Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બચુભાઈ બમ્બાટ Returns અલ્ટિમેટ ઍક્શન (પ્રકરણ ૪)

બચુભાઈ બમ્બાટ Returns અલ્ટિમેટ ઍક્શન (પ્રકરણ ૪)

Published : 11 June, 2026 03:03 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

અહીં વાંચો સાપ્તાહિક નવલકથાનું ચોથું પ્રકરણ

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘ભાગવાની ભૂલ ન કરતો ગણેશ...’

એ સમયે બચુભાઈ બિલકુલ તે ગુંડાની પાછળ હતા જેણે ગણેશને ભાગવાનું સૂચન કર્યું હતું. તે ગુંડો સમજે-વિચારે એ પહેલાં જ બચુભાઈએ તેનો બંદૂકવાળો હાથ પકડીને તેની આંગળી મરડી. પેલાના હાથમાંથી પિસ્તોલ નીચે પડી ગઈ અને એ પછી બચુભાઈના એક સૉલિડ પંચે તે કાયમ માટે શાંત થઈ ગયો.



અચાનક બદલાયેલા વાતાવરણને કારણે ગણેશ ગભરાયો અને ભાગવા માટે તેણે સ્કૉર્પિયો ચાલુ કરી, પણ એ જ સમયે ઇન્સ્પેક્ટર સાવંતે ગણેશના પગ પર ફાયરિંગ કર્યું અને ગણેશ ગાડીના દરવાજા પાસે જ જમીનદોસ્ત થઈ ગયો.


આ છેલ્લો વાર હતો, છેલ્લો અવાજ હતો.

થોડી જ સેકન્ડમાં આખા વિસ્તારમાં ફરીથી સન્નાટો પથરાઈ ગયો. જોકે આ વખતે આ સન્નાટો વિજયનો હતો. પાયલે તરત જ જઈને સાવંતની પત્ની અને તેના દીકરાનાં દોરડાં કાપી નાખ્યાં અને તે બન્ને દોડીને સાવંતને ભેટી પડ્યાં. સાવંતની આંખોમાં આંસુ હતાં.


‘બચુભાઈ... જો આજે તમે ન હોત તો મારો પરિવાર...’

‘સાહેબ, આપણે થૅન્ક્સ સેરેમની પછી રાખીશું...’

બચુભાઈએ ગણેશના ખિસ્સામાંથી આવતી લાઇટ તરફ ઇશારો કર્યો અને પછી જઈને મોબાઇલ ખેંચી કાઢ્યો.

મોબાઇલની સ્ક્રીન પર વિક્રમ સિંઘાનિયાનું નામ ફ્લૅશ થતું હતું.

ફિલ્મસિટીમાં વરસાદની હળવી ઝીંક શરૂ થઈ ચૂકી હતી. કાળાં ડિબાંગ વાદળોએ રાતના અંધકારને વધુ ઘેરો બનાવી દીધો હતો, પણ ગાડીની હેડલાઇટોના પીળા પ્રકાશમાં દરેકના ચહેરા પર છવાયેલી ઉત્તેજના સ્પષ્ટ દેખાતી હતી.

‘સાવંતસાહેબ, આ ફોન અત્યારે આપણા માટે સૌથી મોટું હથિયાર છે.’ બચુભાઈની આંખમાં ચમક હતી, ‘સિંઘાનિયાને હજી ખબર નથી કે ફિલ્મસિટીમાં તેનો આખો સીન પલટાઈ ગયો છે. તે ગણેશના ફોનની રાહ જોતા એવા અકળાયા છે કે તેમણે સામેથી ફોન કરવાનું શરૂ કરી દીધું છે.’

‘હવે કરવાનું શું છે?’

‘પહેલાં તો મને પેલી ૧૦૦ની નોટ પાછી જોઈએ છે...’

ઇન્સ્પેક્ટર સાવંતે પ્લાસ્ટિકનું પાઉચ કાઢ્યું જેમાં પેલી ૧૦૦ની કડકડતી નોટ હતી.

‘બચુભાઈ, આ સામાન્ય કરન્સી નથી. તમને ખબર છે કે આ એક નોટ પર ૧૦૦૦ કરોડ રૂપિયાની ડિલિવરી થવાની છે. આ નોટ જેની પાસે હશે તેને પૈસા ડિલિવર થશે.’ સાવંતે બચુભાઈના હાથમાં નોટ મૂકી, ‘સિંઘાનિયાની આખી અબજોની રમત આ એક ૧૦૦ની નોટ પર અટકેલી છે. જો આ નોટ તેના હાથમાં પહોંચી નહીં તો તેની આખી બાજી ચોપટ...’

‘એ જ થવાનું છે સર...’ પાયલના અવાજમાં બચુભાઈ જેવી જ દૃઢતા હતી, ‘માથેરાનના એ ગામડાના લોકોને કંઈ નહીં થાય.’

‘હા પણ અત્યારે, હવે આગળ શું કરવાનું છે?’ સાવંતના અવાજમાં ટેન્શન હતું, ‘ગણેશ કે તેના માણસો જવાબ નહીં આપે એટલે તરત સિંઘાનિયા સમજી જશે અને તે ફરી નવી હેરાનગતિ શરૂ કરી દેશે.’

‘જે દુશ્મન તમારા ઘર સુધી પહોંચવાની તાકાત રાખતો હોય તેના ઘરે આવવા સુધીની રાહ જોવાને બદલે તેના જ ગઢમાં જઈને ઘેરવો એ જ સ્માર્ટ ઍક્શન કહેવાય.’ બચુભાઈએ પાયલ સામે જોયું, ‘પાયલ, ગણેશ પાસેથી જાણ કે સિંઘાનિયા અત્યારે ક્યાં છે... જાણવાનું એવી રીતે છે કે...’

‘અવાજ બહાર ન આવે...’ ગણેશ તરફ જતી પાયલે જવાબ આપ્યો, ‘તમને લોકોને પણ એનો અવાજ નહીં આવે બચુભાઈ...’

lll

પાંચ જ મિનિટમાં પાયલ પાછી આવી.

‘બચુભાઈ, વિક્રમ સિંઘાનિયા અત્યારે તેની ઑફિસમાં જ છે. નરીમાન પૉઇન્ટ પર આવેલી સિંઘાનિયા માઇનિંગ કૉર્પોરેશનની હેડ ઑફિસમાં...’

‘ગુડ...’ બચુભાઈએ સાવંત સામે જોયું, ‘હવે તમે છૂટા. તમે અત્યારે જ તમારી ફૅમિલીને લઈને મુંબઈની બહાર નીકળી જાઓ એમાં જ તમારી ભલાઈ છે.’

‘ના, હું એવી રીતે નહીં ભાગું...’

‘તમે ભાગતા નથી, તમે અમારા ચક્રવ્યૂહમાં મને મદદ કરો છો...’ બચુભાઈએ સાવંતના ખભા પર હાથ મૂક્યો, ‘એક વાત યાદ રાખજો કે દરેક વખતે લડવું જરૂરી નથી, કેટલીક વખત ટકવું અને ટકવા માટે ચૂપચાપ બેસી રહેવું પણ જરૂરી છે.’

‘ઠીક છે...’ સાવંતે સ્વીકાર તો કર્યો પણ સાથોસાથ પૂછી પણ લીધું, ‘પણ તમે શું કરશો...’

‘અમારે પણ કોઈને સલામત જગ્યાએ પહોંચાડવાનું છે... એ પછી અમે નરીમાન પૉઇન્ટ...’ બચુભાઈએ પાયલની સામે જોયું, ‘પાયલ, ગાડી ચાલુ કર... બોરીવલી જઈએ.’

lll

બોરીવલી-ઈસ્ટ પહોંચ્યા ત્યાં સુધીમાં વરસાદે જોર પકડી લીધું હતું.

સોસાયટીમાં પહોંચ્યા પછી પણ બચુભાઈએ લિફ્ટ વાપરવાને બદલે દાદરા વાપર્યા હતા. બન્ને પગથિયાં ચડીને છઠ્ઠા માળે પહોંચ્યાં અને સાવચેતી સાથે તેમણે દરવાજો ખોલ્યો. ઘરમાં રહેલી શાંતિએ બચુભાઈ અને પાયલને હૈયે ટાઢક આપી હતી.

ઘરેથી નીકળતી વખતે તેમણે સેફ્ટી માટે જ્યોતિબહેનને રૂમમાં બંધ કરી દીધાં હતાં એટલે સૌથી પહેલાં જઈને બચુભાઈએ રૂમ ખોલીને તેમને બહાર લીધાં.

‘તમે ફટાફટ જરૂરી સામાન ભરો. આપણે બહાર જવાનું છે.’

‘કંઈ થયું નથીને?’ જ્યોતિબહેનના સ્વરમાં ઉચાટ હતો, ‘પાયલ ક્યાં છે?’

‘તે બહાર જ છે... તમે ચિંતા નહીં કરો.’ બચુભાઈએ જ્યોતિને કહ્યું, ‘તમારે બેથી ૩ દિવસનો સામાન લેવાનો છે. ફટાફટ લો...’

‘જી...’

બહાર જવા માટે દરવાજા તરફ ઉપાડી લીધેલા પગને પાછા વાળીને જ્યોતિબહેને તરત પોતાનો સામાન ભરવાનું શરૂ કર્યું. પાંચ મિનિટમાં બધો સામાન ભરાઈ ગયો અને તે હૅન્ડબૅગ સાથે બહાર નીકળ્યાં. એ જ વખતે પાયલ પણ તેની રૂમમાંથી બહાર આવી.

‘ચાલ મમ્મી, આપણે જઈએ...’

‘તું પણ મારી સાથે આવે છે?’

‘ના, હું ને બચુભાઈ બન્ને અહીં રહીશું. બધું કામ પૂરું થાય એટલે તને લેવા આવી જઈશું...’

‘મને, મને ક્યાં મૂકવા આવો છો?’

‘રસિકના ઘરે...’ જવાબ બચુભાઈએ આપ્યો, ‘રસિક વડોદરા ગયો છે. તેના ફ્લૅટની ચાવી મારી પાસે છે. હવે બે-ત્રણ દિવસ તમે ત્યાં રહેશો...’

‘જુઓ તમે અહીં... કંઈ લપમાં નહીં પડો.’

જ્યોતિબહેનની વાતમાં નનૈયો હતો, પણ તે બચુભાઈનો વિરોધ પણ નહોતાં કરતાં. મેઇન ડોર તરફ આગળ વધતાં જ્યોતિબહેને કહ્યું, ‘તને ખબર છે પાયલ, આ બધા મવાલી લોકો છે. તેમની સામે શું કામ લડવાનું? બચુભાઈ, તમે આને સમજાવો. કહો કે હવે છોકરીની જેમ રહેવાનું શરૂ કરે...’

‘તમે ટેન્શન નહીં કરો. હું છું, બધું ફોડી લઈશ...’ બચુભાઈએ આગળ તરફ ઇશારો કર્યો, ‘આવો...’

lll

રસિક શાહના ઘરે જ્યોતિબહેનને ડ્રૉપ કર્યા પછી બચુભાઈ અને પાયલ ફરી પાછાં પોતાની ગાડીમાં આવ્યાં.

‘બેટા, લઈ લે નરીમાન પૉઇન્ટ...’

પાયલે ગાડી નરીમાન પૉઇન્ટ તરફ વાળી ત્યારે મુંબઈનો વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે વરસાદના પાણીથી ધોવાતો હતો. ગાડીનાં વાઇપરના એકધારા અવાજ વચ્ચે બાપ-દીકરી કોઈ પણ સંવાદ વિના આગળ વધતાં હતાં. હા, તેમના બન્નેના વિચારોની ગતિ રસ્તા પર ભાગતી ગાડી કરતાં પણ વધારે ઝડપી હતી.

બચુભાઈ અને પાયલ નરીમાન પોઇન્ટ પહોંચ્યાં ત્યારે રાતના પોણાચાર વાગી ગયા હતા.

નરીમાન પૉઇન્ટ પર આવેલા સિંઘાનિયા ટાવર્સની બહાર સિક્યૉરિટી ગાર્ડ્‍સ વૉકી-ટૉકી સાથે પૅટ્રોલિંગ કરતા હતા. આ તેમનું રૂટીન હતું, પણ આજે વધારે અલર્ટ થઈને ડ્યુટી નિભાવવામાં આવતી હતી. વરસતા આકાશ વચ્ચે આખું બિલ્ડિંગ ઝળહળતું હતું.

પચાસમા માળે આવેલી કૅબિનમાં વિક્રમ સિંઘાનિયા બેચેનીથી આંટા મારતા હતા.

ટેબલ પર ૧૦૦ વર્ષ જૂની મોંઘીદાટ વ્હિસ્કીની બૉટલ અને ગ્લાસ પડ્યાં હતાં. બૉટલ અડધી ખાલી થઈ ગઈ હતી, પણ સિંઘાનિયાના ચહેરા પર નશાની સહેજ પણ અસર નહોતી દેખાતી. ઘડિયાળમાં જોઈને સિંઘાનિયાએ ચીસ પાડી.

‘ગણેશને ફોન લગાડ...’

સેક્રેટરી ધ્રૂજી ગયો અને તેણે તરત જ ગણેશનો મોબાઇલ-નંબર ડાયલ કર્યો, પણ એ ફોન રિસીવ થયો નહીં.

‘સર, તે ફોન નથી ઉપાડતો...’

ખણાંગ...

સિંઘાનિયાએ હાથમાં રહેલો ક્રિસ્ટલનો ગ્લાસ જમીન પર ફેંક્યો.

‘સાલ્લા બધા... બધા ચોર છે...’ સિંઘાનિયાની જીભ પર ગાળ આવી ગઈ, ‘મને આ બધામાં પેલો ઇન્સ્પેક્ટર સાવંત જ લાગે છે... મલ્હોત્રા, મને... મને કોઈ પણ હિસાબે એ ૧૦૦ની નોટ જોઈએ. જો એ નોટ હાથમાં ન આવી તો મારું કામ પણ નહીં થાય ને નાહકના મારા ૧૦૦૦ કરોડ રૂપિયા પણ જશે...’

બરાબર એ જ વખતે સિંઘાનિયાના પર્સનલ મોબાઇલ પર મેસેજ આવ્યો અને સિંઘાનિયાના ચહેરા પર ચમક આવી ગઈ.

‘ગણેશનો મેસેજ...’

સિંઘાનિયાએ મેસેજ ઓપન કર્યો. મેસેજમાં વિડિયો ફાઇલ હતી.

સિંઘાનિયાએ વિડિયો પ્લે કર્યો અને વિડિયો જોતાં જ તેના કપાળ પર પરસેવાનાં ટીપાં વળી ગયાં.

વિડિયોમાં ફિલ્મસિટીનો ભાગ હતો જ્યાં ગણેશ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડ્યો હતો. તેના બધા શૂટર્સ બેભાન અવસ્થામાં બાંધેલા દેખાતા હતા. તેમનો કણસાટ પણ વિડિયોમાં સંભળાતો હતો. વિડિયો રેકૉર્ડ કરનારી વ્યક્તિ સૌથી છેલ્લી સ્ક્રીન પર આવી અને સિંઘાનિયા હેબતાઈ ગયા.

વિડિયોના એન્ડમાં છેલ્લે છોકરીનો હાથ દેખાયો. હાથ કૅમેરા સામે આવ્યો અને હાથમાં રહેલી ૧૦૦ રૂપિયાની નોટ તેણે લહેરાવી.

સિંઘાનિયા નોટને ઓળખી ગયા. આ નોટનો ફોટો તેને ઍન્થનીએ મોકલ્યો હતો.

વિડિયો જેવો પૂરો થયો કે બીજી જ સેકન્ડે એ જ નંબર પરથી ફરી મેસેજ આવ્યો.

મિસ્ટર સિંઘાનિયા, માથેરાનની માટી અને આદિવાસીઓનું જીવન વેચવાની તારી ઓકાત નથી. આ ૧૦૦ રૂપિયાની નોટ હવે તારા મોતની સ્ક્રિપ્ટ લખશે. ટેન્શન નહીં કર, તારે અમને શોધવાના નથી. અમે તારા બિલ્ડિંગના પાર્કિંગમાં જ છીએ. હિંમત હોય તો તારી સિક્યૉરિટીને કહે, અમને રોકીને દેખાડે.

‘ગાર્ડ્‌સ...’ સિંઘાનિયાએ જોરથી બૂમ પાડી, ‘મલ્હોત્રા, બિલ્ડિંગના બધા સિક્યૉરિટી ગાર્ડ્‌સ અને શૂટર્સને અલર્ટ કર. પાર્કિંગથી લઈને આ ફ્લોર સુધી કોઈ અજાણ્યો દેખાય તો સીધો શૂટ કરો. નોટ તે માણસ પાસે છે. ફાસ્ટ, હરી અપ...’

lll

સિંઘાનિયા ટાવર્સના અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં પાર્ક થયેલી ગાડીમાંથી બચુભાઈ બમ્બાટ અને પાયલ બહાર આવ્યાં. બચુભાઈના હાથમાં લોખંડનો નાનો પાઇપ હતો, જ્યારે પાયલના હાથમાં જૂના જમાનાનું પાંચ કિલોનું લોખંડનું વજનિયું હતું.

‘પાયલ... અહીં દરેક ગાર્ડ પાસે વેપન્સ હશે, એવાં વેપન્સ જેની સામે આપણે ટૂંકા પડીએ પણ...’ બચુભાઈએ લિફ્ટ તરફ જોતાં કહ્યું, ‘આપણી પાસે જે હથિયાર છે એનો જો પર્ફેક્ટ ઉપયોગ થયો તો એ આપણને પહોંચી નહીં શકે. સરપ્રાઇઝ અટૅક અને સ્પીડ.’

પાયલે વાત સાંભળીને હકારમાં મસ્તક સહેજ નમાવ્યું કે તરત બચુભાઈએ કહ્યું...

‘આપણે લિફ્ટ વાપરીશું નહીં, પણ લિફ્ટનો ઉપયોગ દરેક ફ્લોર પર કરીશું...’ બચુભાઈએ લિફ્ટનું બટન દબાવ્યું અને સીધા સીડી તરફ ભાગ્યા, ‘ભાગ...’

બાપ-દીકરીની જોડીએ પચાસમા માળ તરફ પ્રયાણ કર્યું. બચુભાઈ દરેક ફ્લોર પર લિફ્ટનું બટન દબાવતા આગળ વધતા રહ્યા. આ તેમની સ્ટ્રૅટેજી હતી અને સાથોસાથ પોતાના જીવનના સૌથી મોટા ઍક્શન-સીનનો સ્ક્રીનપ્લે પણ...

 

(આવતી કાલે સમાપ્ત)

Whatsapp-channel Whatsapp-channel

11 June, 2026 03:03 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK