Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મોબાઇલ મૉન્સ્ટર : જુઓ, તમારી આજુબાજુમાં તો નથીને? (પ્રકરણ ૫)

મોબાઇલ મૉન્સ્ટર : જુઓ, તમારી આજુબાજુમાં તો નથીને? (પ્રકરણ ૫)

Published : 30 October, 2026 03:27 PM | Modified : 30 October, 2026 03:46 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

લિસન મી કૅરફુલી સાયરા...’ સેક્રેટરીએ ઑર્ડર કર્યો, ‘જો તે છોકરાને કંઈ થયું છે તો નોટ ઇટ, જેન-ઝી રસ્તા પર ઊતરી આવશે, સરકારને જવાબ આપવો ભારે પડશે. રાઘવનને કહો કે તાત્કાલિક ગોડબોલેની અરેસ્ટ બતાવે અને દેવ મહેતાને સેફલી બહાર લાવી.

ઇલસ્ટ્રેશન

ઇલસ્ટ્રેશન


જેની પાસે કન્ટેન્ટ, સત્તા હંમેશાં તેનાં ચરણોમાં.

સોશ્યલ મીડિયાની દુનિયામાં એક અફર નિયમ છે અને દેવ આ જ નિયમોને ફૉલો કરતો આગળ વધતો હતો. મુકેશ મિલ્સમાં હજી પણ ગનપાઉડર અને તાજા લોહીની બદબૂ હવામાં તરતી હતી. જમીન પર રોહનની લાશ હતી અને બન્ને ઢીંચણમાં ગોળી લાગેલી અવસ્થામાં ઇન્સ્પેક્ટર અનંત ગોડબોલે તરફડતા હતા. સાઇબર સેલની અન્ડરકવર ઑફિસર સાયરા મેનનના હાથમાં હાથકડી હતી અને સામે દેવ ચહેરા પર સ્માઇલ સાથે ઊભો હતો. તેણે મોબાઇલ સ્ક્રીન સાયરાની સામે રાખી હતી અને સ્ક્રીન પર લખ્યું હતુંઃ



10 MILLION VIEWS IN 60 SECONDS.


‘આ... આ તેં શું કર્યું?!’

કમિશનર રાઘવનના હાથમાં ફોન હતો અને ફોનની સ્ક્રીન પર મહારાષ્ટ્રના
પોલીસ-જનરલનું નામ રણકતું હતું. આ ઑલરેડી તેમનો ત્રીજો ફોન હતો.


‘દેવ, તેં આ ખોટું કર્યું...’

‘અરે સર, મેં કંઈ નથી કર્યું.’ દેવે કમિશનરની સામે જોયું, ‘મેં તો સોશ્યલ મીડિયાની ઑડિયન્સને એ જ પીરસ્યું જે એ જોવા માગતી હતી. તમારા આ ઑપરેશનનું એડિટેડ લાઇવ સ્ટ્રીમ અત્યારે પબ્લિક જુએ છે અને પબ્લિકે જોયું કે કેવી રીતે
પોલીસ-ઑફિસર ગોડબોલે પોતાના જ સાથીઓ પર ફાયરિંગ કરતો હતો અને કેવી રીતે એક ઇન્ડિપેન્ડન્ટ કૅમેરા-જર્નલિસ્ટ રોહનને મારવામાં આવ્યો.

‘તને ખબર છે, રિયલિટી અલગ છે...’

‘યસ, આઇ નો સર...’ ચહેરા પર નિર્દોષભાવ સાથે દેવે જવાબ આપ્યો, ‘મેં ધ્યાન રાખીને એ વિડિયોમાં સાબિત કરી દીધું છે કે હું તો માત્ર સત્ય બહાર લાવવા આ જાસૂસો વચ્ચે આવ્યો અને ફસાઈ ગયો. બાકી હું તો એક બ્રેવ જર્નલિસ્ટ છું જે પોતાની ઑડિયન્સની સામે સત્ય લઈ આવે છે.’

‘સત્ય, માય ફુટ...’ સાયરાએ દાંત કચકચાવ્યા, ‘તેં એડિટેડ વિડિયો અપલોડ કર્યો છે. બધું તારી ઇચ્છા મુજબનું દુનિયાને દેખાડ્યું છે.’

‘સાયરા રિલૅક્સ...’ કમિશનર રાઘવનના અવાજમાં આત્મવિશ્વાસ હતો, ‘ઓરિજિનલ ફુટેજ ફૉરેન્સિક લૅબમાં જશે ત્યારે બધું બહાર આવી જશે...’

‘ઓહ, રિયલી...’

દેવના રીઍક્શનનો રાઘવન જવાબ આપે એ પહેલાં જ સાયરાના ફોન પર રિંગ વાગી. સાયરાએ સ્ક્રીન પર જોયું. મહારાષ્ટ્રના હોમ મિનિસ્ટરના સેક્રેટરીનો ફોન હતો. રાઘવને સ્પીકર ચાલુ કરવા માટે ઇશારો કર્યો અને સાયરાએ કૉલ સ્પીકર પર કર્યો કે તરત સામેથી ચીસાચીસ સંભળાય.

 ‘સાયરા, આ ઇન્ટરનેટ પર શું ચાલે છે?! આખો દેશ દેવ મહેતાના સપોર્ટમાં રસ્તા પર ઊતરી આવ્યો છે. સોશ્યલ મીડિયા પર અત્યારે #JusticeForDevMehta અને #HeroJournalist ટ્રેન્ડિંગ છે...’

‘સર, તે દેવ...’

‘લિસન મી કૅરફુલી સાયરા...’ સેક્રેટરીએ ઑર્ડર કર્યો, ‘જો તે છોકરાને કંઈ થયું છે તો નોટ ઇટ, જેન-ઝી રસ્તા પર ઊતરી આવશે, સરકારને જવાબ આપવો ભારે પડશે. રાઘવનને કહો કે તાત્કાલિક ગોડબોલેની અરેસ્ટ બતાવે અને દેવ મહેતાને સેફલી બહાર લાવીને સોશ્યલ મીડિયા પર લાઇવ કરે...’

રાઘવન અને સાયરાની બોલતી બંધ થઈ ગઈ. લૉ જ્યારે લોકલાગણી અને ઍલ્ગરિધમના દબાણ સામે ઘૂંટણિયે પડે ત્યારે જસ્ટિસ મજાક બની જાય છે અને અત્યારે એવું જ થતું હતું.

દેવે આગળ વધીને સાયરાના ખભા પર હાથ મૂક્યો.

‘મેં કહ્યું હતુંને... મુંબઈમાં કાયદો નહીં, વાઇરલ વિડિયોનું ઍલ્ગરિધમ ચાલે છે.’ દેવે પોતાનો મોબાઇલ ખિસ્સામાં મૂક્યો અને રાઘવન સામે જોયું, ‘હું નીકળું સર, મારે પ્રેસ-કૉન્ફરન્સ માટે મોડું થશે અને જો મારે મોડું થયું તો યુ સી; જેન ઝી,
જંતર-મંતર...’

દેવ વટ કે સાથ ત્યાંથી નીકળી ગયો.

lll

એ સાંજે સાઉથ મુંબઈના વાય. બી. ચવાણ સેન્ટરમાં અનેક ટીવી-ચૅનલોનાં માઇક અને કેમેરા ગોઠવાયેલાં હતાં.

વાઇટ હૂડી અને બ્લુ જીન્સમાં મંચ પર દેવ આવ્યો. તેના કપાળ પર પટ્ટી હતી તો આંખોમાં આંસુ અને હાથમાં રોહનની ફ્રેમ કરેલી તસવીર હતી.

‘ફ્રેન્ડ્સ...’ દેવે માઇક હાથમાં લીધું, ‘રોહન મારો માત્ર કૅમેરામૅન નહોતો, નાનો ભાઈ હતો. તેણે મુંબઈના ભ્રષ્ટ તંત્ર અને ગોડબોલે જેવા હરામખોરોને ખુલ્લા પાડવામાં પોતાના જીવનું બલિદાન આપ્યું. પણ તેણે આપેલો ભોગ, તેણે આપેલું બલિદાન ફેલ નહીં જાય. આજથી જે કામ થશે એ રોહનને ધ્યાનમાં રાખીને થશે અને રોહનની ફૅમિલીની જવાબદારી આજથી ધ રિયલ કિલર નેટવર્કની...’

બધાની આંખો ફાટી ગઈ હતી. પલકારો માર્યા વિના બધા દેવને જોતા હતા.

દેવે વાત આગળ વધારી.

‘હા, મુંબઈ પલ્સ રોહન વિના આગળ નહીં વધે અને એટલે જ હું અનાઉન્સ કરું છું કે આજથી મુંબઈ પલ્સ બંધ... આજથી શરૂ થાય છે ધ રૉયલ કિલર નેટવર્કની...’

પ્રેસ હૉલ તાળીઓના ગડગડાટથી ભરાઈ ગયો.

દેવે પ્રેસ-કૉન્ફરન્સમાં સી-લિન્કવાળી ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો

‘મારી એક્સ-ફિયૉન્સે પૂજા ડિપ્રેશનમાં હતી. તેને બચાવવા હું પાછળ ગયો, દરિયામાં કૂદકો માર્યો; પણ હું ફેલ થયો... પણ હવે આ મુંબઈમાં કોઈ યંગસ્ટર આવી રીતે નહીં મરે... ક્યારેય નહીં.’ દેવે ઊંડો શ્વાસ લીધો, ‘રોહનના નામે હું ૧૦ કરોડ રૂપિયાનું ફાઉન્ડેશન શરૂ કરું છું, જે મેન્ટલી ડિસ્ટર્બ લોકોને હેલ્પ કરવાનું કામ કરશે.’

જે માણસે આ તમામ હત્યાઓની સ્ક્રિપ્ટ લખી હતી તે જ માણસ આજે દેશની નજરમાં સત્યનો પૂજક બનીને ચમકવા માંડ્યો હતો. એ પ્રેસ-કૉન્ફરન્સે સોશ્યલ મીડિયામાં જ નહીં, ટીવી અને પ્રિન્ટ-મીડિયામાં પણ દેકારો બોલાવી દીધો.

lll

૬ મહિના પછી.

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના સૌથી અલ્ટ્રા-મૉડર્ન કૉર્પોરેટ બિલ્ડિંગના ૩૨મા માળે દેવ મહેતાની નવી ઑફિસ તૈયાર થઈ ગઈ હતી. દેવની આ ઑફિસ બુલેટપ્રૂફ કાચથી મઢવામાં આવી હતી. ઑફિસમાંથી આખું મુંબઈ અને ઘુઘવાટા મારતો અરબી સમુદ્ર દેખાતો હતો. હૉલમાં વિશાળ LED દીવાલ પર દુનિયાભરના સોશ્યલ મીડિયા મેટ્રિક્સ, લાઇવ ક્રાઇમ ફીડ્સ અને મિલ્યન્સમાં દોડતા વ્યુઝના આંકડા ચમકતા રહેતા. હવે દેવ માત્ર ઇન્ફ્લુઅન્સર નહોતો, દેશના સૌથી મોટા ડિજિટલ મીડિયા સામ્રાજ્યનો માલિક હતો.

રિવૉલ્વિંગ ચૅર પર બેસીને દેવે સિગારેટ સળગાવી અને એ જ વખતે ઑફિસનો દરવાજો ખોલીને સેક્રેટરી અંદર આવ્યો.

‘સર, જે પાંચ નવા ઇન્ટર્ન્સને શૉર્ટલિસ્ટ કર્યા હતા તે બધા કૉન્ફરન્સ-રૂમમાં હાજર છે. બધા અમદાવાદ અને સુરતના યંગસ્ટર છે, તમે તેમના આઇડલ છો...’

‘ગુડ...’ દેવના ચહેરા પર સ્માઇલ આવી ગયું, ‘તેમને અંદર મોકલ...’

lll

પાંચ છોકરાઓ દેવની ચેમ્બરમાં આવ્યા.

વીસથી બાવીસ વર્ષની ઉંમર, આંખોમાં પૈસા કમાવાની ધગશ, ચહેરા પર પ્રસિદ્ધિ મેળવવાની ચમક અને હાથમાં સ્માર્ટફોન.

દેવને તેમના ચહેરાઓમાં પોતાનો ભૂતકાળ દેખાયો.

દેવે ટેબલ પર પાંચ બ્લૅક-ઑક્સ મૂક્યાં. દરેકમાં એક-એક આઇફોન, પોલીસ વાયરલેસ ટ્રૅકર અને સ્માર્ટવૉચ હતાં.

‘ફ્રેન્ડ્સ...’ દેવે એક પછી એક દરેક પર નજર કરી, ‘જો મુંબઈમાં સત્ય શોધવા નીકળશો તો ફુટપાથ પર ભૂખે મરવાનો વારો આવશે. આ મુંબઈ છે. મુંબઈને લોહી જોઈએ છે, પેઇન અને ચીસો જોઈએ છે. તમે કૅમેરા ઑન કરો એ વખતે કોઈ ટ્રેન નીચે કપાતું હોય કે કોઈની છાતીમાં ગોળી વાગતી હોય... તો બચાવવા હાથ નહીં લંબાવતા. તમારું એક જ કામ છે, લેન્સ સાફ રાખવો અને ફોકસ ક્લિયર રાખવું; કારણ કે જ્યાં સુધી સ્ક્રીન પર લોહી વહેશે ત્યાં સુધી તમારા અકાઉન્ટમાં ડૉલર્સનો વરસાદ વરસતો રહેશે. ઇઝ ધૅટ ક્લિયર?’

‘યસ સર...’

પાંચેય છોકરાઓ એકસાથે ઉત્સાહથી બોલ્યા. તેમને રવાના કરીને દેવ પોતાની ચૅર પર બેઠો અને વ્હિસ્કીનો ગ્લાસ ભરીને તેણે લૅપટૉપ ખોલ્યું. નવા સોશ્યલ મીડિયા અકાઉન્ટના કાઉન્ટર પર તેણે નજર કરી.

૫૦ મિલ્યન વ્યુઝ.

દેવની આંખો ચમકી અને બીજી જ સેકન્ડે ઑફિસની તમામ લાઇટો એકસાથે બંધ થઈ ગઈ. LED વૉલ્સ પર ચાલતાં તમામ સોશ્યલ મીડિયા ડૅશબોર્ડ્‍સ લાલ થઈ ગયાં અને સ્ક્રીન પર એકસાથે મોટા અક્ષરોમાં લખાયું : SYSTEM HACKED.

‘વૉટ ધ હેલ?!’

લૅપટૉપના સ્પીકરમાંથી રોહનનો અવાજ આવ્યો.

‘સર, તમે કહેતાને... કૅમેરો ઑન થાય પછી કોઈ દયા કે નૈતિકતા નહીં...’

દેવના હાથમાંથી વ્હિસ્કીનો ગ્લાસ છટકી ગયો.

રોહનની ચિતાને અગ્નિ પોતે જાતે જ મિડિયા સામે આપ્યો હતો તો પછી અત્યારે રોહન કેવી રીતે...

અચાનક લૅપટૉપનો વેબકૅમ ઑન થયો અને એક ચહેરો સામે આવ્યો.

તે રોહન નહોતો, પણ તે રોહન જેવો જ દેખાતો હતો.

‘કોણ છે તું?!’

‘કબીર... રોહનનો મોટો ભાઈ...’ સ્ક્રીન પરનો યુવાન ઠંડા કલેજે હસ્યો. ‘સાઇબર સિક્યૉરિટી અને એથિકલ હૅકિંગમાં ગોલ્ડ મેડલિસ્ટ. રોહને મને કહ્યું હતું કે તે મુંબઈના સૌથી મોટા ક્રિમિનલ સાથે કામ કરવા જાય છે એટલે તેણે પોતાના હાથમાં એક માઇક્રો-ચિપ પ્લાન્ટ કરાવી હતી જે તેના હાર્ટબીટ્સ અને તમામ બાયોમેટ્રિક્સ મારા સર્વર પર મોકલતી હતી. તેં તેને મરવા દીધો દેવ, તેં તેના છેલ્લા શ્વાસનો ક્લોઝ-અપ લીધો.’

‘શટ અપ...’ દેવે ટેબલ પર હાથ પછાડ્યો, ‘બોલ, તને શું જોઈએ છે? કેટલા પૈસા... ૧૦૦ કરોડ? ૨૦૦ કરોડ?’

‘પૈસા?’ કબીર ખડખડાટ હસ્યો, ‘તું જ કહેતો હતોને, દુનિયામાં પૈસા કરતાં કન્ટેન્ટ મોટું છે... જો આ તારું નવું કન્ટેન્ટ.’

કબીરે લૅપટૉપ પર એક કી દબાવી અને દેવની ઑફિસના તમામ દરવાજા ઑટોમેટિકલી સેન્ટ્રલ લૉકિંગ સિસ્ટમથી લૉક થઈ ગયા અને બીજી જ સેકન્ડે મુંબઈ, દિલ્હી, લંડન અને ન્યુ યૉર્કનાં તમામ મોટાં ન્યુઝ નેટવર્ક્સ, યુટ્યુબ હોમપેજ અને ઇન્સ્ટાગ્રામ પર એક અનએડિટેડ, રૉ ફુટેજ લાઇવ થયું.

એ ફુટેજ મુકેશ મિલ્સનો અસલી વિડિયો હતો જેમાં દેવ ગોડબોલેને
કહેતો હતો...

‘રોહનને એવો ઍન્ગલ આપીને ઊભો રાખજે જેથી ગોળી વાગે ત્યારે હું તરફડાટના તેના શૉટ લઈ શકું.’

એ ફુટેજમાં પૂજા શાહના સુસાઇડની અસલી હકીકત, વરલી હિટ ઍન્ડ રનનું બ્લૅકમેઇલિંગ અને ઝવેરી બજારમાં નિર્દોષ ગાર્ડને મરાવવાની દેવની તમામ વિડિયો-ક્લિપ્સ ક્રિસ્ટલ ક્લિયર અવાજમાં આખી દુનિયા સામે ટેલિકાસ્ટ થઈ રહી હતી.

દેવના ફોન પર લાખો ગાળો, ધમકીઓ અને અનફૉલોનું તોફાન શરૂ થયું.

એક મિનિટમાં ૫૦ મિલ્યન ફૉલોઅર્સ ઘટ્યા અને એ ઘટાડો સતત ચાલુ હતો તો કમેન્ટ્સનો પણ ઢગલો થવા માંડ્યો.

‘આ રાક્ષસને ફાંસી આપો...’

‘આ માણસ હલકટ છે, જાહેરમાં ફટકારો...’

‘ગેમ ઓવર દેવ.’ કબીરનો અવાજ આવ્યો, ‘તેં વ્યુઝ માટે આખું મુંબઈ સળગાવ્યું હતુંને, હવે આખું મુંબઈ તને સળગાવવા આવશે...’

દેવ પાસે હવે ભાગવાનો રસ્તો નહોતો અને દેવ ભાગવા માગતો પણ નહોતો. તેણે ટેબલનું ડ્રૉઅર ખોલ્યું અને ડ્રૉઅરમાં રહેલી પિસ્તોલ તરફ જોયું.

દેવના હોઠ પર વિચિત્ર, પાગલ જેવું સ્મિત આવી ગયું. તેણે છેલ્લી વાર કાચની પેલે પાર મુંબઈ સામે જોયું અને પછી પિસ્તોલનું નાળચું પોતાના કાનમાં દાખલ કર્યું.

‘નહીં દેવ... નહીં...’

કબીર માટે આ અનએક્સપેક્ટેડ હતું.

‘સૉરી દોસ્ત...’

દેવે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં લૉગ-ઇન કરીને લાઇવ શરૂ કર્યું.

‘ફ્રેન્ડ્સ...’ દેવે કૅમેરા સામે જોયું, ‘તમે મુંબઈમાં બધું લાઇવ જોયું... પણ ક્યારેય કોઈ કિંગનું લાઇવ સુસાઇડ જોયું છે? આ ખાસ તમારા માટે... સુપર એક્સક્લુઝિવ...’

ઢીંચિયાઉ...

કાન વાટે ગોળી ખોપરી ચીરીને નીકળી ગઈ. દેવનું શરીર ઝાટકા સાથે ફ્લોર પર અથડાયું. દેવના શરીરમાંથી નીકળતું લોહી ફેલાઈને તેના આઇફોનના કૅમેરાના લેન્સ પર પડ્યું, જે હજી પણ લાઇવ હતો.

લાઇવમાં જૉઇન થતા ઑડિયન્સનો આંકડો ઇન્ટરનેટના તમામ રેકૉર્ડ્સ તોડીને આગળ વધતો હતો.

૧૦૦ મિલ્યન વ્યુઝ... ૨૦૦
મિલ્યન વ્યુઝ...

ઢળતી સાંજ સાથે મુંબઈ પર હજી પણ ઍલ્ગરિધમનું રાજ અકબંધ હતું. બસ, માત્ર એક મોનસ્ટર ઓછો થયો હતો.

(સમાપ્ત)

Whatsapp-channel Whatsapp-channel

30 October, 2026 03:46 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK