Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > અર્થ-અનર્થ - અગર તુમ ન હોતે (પ્રકરણ ૩)

અર્થ-અનર્થ - અગર તુમ ન હોતે (પ્રકરણ ૩)

Published : 03 June, 2026 11:11 AM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

તિલકરાજનું માધુરી સાથેનું લગ્નજીવન સુખી હતું. શ્રીમંતાઈની સમાનતા તો ખરી જ, માધુરી રૂપગર્વિતા હતી તો તિલકરાજને પણ પોતાની કસાયેલી કાયા પર નાઝ હતો

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘જરૂર ભાભી, એક-બે દિવસમાં પિયરનો પ્રોગ્રામ બનાવું છું, રાજી!’

હસી લઈને સુલેખાએ ફોન મૂક્યો. ભાભી પણ મને ભાઈ જેવું જ વહાલ કરે છે! કાવેરી મારી નણંદ પણ થઈ શકી હોત જો આરવ સાથેની પ્રીત મેં કબૂલી હોત!



સુલેખા સાંભરી રહી:


આરવ. કેવો નિર્દોષ, કેટલો સોહામણો. વાતે-વાતે પર્યાવરણને સાંકળતા જુવાનની કન્સર્નમાં કેવળ ઉપદેશની ઔપચારિકતા નહોતી એ કળાયા પછી પોતે તેના સુઝાવોને સિરિયસ્લી લેતી થઈ. એની ચમક તેની આંખોમાં ઊભરાતી ત્યારે તેને હૈયે ચાંપી દેવા જેવો જુસ્સો ભીતર જાગતો! આને જ પ્યાર કહેતા હશે?

હૈયું હા પાડતું ને મન મૂંઝાતું. હું તેનાથી મોટી છું એ કેમ ભુલાય! તે મને ચાહતો જ હશે એમ કેમ ધારી લેવાય! આ બધું અવનીશભાઈને કહેતાં સંકોચ થયો. એમાં વળી એકાદ વાર પપ્પા-મમ્મી સાથેની ચર્ચા દરમ્યાન યોગ ક્લાસ નિમિત્તે કાવેરીદીદી-આરવનો ઉલ્લેખ થયો ત્યારે મા બોલેલી : કાવેરી... એટલે પેલા ઉત્તમ ફોટોગ્રાફરની દીકરી તો નહીં? તેની મમ્મીએ અવનીશ માટે તેનું કહેણ મૂકેલું...


‘હેં! ખરેખર! તો તમે હા પાડી કે નહીં! ભાઈને કહ્યું કે નહીં! કાવેરીદીદી મારી ભાભી બને એ તો મને બહુ ગમે.’

‘એમાં આટલું ઊછળવા જેવું શું છે?’ સુજાતામમ્મીની ભ્રૂકુટિ તણાયેલી, ‘તેનો બાપ લફરેબાજ હતો એ આખી નાત જાણે છે! આરવ તેનો સાવકો ભાઈ છે. એવા સાથે સંબંધ બંધાતો હશે!’

અને બસ, એ છણકા સામે, એ તુચ્છકાર સામે અવાજ ઊઘડ્યો નહીં... બલ્કે પોયણીની જેમ ખીલતી મહોબતને ભીતર જ ગૂંગળાવીને હું મા-બાપે દેખાડેલા અને અવનીશભાઈએ તરાશેલા મુરતિયાને ગમાડીને પરણી ગઈ... યોગ ક્લાસમાં દીદીને કંકોતરી આપી ત્યારે આરવની પાંપણે આવીને અટકેલી બુંદ આજે પણ ભુલાઈ નથી.

તે પણ મને ચાહતો હતો. તેની દીદીનો રિશ્તો ઠુકરાવાયો હોવાનું જાણીને જ તે એકરાર કરી ન શક્યો હોય... આ અનુમાનમાં મને આજે પણ દુવિધા નથી.

અત્યારે પણ હળવો નિ:શ્વાસ સુલેખાના ગળે અટકી ગયો.

‘તું કેમ મૂંઝાયેલી લાગે છે!’ મારાં લગ્નના પખવાડિયા પહેલાં લંડનથી ડિગ્રી લઈને આવી પહોંચેલા અવનીશભાઈને મારી ભીતરની ગડમથલ પરખાતી હોય એમ તે મને ટટોળતા. ઘણી વાર ઇચ્છ્યું કે ભાઈ સમક્ષ હૈયું ખોલી દઉં, પણ અર્થનો અનર્થ થઈ જવાની બીક લાગતી : કદાચ મોટા ભાઈ પણ ખિજાઈ જાય કે ગામમાં કંકોતરી વહેંચાઈ પછી તને મહોબતનું ભાન થાય છે? લીધેલાં લગ્ન કૅન્સલ કરાવીને તારે ખાનદાનનું નાક કપાવવું છે?

આ કલ્પનાચિત્ર સહેમાવી જતું. પહેલી મહોબતને ૭ પાતાળ ઊંડે ધરબીને હું ચોરીના ૪ ફેરા નિકામ સાથે ફરી હતી; સાસરિયે કંકુપગલાં પાડતી વેળા પતિને મન, વચન, કર્મથી વફાદાર રહેવાની મૂક પ્રતિજ્ઞા ઘૂંટી હતી...

અને લગ્નનાં આ ત્રણ–સાડાત્રણ વર્ષમાં હું ક્યાંય ચૂકી નથી... કેવો છે મારો સંસાર?

સુલેખાએ હોઠ કરડ્યો.

શ્વશુરજીનો કરોડોનો કારોબાર નિકામના હસ્તક છે. સાસુ-સસરા સ્વતંત્ર રહે છે. અમારી વર્સોવાના દરિયાકિનારે લક્ઝુરિયસ વિલા છે. બિઝનેસ નિકામનું પૅશન છે. દારૂ-સિગારેટનું તેને વ્યસન નથી, મારાં પિયરિયાં જોડે બહુ શાલીનતાથી વર્તે છે, મને પણ ક્યારેય ઊંચા સાદે બોલ્યો નથી, કોઈ બીજી રોકટોક નથી એ સુખ જને મારી બાઈ!

- અને શય્યાસુખ?

ફૂંફાડા મારતો વિષધર બેઠો થાય એમ સવાલે ભીતર ભરડો લીધો ને સુલેખા પોતાના પર જ તતડી ઊઠી : આ કેવા સવાલ તને સ્ફુરે છે? લજાતી નથી? તેણે તને કુંવારી તો નથી રાખીને! ઠીકઠાક દેખાતો આદમી કામલીલામાં મંદ હશે, પણ પતિનાં અંગઉપાંગોની નબળાઈનો ઢાંકપિછોડો કરવાનો હોય કે ગામગજવણું? શરમ, સુલેખા શરમ!

લાલચોળ થતી સુલેખાએ જાતને ટપારીને વિચાર-વહેણ બદલ્યું:

આરવ સાથે તો રિશ્તો ન બંધાયો, પણ અવનીશભાઈને કાવેરી જ પસંદ પડી એ કેવું!

ના, આરવ કે દીદી મારાં લગ્નમાં નહોતાં આવ્યાં... કંકોતરી આપ્યા પછી આરવે ક્લાસમાં આવવાનું જ બંધ કરી દીધેલું... પણ મારાં લગ્નના મહિનાએક પછી અવનીશભાઈએ યોગ ક્લાસમાં જવાનું શરૂ કર્યું... અને તે કાવેરીના પ્રેમમાં ખાબક્યા!

એક બપોરે તે ઑફિસથી અચાનક સીધા અહીં, મારે ત્યાં આવી પહોંચ્યા. થોડું શરમાતાં મને પૂછ્યું : કાવેરી તને કેવી લાગી? તારી ભાભી બને તો ગમે?

હેં!

બે-ચાર ઘડી તો જીભે તાળું લાગી ગયું. જેના ભાઈ સાથે મારી પ્રીત ન પાંગરી તેની જોડે મારો ભાઈ પરણવા માગે છે?

‘બિકૉઝ આઇ લવ હર. યોગના રસ્તે તે મારા દિલમાં ઊતરતી ગઈ. હું જાણીને ભૂલ કરું ને તે મને શીખવવા નિકટ આવે એમાં મારું હૈયું એવું ધડક-ધડક થઈ જાય! તે મારો હાથ પકડે તો છોકરો થઈને હું શરમાઈ જાઉં. ક્લાસ છૂટ્યા પછી હું તેને કોઈ ને કોઈ બહાને રોકી રાખું... તે તારા ખબર પૂછે, તેના ભાઈ આરવ વિશે કહે. અમે કેટલી વાતો કરીએ... લતાનાં ગીતોથી રાજકારણ સુધીના વિષયો ચર્ચાય. આખો દહાડો હું તેના વિચારોમાં ગુલતાન રહું. આ મહોબત મારી બેન, એનો સ્વીકાર કાવેરી સમક્ષ કરતાં પહેલાં તને પૂછું છું, ભાભી તરીકે કાવેરી ચાલશેને!’

ત્યારે થયું કાશ, આવું જ મેં આરવ બાબત ભાઈને પૂછવાની હિંમત દાખવી હોત! ના... ના... પરણ્યા પછી આરવનો વિચાર કરવો પણ પાપ છે.

‘કાવેરીદીદી તમારા માટે જ ઘડાયાં છે ભાઈ, પણ તમે કદાચ જાણતા નથી લાગતા. તેમનું કહેણ આપણાં મમ્મી-પપ્પા ઠૂકરાવી ચૂક્યાં છે...’

રિયલી! અવનીશભાઈ નવાઈ પામી ગયા, કારણ જાણીને ઊકળી ઊઠ્યા, ‘આરવ વિશે બધું જાણું છું... કાવેરીએ જ કહ્યું છે. ૩ પાત્રો કેટલી પીઢતાથી વર્ત્યાં એ જોવાને બદલે... મમ્મી-પપ્પા પણ ખરાં છે! ધે હૅવ ટુ ચેન્જ ધેર ડિસિશન.’

અને ખરેખર અવનીશભાઈ અડી ગયા. પહેલાં કાવેરીભાભીની મરજી પૂછી. તે પણ તરત રાજી ન થયાં. મે બી આરવને કારણે, મે બી તેમનું કહેણ રિજેક્ટ થયેલું એટલે; પણ પ્રીત તો તેમને પણ હતી. તેમના એકરારે અવનીશભાઈએ પપ્પા-મમ્મીને અલ્ટિમેટમ આપી દીધું : હું પરણીશ તો કાવેરીને જ...

પપ્પાએ પણ બિઝનેસમાંથી ખારીજ કરવાની ધમકી આપી, મમ્મીએ કાવેરીએ તારી દોલત જોઈ છેના ટલ્લા ફોડ્યા; પણ અવનીશભાઈ ન જ ગાંઠ્યા ત્યારે થાકી-હારીને માનવું પડ્યું... કાવેરીભાભીને થોડો સમય લાગ્યો, પણ તેમણે મમ્મી-પપ્પાનાં દિલ જીતી લીધાં... લગ્નનાં બે વરસે ભાઈને ત્યાં સુખ જ સુખ છે. તેમનાં લગ્નમાં કેટલા વખતે આરવને જોવા-મળવાનું બનેલું. કેવો પરિપક્વ લાગ્યો. નિકામને અદબથી મળ્યો. અવનીશભાઈ સાથે તેની ગાંઠ બંધાઈ ગઈ છે. વચમાં તે કહેતા હતા : મારે સુલેખાથી નાની બેન હોત તો આરવ સાથે તેનો હથેવાળો કરી દેત!

ત્યારે હું અને કાવેરીભાભી એકબીજાને તાકી રહેલાં. હાસ્તો, આરવ મને ચાહતો હોવાનું ભાભીથી છૂપું થોડું હોય! પણ એ વાત ક્યારેય કોઈના હોઠો પર નહીં આવે... નહીં તો અર્થનો અનર્થ થઈ જવાનો!

અને તેણે વિચારમેળો સમેટી લીધો!

lll

‘તમે રજા આપો તો...’

બીજી સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર નિકામની પ્લેટમાં પરાઠા સરકાવીને સુલેખાએ મંજૂરી માગી, ‘બે દિવસ પિયર જઈ આવું. તમે સાંજે ત્યાં આવી જજો.’ કહીને કારણ આપ્યું, ‘ભાભી મંડી પડ્યાં છે : તમે કેરીગાળો કરવા આવ્યા જ નહીં...’

નિકામે ડોક ધુણાવી. અવનીશ-કાવેરીનો સુલેખા માટેનો ભાવ છૂપો નથી. મને પણ બેઉ એટલું જ માન આપે છેને!

‘ભલે.’

સુલેખાના ચહેરા પર હરખ પ્રસરી ગયો.

દિવસ ઢળતા સુધીમાં પતિના ગ્રહો બદલાઈ જવાના છે એની જોકે ત્યારે ખબર નહોતી!

lll

તિલકરાજે જામનો ઘૂંટ ગળ્યો. શબનમે પાછળથી બાથ ભીડી : પ્યાસ બુઝાવવા આ હુશ્નપરી હાજર છે... કહીને ગ્લાસ ખૂંચવીને ફગાવ્યો, ‘શબાબનો નશો શરાબમાં ક્યાં!’

તેનાં આંગળાં તિલકરાજના શર્ટનાં બટન ખોલવા લાગ્યાં. તિલકરાજે તેનો હાથ પકડ્યો : આજે આપણે પ્લાન ડિસ્કસ કરવાનો છેને? એ પહેલાં પતાવીએ?

પ્લાન. પત્નીના મર્ડરનો પ્લાન! બપોરની વેળા હોટેલમાં એટલે તો ભેગાં થયાં છીએ.

તિલકરાજનું માધુરી સાથેનું લગ્નજીવન સુખી હતું. શ્રીમંતાઈની સમાનતા તો ખરી જ, માધુરી રૂપગર્વિતા હતી તો તિલકરાજને પણ પોતાની કસાયેલી કાયા પર નાઝ હતો. સુખની, સંતૃપ્તિની લાગણીનો પરપોટો શબનમ સાથે શય્યાસુખ માણવાની ઘડીએ ફૂટી ગયો. તિલકરાજ હાર્ડકોર બિઝનેસમૅન હતો. શબનમનું બંધાણ થતું ગયું એમ પત્નીથી છુટકારામાં ફાયદો દેખાવા લાગ્યો : શબનમના નશામાંથી છુટાય એમ નથી અને માધુરી મારા અફેર વિશે જાણી ગઈ તો ડિવૉર્સની સાથે અધધધ એલિમની માગશે... અરે, મારા જ વેપારમાં તેનો હિસ્સો મારાથી વધુ છે એટલે અમારું સેપરેશન તો મને અધરવાઇઝ પણ કોઈ કાળે નહીં પરવડે! મારે શબનમનું જોબન મારા નામે કરવું હોય તો માધુરીને કાયમ માટે હટાવી દેવી એ જ એક ઉપાય છે...

‘ખરેખર!’ પછીના એકાંતમાં તિલકરાજનો ઇરાદો સાંભળીે શબનમ ઊછળેલી : તમે માધુરીની હત્યા કરશો... મારે ખાતર!

પછી તેણે વરસાવેલું સુખ અદ્ભુત હતું... આવી એક નહીં ૧૦૦ માધુરીને મારતાં ખચકાટ ન થાય એવું!

 ‘ઓન્લી વન કરેક્શન. માધુરીને હું ખુદ નહીં મારું... મે બી આઇ કૅન હાયર કૉન્ટ્રૅક્ટ કિલર!’

ત્યારે શબનમ બે-ચાર ઘડી વિચારમાં પડેલી : મારા ખ્યાલથી હું આમાં કંઈક મદદરૂપ બની શકું...

ક્રાઇમમાં સાથ દેવાની નીયત દાખવીને તેણે તિલકરાજનો વિશ્વાસ જીતી લીધેલો.

‘કિલરને હાયર કરવાનું કામ મારા પર છોડી દો, તેણે હત્યાને અંજામ કઈ રીતે આપવાનો એ પ્લાન તમે ઘડી નાખો...’

- આજના મિલનનો હેતુ એ પ્લાન જ ડિસ્કસ કરવાનો છે...

‘હા, તો તમે બોલતા જાઓને... હું સાંભળું છું...’

તે તિલકરાજનાં વસ્ત્રો સરકાવતી ગઈ. તેના ખુલ્લા થતા મસ્ક્યુલાઇન શરીર પર દીર્ઘ ચુંબનો ભરતી. હસતો, સિસકારા નાખતો તિલકરાજ કહેતો રહ્યો:

‘તો સાંભળ. માધુરીના મર્ડરનું લોકેશન ડાંગ-આહવાના જંગલનું રાખ્યું છે.’ કહીને એનું કારણ પણ આપ્યું, ‘સાપુતારા ગુજરાતનું જાણીતું ગિરિમથક છે ને ઊઘડતા ચોમાસાની ઋતુમાં ઘણા સહેલાણીઓ ત્યાં જતા હોય છે એટલે અમારા જવામાં માધુરીને કોઈ વહેમ નથી આવ્યો, શી ઇઝ રેડી... શુક્રની બપોરે અમે પહોંચીશું... એના કલાકેકમાં હું મીટિંગનું બહાનું બનાવીને હોટેલમાંથી નીકળી જઈશ. મોડી સાંજે માધુરી પર અજાણ્યા નંબર પરથી નનામો ફોન આવશે – જે અલબત્ત અનલિસ્ટેડ નંબર પરથી હું જ અવાજ બદલીને કરીશ : તમારા પતિ તમને ચીટ કરી રહ્યા છે... તમારા ભેગી પોતાની સેક્રેટરીને પણ અહીં લાવ્યા છે. ખાતરી કરવી હોય તો અત્યારે જ આહવાના સર્કિટ હાઉસ પર પહોંચીને તેમને રંગેહાથ ઝડપી લો!’

‘આ...હા! આટલું સાંભળીને કોઈ પણ પત્ની ગાડી લઈને સર્કિટ હાઉસ ભાગવાની!’

‘યસ!’ તિલકરાજની કીકીમાં તિખારો ઝબક્યો, ‘સાપુતારાથી આહવાની જર્ની ગાઢ બિહામણા જંગલમાંથી પસાર થાય છે. સૂરજ ડૂબી ગયો છે. દીપડાઓ શિકારે નીકળે એવો એ ઊગતી રાતનો સમય છે...’

તિલકરાજનો સ્વર ઉત્તેજનાથી ધ્રૂજ્યો. પ્લાનની પરાકાષ્ઠા આવી રહી હતી એમાં શબનમની હરકતો કામનાને ધમરોળી રહી હતી.

‘આમાં એક વળાંકે કિલર રસ્તો રોકીને ઊભો છે. પોતાની ગાડી ખોટકાઈ છે એવો દેખાવ સર્જીને તે મદદ માગે છે. તેની સાથે સંવાદ સાધવા માધુરી કારનો કાચ સરકાવે એટલી ક્રિયા પણ કિલર માટે પૂરતી છે... એક હાથે માધુરીના વાળ ખેંચી બીજા હાથે ધારદાર છૂરીથી ગરદનની ધોરી નસ કાપી તેનો શિ..કા..ર...’

માધુરીના શિકારની પરાકાષ્ઠા સાથે અહીં પણ શિકારીએ પોતાનું મનગમતું મારણ ઝડપી લીધું હતું ને તિલકરાજના બાકીના શબ્દો એની ઉત્તેજના, ઉશ્કેરાટના સિસકારામાં ભીંસાઈ ગયા!

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

03 June, 2026 11:11 AM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK