Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મણિબહેન પટેલ - એક સમર્પિત જીવન

મણિબહેન પટેલ - એક સમર્પિત જીવન

06 March, 2022 05:34 AM IST | Mumbai
Dr. Dinkar Joshi

ગાંધીજી માટે જેમ મહાદેવભાઈ દેસાઈ હતા એમ સરદાર પટેલ માટે પણ કહેવું હોય તો આંખ મીચીને કહી શકાય કે મણિબહેને જો પોતાનું જીવન પિતાને સમર્પિત ન કર્યું હોત તો સરદારે જે કામગીરી કરી એ કદાચ ન કરી શક્યા હોત

સરદાર પટેલ પરિવાર સાથે. તસવીર સૌજન્યઃ મણિબહેન વલ્લભભાઈ પટેલ એક સમર્પિત જીવન પુસ્તકમાંથી.

ઊઘાડી બારી

સરદાર પટેલ પરિવાર સાથે. તસવીર સૌજન્યઃ મણિબહેન વલ્લભભાઈ પટેલ એક સમર્પિત જીવન પુસ્તકમાંથી.


ગાંધીજી પાસે મહાદેવભાઈ દેસાઈ જેવા રહસ્યમંત્રી હોત જ નહીં તો શું ગાંધીજી જે કામગીરી કરી શક્યા એ કરી શક્યા હોત ખરા? ગાંધીજીને આપણે આજે જે અને જેટલા જાણીએ છીએ એ અને એટલા મહાદેવભાઈએ જે કામગીરી કરી એના કારણે જાણી શકીએ છીએ. જે રીતે ગાંધીજી માટે આમ કહી શકાય એ જ રીતે સરદાર પટેલ માટે પણ કહેવું હોય તો આંખ મીચીને કહી શકાય કે મણિબહેને જો પોતાનું જીવન પિતાને સમર્પિત ન કર્યું હોત તો સરદારે જે કામગીરી કરી એ કદાચ ન કરી શક્યા હોત. સરદાર પાસે વી. શંકર કે પછી વી. પી. મેનન જેવા મંત્રીઓ હતા, પણ આ મંત્રીઓ સરદારની જે કામગીરી કરતા એ કામગીરીને મણિબહેને સરદાર માટે જે કર્યું એની સાથે સરખાવી શકાય નહીં. મણિબહેન સરદારનાં પુત્રી, પણ તેમણે પોતાના સમગ્ર અસ્તિત્વને ઓગાળીને પિતાને જીવન સમર્પિત કર્યું. સરદાર વિશે પુષ્કળ વાતો કરનારા આપણે સૌ મણિબહેન વિશે બહુ ઓછું જાણીએ છીએ. સરદારના ઝભ્ભાનાં તૂટેલાં બટન ટાંકવાથી માંડીને તેમના પત્રોને સંભાળપૂર્વક સાચવવા જેવી કામગીરી મણિબહેને આજીવન કરી. 
મણિબહેન એક સમર્પિત જીવન
સમર્પણ સહેલું નથી. એ ભારે અઘરી વાત છે. મણિબહેન વિશે લખાયેલું આવું એક પુસ્તક હમણાં જ પ્રકાશિત થયું (લેખક : મેઘા ગોપાલભાઈ ત્રિવેદી; પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર; પૃષ્ઠ - ૧૬૦). મણિબહેનના જીવનનું આ સવિસ્તર દર્શન નથી, એક ઝાંખી માત્ર છે. જોકે આ ઝાંખી જાણવા જેવી છે. જીવનચરિત્રનું આલેખન કરવું એ સહેલી વાત નથી. ઘણાબધા સંદર્ભો તપાસવા પડે અને તપાસ્યા પછી ચકાસવા પણ પડે. આ રજૂઆત કથનાત્મક ધોરણે હોય ત્યારે રસપ્રદ બની રહે, પણ જો એ નિબંધાત્મક કેડીએ ચડી જાય તો માહિતી આપે પણ દર્શન ન થાય. 
પાંચ વરસનાં મણિબહેન માતાને ગુમાવી દે છે અને પછી ત્રણ વર્ષના નાના ભાઈ સાથે મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક અંગ્રેજી ખ્રિસ્તી શિક્ષિકા પાસે શિક્ષણના શ્રી ગણેશ કર્યા. સરદાર બૅરિસ્ટરનું ભણવા માટે લંડન ગયા અને આ બે બાળકો માતા-પિતાવિહોણાં થયાં. અહીં લેખક નવી માહિતી આપે છે. આ ભાઈ-બહેન અંગ્રેજી શિક્ષિકા પાસે બે વર્ષ રહ્યાં અને આ બે વર્ષમાં બંને જણ ગુજરાતી ભાષા સદંતર ભૂલી ગયાં (આ માહિતી ચકાસવા જેવી). બીજું બધું તો ઠીક, અંગ્રેજી પદ્ધતિએ નિર્વસ્ત્ર અવસ્થામાં સ્નાન કરવાનું શિક્ષિકા બહેન શીખવે ત્યારે મણિબહેનને ભારે વાંધો પડી જતો. આ વાત સારી રીતે કહેવા જેવી હતી, પણ કહી શકાઈ નથી. 
આવું ઘણા પ્રસંગે બન્યું છે અને આમ છતાં મણિબહેનનું જે ચિત્ર આપણને મળ્યું છે એનાથી કોઈ પણ વાચક આ સમર્પણને સલામ કર્યા વિના રહે નહીં. વલ્લભભાઈની ઇચ્છા મણિબહેનને આગળ અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ મોકલવાની હતી. આવી માહિતી આપતી વખતે એના સ્રોત વિશે જાણકારી આપી હોત તો એની અધિકૃતતા સ્વીકારી શકાઈ હોત.
મણિબહેનની એકાકી અવસ્થા
પિતા સ્વતંત્રતા સંગ્રામના નેતા થયા અને ૧૫ વરસનાં મણિબહેન મોટા ઘરમાં સર્વેસર્વા બન્યાં. પિતા-પુત્રી વચ્ચે આખા દિવસમાં માંડ ઘડીક બે શબ્દોની આપ-લે થાય. બાકી મણિબહેન એકલાં-અકળાયેલાં. મણિબહેન રડી પડે છે. પિતા પૂછે છે, પણ પુત્રી સમજાવી શકતી નથી. ગાંધીજીએ મણિબહેનને પોતાની પાસે બોલાવ્યાં અને મણિબહેનને સમજાવવાની અને સમજવાની બંને કોશિશ કરી છે. મણિબહેન સમજણાં થાય છે. પિતાની એકાકી અવસ્થાને તે સમજી ગયાં છે. હવે પિતાને ક્યારે અને શું જોઈએ એની તમામ જાણકારી તેમણે મેળવી લીધી. વિચારે છે કે પિતાની આ બધી સેવા કોણ કરશે? મણિબહેને આ કામગીરી પોતાને હસ્તક લઈ લીધી. પુત્રીએ જ્યારે પિતાને પોતાની ઇચ્છા જણાવી ત્યારે પિતાએ કહ્યું છે, ‘બે આંખ અને બે કાન ખુલ્લા રાખવા પડશે, પણ બે હોઠ તો સતત બંધ જ રાખવા પડશે.’ પિતાએ શીખવેલો આ પાઠ મણિબહેને આજીવન બરાબર નિભાવ્યો. 
સ્વભાવ શત્રુ 
એકાકી અવસ્થામાં રહેવાને કારણે હોય કે પછી પિતાની કોઈ સગવડ સાચવવાના આગ્રહને કારણે હોય - મણિબહેનના સ્વભાવમાં સખતાઈ અને તોછડાઈ સુધ્ધાં જોઈ શકાય છે. ડાહ્યાભાઈનાં પત્ની યશોદાબહેન સાથે ઘરમાં જ મનમેળ નહોતો. એટલું જ નહીં, સરદારનાં પાછલાં વરસોમાં ડૉ. સુશીલા નૈયર તેમની દેખભાળ કરતાં ત્યારે મણિબહેનને સુશીલા નૈયર સાથે પણ ઠીક-ઠીક પ્રમાણમાં અણબનાવ રહ્યો છે. સાદાઈના એવા આગ્રહી કે નાયબ વડા પ્રધાન તરીકે સરદારને જ્યાં રહેઠાણ મળ્યું હતું એ રહેઠાણના બગીચાની બત્તીઓ તથા સંખ્યાબંધ ઓરડાઓ તેમણે બંધ કરાવી દીધાં હતાં. જોકે લેખિકાએ આ પુસ્તકમાં લખ્યું છે એમ સરદારનું આ રહેઠાણ સરકારી બંગલો નહોતો. દિલ્હીના ઔરંગઝેબ રોડનો આ બંગલો સરદારના મોટા ભાઈ વિઠ્ઠલભાઈના મિત્ર બનવારીલાલનો હતો. બનવારીલાલે આ બંગલો સરદારને પોતાના રહેઠાણ તરીકે રહેવા આવ્યો હતો. (આ બંગલાની દાસ્તાન જાણવા જેવી છે. સરદારના અવસાન પછી આ બંગલો કેન્દ્ર સરકારે પોતાના હસ્તક લઈ લીધો હતો અને એને કારણે અદાલતી કાર્યવાહી પણ થઈ હતી. અદાલતે આ બંગલો એના મૂળ માલિકને સોંપી દીધો એ પછી એને ખરીદી લેવા માટે સરકારે એક સમિતિ પણ નીમી હતી. આ સમિતિના પ્રમુખ રાજ્યસભાના સભ્ય અને હિન્દી સાહિત્યકાર ત્રિલોકનાથ ચતુર્વેદી હતા. તેમણે પોતાની તપાસનો અહેવાલ સરકારને સુપરત કર્યો હતો, પણ એ પછી શું થયું એની માહિતી કોઈને મળતી નથી.) 
કામ અને કથની
મણિબહેન વિશે કોઈક સળંગસૂત્રી ચરિત્રાત્મક પુસ્તક લખાય એ આવકારદાયક છે, પણ આ પુસ્તકમાં કેટલીક માહિતીઓ તપાસવા જેવી છે, ચકાસણી કરવા જેવી છે. સરદાર અને ગાંધીજી વચ્ચે મન ઊંચાં થાય છે ત્યારે બન્નેને મહાદેવભાઈની ખોટ વર્તાય છે એ કલ્પના વૈભવ છે. આમાંથી એકેયની વાસ્તવિક પરિસ્થિતિની નોંધ નથી. ગાંધીજીએ વિભાજન પછી દિલ્હીમાં જે ઉપવાસ આદર્યા એમાં ૫૫ કરોડ રૂપિયા પાકિસ્તાનને આપવામાં કોઈ શરત નહોતી. ગાંધીજીને આ વિશે અસંતોષ જરૂર હતો, પણ ઉપવાસ સાથે એને કોઈ સંબંધ નહોતો. સરદાર પટેલના અગ્નિસંસ્કાર મુંબઈમાં સોનાપુર ખાતે થયા હતા અને સોનાપુર સાંતાક્રુઝમાં નથી. મૃદુલાબહેન વિશે વાત કરતી વખતે ‘એક પ્રતિષ્ઠિત’ મહિલા આવું શા માટે? ૩૦,૦૦૦નો આ પ્રસંગ મૃદુલાબહેનના નામે સારી રીતે જાણીતો છે. એ જ રીતે રફી અહમદ કિડવાઈના નામે જે ઊહાપોહ થયો હતો એ પણ જાણીતો છે. એમાં નામ છુપાવવાની કોઈ જરૂર નથી. 
અને આમ છતાં આ પુસ્તક મણિબહેનને આપણી સમક્ષ ઉજાગર કરે છે એટલે આવકારદાયક છે. સરદારની વિદાય પછી મણિબહેને સંસદસભ્ય તરીકે વર્ષો સુધી જે સેવા આપી એની માહિતી પણ મળી હોત તો એની જાણકારી વાચક માટે રસપ્રદ થાત.

મણિબહેનની ડાયરીઓ



પિતાના પડછાયાની જેમ વર્ષો સુધી સરદાર સાથે રહ્યા એ ગાળાની કેટલીક ડાયરીઓ પણ મણિબહેને લખી છે. મણિબહેન વિદુષી સ્ત્રી નહોતાં, જવાહરલાલનાં પુત્રી ઇન્દિરાની જેમ રાજકીય આટાપાટા પણ ઝાઝા જાણતાં નહોતાં એટલે તેમણે જે લખ્યું છે એ ખરેખર તો એક નોંધ જેવું છે. આ નોંધ પરથી એક પુસ્તક પી. એન. ચોપડા અને પ્રભા ચોપડાએ આપણને આપ્યું છે, પણ આ પછીયે ૪૦ જેટલી નોટબુકો ભરીને લખાયેલી નોંધો હજુ પણ અપ્રગટ અવસ્થામાં તાળાચાવીમાં પુરાયેલી છે. આ નોંધો આ લખનારે (એટલે કે દિનકર જોષીએ) જોઈ છે, વાંચી છે, તપાસી છે. મોટા ભાગનાં લખાણો કદાચ રાજકીય રીતે ઉપયોગી નથી અને આમ છતાં એનું સંપાદન કરીને એને વહેલાસર પ્રગટ કરવામાં આવે એ જરૂરી છે.


Whatsapp-channel Whatsapp-channel

06 March, 2022 05:34 AM IST | Mumbai | Dr. Dinkar Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK