સહ્યાદ્રિ પર્વતમાળામાં આવેલા માથેરાનનું નામ પડે એટલે મગજમાં સીધું ટૉય ટ્રેન, ટ્રેકિંગ પૉઇન્ટ્સ અને ચોમેર હરિયાળીનાં નયનરમ્ય દૃશ્યો આંખો સામે તરી આવે.
મિની ટ્રેન અને ટ્રેકિંગ માટે જાણીતા માથેરાનમાં બિરાજે છે બાવન ફુટ ઊંચા કડ્યાવરચા ગણપતિ
સહ્યાદ્રિ પર્વતમાળામાં આવેલા માથેરાનનું નામ પડે એટલે મગજમાં સીધું ટૉય ટ્રેન, ટ્રેકિંગ પૉઇન્ટ્સ અને ચોમેર હરિયાળીનાં નયનરમ્ય દૃશ્યો આંખો સામે તરી આવે. જોકે શું તમને ખબર છે કે મુંબઈ નજીક આવેલા આ જાણીતા હિલ-સ્ટેશનમાં એક ખડકમાંથી કંડારેલા બાવન ફુટ ઊંચા ‘કડ્યાવરચા ગણપતિ’ બિરાજમાન છે? ‘નિસર્ગાચા રાજા’ તરીકે જાણીતા આ બાપ્પાની સ્ટોરી પણ જાણવા જેવી છે
સહ્યાદ્રિ પર્વતમાળામાં આવેલા માથેરાનનું નામ પડે એટલે મગજમાં સીધું ટૉય ટ્રેન, ટ્રેકિંગ પૉઇન્ટ્સ અને ચોમેર હરિયાળીનાં નયનરમ્ય દૃશ્યો આંખો સામે તરી આવે. જોકે શું તમને ખબર છે કે મુંબઈ નજીક આવેલા આ જાણીતા હિલ-સ્ટેશનમાં ખડકમાંથી કંડારેલી ભારતના સૌથી ઊંચા ગણપતિની મૂર્તિમાંની એક બાવન ફુટ ઊંચી ‘કડ્યાવરચા ગણપતિ’ની મૂર્તિ બિરાજમાન છે? ‘નિસર્ગાચા રાજા’ તરીકે જાણીતા આ બાપ્પાની સ્ટોરી પણ જાણવા જેવી છે
lll
ગણેશોત્સવ દરમ્યાન મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં વાતાવરણ ભક્તિમય બની ગયું છે. ઘરે અને મંડળો ઉપરાંત ગણેશમંદિરોમાં વિશેષ પૂજાઅર્ચના થાય છે ત્યારે માથેરાનના પેબ ફોર્ટ નજીક આવેલા બાપ્પાના વિરાટ સ્વરૂપનાં દર્શન બહુ ઓછા લોકોને થયાં હશે. બાપ્પાની આ વિરાટ પ્રતિમા નેરલ-માથેરાન રેલવે-રૂટની આસપાસના પહાડી વિસ્તારમાં આવેલી છે. પર્વતના કુદરતી ખડકને જ ગણેશસ્વરૂપ આપીને ઊભી કરવામાં આવેલી આ પ્રતિમા જેટલી વિશાળ છે એટલી જ રસપ્રદ એની પાછળની કહાની છે.
ટ્રેનની બારીમાંથી દેખાયો ખડક
નેરલથી માથેરાન વચ્ચે દોડતી મિની ટ્રેનના મોટરમૅન રાજારામ ખડે સેન્ટ્રલ રેલવેમાં કામ કરતા હતા. વર્ષો સુધી ટ્રેન ચલાવતી વખતે પેબ ફોર્ટ તરફ પહાડી વિસ્તારમાં આવેલા એક ખડક પર તેમની નજર જતી. અન્ય મુસાફરો માટે એ કદાચ માત્ર પહાડનો એક ભાગ હતો, પરંતુ રાજારામ ખડેને એ ખડકના આકારમાં ગણપતિનું સ્વરૂપ દેખાતું હતું. દરેક ફેરી દરમ્યાન એ જ ખડક તેમનું ધ્યાન આકર્ષિત કરતો હતો. લોકો એવું પણ કહે છે કે રાજારામ ખડે એક વખત ત્યાંથી ટ્રેનથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ઉંદર તેમની જગ્યાએ આવીને આંટો મારીને ટ્રેનમાંથી નીકળી ગયો અને આ ઘટના ગણેશસ્વરૂપ ખડકની બાજુમાં પહોંચ્યા ત્યારે જ બની હતી. રાજારામે આ ઘટનાને દૈવી સંકેત માનીને ખડકને ગણપતિનું સ્વરૂપ આપવાનો નિર્ણય લીધો. ૨૦૦૫માં માથેરાનના ડુંગરાળ વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું અને મિની ટ્રેનની સર્વિસ પણ ખોરવાઈ ગઈ હતી. આ સમયગાળામાં રાજારામ ખડે એ ખડક સુધી પહોંચ્યા અને તેમણે બાપ્પાના સ્વરૂપને શાર્પ બનાવવાનું કામ શરૂ કર્યું. શરૂઆતમાં ખડક પર લોખંડનાં પતરાં અને અન્ય સાધનોની મદદથી ગણપતિના મુખનો આકાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ત્યાર બાદ સિમેન્ટ અને ખડીની મદદથી હાથ બનાવવામાં આવ્યા. ગણપતિના ૪ હાથમાં આયુધોનું સ્વરૂપ આપવામાં આવ્યું. આ કામમાં તેમના સાથીદારોએ પણ સાથ આપ્યો હતો. કોઈ અત્યાધુનિક મશીનરી કે મોટા શિલ્પકારોની ટીમ વગર ધીમે-ધીમે ખડકનું સ્વરૂપ બદલાતું ગયું. બાપ્પાની મૂર્તિનું કલરકામ પણ તેમણે જ સંભાળ્યું હતું. ૧૪ વર્ષ સુધી ચાલેલા આ પ્રયાસનું પરિણામ ૨૦૧૮માં સામે આવ્યું. પહાડના કિનારે એક વિરાટ ગણેશસ્વરૂપ ઊભું હતું.
એટલે જ નામ પડ્યું ‘કડ્યાવરચા ગણપતિ’
મરાઠીમાં ‘કડા’ એટલે પહાડનો ઊભો કિનારો અથવા ભેખડ. એટલે કડામાં, કડાની બાજુએ બિરાજેલા ગણપતિ માટે ‘કડ્યાવરચા ગણપતિ’ નામ પ્રચલિત થયું. રાજારામ ખડેએ આ બાપ્પાને ‘નિસર્ગાચા રાજા’ નામ આપ્યું હતું. નામ પાછળનું કારણ પણ જાણે આ સ્થળની આખી ઓળખ કહી જાય છે. ગણપતિ અને કુદરત અહીં એકબીજાથી અલગ લાગતાં નથી. કાળો પાષાણ, એની આસપાસની લીલીછમ ટેકરીઓ અને નીચે દેખાતી ઊંડી ખીણો વચ્ચે ઊભેલી પ્રતિમા જાણે હરિયાળી પ્રકટ થઈ હોવાનો ભાસ કરાવે છે.
સાડાપાંચ ફુટનો મોદક
બાવન ફુટના વિરાટ ગણપતિ સામે ભક્તોનું ધ્યાન ખેંચે છે તેમનો વિશાળ મોદક પણ. માથેરાનથી ૨૦ કિલોમીટરના અંતરે રહેતા ટ્રેક અને ટૂર્સ ટ્રાવેલ બિઝનેસના માલિક અમર ચિમટે કહે છે, ‘કડ્યાવરચા ગણપતિબાપ્પાને દૂરથી ઘણા લોકોએ જોયા હશે, પણ બાપ્પા સામે આશરે સાડાપાંચ ફુટ ઊંચો મોદક બનાવવામાં આવ્યો છે. એની સાથે મૂષકની રચના પણ કરવામાં આવી છે. બાપ્પાની મૂર્તિ એક નાનકડા ગણેશમંદિર પર આવેલી છે. બાપ્પાના વિરાટ સ્વરૂપનાં દર્શન તો દૂરથી પણ થઈ જાય છે, પણ મંદિરનાં દર્શન કરવાં હોય તો પેબ ફોર્ટથી થોડું ચાલતાં જ આ મંદિર આવી જાય છે. નાનકડા મંદિરમાં બાપ્પાની સરસ નાની મૂર્તિ છે. ત્યાં સવાર-સાંજ આરતી થાય છે અને એ પણ સ્થાનિકો દ્વારા જ કરવામાં આવે છે. આ વિરાટ ગણપતિને સાકાર કરનાર રાજારામ ખડેનું લાંબી બીમારીને કારણે માર્ચ ૨૦૨૨માં અવસાન થયું હતું. રેલવેના એક મોટરમૅનની આંખે દેખાયેલું ગણપતિનું સ્વરૂપ આજે પ્રવાસીઓ માટે હકીકત બનીને ઊભું છે.’
અહીં પહોંચવું પણ એક અનુભવ
કડ્યાવરચા ગણપતિ સુધી પહોંચવા માટે સામાન્ય પ્રવાસી-સ્થળ જેવી સીધી રોડ-કનેક્ટિવિટી નથી. આ સ્થળ સુધી પહોંચવાનો એક રૂટ નેરલ-માથેરાન મિની ટ્રેનના માર્ગ સાથે જોડાયેલો છે. નેરલથી શૅરિંગ કૅબ દ્વારા માથેરાન તરફ જઈને મિની ટ્રેનના માર્ગ પરથી ટ્રેક કરીને આ સ્થળ સુધી પહોંચી શકાય છે. મિની ટ્રેનના ચોક્કસ પૉઇન્ટ પરથી આશરે બે કિલોમીટરનો પગપાળા માર્ગ દર્શાવવામાં આવ્યો છે. એટલે આ સ્થળની મુલાકાતમાં દર્શન જેટલો જ મહત્ત્વનો ભાગ પ્રવાસ પણ છે. અમર ચિમટે કહે છે, ‘ચોમાસા દરમ્યાન માથેરાનની ટેકરીઓ લીલીછમ બની જાય છે અને ધુમ્મસથી ઘેરાયેલા પહાડો વચ્ચે આ વિરાટ પ્રતિમા વધુ આકર્ષક લાગે છે. જોકે વરસાદી મોસમમાં પહાડી રસ્તાઓ લપસણા બની શકે છે એટલે ટ્રેકિંગ કરતી વખતે કાળજી અને માર્ગદર્શન જરૂરી છે. અત્યારે ઘણા સ્થાનિક ટ્રેકર્સ ટ્રેકિંગ કરવા આવતા લોકોને કડ્યાવરચા ગણપતિ જોવા લઈ જાય છે.’
અહીં કુદરત છે, આસ્થા છે, સાહસ છે અને એક સામાન્ય માણસના અસામાન્ય સંકલ્પની કહાની પણ છે. માથેરાનની ટૉય ટ્રેનમાં બેસીને પસાર થતાં કદાચ તમને આ પહાડ માત્ર પહાડ જ લાગ્યો હશે, પણ એક મોટરમૅનને એ જ ખડકમાં ગણપતિ દેખાયા હતા. આજે એ જ ખડકમાં ઊભેલા બાવન ફુટના ‘કડ્યાવરચા ગણપતિ’ પ્રવાસીઓને જાણે એ જ વાત યાદ અપાવે છે કે કુદરત ક્યારેક આકાર આપે છે અને માણસ એમાં અર્થ શોધે છે.
