Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > અંતરની આરઝૂ - માનવમનના મેળામાં (પ્રકરણ ૧)

અંતરની આરઝૂ - માનવમનના મેળામાં (પ્રકરણ ૧)

Published : 20 April, 2026 12:43 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

પોતાની ભીતર શ્વસતી ષોડશી કન્યાના ગળે ટૂંપો દઈને તે પહેલી વાર હોટેલ જવા તૈયાર થઈ. ચાલીના નાકે શેઠનો ડ્રાઇવર ગાડી લઈને આવી પહોંચ્યો હતો

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


આ હુસ્ન!

વસ્ત્રો બદલતી વખતે તેની નજર સામા આયના પર પડી ને ત્યાં જ ખોડાઈ રહી. ગોરો વાન, મૂર્તિકારે ફુરસદમાં ઘડ્યો હોય એવો ઘાટીલો નાકનકશો અને બે કાંઠે વહેતી નદી જેવું પુરબહાર જોબન અરસિકને પણ કવિ બનાવી દે. મારાં નયનોને જોઈને તેને મૃગલીનાં નયનો સાંભર્યાં હોત, રસઝરતા હોઠને ગુલાબની પંખુડી સમાન ગણ્યા હોત, યૌવનકુંભ જેવા ઉરજો માટે તેણે કઈ ઉપમા આપી હોત?



‘ઈશ્વરે તમારી સરિતાને રૂપ સાગર જેવું આપ્યું, પણ નસીબમાં સાસરીનું સુખ નાખવાનું ચૂકી ગયો લાગે છે.’


ચાલીના મહિલાવર્ગનાં પંચાતિયા પ્રતિનિધિ જેવાં દમયંતીમાસીનો સાદ પડઘાતાં હળવો નિ:શ્વાસ નાખીને સરિતાએ અરીસા પરથી નજર હટાવીને તૈયાર થવા માંડ્યું. હજી ચારેક દિવસ પહેલાં માને મળવા આવેલાં માસીનાં વાક્યો પોતે આમ જ અંદરની રૂમમાં કપડાં બદલતાં સાંભળ્યાં હતાં એટલે યાદ રહી ગયાં છે:

‘સરિતા સત્તાવીસની થઈ અને હવે તો જોકે છોકરા-છોકરી ત્રીસ-બત્રીસ સુધી પરણતાં પણ નથી એટલે તમે પ્રયત્ન કરો તો હજીયે મોડું ન કહેવાય... પણ તેના પરણતાં તમારે તો ઘરની આવક બંધ થઈ જાય. સરિતાથી ઘણાં નાનાં ૩ ભાઈ-બહેનોનો નિભાવ કેમ થાય! તેનો બાપ અને તમારો ધણી બંસીલાલ કંઈ અકાળ મરતાં પહેલાં ખજાનો છોડી ગયો છે?’


પૂછીને તેમણે જ નિસાસો નાખેલો : જોકે એમાં બંસીલાલનો પણ શું વાંક! હરિનું તેડું આવે પછી પાંચમની છઠ થતી નથી... પણ તમારી સરિતા બહાદુર. બંસી મર્યો ત્યારે તે બારમા ધોરણમાં હતી. રિયા, અસિત, માયાની ત્રિપુટી તો માંડ પાંચ-સાત વરસની. તમારું શરીર ચોથી સુવાવડ પછી માંદલું જ રહ્યું. એ તો સરિતા ખબરદાર કે ભણવાનું છોડીને નોકરીએ લાગી ગઈ ને તમે સૌ ટકી ગયાં.

બીજાનું સુખ જેની હોજરીમાં પચતું નથી એવી બાઈના મોઢે પોતાનાં આટલાં વખાણ સાંભળીને નવાઈ લાગેલી, પણ વાઘ શિકારને પંપાળીને પંજો મારે એમ તેની વાણીએ પલટો માર્યો, ‘એમાં પણ નગીનશેઠને ત્યાં નોકરીએ લાગ્યા પછી બધું સારું જ છે, નહીં! સાંભળ્યું છે કે શેઠના સરિતા પર ૪ હાથ છે. મહિને બે-ચાર વાર શેઠની ગાડી સરિતાને લેવા આવતી હોય છે - રાતે! પાછી મૂકવા પણ આવે હોં - વહેલી સવારે!’

‘એ તો બેન ઑફિસનું કામ હોય એટલે...’ છોભીલી પડતી રંભામા દીકરીનો બચાવ કરવા જાય એવાં જ દમયંતીબહંન તાડૂકે : આવાં બહાનાં મારી આગળ તો કાઢશો જ નહીં. આખી ચાલી જાણે છે કે નગીનશેઠની ઑફિસ રાતે બંધ હોય છે ને તમારી દીકરી ઑફિસે નહીં, હોટેલમાં જતી હોય છે - તેના શેઠ સાથે રાત ગાળવા!’

‘હા, હું જાઉં છું શેઠ સાથે રાત ગાળવા... તમારે આવવું હોય તો તમને પણ લેતી જાઉં...’ આવું કંઈક કહીને ચોખલિયણ બાઈને ભડકાવી દેવાના આવેશ પર માંડ કાબૂ રાખ્યો હતો પોતે...

કારણ કે દમયંતીનાં વેણ કડવાં ભલે હોય, એમાં સચ્ચાઈ હતી.

અત્યારે પણ હોટેલ જવા તૈયાર થતી સરિતાએ મજબૂરી વાગોળી:

ના, પરિવાર ખાતર અભ્યાસ છોડીને માંડ સત્તરની ઉંમરે કામકાજમાં જોતરાઈ જવાનો વસવસો કદી ન થયો. માંદી મા અને નાનાં ભાઈ-બહેન માટે હૈયે અપાર હેત હતું, તેમના માટે જાત ઘસી નાખવી પડે તોય ઓછું.

ચારેક વરસ અગાઉ ત્રેવીસની ઉંમરે તે નગીનશેઠની ઑફિસમાં લાગી ત્યાં સુધીમાં બહારની દુનિયાથી ટેવાઈ ગઈ હતી, નોકરીના અનુભવે ઘડાઈ ગઈ હતી એટલે શેઠની સેક્રેટરી તરીકે ગોઠવાતાં વાર ન લાગી એમ શેઠની નજર પણ પરખાતી ગઈ.

ચાલીસ-બેતાલીસ વર્ષના નગીનશેઠનો પચાસ-સો કરોડનો ઇમ્પોર્ટ-એક્સપોર્ટનો કારોબાર હતો. દાદર ખાતે ઑફિસ અને વરલીમાં પેન્ટહાઉસ.

ત્રણેક વર્ષના લગ્નજીવન પછી નંદા શેઠાણી ડિવૉર્સ લઈને છૂટાં થઈ ગયાં ત્યાર પછી શેઠ સંસારમાં છુટ્ટા ઘોડા જેવા એકલા છે એટલું તો સરિતા નોકરીમાં જોડાયાના પહેલા દિવસે જાણી ગયેલી અને શેઠની નજરનો અંદાજ આવતો ગયો એમ માની લેવું સહજ હતું કે પતિનાં અપલક્ષણોથી કંટાળીને જ નંદા શેઠાણી છૂટાં થઈ ગયાં હશે!

‘સરિતા, કમ ઇન માય કૅબિન.’

સરિતા શેઠથી દૂર રહેવાના જતન કરતી, પણ વાઘ એમ શિકારને છટકવા દે! નગીન સામેથી ફોન કરી સરિતાને કૅબિનમાં તેડાવે. ક્યારેક લેટર ડ્રાફ્ટ કરવા જેવું કામ હોય ખરું, બાકી તો ફાલતુ કામો ચીંધે : પેલું વાઝ સરખું ગોઠવો... મારી ડેસ્ક પરનાં કાગળિયાં સરખાં કરો...

અને આવાં કામ કરતી વેળા અજાણતાં સાડીનો પાલવ સરકી જાય તો કેવી લોલુપ નજરે તાકતો રહે... વહેશી!

સરિતા ભીતર ધિક્કાર ઘૂંટતી.

પોતે સાહેબને મૂલવવામાં થાપ નથી ખાતી એના પુરાવા તો નગીનના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પરથીયે મળી રહેતા. નાઇટ-ક્લબની માનુનીઓ સાથે ઘેરાઈને તે બેઠો હોય એવા ફોટો તે જ અપલોડ કરતો.

સરિતાને ક્યારેક પૂછવાનું મન થઈ જતું : સાહેબ, તમારા તલાકને હવે તો દસ-બાર વરસ થવાનાં... આમ છૂટા રહેવાને બદલે ફરી પરણી જતા હો તો!

પણ જીભ ન ઊપડતી. રખેને શેઠ કહી દે કે હા ચાલ, આપણે જ પરણી જઈએ... તો!

ના... ના... મારે આવા છંડાયેલા પુરુષની પત્ની નથી બનવું... મારો રાજકુમાર તો સફેદ ઘોડા પર સવાર થઈને આવશે.

કૌટુંબિક જવાબદારી વચ્ચે પણ સરિતાની અંદરની ષોડશી કન્યા જીવંત હતી, તેનાં અરમાનો જીવંત હતાં. સમણાંના રાજકુમારનો ઇન્તેજાર કુંવારા હૈયામાં ઘૂંટાતો.

‘દીકરી જો તો, માયાનો તાવ ઊતરતો નથી...’

નવી નોકરીમાં જોડાયાને ત્યારે છએક મહિના થયા હશે. સૌથી નાની બહેનને ટાઇફૉઇડ નીકળ્યો, હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવી પડી એમાં રજા તો પડી જ, કંપનીમાંથી લોનપેટે ઉપાડ પણ કરવો પડ્યો.

‘નોકરીના મામૂલી પગારમાંથી તારું દળદળ નથી ફીટવાનું સરિતા, બાર સાંધે ત્યાં તેરમું તૂટે એ વાસ્તવિકતા નથી બદલાવાની.’

માયાને સારું થતાં તેને ઘરે લાવ્યા ને સરિતાએ ઑફિસ રિઝ્યુમ કરતાં લંચ-બ્રેકમાં તેને કૅબિનમાં તેડાવીને નગીનશેઠે ગરીબીની પ્રસ્તાવના બાંધીને પ્રસ્તાવ મૂક્યો હતો : તારો વર્તમાન હું સુધારી શકું છું... જો તું મારી માગણી કબૂલ રાખે તો.

‘માગણી!’ સરિતાની ભ્રમર તંગ થઈ.

‘બળજબરી નથી સરિતા, તારા ઇનકાર પછી પણ તારી નોકરી સલામત રહેશે એનું અભયવચન આપું છું.’

ત્યારે સરિતા શેઠની માગણી જાણવા તત્પર બની.

‘તારે હોટેલની એક રૂમમાં મારી સાથે રાત રહેવાનું - મહિને બે-ચાર વાર.’

અત્યારે પણ આ શબ્દો સાંભરીને સરિતા ગાલ પર કોઈએ સણસણતો તમાચો વીંઝ્યો હોય એવી લાલચોળ થઈ.

પછી નિ:શ્વાસ સરી ગયો.

બે-ચાર દહાડા તો પોતે જવાબ ન વાળ્યો, પણ પછી રિયા પણ માંદી પડતાં ફરી લોનની અરજી મૂકવી પડી ત્યારે શેઠ પાકા સોદાગર બની ગયા : નિયમ મુજબ તો તને લોન નહીં મળે સરિતા, પણ મારો પ્રસ્તાવ સ્વીકારી લે તો ફરી આમ હાથ લંબાવવાની જરૂર નહીં રહે. ઍન્ડ બિલીવ મી, આમાં તારે કશું ગુમાવવાનું નથી.’

સમાધાન સ્વીકાર્યા સિવાય છૂટકો ક્યાં રહ્યો!

પોતાની ભીતર શ્વસતી ષોડશી કન્યાના ગળે ટૂંપો દઈને તે પહેલી વાર હોટેલ જવા તૈયાર થઈ. ચાલીના નાકે શેઠનો ડ્રાઇવર ગાડી લઈને આવી પહોંચ્યો હતો. ભાઈ-બહેનો સૂઈ ગયાં હતાં. નીકળતાં પહેલાં માના ખોળે માથું મૂકીને સરિતાએ થોડું રડી લીધું. રંભાબહેને તેના માથે હાથ ફેરવ્યો : હું તો અત્યારે પણ કહું છું સરિતા, તું એકલી ઝેરકટોરો પીએ એના કરતાં આપણે સૌ વખ ઘોળીને આ આયખાનો અંત આણી દઈએ.

‘નહીં મા, તમે સૌ સુખથી જીવો એટલા માટે મને એકલીને જ ઝેરના ઘૂંટ ગળવા દે.’

લાચાર માએ આશિષ આપ્યા હતા : ઈશ્વર તારું બલિદાન એળે નહીં જવા દે સરિતા, તારી આજનો બદલો વ્યાજ સાથે એણે કાલે ચૂકવવાનો રહેશે.

મારા માટે તો આજે હોટેલની રૂમનો દરવાજો ખૂલ્યા પછી આવતી કાલના તમામ દરવાજા બંધ થઈ જવાના.

મનમાં જ બોલીને સરિતા શેઠની ગાડીમાં હોટેલ પહોંચી. સાતમા માળના સ્વીટ સુધી પહોંચતાં પસીનો ફૂટી નીકળ્યો, દરવાજે ટકોરા પાડતાં ગળું સુકાવા લાગ્યું.

‘આવ...’ શેઠે તેને અંદર લઈને દરવાજો બંધ કર્યો અને પછી...

ના, બંધ દરવાજા પાછળ જે થતું રહ્યું છે એ પોતે આજ સુધી કોઈને કહ્યું નથી; પણ લોકો, સમાજ તો ધારવાજોગ ધારી જ લેતા હોય છેને! ચાલીની જેમ ઑફિસમાં પણ ધીરે-ધીરે કાનાફુસી પ્રસરતી ગઈ. અકાઉન્ટન્ટ દાસને તો પોતે સગા કાને સ્ટાફમાં કૂથલી કરતાં સાંભળ્યો હતો : આપણા શેઠ બહુ રંગીલા છે... નાઇટ-ક્લબની સુંદરીઓ ઓછી પડે છે એટલે સરિતાને ‘કેપ્ટ’ બનાવી રાખી છે!

પોતાની વગોવણી, બદનામી ફેલાઈ રહી છે, લોકોની નજર બદલાઈ રહી છે એથી સરિતા અજાણ કે અભાન નહોતી... મા જીવ બાળતી, પણ ભાઈ-બહેનો હજી નાસમજ હતાં એટલા પૂરતી રાહત હતી. અને હા, ત્યાર પછી રૂપિયા-પૈસાની છૂટ રહી, બચત પણ થવા માંડી. શેઠનો એ અહેસાન તો કેમ ભુલાય.

‘બળ્યો આવો પૈસો...’ દમયંતીબહેન જેવાં અદેખાઈથી ટલ્લા ફોડી જતાં એ તો ઠીક, પણ તેમની ભાણી કે ભત્રીજીએ તો હદ જ કરેલી. છએક મહિના અગાઉ માસીને ત્યાં આવેલી છોકરીએ એવો પ્રસ્તાવ મૂકેલો કે...

ફોનની રિંગે સરિતાએ વિચારધારા થંભાવી દીધી. સામે શેઠ હતા : ડ્રાઇવર તારી રાહ જુએ છે.

‘બસ, નીકળું જ છું.’

કૉલ કટ કરીને તે બહાર આવી. હૉલમાં એક તરફ ભાઈ અને બે બહેનો સૂતાં હતાં. બીજી બાજુ બા ખાટલામાં જાગતી પડી હતી.

સરિતાને જોઈને રંભાબહેન બેઠાં થયાં, ‘દીકરી, છોકરાંવને વેકેશન પડી ગયું... દીદી ક્યાં લઈ જશે એમ પૂછતા હતા.’ 

ઉનાળુ વેકેશનમાં ક્યાંક ફરવા જવાનો સિલસિલો સરિતાએ ત્રણેક વરસથી રાખ્યો હતો.

‘આ વખતે હરિદ્વાર-હૃષીકેશ જઈ આવીએ.’ તેનાથી બોલી જવાયું : ગંગાસ્નાનથી ભલભલાં પાપ ધોવાઈ જાય છે એવું સાંભળ્યું છે!

પછી માને ઝંખવાતી જોઈને રણકો ઊપસાવ્યો : વળતા દિલ્હી ફરીશું તો છોકરાઓને જલસો પડી જશે. આવતા વીકનું ગોઠવીએ, હું કાલે ટિકિટ-બુકિંગ કરાવી દઈશ.’

કહીને તે નીકળી.

ફરવા જવાની વાતે કેમ હરિદ્વાર સાંભરી ગયું? ગંગામાં પાપ ધોવાની ઇચ્છા કેમ જાગી? જાણીને કોઈ પાપ મેં કર્યું નથી, સમાજે થોપેલા કલંકને હું પણ પાપ માનતી થઈ છું? કોને ખબર.

હરિદ્વારના પ્રવાસમાં શું થવાનું હતું એની ત્યારે ક્યાં ખબર હતી?

lll

હોટેલ પહોંચીને સરિતાએ સ્વીટનો દરવાજો ઠોક્યો.

‘આવી જા...’ દરવાજો ખોલીને નગીનશેઠે તેને અંદર લીધી અને પછી...

પછી તે અંદરની રૂમ તરફ વળ્યા : ગુડ નાઇટ.

તે ભીતર ગયા, દરવાજો અંદરથી બંધ થયો અને હળવો નિ:શ્વાસ નાખતી સરિતાએ બહારના કોચ પર લંબાવી દીધું.

lll

શનિની એ જ રાતે...

આ હુસ્ન!

રૂમના ફુલ સાઇઝ મિરરમાં પોતાનું પ્રતિબિંબ નિહાળીને ખુમારી છવાઈ.

‘વીસની વયે તારું જોબન ચટકા ભરે છે...’

સખી રેશમના શબ્દો સાંભરતી નવ્યાએ ગરદન ટટ્ટાર કરી. ક્યારેક આ જ રૂમમાં તે માલિશ કરતી વેળા કોમળ અંગોને એવાં મસળતી કે પોતે સિસકારો નાખીને તેનો હાથ પકડી લેતી : કાશ, આ હાથ આર્યનસર જેવા કોઈ જુવાનનો હોત તો...

તો શું થાતની કલ્પના અત્યારે પણ નવ્યાને મીઠું કંપાવી ગઈ.

‘યુ લુક બ્યુટિફુલ..’ એવું આ આયનો કહે છે, રેશમ કહે છે. એનો પડઘો ક્યારેક આર્યનસર જેવા કોઈ જુવાનની આંખોમાં પણ પડે તો!

lll

- ત્યારે...

તેણે લૅપટૉપ ખોલ્યું અને થોડી મિનિટો પછી તેની આંખો ડેટિંગ ઍપને ફંફોસી રહી.

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

20 April, 2026 12:43 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK