Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > સોશ્યલ મીડિયાના સમયનો માણસ : ચહેરા પર ફિલ્ટર, જીવનમાં દેખાડો અને અંદર સતત અસલામતીનો ડર

સોશ્યલ મીડિયાના સમયનો માણસ : ચહેરા પર ફિલ્ટર, જીવનમાં દેખાડો અને અંદર સતત અસલામતીનો ડર

Published : 03 June, 2026 11:48 AM | Modified : 03 June, 2026 11:48 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ખુશી પણ હવે સ્વાભાવિક નથી રહી, પોસ્ટેબલ બની ગઈ છે. લોકો જીવનની ક્ષણોને જીવે છે ઓછા અને શૂટ વધુ કરે છે

પ્રતીકાત્મક તસવીર

PoV

પ્રતીકાત્મક તસવીર


It’s time to celebrate who you really are! 
એક OTT સિરિયલનું આ વાક્ય કેટલું પ્રેરણાત્મક છે! 

દુનિયામાં દરેક વસ્તુ સમય સાથે બદલાય છે. ચહેરા બદલાય છે, સંબંધો બદલાય છે, સપનાંઓ બદલાય છે. છતાં માણસની અસલી ઓળખ, તેની અંદરની ચમક બદલાતી નથી. એને જ ઊજવવાની છે. ઉંમર વધે એ સ્વાભાવિક છે, એ વ્યાધિ નથી. એ તો જીવન વધુ સમજદારીથી, વધુ પુખ્તતાથી, વધુ શાંતિથી અને વધુ અસલિયતથી જીવવાનો અવસર છે; તમે જે ખરેખર છો એને ઊજવવાનો અવસર છે. કદાચ એટલે જ કેટલીક વ્યક્તિઓ જીવનનાં પાછલાં વર્ષોમાં સૌથી વધુ ખીલે છે.



જોકે આજની ફિલ્ટરવાળી દુનિયા માણસને સતત સમજાવતી રહે છે કે તમે જેવા છો એવા બરાબર નથી, જે છે એ પૂરતું નથી. ત્યાંથી શરૂ થાય છે અસલી ચહેરા અને નકલી મહોરા વચ્ચેનું યુદ્ધ. અહીં દરેકને વધુ સુંદર, વધુ સફળ, વધુ યુવાન અને વધુ પર્ફેક્ટ દેખાવું છે. સોશ્યલ મીડિયાને કારણે માણસ હવે ખરેખર જીવવા કરતાં વધુ તો પોતાને પ્રોજેક્ટ કરે છે. ચહેરા પર ફિલ્ટર, જીવનમાં દેખાડો અને અંદર સતત અસલામતીનો ડર. આ બધાની વચ્ચે માણસ પોતાનું અસલી સ્વરૂપ ક્યાંક ખોઈ બેઠો છે.


સેલિબ્રિટીઝ જે અનરિયલિસ્ટિક લાઇફ પ્રોજેક્ટ કરે છે એની અસર યુવાવર્ગ પર વિશેષ થાય છે. જાહેરખબરોમાં અને સિરિયલોમાં જોવા મળતા ગ્લો કરતા ચહેરા, હંમેશની પર્ફેક્ટ બૉડી, ઉંમર વધે છતાં એક પણ કરચલી નહીં, દરેક ફોટોમાં સ્મિત અને દરેક ઇન્ટરવ્યુમાં I’m blessed જેવા સંવાદો સાંભળીને સામાન્ય યુવાવર્ગ ધીમે-ધીમે પોતાને Imperfect માનવા લાગે છે, પોતાના દેખાવથી અસંતુષ્ટ થવા લાગે છે. ઘણી સેલિબ્રિટીઝ પોતાની ઉંમર છુપાવવા માટે ઍન્ટિ-એજિંગ મેડિસિન્સ અને કૉસ્મેટિક સર્જરીનો સહારો લે છે. જ્યારે પંચાવન વર્ષની વ્યક્તિ પચીસ વર્ષની સ્કિન સાથે કહે છે કે ‘માત્ર યોગ અને ગ્રીન ટીનું પરિણામ છે’ ત્યારે લાખો યુવાનો અંજાઈ જાય છે, પોતાના શરીરને નફરત કરવાનું શરૂ કરે છે, કુદરતી જીવન જીવવાનું છોડીને કચકડાનું આભાસી જીવન જીવે છે, ફિટનેસના નામે ખાવાનું છોડી દે છે. આ સિરિયલમાં પણ ટીનેજર છોકરી પોતાની રૂમમાં Don’t eatનું કાર્ડ બનાવીને રાખે છે જેથી સતત તેને યાદ રહે અને કંઈ પણ ખાધા પછી વૉશરૂમમાં જઈને ઊલટી કરી નાખે છે જેથી શરીર સ્લિમ રહે. જોકે એની આડઅસર તો થયા વગર રહે જ નહીંને. સુંદર દેખાવાની સતત તાણ તેને આખરે ડિપ્રેશનમાં ધકેલી દે છે. જીવનમાંથી આનંદ જ ઉડાડી દે એવા સુંદર દેખાવાનો શો અર્થ? સોશ્યલ મીડિયા પર દરેક માણસ જાણે પોતાની જિંદગીનો PR મૅનેજર બની ગયો છે. ખુશી પણ હવે સ્વાભાવિક નથી રહી, ‘પોસ્ટેબલ’ બની ગઈ છે. લોકો જીવનની ક્ષણોને જીવે છે ઓછા અને શૂટ વધુ કરે છે.

સરખામણી વ્યસન બની ગયું છે. કોઈનું ઘર જોઈને પોતાનું ઘર નાનું લાગે છે, કોઈની સિક્સ-પૅક બૉડી જોઈને પોતાનું શરીર માયકાંગલું લાગે છે, કોઈની સફળતા જોઈને પોતાની મહેનત નકામી લાગે છે. એક યુવતીને સતત લાગે છે કે લગ્ન પછી પણ તેણે હંમેશાં Instagram Prettty દેખાવું જોઈએ. એક યુવકને લાગે છે કે ૩૫ વર્ષની ઉંમરે કરોડપતિ ન થયો તો જીવન નિષ્ફળ છે, કોઈને સફેદ વાળ જોતાં જ લાગે છે કે જીવનની સંધ્યા આવી ગઈ, કોઈને લાગે છે કે રિંકલ્સ દેખાયા એટલે માર્કેટવૅલ્યુ ઘટી ગઈ. ઘણા લોકો માત્ર એટલા માટે પોતાના મનગમતા ક્ષેત્રમાં જતા નથી કે પછી ‘લોકો શું કહેશે?’ આખો સમાજ જાણે એક અજબના ઑડિશનમાં ફેરવાઈ ગયો છે જ્યાં દરેક વ્યક્તિ કોઈના અપ્રૂવલ માટે પર્ફોર્મ કરે છે. એ ભૂલવું ન જોઈએ કે એક જ ડાળની હોવા છતાં બે કેરીઓ અલગ-અલગ સમયે પાકે છે. દરેકને પોતાનો સમય હોય છે, દરેકની પોતાની પ્રક્રિયા હોય છે, દરેક ઉંમરની એક કવિતા હોય છે. ૨૦ વર્ષની ઉંમરનાં સપનાં સુંદર લાગે છે, ચાલીસમા વર્ષે જવાબદારીઓ ગમે છે અને ૬૦મા વર્ષે અનુભવોનું પોતાનું સૌંદર્ય હોય છે.


પેલી સેલિબ્રિટી અંતે કબૂલ કરે છે, ‘સ્ક્રીન પે દિખતા હૈ વૈસા હોતા નહીં હૈ. અનરિયલિસ્ટિક સર્જરી, ખતરનાક મેડિકેશન યે સબ કરના પડતા હૈ સુંદર, બ્યુટિફુલ, યંગ દિખને કે લિએ. યે સબ આમ લડકિયોં કે લિએ નહીં હૈ.’

સામાન્ય જનના મનની ભ્રાન્તિને દૂર કરવા જ જાણે દિગ્દર્શકે આ સીન ખાસ ઊભો કર્યો છે. સંવાદ વેધક અને ચોટદાર છે. ટીનેજરની દલીલો સામે આખરે કહે છે, ‘પર્ફેક્ટ દિખને કે ચક્કર મેં ભૂલ જાતે હૈં કિ હમ આખિર મેં ઇન્સાન હૈં, કોઈ ફિલ્ટરવાલી ફોટો નહીં. એજિંગ ઇઝ નૉટ અ ડિસીઝ, ઇટ્સ અ પ્રિવિલેજ. નો મોર એજ શેમિંગ, નો મોર બૉડી શેમિંગ. ઇટ્સ ટાઇમ ટુ સેલિબ્રેટ હુ યુ રિયલી આર! સોશ્યલ પ્રેશર કો અપને ડ્રીમ્સ ક્રશ મત કરને દો. લિવ ધ લાઇફ ધ વે યુ વૉન્ટ ટુ. અપને જિસમ સે, અપની ઝુર્રિયોં સે પ્યાર કરના સીખ જાઈએ ક્યૂંકિ યુ આર ઓરિજિનલ ઔર ઓરિજિનલ કી કોઈ એક્સ્પાયરી ડેટ નહીં હોતી.’

બાય ધ વે

તમને ખબર છે કે દુનિયાની સૌથી મોંઘી કલાકૃતિ કઈ હોય છે? જે સૌથી જૂની હોય છે એ. પેઇન્ટિંગ્સ, મૂર્તિઓ, હસ્તપ્રતોની કિંમત એ કેટલાં જૂનાં છે એના પર આધાર રાખે છે. ઍન્ટિક્સ અને ક્લાસિક વસ્તુઓની કિંમત સમય જાય એમ વધતી જાય છે. માણસ જ એકમાત્ર ‘પ્રોડક્ટ’ બની ગયો છે જેને બજાર સતત ટોકે છે કે ‘તમારે જૂના નથી દેખાવાનું.’ હવે આપણે જ નક્કી કરવાનું છે : બજારનું માનવું કે અંતરાત્માનું?

Whatsapp-channel Whatsapp-channel

03 June, 2026 11:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK