Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નરેન્દ્ર મોદીએ રચ્યો ઇતિહાસ, કેન્દ્રીય કૅબિનેટે આપ્યું સ્ટૅન્ડિંગ ઓવેશન

નરેન્દ્ર મોદીએ રચ્યો ઇતિહાસ, કેન્દ્રીય કૅબિનેટે આપ્યું સ્ટૅન્ડિંગ ઓવેશન

Published : 11 June, 2026 11:10 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દેશના સૌથી લાંબો સમય સળંગ ચૂંટાયેલા વડા પ્રધાન બનવા પર કૅબિનેટે સર્વાનુમતે પ્રસ્તાવ પસાર કર્યો

વડા પ્રધાનની ઐતિહાસિક ઉપલબ્ધિ પ્રસંગે NDAના તમામ સાથી પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા અને નરેન્દ્ર મોદીએ તેમનું અભિવાદન ઝીલ્યું હતું.

વડા પ્રધાનની ઐતિહાસિક ઉપલબ્ધિ પ્રસંગે NDAના તમામ સાથી પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા અને નરેન્દ્ર મોદીએ તેમનું અભિવાદન ઝીલ્યું હતું.


વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતના ઇતિહાસમાં સૌથી લાંબો સમય સળંગ ચૂંટાયેલા પ્રાઇમ મિનિસ્ટર બનતાં કેન્દ્રીય કૅબિનેટે બુધવારે એક સર્વાનુમત પ્રસ્તાવ પસાર કરીને તેમની પ્રશંસા કરી હતી. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ કૅબિનેટ બેઠકમાં હાજર તમામ પ્રધાનોએ ઊભા થઈને નરેન્દ્ર મોદીનું ભવ્ય અભિવાદન કર્યું હતું. કૅબિનેટે આ માઇલસ્ટોનને ભારતીય લોકશાહીની સફરમાં એક સુવર્ણ ક્ષણ ગણાવી છે. નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કૅબિનેટ બેઠકમાં સ્વીકારવામાં આવેલા પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું હતું કે તેમણે ચૂંટાયેલા વડા પ્રધાન તરીકે જવાહરલાલ નેહરુના ૪૩૯૮ દિવસના રેકૉર્ડને પાર કરીને નવો ઇતિહાસ રચ્યો છે. કૅબિનેટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ ભારત આગામી સમયમાં આત્મનિર્ભર, સુરક્ષિત અને સમૃદ્ધ રાષ્ટ્ર તરીકે નવી ઊંચાઈઓ સર કરતું રહેશે. આ બેઠક દરમ્યાન કૅબિનેટે નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના વિઝનને સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. પ્રધાનોએ સ્વીકાર્યું કે છેલ્લા એક દાયકાથી વધુ સમયથી દેશ જે ક્રાન્તિકારી આર્થિક અને સામાજિક સુધારાઓનો સાક્ષી બન્યો છે એ વડા પ્રધાનની મજબૂત રાજકીય ઇચ્છાશક્તિ અને જનસેવાના સમર્પણને આભારી છે.

આપણે દુનિયાની બરાબરી નથી કરવાની પરંતુ દુનિયાથી એક ડગલું આગળ જવાનું છે



નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA) સરકારનાં ૧૨ વર્ષ પૂરાં થયા એ નિમિત્તે દિલ્હીના ભારત મંડપમમાં યોજાયેલી NDA કૉન્ક્લેવમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આર્થિક પ્રગતિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને સુધારાઓની સિદ્ધિઓ અને ભવિષ્યની વાતો કરતાં લક્ષ્યો આપ્યાં હતાં. એમાંથી મહત્ત્વની વાતો - ભારતે હવે માત્ર દુનિયાની બરાબરી નથી કરવાની પરંતુ એનાથી એક ડગલું આગળ રહેવાનું લક્ષ્ય રાખવું જોઈએ. તેમણે દાવો કર્યો હતો કે વૈશ્વિક અસ્થિરતા વચ્ચે પણ ભારતે ૨૦૨૫-’૨૬માં ૭.૭ ટકાનો વિકાસદર હાંસલ કર્યો છે. દેશનો મધ્યમવર્ગ ઝડપથી બદલાઈ રહ્યો છે અને એની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વાર્ષિક ૧૨ લાખ રૂપિયા સુધીની આવકને સંપૂર્ણપણે કરમુક્ત કરવામાં આવી છે. નેશન ફર્સ્ટની ભાવનાથી કામ કરવામાં આવે તો કોઈ નિર્ણય અશક્ય હોતો નથી.’  ભવિષ્યમાં ભારત મેડ ઇન ઇન્ડિયા જહાજો, કન્ટેનરો અને સિવિલ ઍરક્રાફ્ટ્સનું ઉત્પાદન કરશે. દેશ વૈશ્વિક ટ્રાન્સપોર્ટ હબ તરીકે ઊભરી રહ્યો છે અને વિશ્વનાં આધુનિક ડેટા સેન્ટરો પણ ભારતમાં વિકસી રહ્યાં છે. સ્વચ્છતા, ડિજિટલ પેમેન્ટ અને કોરોના મહામારી જેવા દરેક પડકાર દરમ્યાન દેશવાસીઓએ સરકારનો સાથ આપ્યો છે.


૪૩૯૯ દિવસની સફરમાં ભારતે મેળવેલી ૮ ઐતિહાસિક ઉપલબ્ધિ

નરેન્દ્ર મોદીના ચૂંટાયેલા વડા પ્રધાન તરીકે સફળતાપૂર્વક ૪૩૯૯ દિવસ પૂરા થઈ ચૂક્યા છે જે ભારતના આધુનિક ઇતિહાસમાં સુવર્ણ અધ્યાય સમાન છે. આ દીર્ઘકાલીન કાર્યકાળ દરમ્યાન દેશ રાજકીય સ્થિરતા, આર્થિક સુધારા અને વૈશ્વિક નેતૃત્વના નવા યુગમાં પ્રવેશ્યો છે. ‘સબકા સાથ, સબકા વિકાસ’ના મંત્ર સાથે તેમના કાર્યકાળમાં દાયકાઓથી લટકતા જટિલ પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવાનું અને ભારતને આત્મનિર્ભરતા તરફ આગળ ધપાવવાનું કામ થયું છે.


 
૩૭૦મી કલમની નાબૂદી : જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ હટાવીને દેશમાં ‘એક વિધાન, એક પ્રધાન અને એક નિશાન’નું સપનું સાકાર કરવામાં આવ્યું, જેનાથી કાશ્મીર મુખ્ય પ્રવાહમાં જોડાયું.

 
ભવ્ય રામ મંદિરનું નિર્માણ : અયોધ્યામાં ૫૦૦ વર્ષ લાંબી રાહ અને સંઘર્ષ બાદ પ્રભુ શ્રી રામલલાની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા થઈ, જે સાંસ્કૃતિક પુનરુત્થાનનું પ્રતીક બની.

 
UPI - પેમેન્ટ્સ ક્રાન્તિ : ભારતે વિકસાવેલું UPI આજે વિશ્વની સૌથી મોટી રિયલ-ટાઇમ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ બની છે જે વૈશ્વિક સ્તરે ડંકો વગાડી રહી છે.

 
GST - એક રાષ્ટ્ર, એક ટૅક્સ : વર્ષો જૂની જટિલ કરવ્યવસ્થાને નાબૂદ કરીને GST લાગુ કરવામાં આવ્યો, જેણે સમગ્ર દેશને એકસમાન આર્થિક બજારમાં પરિવર્તિત કર્યો.

 
નક્સલમુક્ત ભારત : આંતરિક સુરક્ષાને મજબૂત કરી, નક્સલવાદથી પ્રભાવિત વિસ્તારોમાં કડક વહીવટ અને વિકાસ પહોંચાડીને દેશને નક્સલવાદના ડંખમાંથી મુક્ત કરવામાં મોટી સફળતા મેળવી.

 
વંદે ભારત ટ્રેન : દેશની પ્રથમ સેમી
હાઈ-સ્પીડ વંદે ભારત ટ્રેનોએ ભારતીય રેલવેનો ચહેરો બદલી નાખ્યો અને મેક
ઇન ઇન્ડિયાની તાકાત બતાવી.

 
ખુલ્લામાં શૌચમુક્ત ભારત : સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કરોડો શૌચાલયો બનાવીને દેશને ખુલ્લામાં શૌચમુક્ત જાહેર કરવામાં આવ્યો, જેણે કરોડો મહિલાઓને સન્માન આપ્યું.

 
વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા : અનેક વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારત આજે દુનિયાની પાંચમી સૌથી મોટી અને સૌથી ઝડપથી આગળ વધતી મુખ્ય અર્થવ્યવસ્થા બની ચૂક્યું છે.

ટૂંકમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૪૩૯૯ દિવસ માત્ર શાસનના નથી પરંતુ સદીઓ જૂની આકાંક્ષાઓને પૂર્ણ કરીને એક સક્ષમ, સુરક્ષિત અને વિકસિત ભારતનો મજબૂત પાયો નાખવાના સાક્ષી રહ્યા છે.

નરેન્દ્ર મોદીનાં ૧૨ વર્ષની ઉજવણી: ખેડૂતોના અનાજથી બનાવવામાં આવી વિશાળ રંગોળી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના કાર્યકાળની ઐતિહાસિક સિદ્ધિના ઉપલક્ષ્યમાં ગઈ કાલે ભોપાલના નીલબડ ખાતે દુર્ગામાતા મંદિરના પરિસરમાં ખેડૂતો દ્વારા અનાજથી નરેન્દ્ર મોદીની આકર્ષક રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળીમાં તેમના ૧૨ વર્ષના કાર્યકાળની મુખ્ય સિદ્ધિઓને દર્શાવવામાં આવી હતી. ઉપરાંત સામૂહિક હનુમાન ચાલીસાના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 

વડા પ્રધાનના નવા કીર્તિમાન નિમિત્તે અજમેર શરીફ સહિત દેશભરની દરગાહોમાં ચાદર ચઢાવવામાં આવી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૌથી લાંબા સમય સુધી સળંગ ચૂંટાયેલા વડા પ્રધાન બનતાં BJPના લઘુમતી મોરચાએ બુધવારે રાજસ્થાનની અજમેર શરીફ દરગાહમાં ખાસ ચાદર ચઢાવીને તેમની દીર્ઘાયુ અને દેશની સુખશાંતિ માટે દુઆ કરી હતી. લઘુમતી મોરચા દ્વારા દેશના જિલ્લાઓની દરગાહોમાં પણ વિશેષ દુઆનું આયોજન કરવામાં આવ્યું હતું.
સૂફી સંવાદ મહાઅભિયાનના રાષ્ટ્રીય સહપ્રભારી આબિદ અલી ચૌધરીએ જણાવ્યું હતું કે દેશભરની દરગાહો અને મદરેસાઓમાં પણ નરેન્દ્ર મોદીની દીર્ઘાયુ માટે દુઆ કરવામાં આવી હતી. બીજી તરફ મુંબઈ BJP લઘુમતી મોરચાના પ્રમુખ વસીમ ખાને માહિમ દરગાહ ખાતે વિશેષ પ્રાર્થના કરીને જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના કાર્યકાળે તમામ વર્ગોના વિકાસને નવી દિશા આપી છે.

નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન તરીકેના કાર્યકાળનાં ૧૨ વર્ષ પૂરા કર્યાં અને ૪૩૯૯ દિવસના સૌથી લાંબા સેવાકાળના માનમાં તેમના વતન વડનગરમાં ગઈ કાલે આધ્યાત્મિક રીતે ઉજવણી કરવામાં આવી હતી. વડનગરમાં આવેલા હાટકેશ્વર મહાદેવ મંદિરમાં સાંજથી હજારો લોકો ઊમટ્યા હતા. બધા લોકો હાથમાં દીવા લઈને મહાઆરતીમાં સામેલ થયા હતા. આ આરતીમાં ગુજરાતના ઊર્જાપ્રધાન હૃષીકેશ પટેલ તેમ જ ગુજરાત ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત શર્મિષ્ઠા તળાવના કિનારે ૧૦,૦૦૦ જેટલા ગ્લાસમાં દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. એને પગલે તળાવનો પરિસર રોશનીથી ઝળહળી ઊઠયો હતો. દીપપ્રાગટ્ય અને મહાઆરતી બાદ વૉટર લેઝર ઍન્ડ સાઉન્ડ શો યોજાયો હતો. 

નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં હાટકેશ્વર મહાદેવ મંદિરમાં યોજાઈ મહાઆરતી: શર્મિષ્ઠા તળાવ ૧૦,૦૦૦ દીવાની રોશનીથી ઝળહળી ઊઠ્યું 

નરેન્દ્ર મોદીએ ૫૧ દિવસ બાદ ફરી ઝાલમુરીનો સ્વાદ માણ્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ૫૧ દિવસ બાદ ફરી એક વાર પશ્ચિમ બંગાળની લોકપ્રિય વાનગી ઝાલમુરીનો સ્વાદ માણ્યો હતો. NDAની બેઠક દરમ્યાન ભારત મંડપમ ખાતે નરેન્દ્ર મોદીએ ઝાલમુરી ખાધી હતી, જેનો વિડિયો તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પણ શૅર કર્યો હતો. ઝાલમુરીના કાઉન્ટર પાસે પહોંચેલા નરેન્દ્ર મોદીએ પોતાની પસંદગીની ઝાલમુરી માગતાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીએ તેમને ઝાલમુરી પીરસી હતી. આ પ્રસંગે BJPના અનેક વરિષ્ઠ નેતાઓ અને NDAના સાથી પક્ષોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

11 June, 2026 11:10 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK