Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > અધિક માસ - અંતર વચ્ચેનું અંતર (પ્રકરણ ૫)

અધિક માસ - અંતર વચ્ચેનું અંતર (પ્રકરણ ૫)

Published : 22 May, 2026 01:05 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

રિસૉર્ટની રૂમમાં જસ્મિનને સ્વીટી સાથે અંગત માણતી જોયા પછીની આ તારવણી એટલી સચોટ હતી કે જસ્મિનને ભોંય ભારે પડી અને મમતાબહેન રડતાં-રડતાં દીકરીને ધીબેડતાં મંડપની બહાર નીકળી ગયાં

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


લતા મંગેશકરના કંઠે મઢી ગણેશસ્તુતિથી વાતાવરણ મંગલમય બની ગયું. પૂજાપાઠ પતતાં માએ પ્રસાદ ધર્યો એટલે ઘરમંદિરમાં હાજર આશ્રય-પિતાજીને નિહાળી લઈને આરતીએ ઊંડો શ્વાસ લીધો, ‘મા, મારે આપ સૌ સમક્ષ એક કબૂલાત કરવાની છે - રુદ્ર બાબત.’

વાત માંડતાં તેનો સ્વર ધ્રૂજ્યો, ‘આમ તો આ સત્ય મારે તમને ક્યારનું જણાવી દેવાનું હોય, કમસે કમ આશ્રયે કંગન પહેરાવ્યાં એ પહેલાં કબૂલવાનું હોય; પણ જીભ ન ઊપડી. કદાચ વર્ષો પછી ઝોળીમાં આવેલા સુખને મારે સરકવા દેવું નહોતું એટલે, કદાચ હું રુદ્રને પરાયો માનતી જ નથી એટલે.’



રુ...દ્ર! પરાયો!


‘હા, રુદ્ર મારો અંશ નથી...’ તે કહેતી ગઈ.

lll


આશ્રય અવાક હતો. સ્વાતિબહેન-નરહરિભાઈ એકમેકને નિહાળી રહ્યાં.

‘રુદ્રને મેં જણ્યો નથી આશ્રય, પણ જગતજનનીની સાક્ષીએ કહું છું કે તેને મેં ક્યારેય મારા અંશથી અળગો માન્યો નથી. રુદ્ર મારો દીકરો છે અને આને જ સત્ય માનનાર જોડે જ હું જીવનમાં આગળ વધી શકું.’

આરતીએ ગળું ખંખેર્યું, ‘નિર્ણય તમારે લેવાનો છે આશ્રય, મા-બાપુએ લેવાનો છે. મને એ મંજૂર હશે એની ધરપત રાખજો.’

ઘડીભર ઘરમંદિરમાં સ્તબ્ધતા રહી. ત્યાં જાગી ગયેલો રુદ્ર આશ્રયને ખોળતો આવીને તેના ખોળામાં ગોઠવાઈ ગયો ને જાણે મંદિરમાં બેઠેલા ઈશ્વરે ઇશારો આપ્યો હોય એમ સ્વાતિબહેન બોલી પડ્યાં, ‘બાકીની ચર્ચા પછી. તમે તૈયાર થાઓ, નહીં તો કથામાં મોડું થશે! અને આરતી, લાલ સાડી જ પહેરજો.’

આરતીને છેલ્લું વાક્ય હૂંફાળું લાગ્યું.

આશ્રયે જુદું કહ્યું, ‘મા, આજે મારે થોડું કામ છે એટલે હું કથામાં નહીં આવું.’

જસ્મિનને કારણે જને? આરતીએ સવાલ ગળામાં ગૂંગળાવી નાખ્યો. ના, આશ્રય આપમેળે ખૂલે એ બહેતર. બાકી તો આશ્રયનો મારા માટે ગમે એ નિર્ણય આવે, હું તો તેમને ચાહતી રહેવાની અને તેમના દરેક પડકારમાં તેમના પડખે પણ રહેવાની!

lll

‘આજે તમે કથામાં મારા કારણે ન આવ્યાને?’

રાતે મા-બાપુ-રુદ્રના સૂતા બાદ આંગણામાં આંટા મારતા આશ્રયને ટટોળવા આરતીએ ઊંધી શરૂઆત કરી. આશ્રયનું કોચલામાં પુરાઈ રહેવું અસહ્ય બની ગયું હોય એમ તેને બોલતો કરવાની ટ્રિક ફળી.

‘તારા કારણે!’ આશ્રયને સમજાયું કે સવારની રુદ્રની વાતને કારણે આરતી ગેરસમજ વહોરી રહી છે. ખરેખર તો જસ્મિન ફરી મને કમજોર કરે એ પહેલાં મારે આરતીને સઘળું કહી દેવાનું જ હોય.

‘કારણમાં તું નથી, જસ્મિન છે...’

આરતી સાંભળી રહી.

lll

‘આજના મુખ્ય મનોરથી નરહરિભાઈ અને તેમના પરિવારનું સ્વાગત છે...’

સપ્તાહના ત્રીજા દિવસના સવારના સેશનમાં ગિરિધરબાપુ વ્યાસપીઠે બિરાજ્યા. સમાંતરે સંચાલકે દાતાનો પરિચય આપીને તેમને સ્ટેજ પર નિમંત્ર્યા.

નરહરિભાઈ-સ્વાતિબહેન, આશ્રય-રુદ્રની પાછળ દોરાતી આરતીને જોઈને બીજી હરોળમાં બેઠેલી જસ્મિનના હોઠ વંકાયા. હવે જે થવાનું એ તો કથા કરનારા બાપુએ પણ નહીં ધાર્યું હોય!

અને છટાભેર ઊભી થઈને તે આગળ ગઈ, બાપુને પ્રણામ કરીને આજ્ઞા માગી, ‘આપ આજ્ઞા કરો તો મારે કંઈક કહેવું છે બાપુ.’

ગિરિધરબાપુને આમાં અજુગતું ન લાગ્યું.

સ્ટેજ પર પહોંચી ચૂકેલી આરતીએ આશ્રયનો હાથ પકડી લીધો, જાણે કહેતી હોય : આઇ ઍમ વિથ યુ!

ત્યાં જસ્મિન કહેતી સંભળાઈ:

‘બાપુ, અમે સંસારી પામર જીવો. નાનાંમોટાં પાપ કહો કે સમાધાન અમે સૌએ ક્યારેક ને ક્યારેક કોઈ ને કોઈ કારણસર કર્યાં હશે. એ દરગુજર કરીને આપ વ્યાસપીઠને અડવાની, વંદન કરવાની અમને રજા આપો છો એ આપશ્રીની મહાનતા છે...’

છટાભેર બોલીને તેણે શ્રોતાગણને જકડી લીધો. શૂટિંગવાળાએ કૅમેરા તેના પર ફોકસ કર્યો.

‘પણ વ્યાસપીઠને કોઈ ચરિત્રહીન સ્ત્રીનો સ્પર્શ થાય ત્યારે ધર્મ અભડાતો હોય છે માન્યવર. અત્યારે એવું જ અહીં થવા જઈ રહ્યું છે એટલે આપનો હસ્તક્ષેપ અનિવાર્ય બને છે.’

ચરિત્રહીન સ્ત્રી! વ્યાસપીઠની નિકટ! ગણગણાટ પ્રસરી ગયો. સ્ટેજ પર બે સ્ત્રીઓ હતી. એમાંનાં સ્વાતિબહેન માટે તો આવું બોલાય નહીં. તો શું તેમની થનારી વહુના ચરિત્રમાં એબ છે?

બધાની આંખો આરતીને ટાંપી રહી. આરતીના કપાળે કરચલી ઊપસી : જસ્મિને વાર કરવો હોય તો આશ્રય પર કરે, તે મને કેમ નિશાન બનાવે છે? અરે, તે મારા વિશે જાણતી કેટલું હશે!

‘યસ સર, હું આશ્રયના પડખે ઊભેલી આરતી વિશે બહુ જવાબદારીપૂર્વક કહેવા માગું છું કે તેના ચરિત્રમાં ડાઘ છે.’ કોર્ટમાં કેસ રજૂ કરતા બાહોશ વકીલની અદાથી જસ્મિન બોલતી હતી, ‘તે બાઈ એક છોકરાની મા છે; પણ પૂછો તેને, તેના બાપનું નામ તેને ખબર છે?’

સોપો પડી ગયો. આશ્રય જસ્મિન તરફ ધસવા ગયો, પણ આરતીએ તેનો હાથ પકડીને રોકી પાડ્યો. ગિરિધરબાપુએ કહેવું પડ્યું : બહેન, કથામાં કોઈના ચરિત્રને ઉછાળવું શોભાસ્પદ નથી. વ્યાસપીઠની ગરિમાનો તો વિચાર કરો.

તેમના ઠપકાએ પ્રેક્ષાગારમાં બેઠેલાં મમતાબહેનની નજર ઝૂકી ગઈ. બધી વાતમાં પોતાનું ધાર્યું કરવા ટેવાયેલી દીકરી આજે ન્યાતમાં આબરૂ ન ઉછાળે તો સારું!

‘વ્યાસપીઠની ગરિમા અભડાય નહીં એનું જ જતન કરું છું સાહેબ... પૂછો આરતીને. શું તેનો પતિ પિતા બનવા સક્ષમ હતો? વંશના વારસ માટે તે પરાયા મરદોને બૈરીનું પડખું સેવવા નહોતો મોકલતો?’

ન હોય. આની જસ્મિનને તો જાણ કેમ થાય! આરતીની નજર શામિયાણામાં ફરતી એક ચહેરા પર અટકી. એ ચહેરો કેમ ભુલાય! કપાળથી ચિબુક સુધીનો ચીરો ધરાવતો ચહેરો તો તેનો જ... શેખર! તે સિક્યૉરિટીના યુનિફૉર્મમાં છે અને તેના પડખે ઊભી સ્ત્રીને તો મેં રિસૉર્ટની રૂમમાં જોઈ...

આરતીના દિમાગમાં શક્યતાના ગુણાકાર થવા લાગ્યા.

‘જાણે તેણે કેટલાનું પડખું સેવ્યું હશે ત્યારે બીજ કોખમાં પાંગર્યું હશે... આવી છિનાળ સ્ત્રી...’

‘બસ!’ આશ્રયની ત્રાડે શામિયાણામાં ધાક પડી, ‘બેશક, આરતીના પતિ બિહારીલાલ પુરુષમાં નહોતા, પણ વારસ માટે મોકલાયેલા એકમાત્ર પુરુષના આરતીએ કેવા હાલ કર્યા એ તો તમારા સિક્યૉરિટી ગાર્ડ શેખરને જ પૂછો જસ્મિન. અને પૂછવાની પણ શું જરૂર છે, તેના ચહેરાનો ઘા આરતીની દેન છે જોઈ લો સૌ!’

બધી નજર આશ્રયે ચીંધેલી આંગળીની દિશામાં ફંટાઈ.

શેખરને ધરતી ફાટે તો સમાઈ જવાનું મન થયું. બિહારી પુરુષમાં નહોતો અને આરતીને ૪ વરસનો દીકરો છે જાણીને પોતે એવું જ માન્યું કે પછીથી બિહારીએ માથાભારે ઉતારુઓ મોકલ્યા હશે કે પછી બૈરીને બેહોશ કરીને મરદો મોકલતો હશે ને એમાંથી જ કોઈનું બીજ ફળ્યું હશે... આ જાહેર થતાં જ આરતી માટે ધરતી ફાટી પડવાની!

પણ એ આઇડિયા બૂમરૅન્ગ સાબિત થયો, આરતીને ઉઘાડી પાડવા જતાં પોતે ઉઘાડો પડી ગયો!

જસ્મિનને જોકે આશ્રયનું વચ્ચે કૂદી પડવું ખટક્યું, ‘શેખરને બદનામ કરવાથી આરતીના ચરિત્રનો ડાઘ નથી ધોવાતો... કોઈ પૂછો તેને, પતિ પુરુષમાં નહોતો તો દીકરો આવ્યો ક્યાંથી?’

‘મારા બીજમાંથી.’

આશ્રયના જવાબે બીજા તો ઠીક, આરતી પણ ચોંકીને તેને નિહાળી રહી.

‘જાહેરમાં આ ખુલાસાની તક આપવા બદલ આભાર મિસ જસ્મિન. આપસાહેબા આટલાં હોશિયાર છો, જાણતાં હશો કે સંતાનપ્રાપ્તિ માટે હવે સ્ત્રી-પુરુષના દેહમિલનની મર્યાદા નથી રહી... શેખરના કિસ્સા પછી આરતીએ બિહારીનો ઊધડો લીધો, IVF વિશે સમજ આપી અને એ પુણ્યમાં મેં મારું બીજ આપ્યું... એ રીતે રુદ્ર મારું-આરતીનું સંતાન છે અને અમે વિધિવત્ પરણી રહ્યાં છીએ. બાકી તો સમાજ જ ફેંસલો કરે - મા બનવા એક સ્ત્રી પરપુરુષનું બીજ સેવવા તૈયાર થાય એ છિનાળવું ગણાય કે માતૃત્વની મહાનતા?’

તેના શબ્દે-શબ્દે આરતીની આંખોમાં ગંગાજમના વહી રહી. રુદ્રનું સત્ય જાણ્યા પછી અમારા સ્વીકાર-અસ્વીકારના નિર્ણયની કોઈ ચર્ચા થઈ નહોતી. અત્યારે એનો જવાબ મળી ગયો અને એમાં મા-પિતાજીના આશિષ હોય જ! ટેક્નિકલી આશ્રય ખોટું બોલ્યો ગણાય, પણ વહાલની દૃષ્ટિએ અમે જ રુદ્રનાં માબાપ ગણાઈએ એ ૧૦૦ ટકા સત્ય છે અને એના પર આશ્રયે આજે સમાજની મહોર પણ મરાવી દીધી!

નરહરિભાઈ-સ્વાતિબહેને ગરદન ટટ્ટાર કરીને દીકરા-વહુને બિરદાવ્યાં.

‘માતૃત્વની મહાનતા...’ ક્ષણના વિરામ પછી ગિરિધરબાપુએ ફેંસલો સંભળાવવાની ઢબે કહ્યું. જસ્મિન દૂરથી શેખર-સ્વીટી પર કતરાઈ : તમારી વાતોમાં આવીને હું ફસાઈ! આરતી પર તીર ચલાવીને આશ્રયને નીચાજોણું કરવાના પ્લાનમાં પંક્ચર પડી ગયું ને આરતી મહાન ઠરી ગઈ!

કેસ હારી ચૂકેલો વકીલ નીચી મૂંડી કરીને પરિસર છોડી દે એમ જસ્મિને બહાર તરફ ડગ ઉપાડ્યાં કે...

‘ઊભી રહે જસ્મિન.’

સ્ટેજ પરથી આરતીના પડકારે તેના પગ જકડાઈ ગયા.

‘બીજાના ચરિત્રને જાહેરમાં ઉછાળવાની હિમાકત કરનારે પોતાના ચરિત્રનો જાહેર ખુલાસો પણ કરવો ઘટે.’ સભામાં નજર ફેંકીને આરતીએ વ્યંગ વેર્યો, ‘તમને પોતાને પુરુષને નગ્ન નચાવવાની આદત છે કબૂલો છો?’

હેં! ખળભળાટ મચી ગયો. મમતાબહેન ધ્રૂજી ગયાં. જસ્મિને હોઠ કરડ્યો : આશ્રયે જ આરતીને આ વિશે કહ્યું હોય! પણ મારાથી અહીં હા કહેવાય એમ નહોતી અને એવું કહું કે આ વિશે તું તારા ભાવિ ભરથારને જ પૂછી જો તો પણ હું જ ઉઘાડી પડી જાઉં!

‘સાથે એ પણ કબૂલી લો જસ્મિન કે કામદેવ જેવા પુરુષને વસ્ત્રહીન જોયા પછી પણ તમે સ્થિતપ્રજ્ઞ રહી શકો છો... કેમ કે તમને પુરુષોમાં રસ જ નથી!’

ન હોય! આશ્રય પણ આંચકો પામી ગયો. પોતાના સ્ટ્રિપ ડાન્સને જસ્મિન અક્કડપણે નિહાળી રહેલી એનું મૂળ હવે પકડાયું.

આશ્રયનો જસ્મિન સાથેનો અનુભવ જાણીને આરતી ડઘાયેલી. ત્યારથી બૂઝેલો પુરુષત્વનો ઝબકારો આશ્રયે પોતાને નિહાળ્યાની ક્ષણે ફરી ધબકતો અનુભવ્યો એ સંદર્ભ હવે સમજાયેલો. તરત વધુ કંઈ ન કહેતાં પોતે આશ્રયને એમ કહીને આશ્વસ્ત કરેલો કે તમારા સુધી પહોંચતાં પહેલાં જસ્મિને મારી ઢાલ વીંધવી પડશે, જે હું બનવા નહીં દઉં... અને તમારા વિશે વાત ફેલાવવામાં તો તેની ખુદની એબ ખુલ્લી પડે! ત્યારે આશ્રયે નચિંતતા અનુભવી હતી, પણ જસ્મિનની ચૉઇસનું સત્ય તો અત્યારે જ જાણ્યું!

‘મમતાબહેન, તમારી દીકરી માટે છોકરો નહીં શોધતાં, છોકરી શોધજો; આ સ્વીટી જેવી!’

રિસૉર્ટની રૂમમાં જસ્મિનને સ્વીટી સાથે અંગત માણતી જોયા પછીની આ તારવણી એટલી સચોટ હતી કે જસ્મિનને ભોંય ભારે પડી અને મમતાબહેન રડતાં-રડતાં દીકરીને ધીબેડતાં મંડપની બહાર નીકળી ગયાં : હાય-હાય, તેં તો બાપદાદાનું નામ બોળ્યું!

પાછળ સ્વીટી-શેખર પણ સરકી ગયાં.

‘કકળાટ ગયો.’ સ્વાતિબહેને સ્તબ્ધતા ખંખેરી, ‘બાપુ, મારાં દીકરા-વહુ-પોતરાને આશિષ આપો અને કથાનો મંગળ પ્રારંભ કરો!’

lll

અધિક માસની કથા કરતાં ત્રીજા દિવસની ગાથા ખૂબ ગાજી. લાઇવ ટેલિકાસ્ટની ટીમમાંથી કોઈએ શેખર-જસ્મિનના ભેદનાં કટિંગ્સ વાઇરલ કરતાં શેખર-સ્વીટીની જસ્મિન સાથેની ‘ગોઠવણ’ ઉઘાડી પડી ગઈ. સ્વીટીનો પ્રેફરન્સ છોકરા-છોકરી બેઉ માટે હતો, ચહેરે ચીરો ધરાવતા શેખર સાથે પરણવામાં પોતાની પસંદનું માન રહે એ ગણતરી મુખ્ય હતી. સ્વીટી જસ્મિન જેવી બૉસને સંતોષ આપે ને બદલામાં શેખરને સિક્યૉરિટીનો કૉટ્રૅક્ટ મળે એ રીતની ડીલ બેઉ માટે વિન-વિન સિચુએશન જેવી હતી... ક્યારેક શેખર ઉન્માદમાં પોતાની સાથેની કામક્રીડામાં વધુ મજા આવતી હોવાનો વ્યંગ કરે એ સ્વીટી જતું કરે, પણ વિડિયો વાઇરલ થતાં બેઉના ઘરમાં જ પસ્તાળ પડી અને ગામ તેડાવી લેવાયાં, એ પિંજર હવે છૂટવાનું નહીં!

જસ્મિન તીવ્ર ડિપ્રેશનનો ભોગ બની છે. જેવી જેની કરણી!

આશ્રયે ભવિષ્યનું વિચારીને એવો DNA ટેસ્ટ-રિપોર્ટ મેળવી રાખ્યો છે જે રુદ્રને તેમનો અંશ પુરવાર કરે.

આશ્રય-આરતીનાં ધામધૂમથી લગ્ન લેવાયાં. મેડીની રૂમમાં ઉજવાયેલી સુહાગરાતમાં ખજૂરાહોનાં શિલ્પ શરમાય એવાં કરતબ રચાયાં.

તેમનાં સઘળાં સુખ હવે અકબંધ રહેવાનાં એ ઉમેરવાની જરૂર ખરી!

(સમાપ્ત)

Whatsapp-channel Whatsapp-channel

22 May, 2026 01:05 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK