બહુ ઓછા લોકોને ખબર છે કે મીનાકુમારીના અસ્તિત્વના તાંતણા ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના પરિવાર સાથે જોડાયેલા હતા. એ રહસ્ય જાણવા અતીતમાં ડોકિયું કરવું પડશે. આ એ દિવસોની વાત છે જ્યારે બાળવિવાહ સામાન્ય હતા. આઠ-દસ વર્ષની ઉંમરે બાળકીઓના વિવાહ નક્કી થઈ જતા.
મીનાકુમારી
એક સમય હતો જ્યારે ફિલ્મો કેવળ ‘બ્લૅક ઍન્ડ વાઇટ’માં બનતી. સેટ પરનો ચંદ્ર કાચનો, ફૂલો કાગળનાં અને આલીશાન દેખાતો મહેલ પૂંઠાનો બનેલો રહેતો. સઘળું બનાવટી હતું જે સાચકલું હોવાનો મિથ્યા પ્રયત્ન કરતું. આવા મુખવટાની દુનિયામાં એક જ ચીજ અસલી હતી અને એ હતો મીનાકુમારીનો અભિનય.
એમ કહેવાય છે કે An Actor is a liar who tells the truth. મીનાકુમારી એક એવી અભિનેત્રી હતાં જે ‘મૈં સચ કહૂંગી ઔર સચ કે સિવા કુછ ભી નહીં કહૂંગી’ના સોગંદ ખાધા વિના એટલો સ્વાભાવિક અભિનય કરતાં કે તેઓ સતત જીવંત લાગતાં.
બહુ ઓછા લોકોને ખબર છે કે મીનાકુમારીના અસ્તિત્વના તાંતણા ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના પરિવાર સાથે જોડાયેલા હતા. એ રહસ્ય જાણવા અતીતમાં ડોકિયું કરવું પડશે. આ એ દિવસોની વાત છે જ્યારે બાળવિવાહ સામાન્ય હતા. આઠ-દસ વર્ષની ઉંમરે બાળકીઓના વિવાહ નક્કી થઈ જતા. વયસ્ક થયા બાદ દીકરી સાસરે જતી, પરંતુ કમનસીબે એ પહેલાં જો પતિનું મૃત્યુ થાય તો તે બાળવિધવા ગણાતી.
રવીન્દ્રનાથ ટાગોરના ભાઈ સુકુમારની પુત્રી બાળવિધવા થઈ. રૂઢિચુસ્ત બંગાળી રીતરિવાજોને કારણે વયસ્ક થઈને તેણે ઈસાઈ ધર્મ અપનાવ્યો અને મેરઠ આવી. અહીં તેની મુલાકાત વાર્તાકાર પ્યારેલાલ સાથે થઈ. બન્નેએ લગ્ન કર્યાં. તેમની એક પુત્રી હતી પ્રભાવતી. તે કલા અને સંગીતની શોખીન હતી. કામની શોધમાં તે મુંબઈ આવી. થોડા સમય બાદ હાર્મોનિયમવાદક અલી બક્ષ સાથેની તેની મૈત્રી પ્રેમમાં પરિણમી અને લગ્ન થયાં અને અલી બક્ષની બીજી પત્ની ઇકબાલબાનો બની. તેમનાં ત્રણ સંતાનો હતાં ખુરશીદ, મેહઝબીન અને મહિલકા (જે મધુ તરીકે ઓળખાઈ અને કૉમેડિયન મેહમૂદની પત્ની હતી).
૧૯૩૩માં પહેલી ઑગસ્ટે મેહઝબીનનો જન્મ થયો જે મીનાકુમારીના નામે મશહૂર થઈ. તેને ભણવાનો શોખ હતો, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે અને નાનપણથી ચહેરેમહોરે સુંદર હોવાને કારણે પિતાએ તેને ફિલ્મોમાં કામ કરાવવાનું નક્કી કર્યું. છ વર્ષની ઉંમરે વિજય ભટ્ટની ફિલ્મ ‘લેધર ફેસ’માં (૧૯૩૯) બેબી મેહઝબીને કૅમેરાનો સામનો કર્યો અને ૨૫ રૂપિયાની કમાણી કરી.
માતા-પિતા કામ પર અને બન્ને બહેનો સ્કૂલમાં જાય એટલે મેહઝબીન ઘર સંભાળે, રસોઈ કરે, બીજાં નાનાં-મોટાં કામ કરે. ૧૯૪૦માં તેણે બે ફિલ્મોમાં કામ કર્યું, ‘એક હી ભૂલ’ અને ‘પૂજા’. વિજય ભટ્ટે મેહઝબીનનું નામ રાખ્યું બેબી મીના. મેહઝબીનનો અવાજ મીઠો હતો. અનિલ બિસ્વાસે ૧૯૪૧માં તેના અને વીણાના સ્વરમાં એક ગીત રેકૉર્ડ કર્યું, ‘લે ચલ અપની નગરિયા, ગોકુલવાલે સાંવરિયાં’.
કુમળી વયમાં મીનાએ ઘરનો બોજો ઊંચકવા માંડ્યો. બાળકલાકાર તરીકે ફિલ્મોનું શૂટિંગ પૂરું કરીને ઘરે આવતી મીના જુવાન થતી હતી, પણ પરિવાર માટે તો તે કેવળ પૈસા કમાવાનું મશીન હતી એટલું જ નહીં, ઘરે આવે ત્યારે માબાપના ઝઘડા અને કલુષિત વાતાવરણ તેને પીડા આપતું. તે ખૂબ સંવેદનશીલ હતી. નાનપણની માસૂમિયત ઘરનું વૈતરું કરવામાં અને યુવાનીની અંગડાઈ ઘરના કંકાસમાં ઓગળતી હતી એનો અહેસાસ મીનાને થતો, પણ તે મજબૂર હતી.
એકલીઅટૂલી મીના પથારીમાં પથરા લઈને સૂઈ જતી. એનું કારણ વર્ષો બાદ તેના એક ઇન્ટરવ્યુમાં જાણવા મળ્યું. ‘મેરે બેડરૂમ કી દીવારેં પથ્થરોં સે સજાઈ હૈ. ક્યોં કિ બરસોં સે યે મેરે અઝીઝ હૈ. મૈં રોતી હૂં તો વો રોતે હૈં. મૈં હંસતી હૂં તો વો હંસતે હૈં. મૈં ડાંટતી હૂં તો વો ખામોશ રહતે હૈં.’
જ્યારે સંવેદના અને કલ્પનાને શબ્દોનો સહારો મળે ત્યારે કવિતાનો જન્મ થાય છે. મીના પોતાના દર્દનું કાગળ પર અવતરણ કરતી. ઔપચારિક રીતે તેને શિક્ષણ નહોતું મળ્યું પણ પિતાને લાગ્યું કે પૈસા કમાતી મીના જો સરખું ભણેગણે તો વધારે આવક થાય એટલે એક શિક્ષિકાની વ્યવવસ્થા કરી જે ઘેર આવીને મીનાને હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂ શિખડાવતી.
મીનાકુમારીની ઉંમર ૧૪ વર્ષની હતી ત્યારે માતાનું નિધન થયું. ઘરની આવક વધારવા હાથમાં આવી એ ફિલ્મો કરવા તે મજબૂર હતી. નાયિકા તરીકે તેની પ્રથમ ફિલ્મ હતી ‘બચ્ચોં કા ખેલ’ (૧૯૪૬). તેનો અભિનય વખણાયો પણ ફિલ્મ સદંતર નિષ્ફળ ગઈ. થોડી સ્ટન્ટ અને ધાર્મિક ફિલ્મો કર્યા બાદ જે સફળ ફિલ્મો આવી એ હતી હોમી વાડિયાની ‘ગણેશ મહિમા’ (૧૯૫૦), ‘લક્ષ્મીનારાયણ’ (૧૯૫૧) અને ‘હનુમાન પાતાલ વિજય’ (૧૯૫૧) જેના હીરો હતા મહિપાલ. હોમી વાડિયા સાથેની તેની છેલ્લી ફિલ્મ ‘અલાદીન કા ચિરાગ’માં (૧૯૫૨) મહિપાલ સાથે કામ કરવાના ૧૦,૦૦૦ રૂપિયા મળ્યા ત્યારે મીનાકુમારીએ પોતાની પહેલી ગાડી લીધી. એ હતી સેકન્ડહૅન્ડ પ્લેમાઉથ.
૧૯૫૨માં અશોકકુમાર, દેવ આનંદની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ ‘તમાશા’માં મીનાકુમારીને નાનો પણ અગત્યનો રોલ મળ્યો. આ ફિલ્મના સેટ પર તેની પહેલી વાર કમાલ અમરોહી સાથે મુલાકાત થઈ. રાઇટર કમાલ અમરોહી મીનાકુમારી ૯ વર્ષની હતી ત્યારે પોતાની એક ફિલ્મ માટે મીનાકુમારીને લેવા માગતા હતા પણ તેના પિતાએ ના પાડી હતી.
કમાલ અમરોહી ઉંમરમાં મીનાકુમારીથી ૧૫ વર્ષ મોટા હતા પણ કોણ જાણે કેમ નાનપણથી તેના હૃદયમાં કમાલની તસવીર અંકિત થઈ હતી. એટલે જ્યારે ‘મહલ’ના (૧૯૪૯) સફળ રાઇટર-ડિરેક્ટર કમાલ અમરોહી સાથે રૂબરૂ મુલાકાત થઈ ત્યારે મીના રોમાંચિત થઈ ગઈ. એક દિવસ કમાલ અમરોહીએ ફિલ્મ ‘અનારકલી’ માટે રોલ ઑફર કર્યો અને નિર્માતા મખ્ખનલાલ સાથે ઓળખાણ કરાવી. તેણે મીનાને નાપસંદ કરી. કમાલ કહે બીજી કોઈ હિરોઇન સાથે હું કામ નહીં કરું. અંતે નિર્માતાએ હા પાડી પણ શરત એ હતી કે હું ૩૦૦૦ રૂપિયાથી વધુ એક પૈસો નહીં આપું.
પૈસાનો સઘળો હિસાબકિતાબ સંભાળનાર પિતા અલી બક્ષ કહે, ‘હિરોઇન તરીકે ૧૦,૦૦૦ મળ્યા બાદ આટલા ઓછા પૈસામાં મીના કામ નહીં કરે.’ અહીં જીદ કરીને કમાલ અમરોહીએ મીનાકુમારીને ૧૫,૦૦૦ રૂપિયા અપાવ્યા અને ૧૯૫૧ની ૧૩ માર્ચે કૉન્ટ્રૅક્ટ સાઇન થયો. આ પૂરી ઘટનાને કારણે મીનાકુમારીનો કમાલ પ્રત્યેનો અહોભાવ ઔર વધી ગયો.
ફિલ્મના લોકેશનની તપાસ કરવા કમાલ અમરોહી દિલ્હી, આગરા ગયા હતા ત્યાં સમાચાર મળ્યા કે પરિવાર સાથે મહાબળેશ્વર ગયેલી મીનાકુમારીની ગાડીનો અકસ્માત થયો છે અને તે પુણે હૉસ્પિટલમાં છે. આ તરફ મીનાકુમારી ડિપ્રેશનમાં હતી. આટલી મોટી ફિલ્મ હાથમાંથી નીકળી જશે તો? એટલું જ નહીં, કમાલ અમરોહી સાથે કામ કરવાનો મોકો પાછો ક્યારે આવશે? બે દિવસ બેચેનીમાં કાઢ્યા બાદ ત્રીજા દિવસે ફૂલોના ગુલદસ્તા સાથે હૉસ્પિટલમાં આવેલા કમાલ અમરોહીને જોઈ મીનાકુમારીના ચહેરા પર રોનક આવી ગઈ. કમાલ કહે, ‘ખબર મિલતે હી સીધા યહાં ચલા આયા. અબ તબિયત કૈસી હૈ?’ જવાબ મળ્યો, ‘આપ સામને હો તો ભલા તબિયત કૈસે ખરાબ હો સકતી હૈ?’ કમાલે વ્યંગ કર્યો, ‘આપ અસ્પતાલ મેં ભી અચ્છી ઍક્ટિંગ કર લેતી હો.’ અનોખા અંદાજમાં મીનાકુમારી કહે, ‘નહીં, નહીં, મૈં ઝૂઠ બોલું તો જહન્નમ મેં જાઉં.’
મોટી બહેન ખુરશીદ મીનાકુમારીના કમાલ પ્રત્યેના અહોભાવ અને ધીરે પલટાતા ઉન્માદથી વાકેફ હતી. તેણે કમાલને કહ્યું, ‘જિસકા ઇન્તઝાર થા વો આ ગયા. અબ સબ ઠીક હો જાએગા.’ એ દિવસથી રોજ કમાલ મુંબઈથી મીનાકુમારીની મળવા પુણે આવતા. મૌન અને સ્પર્શની ભાષા બોલકી બનીને મહોબ્બતના માંડવાને ખુશબૂદાર બનાવી રહી હતી. પછી તો એવું બનતું કે મીનાકુમારી જીદ કરતી કે કમાલ અમરોહીના હાથે જ દવા પીશ. લગભગ ત્રણ મહિના સુધી હૉસ્પિટલની દીવાલો આ પ્રેમકહાનીની મૂક સાક્ષી બની રહી. મીના કમાલને ચંદન કહેતી અને કમાલ મીનાને મંજુ કહેતા. પ્રેમમાં અભિવ્યક્તિ ભલે બદલાય, અનુભૂતિ તો એક જ રહે છે. બન્ને પ્રેમમાં ચકચૂર થઈને ચાલ્યા કરીએ એ સપના સાથે ‘અનારકલી’નું શૂટિંગ ક્યારે શરૂ થાય એની રાહ જોતાં હતાં.
ચાર મહિના બાદ મીનાકુમારી સ્વસ્થ થઈ ત્યાં સમાચાર આવ્યા કે ‘અનારકલી’ના નિર્માતા મખ્ખનલાલને શૅરબજારમાં મોટું નુકસાન થયું છે એટલે ફિલ્મ નહીં બને. મીનાકુમારીને એનો અફસોસ નહોતો, કારણ કે તેના માટે કમાલની પ્રીત એક મોટી ઉપલબ્ધિ હતી. કમાલ અમરોહી વિવાહિત હતા તેમ છતાં બન્ને પ્રેમીઓ પોતપોતાનું એકાંત છીનવી લેતાં.
૧૯૫૨માં વિજય ભટ્ટની ‘બૈજુ બાવરા’ અને ૧૯૫૩માં રણજિત સ્ટુડિયોની ‘ફુટપાથ’ (દિલીપકુમાર) રિલીઝ થઈ. ‘બૈજુ બાવરા’એ લોકપ્રિયતાનાં નવાં કીર્તિમાન સ્થાપિત કર્યાં. હવે મીનાકુમારીની ગણના ટોચની હિરોઇનમાં થવા લાગી.
એક દિવસ કમાલ અમરોહીનો સેક્રેટરી બાકરઅલી મીનાકુમારી પાસે આવ્યો અને કહે, ‘તુમ દોનોં યે ક્યા બચપના કર રહે હો? ઇતને સાલ સે રોમૅન્સ કર રહે હો. યા તો શાદી કર લો, યા અપના રસ્તા નાપો. ક્યા તુમ કમાલ સે સચ્ચા પ્યાર કરતી હો?’ જવાબ મળ્યો, ‘એક બાર નહીં, હઝાર બાર કહતી હૂં. હાં, હાં, હાં.’
કમાલ અમરોહીની પુત્રી રુખસાર એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘મીનાજીએ અબ્બાને કહ્યું, ‘કુછ ભી હો જાએ, મૈં આપસે નિકાહ કરના ચાહતી હૂં. ઔર ફિર ઉન્હોંને અપને પિતા કો બતાએ બિના ચૂપચાપ શાદી કર લી.’
એ વખતે મંજુને ક્યાં ખબર હતી કે ચંદન સાથેનો આ સંબંધ એક દિવસ શાતા નહીં પણ સંતાપ બનીને તેના જીવનને છિન્નભિન્ન કરી નાખશે. એ વાત આવતા રવિવારે.


