આરોપીઓ મુંબઈ ઉપરાંત ઓડિશા, બિહાર અને ઝારખંડના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
જુહુમાં રહેતા એક વેપારીને ઊંચા વળતરની લાલચ આપીને કુલ ૩.૨૫ કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર એક આંતરરાજ્ય ગૅન્ગના ૯ લોકો સામે સોમવારે વિલે પાર્લે પોલીસે ફરિયાદ નોંધી છે જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ છે. આરોપીઓ મુંબઈ ઉપરાંત ઓડિશા, બિહાર અને ઝારખંડના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની તપાસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
વિલે પાર્લે પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ફરિયાદી જુહુમાં ખાનગી વ્યવસાય ચલાવે છે. ફરિયાદી ૨૦૨૫ના જુલાઈ દરમ્યાન ૪ આરોપીઓના સંપર્કમાં આવ્યો હતો. આરોપીઓએ તેને બ્રોકર તરીકે ઓળખ આપીને ‘આર્કશિપ ગ્રુપ’ નામની કંપનીમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કર્યો હતો અને ઊંચા નફાની ખાતરી આપી હતી. આ લાલચમાં આવીને વેપારીએ ૧ કરોડ રૂપિયા ઑનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. જોકે બાદમાં જાણવા મળ્યું હતું કે એ રૂપિયા ‘માનવ ધર્મયોગ’ નામના NGOના ખાતામાં વાળવામાં આવ્યા હતા. આ સંદર્ભે વેપારીએ પ્રશ્ન પૂછતાં આરોપીઓએ તેને વિલે પાર્લેમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે નજીક આવેલી એક હોટેલમાં મળવા બોલાવ્યો હતો. ત્યાં વેપારી અને તેની કંપનીના જનરલ મૅનેજરની મારઝૂડ કરવામાં આવી હતી. એ પછી તેમને બંદૂક બતાવીને મારી નાખવાની ધમકી આપીને ૩ કરોડ રૂપિયાની માગણી કરી હતી. એ પછી પોતાને મારી નાખશે એવા ડરથી વેપારીએ તરત ૨.૨૫ કરોડ રૂપિયા ઑનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. પૈસા મળ્યા બાદ આરોપીઓએ વેપારીને છોડી મૂક્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ આ ગૅન્ગ મોટા આંતરરાજ્ય નેટવર્કનો ભાગ હોઈ શકે છે. આ કેસમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.’
