવાળા વાહનચાલકને ખબર પડે. તમારી બદલાતી સ્પીડને કારણે તેને જજમેન્ટ નહીં આવે અને ઍક્સિડન્ટ થવાની સંભાવના વધે છે.


Whatsapp-channel Whatsapp-channel

05 August, 2021 01:52 PM IST | Mumbai | Bhavini Lodaya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK