અહીં કહી દેવું ઘટે કે સંપત્તિસર્જન અનેક દાયકાઓના રોકાણ પર મળેલા ચક્રવૃદ્ધિ વળતરનું જ પરિણામ હોય છે. આગલી પેઢી માટે સંપત્તિ મૂકી જવાનો સવાલ હોય ત્યારે સહેજે ત્રીસથી પચાસ વર્ષનો સમયગાળો સંકળાયેલો હોય છે.
પ્રતિકાત્મક તસવીર (સૌજન્ય મિડ-ડે )
મ્યુચ્યુઅલ ફન્ડમાં કરાયેલું રોકાણ આગલી પેઢી અર્થે સંપત્તિસર્જન કરવા માટે ઉપયોગી થાય ખરું? એવો મોટી ઉંમરના એક રોકાણકારનો સવાલ છે. તેમના સવાલનો જવાબ કંઈક આ રીતે આપી શકાયઃ
નસીબવંતું કહેવાય એવા કોઈ એક જ રોકાણની મદદથી આગલી પેઢી માટે રાખી મૂકવા જેટલી સંપત્તિનું સર્જન થવાનું દુર્લભ છે. શિસ્તબદ્ધ રીતે લાંબા ગાળા સુધી કરાયેલું રોકાણ જ આ લક્ષ્ય સિદ્ધ કરી શકે છે. ઇક્વિટીમાં કરાતું રોકાણ ખરી રીતે તો દેશના આર્થિક વિકાસ માટે કરાયેલું રોકાણ હોય છે. ભારતમાં લોકો મ્યુચ્યુઅલ ફન્ડ મારફત મોટા પાયે રોકાણ કરવા લાગ્યા છે. મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગની ઍસેટ અન્ડર મૅનેજમેન્ટ (AUM)નું પ્રમાણ ગયા દાયકામાં આશરે છગણું વધીને વર્તમાન વર્ષના પ્રારંભમાં ૮૧ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ વૃદ્ધિમાં રીટેલ રોકાણકારોનો પણ ઘણો મોટો ફાળો છે. છેલ્લાં ૩ વર્ષ કરતાં ઓછા સમયગાળામાં માસિક સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) મારફત કુલ ૩૧,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. ભારતીય પરિવારોના કુલ ૨૬ કરોડ ફોલિયો બની ગયા છે. લોકો હવે પહેલાંની તુલનાએ મોટા પાયે ઇક્વિટીમાં રોકાણ કરવા લાગ્યા છે.
ADVERTISEMENT
અહીં કહી દેવું ઘટે કે સંપત્તિસર્જન અનેક દાયકાઓના રોકાણ પર મળેલા ચક્રવૃદ્ધિ વળતરનું જ પરિણામ હોય છે. આગલી પેઢી માટે સંપત્તિ મૂકી જવાનો સવાલ હોય ત્યારે સહેજે ત્રીસથી પચાસ વર્ષનો સમયગાળો સંકળાયેલો હોય છે. આટલા સમયમાં બજારની અનેક ઊથલપાથલો વચ્ચે રોકાણ કરતા રહેવાનું મહત્ત્વ હોય છે.
ભારતમાં હવે આગામી વર્ષોમાં કુલ રાષ્ટ્રીય પેદાશ સતત વધતી રહેવાનો અંદાજ અને આશા બન્ને હોવાથી લાંબા ગાળાના રોકાણકારોને ધીરજનાં અનેકગણાં મીઠાં ફળ મળવાની પણ આશા છે. જોકે એના માટે એ જાણી લેવું અગત્યનું છે કે હવે આપણે કોઈ એક લક્ષ્ય માટે નહીં પરંતુ લાંબા સમયના ભવિષ્ય માટે રોકાણ કરવાની જરૂર છે. એના માટે ભાવનાત્મક શિસ્તની જરૂર છે. વચ્ચે-વચ્ચે અનેક ઉતાર-ચડાવ આવશે, પરંતુ એમાં ડગમગ્યા વગર રોકાણ કરતા રહેવું આવશ્યક છે.
એક સમય હતો જ્યારે સંપત્તિસર્જનની તક ગણ્યાગાંઠ્યા લોકોને જ મળતી હતી, પરંતુ હવે મ્યુચ્યુઅલ ફન્ડ મારફત સામાન્ય લોકોને પણ એ તક મળી છે. દરેકને નિષ્ણાત ફન્ડ-મૅનેજરોની સેવા મળી રહે છે. દર મહિને ૫૦૦ રૂપિયાની SIP હોય કે પછી પાંચ લાખ રૂપિયાનું વાર્ષિક એકસામટું રોકાણ કરનારી વ્યક્તિ હોય, આ મૅનેજરો સૌને ફન્ડ-મૅનેજમેન્ટની સેવા પૂરી પાડે છે. તેઓ ડેટ, ઇક્વિટી, સોનું-ચાંદી તથા રિયલ એસ્ટેટ માટેના રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (REIT) એ બધાને આવરી લેનારાં ફન્ડ ચલાવે છે. જોકે REIT હજી નવો ઍસેટ ક્લાસ છે.
છેલ્લે દોહરાવવાનું કે મ્યુચ્યુઅલ ફન્ડમાં કરાતા રોકાણને બજારનાં જોખમો લાગુ પડે છે અને ભૂતકાળમાં મળેલું ઊંચું વળતર ભવિષ્યમાં પણ મળતું રહેશે એવી કોઈ બાંયધરી આપવામાં આવતી નથી. દરેક રોકાણકારે પોતાના નાણાકીય સલાહકારની મદદ લઈને જ રોકાણના નિર્ણયો લેવા.
