તો બીજી બાજુ દામ્પત્ય મરજી પ્રમાણે સ્વછંદ બનીને જીવનસાથીની ખરાબ અવસ્થામાં છોડી દેવાનું નામ પણ નથી. સુખી દામ્પત્ય તો મૈત્રીના માર્ગે જ આગળ વધી શકે છે
`માધુરી V/S દીક્ષિત’ નાટક
ભગવદ્ગીતામાં કૃષ્ણનો નિષ્કામ કર્મનો પાઠ કહે છે કે વ્યક્તિએ પોતાની જાત ભૂલીને, કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર પ્રેમ કરવો જોઈએ; પણ તે ઈશ્વર હતા એટલે આમ કહી શકે. મીરા એ વગર અપેક્ષાના પ્રેમનું જીવંત ઉદાહરણ છે, પણ તેમનો પ્રેમ ઈશ્વર સાથેનો હતો એટલે તે કરી શકે. સ્વામી વિવેકાનંદે પણ અપેક્ષા વગરના પ્રેમની જ વાત કરી હતી; પણ તેમણે સમગ્ર રાષ્ટ્રને પ્રેમ કર્યો, કોઈ એક વ્યક્તિને નહીં. સદ્ગુરુ, શ્રી શ્રી રવિ શંકર, ગૌરાંગ પ્રભુ જેવા અઢળક સંતો પણ અપેક્ષા વગરના પ્રેમની વાત કરે છે; પણ તેઓ સંત છે. આપણને બધાને માણસ તરીકે ખ્યાલ છે કે આ વાત તદ્દન સાચી છે કે પ્રેમ ત્યારે જ સાચો જ્યારે એ અપેક્ષારહિત હોય. આપણે બધાએ આ અનુભવ પણ કર્યો છે કે જેને પ્રેમ કરીએ તેની પાસેથી અપેક્ષા પછી તમને અતિ દુખ મળે જ છે. છતાં આપણે તુચ્છ મનુષ્યો સંબંધોમાં અપેક્ષાના ટોપલા લઈને જ ફરતા હોઈએ છીએ જેમાં સૌથી ભારે પોટલું જીવનસાથીના માથે ચડાવી દઈએ છીએ.
આ અપેક્ષાઓની શરૂઆત દરેકના જીવનમાં ૧૨-૧૫ વર્ષની ઉંમરથી જ શરૂ થઈ જાય છે. જે વ્યક્તિને મળ્યા નથી, જે વ્યક્તિની કોઈ ઓળખ નથી તે વ્યક્તિ વિશે આપણે બધા જ મનમાં એક ચિત્ર ઊપજાવી કાઢીએ છીએ. મને આવી છોકરી અને મને આવો છોકરો જોઈએ છેનાં પરિમાણો પહેલેથી જ સેટ થઈ જાય છે. પોતાનું પ્રિય પાત્ર કેવું હશે અને કેવું નહીં, તેણે કેવું હોવું જોઈએ અને કેવું નહીં એના અગણિત માપદંડ દરેક વ્યક્તિ પાસે હોય જ છે.
આજકાલ બહુચર્ચિત શબ્દોને જ લઈ લો. આજની પેઢી પોતાના પાર્ટનરની સારપને ગ્રીન ફ્લૅગ અને અવગુણોને રેડ ફ્લૅગ કહે છે. સોશ્યલ મીડિયા પર મળતી અસ્ખલિત માહિતી અનુસાર સ્ત્રીઓને માન ન આપનાર, તેને પોતાના કાબૂમાં રાખવાનો વિચાર કરનાર, તેની ફ્રીડમને છીનવનાર, તેને નોકરી કરતાં રોકનાર, તેના પર જોહુકમી કરનાર, તેને ઘરનાં કામોમાં સીમિત કરી દેનાર, તેની વાતને ન ગણકારનાર દરેક પુરુષને તથા વિશ્વાસ ન કરનાર, ફ્રીડમ ન આપનાર, પોતાની જ ચલાવનાર સ્ત્રીને આજની જનરેશન રેડ ફ્લૅગ માને છે. આવી વ્યક્તિ મળે તો તેને પરણવાનો વિચાર તેઓ માંડી વાળે છે. મારી ૧૪ વર્ષની દીકરી મને કહે છે કે સાચી જ વાત છેને મમ્મી, આવી વ્યક્તિ સાથે કેવી રીતે લગ્ન કરાય? મેં તેને કહ્યું હતું કે વાત તારી ૧૦૦ ટકા મુદ્દાની છે બેટા, પણ વિચારવાની વાત એ છે કે આવો વિચાર અમે બધાએ કર્યો હોત તો અમે કુંવારા જ હોત! આ ગ્રીન-રેડ ફ્લૅગનો કન્સેપ્ટ એકદમ યોગ્ય તો છે, યોગ્ય જીવનસાથીનાં પરિમાણોમાં એકદમ બંધ પણ બેસે છે; પણ એને અનુસરીને કાં તો આજની આખી પેઢીએ સુધરવું પડશે અને નહીંતર આખી પેઢી કુંવારી રહી જવાની; કારણ કે જીવનસાથીની પસંદગીનાં પરિમાણો જેટલાં વધુ, લગ્ન કરવાનાં એટલાં જ અઘરાં. એટલે કે ફરી એ જ વાત આવી કે અપેક્ષા જેટલી વધુ એટલી તકલીફો અને દુખ વધુ. જોકે દામ્પત્ય કે સહજીવનને આ રંગોના આધારે સમજી શકાય ખરાં?
હાલમાં મારા વાચક અને શુભચિંતક પ્રફુલ કામદારના કહેવાથી ‘માધુરી V/S દીક્ષિત’ નાટક જોવા ગઈ હતી. ગુજરાતી નિર્માણકારો ઉમેશ શુક્લ, ચેતન ગાંધી અને સૌમ્ય જોશીએ મળીને આ હિન્દી નાટક બનાવ્યું છે. અભિજિત ગુરુ લિખિત ‘થોડા તુઝા થોડા માઝા’ આ મરાઠી નાટક પરથી તેમણે બનાવ્યું ગુજરાતી નાટક ‘માધુરી દીક્ષિત’ અને એ હિટ ગયું પછી વધુ લોકો સુધી પહોંચવા માટે એમાંથી બનાવ્યું આ હિન્દી નાટક. આજે આ હિન્દી નાટકના પણ ૧૭૫ પ્રયોગ થઈ ચૂક્યા છે. આ વિશે જ્યારે ઉમેશભાઈ સાથે મેં વાત કરી તો તેમણે કહ્યું કે આના પર ફિલ્મની સ્ક્રિપ્ટ પણ તેઓ તૈયાર કરી રહ્યા છે. ગુજરાતી પ્રેક્ષકો જાણે છે કે આ ઉમેશભાઈની પૅટર્ન છે. પહેલાં ‘કાનજી વિરુદ્ધ કાનજી’ બનાવ્યું. એ હિટ ગયું તો એનું હિન્દી વર્ઝન ‘કિશન V/S કન્હૈયા’ બનાવ્યું અને એ પછી બની ફિલ્મ ‘ઓહ માય ગૉડ’.
આ નાટકનું લખાણ ઉત્કૃષ્ટ છે. કલાકારો હેમાંગ વ્યાસ અને રિદ્ધિ નાયક શુક્લાએ પોતાની કળા વડે રંગમંચને વધુ ગૌરવાન્વિત કર્યો છે. આ બધા વચ્ચે નાટક જે વાત કહેવા માગે છે અને જે રીતે એ કહેવામાં આવી છે એનાં સૌથી વધુ વખાણ થવાં જોઈએ. નાટકના વળાંકો એટલા જુદા છે કે એ તમને અંદાજ નહીં આવવા દે કે કઈ ચોટીએ આ રસ્તો તમને લઈ જઈ રહ્યો છે.
આપણે જે જીવનસાથીની મનમાં બનેલી છબિની વાત કરતા હતા એ છબિ કેટલી હદે હાનિકારક છે એ આ વાર્તામાં સમજી શકાય છે. આ નાટકમાં એવી સ્ત્રીઓની વાત પણ કરવામાં આવી છે જેઓ જબરદસ્તી એ છબિમાં ફિટ બેસાડવામાં આવે છે. સ્ત્રીનું નામ, પસંદ, પરિસ્થિતિ બધું જ પૂરી રીતે બદલીને તેમને પતિના મનમાં વસેલી સ્ત્રીની છબિમાં ફિટ કરવામાં આવતી હોય છે. જોકે વાત એ છે કે આવો પતિ સ્ત્રીને અઢળક પ્રેમ કરતો હોવા છતાં પણ મંજૂર નથી, સ્વીકાર્ય નથી. ઊલટું તે પતિને રિયલાઇઝ કરાવડાવે છે કે તું જેને પ્રેમ કરે છે તે તારા મનની છબિ છે, તે હું છું જ નહીં. તું ‘મને’ ઓળખવાની કોશિશ કર. સ્ત્રીની મરજી, સ્ત્રીનાં દુઃખ, તેના પર ઠોકી બેસાડવામાં આવતા નિર્ણયો અને લાદવામાં આવતી બીજાની પસંદગીઓનો આટલો સટીક ચિતાર આ નાટકને મારા માટે સ્પેશ્યલ બનાવે છે. જો આ વાંચીને તમને લાગતું હોય કે નાટક નારીલક્ષી છે, તો ના; આ નાટક તો દામ્પત્યલક્ષી છે.
પાત્રો કૉમ્પ્લેક્સ છે, તેમની પરિસ્થિતિઓ તેમનાથી પણ વધુ કૉમ્પ્લેક્સ છે; પણ એમાંથી પસાર થતાં-થતાં પ્રેક્ષક સુખી દામ્પત્યનો સરળ છતાં ચોક્કસ અર્થ સમજી જાય છે. સુખી દામ્પત્ય મનની છબિમાં પરાણે ફિક્સ કરેલા જીવનસાથી સાથે શક્ય નથી તો એની સાથે-સાથે દામ્પત્ય પોતાની મરજી પ્રમાણે સ્વછંદ બનીને જીવનસાથીની ખરાબ અવસ્થામાં છોડી દેવાનું નામ નથી. સુખી દામ્પત્ય મૈત્રીના માર્ગે જ આગળ વધી શકે છે. આ નાટક દરેક દંપતીએ ચોક્કસ જોવું જોઈએ. આ નાટક રેડ અને ગ્રીન ફ્લૅગના કન્સેપ્ટથી ક્યાંય આગળની વાત છે, કારણ કે સુખી દામ્પત્ય માણી રહેલા લોકો જાણે છે કે જો એકબીજાનો સાથ હોય તો ભલ-ભલા રેડ ફ્લૅગ અને ગ્રીન ફ્લૅગ તો શું, સંપૂર્ણ ગ્રીન ફૉરેસ્ટમાં બદલાઈ શકે છે.
