Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મિત્ર (મૉરલ સ્ટોરી)

મિત્ર (મૉરલ સ્ટોરી)

11 June, 2021 01:09 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

‘બેતાલીસ...’ પપ્પાએ ઢબ્બુને ગુજરાતી પણ શીખવી દીધું, ‘ફોર્ટીટુને ગુજરાતીમાં બેતાલીસ કહેવાય...’

મિત્ર

મિત્ર


‘તો નથી રમવું...’

ઢબ્બુ ઘરમાં આવ્યો પણ તેનું બકબક હજી પણ ચાલુ હતું. ‘દાવ આવ્યો તો લઈ લીધો પણ મારી બૅટિંગ આવી તો બહાનું કાઢીને ઘરમાં ઘૂસી ગ્યો...’



ઢબ્બુ દોડીને ફરીથી ગૅલરીમાં ગયો અને ગૅલરીમાં જઈને તેણે નીચે જોયું. હાઇટ કરતાં ગૅલરીનો ગ્લાસ થોડો ઊંચો હતો એટલે ઢબ્બુએ ગૅલરી પર સહેજ ટિંગાવું પડ્યું. ઢબ્બુને ગૅલરીમાં ટિંગાતા જોઈને પપ્પા હૉલમાંથી ઊભા થઈને ગૅલરીમાં આવ્યા.


‘ઢબ્બુ, શું થયું, શું આમ...’

‘સની...’ ઢબ્બુએ પપ્પા સામે જોયું અને પછી ફરીથી ગાર્ડનમાં નીચે જોયું. સની દેખાયો નહીં એટલે ઢબ્બુએ બી વિન્ગમાં રહેતા સનીના ફ્લૅટ તરફ જોઈને રાડ પાડી.


‘દાવચોર... દાવચોર...’

‘થયું શું ઢબ્બુ?’

‘કંઈ નહીં...’ ઢબ્બુને પપ્પાની વાતમાં સહેજ પણ રસ પડ્યો નહીં, તેનું ધ્યાન તો ગૅલરીની બહાર જ હતું. તેણે રાડ પાડી, ‘સની... એ સની...’

સામેની ગૅલરીનો કર્ટન સહેજ હલ્યો એટલે ઢબ્બુએ ફરી રાડ પાડી.

‘સની... બહાર આવ...’

હલતો કર્ટન સહેજ જગ્યા કરીને અટકી ગયો. ઢબ્બુ સમજી ગયો કે સની બહાર નથી આવતો. ઢબ્બુને જોર ચડ્યું. તેણે વધારે તાકાત સાથે રાડ પાડી.

‘એ દાવચોર... બહાર આવ.’ ઢબ્બુ સહેજ વધારે ઊંચો થયો, ‘દાવચોર... એ દાવચોર...’

ઢબ્બુએ પપ્પા સામે જોઈને પપ્પાની હેલ્પ માગી.

‘હેલ્પ કરોને...’

‘શેની?’

‘રાડ પાડવામાં... તમે બોલો, જોરથી...’ ઢબ્બુએ ગૅલરીની બહાર જોઈને રાડ પાડી, ‘દાવચોર...’

પછી તેણે પપ્પા સામે જોયું.

‘આમ... બોલો જોરથી...’

પપ્પાને હસવું આવી ગયું.

‘બેટા, હું કહું તો તેના પપ્પા

બહાર આવે...’

‘કેમ, તેણે તમારો દાવ નથી દીધો?’

lll

‘એ પછી... પહેલાં સ્ટોરી કરો મને.’

‘હા કહું પણ પહેલાં તું મને કહે, શું થયું?’

‘લે, દાવ નથી દીધો મારો...’ ઢબ્બુએ છણકો કર્યો, ‘ફીલ્ડિંગ કરાવી લીધી. પછી દાવ દેવાનો આવ્યો એટલે ભાગી ગ્યો...’

ઢબ્બુ સોફા પર જ ઊભો થયો અને ફરીથી જોરથી બોલ્યો, જાણે તેનો અવાજ સામેની ગૅલરીમાં જવાનો હોય.

‘એ દાવચોર...’

‘બસ, સંભળાઈ ગયું.’

‘તમને નહીં, એને સંભળાવું જોઈએ.’

‘સંભળાશે પણ આખી વાત કર, થયું શું?’

‘એમાં... છેને એવું થયું કે રમવામાં કોઈ નહોતું એટલે એ આવ્યો મને બોલાવવા. ક્રિકેટ રમવા... નંબર

પાડ્યા તો એ ફર્સ્ટ એ આવ્યો...’ ઢબ્બુ એકદમ એક્સાઇટ હતો, ‘એણે ફોર્ટીટુ રન કર્યા...’

‘બેતાલીસ...’ પપ્પાએ ઢબ્બુને ગુજરાતી પણ શીખવી દીધું, ‘ફોર્ટીટુને ગુજરાતીમાં બેતાલીસ કહેવાય...’

‘હા, એટલા રન કર્યા... મેં એકલાએ ફીલ્ડિંગ કરી. માંડ આઉટ કર્યો.’

‘કેવી રીતે આઉટ થયો?’

‘ક્લીન બોલ્ડ...’ ઢબ્બુએ સ્પિનની ઍક્ટિંગ કરી, ‘લેગ સ્પિન...

સીધો બોલ્ડ.’

‘હંમ... પછી?’

‘પછી બોલિંગ તેની હતી તો તેને ખબર હતી હું આઉટ નહીં થાઉં એટલે દાવચોર ભાગી ગયો...’

‘શું કહીને ગયો એ?’

‘એમ કહે, મારે હોમવર્ક કરવાનું છે...’ ઢબ્બુ પપ્પાની સાવ નજીક આવી ગયો, ‘સાવ ખોટાડો હોં પપ્પા. હોમવર્ક તો એણે કરી લીધું’તું ક્યારનું. મને બોલાવવા આવ્યો ત્યારે જ એણે મને કીધું’તું કે હોમવર્ક કરીને ફ્રી થઈ ગયો ને પછી ફરી ગયો...’

ઢબ્બુએ દાંત કચકચાવ્યા.

‘ખોટાડો...’

‘કોણ શીખવે છે તને આવું બધું, ખોટાડોને...’

‘મમ્મી, બોલતી હોય છે...’

કિચનમાં કામ કરતી મમ્મીના કાનમાં ઢબ્બુના શબ્દો પડ્યા અને તેના હાથમાંથી ચમચી પડી ગઈ. તેને સમજાઈ ગયું હતું કે આજે રાતે તેણે લેક્ચર સાંભળવું પડશે.

‘સ્ટોરી પપ્પા...’ ઢબ્બુએ ફરી જીદ પકડી, ‘તમે કીધું’તું સ્ટોરીનું... ફ્રેન્ડવાળી...’

‘હમં... સાંભળ...’

પપ્પાએ ગળું સાફ કરીને સ્ટોરી ચાલુ કરી.

‘એક મોટો એલિફન્ટ હતો ને એક રૅબિટ હતું...’

‘એ લોકો ફ્રેન્ડ્સ હોય?’

‘હોયને, બધા ફ્રેન્ડ્સ હોય...’

‘હમં...’ ઢબ્બુએ સોફા પર પગ લંબાવ્યા, ‘નામ શું હતાં એનાં?’

‘એલિફન્ટનું નામ એલી... અને રૅબિટનું નામ રેબી...’

‘હમં... પછી?’

‘એલી અને રેબી બેઉ બેસ્ટ ફ્રેન્ડ... તારા અને સની જેવા જ.’

‘ના, અમે બેસ્ટ ફ્રેન્ડ નથી.’

‘સાંભળવી છે સ્ટોરી...’

‘હમં, ઓકે... પછી.’

‘એલી અને રેબી બન્ને બેસ્ટ ફ્રેન્ડ...’

lll

એલી અને રેબી એટલાં બેસ્ટ ફ્રેન્ડ કે બન્ને આખો દિવસ સાથે ને સાથે જ હોય. ખાવાનું સાથે, રહેવાનું સાથે, રમવાનું સાથે અને સૂવાનું પણ સાથે. બેઉને એકબીજા વિના ચાલે નહીં અને એટલે બેઉ ક્યારેય એકબીજાથી જુદા પડે જ નહીં.

એલી અને રેબી એક દિવસ ફરતાં-ફરતાં નવા જંગલમાં ગયા. જંગલમાં બહુ બધી શેરડી હતી. એલી અને રેબીને તો મજા પડી ગઈ. બેઉએ પેટ ભરીને શેરડી ખાધી. પછી બાજુના ખેતરમાં જઈને ગાજર પણ ખાધાં અને પછી બાજુમાં જ કોકોનટનાં ઝાડ હતાં એના પરથી નારિયેળ ઉતારીને એ પણ પીધાં. હવે પેટ એકદમ ફુલ થઈ ગયું.

‘રેબી, પાવરનૅપ...’

‘લેવી પડે હોં...’

રેબી તો બોલતાં-બોલતાં જ સૂઈ ગયો અને થોડી વારમાં એલી પણ ઘોરાઈ ગયો. કલાકની પાવરનૅપ લઈને રેબી અને એલી જાગ્યા. બન્ને એકદમ ફ્રેશ થઈ ગયા પણ પેટ હજી પણ ભારે હતું. એલીએ રેબીની સામે જોયું.

‘રેબી રમીએ?’

‘શું રમીશું?’ એલીની વાત સાચી હતી, ‘એલી, બધું તો રમી લીધું છે.’

‘એ પણ છે...’ એલીએ સહેજ વિચાર કર્યો અને પછી કહ્યું, ‘નવી ગેમ શોધીએને એકાદ...’

lll

‘ક્રિકેટ... એને કહો એ રમે.’ ઢબ્બુએ પપ્પાને કહ્યું, ‘ક્રિકેટથી બેઉનું બધું ડાઇજેસ્ટ પણ થઈ થશે...’

‘સ્ટોરી છેને, આપણે કહીએ એમ ન થાય ત્યાં.’ ઢબ્બુ કંઈ બોલવા જાય એ પહેલાં જ પપ્પાએ કહ્યું, ‘સાંભળ પહેલાં તું...’

‘હમં... શું રમ્યા એ લોકો?’

‘એકદમ નવી ગેમ...’

lll

‘જો આપણે એવી ગેમ રમીએ કે જેમાં બેઉને મજા આવે.’

‘હા ને બહુ દોડવાની ગેમ હોય તો મજા આવે.’

રેબી રૅબિટ ફાસ્ટ દોડી શકે એટલે એણે પોતાને ગમતી ગેમ કહી પણ એલિફન્ટ તો દોડી શકે નહીં એટલે એણે તરત જ ના પાડી દીધી.

‘ના, બીજી કોઈ ઇન્ટરેસ્ટિંગ ગમે...’

‘મગજ તારું મોટું છે...’

lll

‘સાચું જ છે. એલિફન્ટનું હેડ મોટું હોય તો મગજ મોટું જ હોય એનું.’

ઢબ્બુએ સીધું તારણ માંડ્યું. જોકે એ તારણ પર ધ્યાન આપ્યા વિના જ પપ્પાએ સ્ટોરી આગળ વધારી.

‘થોડું વિચારીને એલીએ ગેમ વિચારી...’

lll

‘આપણે એવું કરીએ કે એકબીજાને જમ્પ મારીને ઠેકી જવાનું. એકબીજાને ટચ નહીં કરવાના. જો ટચ થઈ જાય તો આઉટ...’

‘હમં... ઓકે. પણ પહેલો

દાવ કોનો?’

રેબીએ સવાલ કર્યો અને એલીએ પણ દોસ્તી રાખીને કહ્યું

‘પહેલો વારો તારો...’

‘તો ભલે... ચાલ.’

એલી અને રેબી તો ખુલ્લા

મેદાનમાં આવ્યા. રેબીને ગેમ આવડતી નહોતી એટલે એણે તો આમ પણ શીખવાનું હતું.

‘હવે શું કરવાનું?’

એલીએ રેબીને બેસાડ્યો અને ગેમ સમજાવતાં કહ્યું.

‘જો હું છેને, અહીં બેસી જઈશ... તારે દૂરથી દોડતા આવવાનું અને પછી જમ્પ મારીને મને ટપી જવાનું. બરાબર?’

‘ઓકે...’

એલી બેસી ગયો અને રેબી દોડતો દૂર ચાલ્યો ગયો. દૂર જઈને એણે જોયું તો એલી બેઠો હતો. રેબીએ દોડવાનું શરૂ કર્યું અને દોડતાં આવીને એણે જમ્પ મારીને એલીને પાર કરી લીધો.

lll

‘ટચ થયો રેબી?’

‘ના, જરા પણ નહીં...’

‘હમં, પછી...’ ઢબ્બુએ સ્ટોરીનું અનુસંધાન જોડ્યું, ‘હવે એલીનો

વારો આવ્યો...’

‘યેસ...’ સ્ટોરી આગળ વધી, ‘હવે રેબી બેસી ગયો અને એલી દૂર ગયો.’

lll

એલીએ દૂરથી જોયું. રેબી સાવ નાનો દેખાતો હતો. એલીએ દોડવાનું ચાલુ કર્યું અને રેબીએ એલી તરફ જોયું.

જેવો દોડતો એલી દેખાયો કે તરત રેબીને પરસેવો વળવાનું શરૂ થયું.

જો એલી દોડતો આવે અને જમ્પ મારવા જતાં મારી ઉપર પડે તો હું તો મરી જાઉં.

વાત સાચી પણ હતી અને બીક વાજબી પણ હતી.

રેબીને બીક લાગી. એ ધ્રૂજવા માંડ્યો. એણે આંખો બંધ કરી દીધી અને દોડતા એલીના કારણે જમીન ઉપર ધબ-ધબ અવાજ આવવા માંડ્યો.

બે, ચાર, છ અને આઠ.

એલી તાકાત સાથે દોડતો હતો. ધરતી ધ્રૂજવા માંડી અને આજુબાજુનાં ઝાડ પણ ધ્રૂજવા માંડ્યાં અને એલીને દોડતો આવતો જોઈને રેબી પણ ધ્રૂજવા માંડ્યો. એ સમજી ગયો કે આ બસ્સો કિલોનો હાથી જો માથે પડે તો માર્યા ઠાર. ઊંહકારો કરવાનો પણ મોકો

નહીં મળે.

રેબીએ આંખ બંધ કરી દીધી અને એ ભગવાનનું નામ લેવા માંડ્યો પણ ત્યાં તો જોરથી ધડાકો થયો અને રેબીની આંખ ખૂલી ગઈ. રેબીએ જોયું તો દોડતા એલી પર નારિયેળનું ઝાડ પડ્યું હતું અને એલી જમીન પર પડ્યો હતો. રેબીને થયું કે આ જ બેસ્ટ ટાઇમ છે નીકળી જવાનો. રેબી તો મૂઠી વાળીને એવો તે ભાગ્યો કે આજ સુધી એલીને એ મળ્યો નથી.

રેબી આજે પણ એક વાત

વિચારે છે.

lll

‘શું?’

ઢબ્બુએ પપ્પાની સામે જોયું.

‘કે મારો બેસ્ટ ફ્રેન્ડ કોણ, એલી કે પછી પેલું કોકોનટનું ઝાડ, જેણે મારો જીવ બચાવ્યો.’

‘રાઇટ...’

‘મૉરલ ઑફ ધ સ્ટોરી...’

પપ્પા મૉરલ આપે એ પહેલાં ઢબ્બુએ મૉરલ આપી દીધું.

‘એવા ફ્રેન્ડનો ટ્રસ્ટ રાખવાનો જેમાં તમને ડૅમેજ ન થવાનું હોય...’

‘એક્ઝૅક્ટ્લી...’ પપ્પાએ ઢબ્બુના ગાલ ખેંચ્યા, ‘એટલે દાવચોર ભાગી ગયો એનો અફસોસ નહીં કરવાનો. બને કે એ દોસ્તની સાથે રમવા

જેવું ન હોય...’

 

સંપૂર્ણ

Whatsapp-channel Whatsapp-channel

11 June, 2021 01:09 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK