Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બચુભાઈ બમ્બાટ ઍક્શન અનલિમિટેડ (પ્રકરણ ૩)

બચુભાઈ બમ્બાટ ઍક્શન અનલિમિટેડ (પ્રકરણ ૩)

Published : 29 April, 2026 12:44 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

લાકડાંનો ભારો લઈને બચુભાઈ ધીમેકથી બંગલાની સામેથી પસાર થયા. બન્ને ગુંડાઓએ તેમને છેક છેલ્લે સુધી જોયા. જેવા બચુભાઈ અંધારામાં દેખાતા બંધ થયા કે તેમણે નજર ફેરવી અને બચુભાઈ પણ આ જ તકની રાહ જોતા હતા

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


એક વાત તો ક્લિયર હતી કે કોર્ટમાં ઇન્સ્પેક્ટર દેશમુખને આરોપી પુરવાર કરવાનું કામ ઑલમોસ્ટ અશક્ય હતું. મનસુખની જુબાની પર ભરોસો કરી શકાય નહીં. ઇન્સ્પેક્ટર દેશમુખની બીકે તે કોર્ટમાં ફરી જાય એ લગભગ નિશ્ચિત હતું.

હવે કરવું શું?



‘મોબાઇલ...’


અચાનક બચુભાઈને યાદ આવ્યું કે ગાડી ચલાવતી વખતે પાર્થ પોતાનો ફોન ડૅશબોર્ડની નીચે મૂકી દેતો, જે સામાન્ય રીતે કોઈની નજરે ચડતો નહીં. પોલીસે ગાડી સીલ કરી, પણ હજી સુધી પાર્થના મોબાઇલની કોઈ વાત આવી નહોતી. મતલબ કે દેશમુખના હાથમાં કદાચ પાર્થનો મોબાઇલ હજી સુધી આવ્યો નથી.

જો વધારે કંઈ જાણવું હોય તો કોઈ પણ હિસાબે મોબાઇલ સુધી પહોંચવું પડે અને મોબાઇલ સુધી પહોંચવા માટે પોલીસયાર્ડમાં રહેલી ફીઆટ સુધી જવું પડે.


lll

બચુભાઈ એ રાત્રે પોલીસયાર્ડમાં ઘૂસ્યા.

અગાઉ કરેલા ઍક્શન-સીન્સને લીધે દીવાલ કૂદવી તેમના માટે રમતવાત હતી. સિક્યૉરિટી ગાર્ડની નજર ચૂકવીને બચુભાઈ પોતાની ફીઆટ પાસે પહોંચ્યા. ગાડીની હાલત જોઈને તેઓ ખરેખર ધ્રૂજી ગયા હતા, પણ અત્યારે ઇમોશનલ થવાનો સમય નહોતો.

ફરી એક વખત બચુભાઈને પોતાનો પ્રોફેશન કામ લાગ્યો. તેમણે પાતળા તારની મદદથી ફીઆટ ગાડીનો દરવાજો ખોલ્યો.

ટક...

અવાજ આવતાંની સાથે જ બચુભાઈ જમીન પર બેસી ગયા. જોકે સ‌િક્યૉરિટી ગાર્ડ ઇન્સ્ટાગ્રામ પર ફની રીલ્સ જોવામાં એવો મશગૂલ હતો કે તેનું ધ્યાન અવાજ કે યાર્ડમાં ચાલતી હલચલ તરફ ગયું નહીં.

થોડી સેકન્ડ એમ જ જમીન પર બેસી રહ્યા પછી બચુભાઈ ફરી ઊભા થયા. હવે તેમણે ધીમેકથી ગાડીની ડ્રાઇવિંગ-સીટની બાજુનો દરવાજો ખોલ્યો અને પછી અંદરની તરફ ઝૂકીને ડૅશબોર્ડ નીચે હાથ નાખ્યો. ત્યાં પાર્થનો ફોન હતો!

ફોન સ્વિચ્ડ-ઑફ હતો.

બચુભાઈએ ફોન લીધો, દરવાજો બંધ કર્યો અને પછી યાર્ડની બહારની તરફ ભાગ્યા.

lll

ઘરે જઈને ફોન ચાર્જમાં મૂક્યો.

નસીબજોગે ચાર્જ‌િંગનો જ પ્રૉબ્લેમ હતો. મોબાઇલને ઇલેક્ટ્ર‌િસ‌િટી મળતાં એ ઑન થયો અને બચુભાઈના ચહેરા પર નિરાંત પ્રસરી.

મોબાઇલ ચાર્જ થતાં બચુભાઈએ મોબાઇલ સ્ટાર્ટ કર્યો અને તેમનો અંદેશો સાચો પડ્યો. મોબાઇલના ફોલ્ડરમાં એક વિડિયો હતો.

વિડિયોમાં અંધારું હતું, પણ દેશમુખનો અવાજ સ્પષ્ટ હતો.

‘તારી હિંમત કેવી રીતે થઈ મારી દીકરીનો હાથ પકડવાની? સાલ્લા ફટીચર... ગુજરાતી હોઉન તૂ મરાઠ્યાંચ્યા મુલીવર પ્રેમ કરાયલા નિઘાલાસ?’

દેશમુખના મોઢામાં ગાળ આવી અને એ ગાળની પાછળ તરત પાર્થની ચીસ અને ફટકાનો અવાજ સંભળાયો. આ કદાચ છેલ્લી સિચુએશન હતી. મોબાઇલની બૅટરી અને પાર્થ બન્નેની લાઇફ અહીં પૂરી થતી હતી.

lll

મંગલમૂર્તિ સોસાયટીના એક ફ્લૅટમાં નાની ઉંમરે એક યુવાનનું મર્ડર થયું હતું, પણ સન્નાટો અને માતમ આખી સોસાયટીમાં છવાઈ ગયાં હતાં. ઇન્સ્પેક્ટર સાવંતે પાર્થ પર ડ્રગ્સનો જે ખોટો આરોપ લગાવ્યો હતો એનાથી આખી સોસાયટીમાં વાતો શરૂ થઈ ગઈ હતી. શોક વ્યક્ત કરવા આવતા આડોશી-પાડોશીઓ અને સગાંવહાલાંના ચહેરા પર રહેલો શક સ્પષ્ટપણે જોઈ શકાતો હતો. જે લોકો આજ સુધી બચુભાઈ તરફ માનથી જોતા હતા એ જ લોકો હવે બચુભાઈને શંકાની નજરે જોતા થઈ ગયા હતા. જોકે બચુભાઈને કોઈની પડી નહોતી. કાંદિવલીમાં બેઠા તેમનું મન માથેરાનના પહાડોમાં ભટકવા માંડ્યું હતું. મનસુખના કહેવા મુજબ સંધ્યા અત્યારે માથેરાનમાં હતી.

‘પાયલ, જ્યોતિની જવાબદારી હમણાં તારા પર...’ ઘરમાં મહેમાન નહોતા ત્યારે બચુભાઈએ દીકરીને કહ્યું, ‘હું બે-ત્રણ દિવસ માટે બહાર જાઉં છું.’

‘બચુભાઈ, તમે ક્યાં જાઓ છો... આ હાલતમાં...’ પાયલે ચિંતામાં પૂછ્યું, ‘હમણાં ન જાઓ એ જ સારું છે. પોલીસ આવશે તો...’

‘પોલીસ ન આવે એના માટે જ જઉં છું બેટા...’ બચુભાઈએ દીકરીના માથે હાથ ફેરવ્યો અને તેની પાંપણ પર આવી ગયેલું આંસુ લૂછ્યું, ‘પાર્થને પોલીસ ન્યાય નથી આપી શકવાની, પણ આપણે તો એ ન્યાય અપાવવો છેને?’

પાયલે હકારમાં મસ્તક સહેજ નમાવ્યું કે તરત બચુભાઈએ સૂચના આપી દીધી.

‘કોઈ પૂછે તો કહેવાનું કે હું હરિદ્વાર ગયો છું, અસ્થિ પધરાવવા.’ બચુભાઈએ મક્કમ અવાજે કહ્યું, ‘ખોટું બોલતાં ડરવાનું નથી... ને હા, ખોટું કરનારાઓથી તો સહેજ પણ ડરવાનું નથી.’

રડી ન પડાય એવા ભાવથી પાયલે બન્ને હોઠ ભીડી દીધા અને બચુભાઈ ઘરની બહાર નીકળી ગયા.

lll

‘ગની, મારે એક મદદ જોઈએ છે...’

સીધા માથેરાન જવાને બદલે બચુભાઈ ફિલ્મસિટીમાં ગયા હતા. ફિલ્મસિટીમાં બચુભાઈનો વર્ષો જૂનો એક ભાઈબંધ ગની અહમદ રહેતો હતો. પચાસ વર્ષના ગનીનું એક જ કામ, શૂટિંગમાં લાગનારી લાઇટ્સ સાફ કરવાનું. વર્ષો સુધી બચુભાઈ લાઇટમૅન રહ્યા પછી ગનીએ આ કામ શરૂ કરી દીધું હતું.

‘તમે બોલોને ભાઈજાન... પાર્થ સાથે જે થયું એ બહુ ખરાબ થયું.’ ગનીની આંખો ભીની થઈ ગઈ હતી, ‘તમે જે રીતે ફરીદાને જ્યોતિ...’

‘એ વાતને અત્યારે નિસબત નથી ગની...’ બચુભાઈએ ગનીની વાત કાપી, ‘મારા માટે એક જ વાત મહત્ત્વની છે કે પાર્થને મારનારા હજી બહાર ફરે છે.’

‘કરવાનું છે શું ભાઈજાન...’

‘ઇન્ફર્મેશન...’ બચુભાઈએ કહ્યું, ‘ગની, મને ઇન્સ્પેક્ટર દેશમુખના માથેરાનવાળા બંગલાની વિગતો જોઈએ છે. ત્યાં કેટલો બંદોબસ્ત છે અને સંધ્યાની હાલત શું છે... તું કહેતો હતો કે માથેરાનમાં તારા કેટલાક રિલેટિવ્સ રહે છે... જો તે ત્યાં હોય તો...’

‘છેને, મારો સાળો હજી પણ ત્યાં જ રહે છે... માથેરાનમાં ૮ ઘોડા ફેરવે છે.’ ગનીએ મોબાઇલ હાથમાં લીધો, ‘હું તેને પૂછું... ૧૦ મિનિટમાં બધેબધી માહિતી તે લાવી આપશે... તમે બેસો...’

ગની ખોટો પડ્યો.

દસને બદલે છઠ્ઠી મિનિટે દેશમુખના બંગલાની બધી માહિતી તેની પાસે આવી ગઈ.

‘ભાઈજાન, બંગલો ઊંચાઈ પર છે. દેશમુખે ત્યાં પોતાના બે ખાસ માણસો રાખ્યા છે. છેલ્લા બે દિવસથી તે માણસો પણ ઘરની બહાર નથી નીકળતા. મારા સાળાને લાગે છે કે પેલી છોકરી ઘરમાંથી ભાગી ન જાય એ માટે કદાચ ઘરમાં જ પડ્યા રહેતા હશે.’ ગનીએ આજુબાજુમાં જોઈને ચેક કર્યું કે વાત બીજું કોઈ સાંભળતું ન હોય, ‘ભાઈજાન, જો વાત સાચી હોય તો હરામખોર દેશમુખ પોતાની જ દીકરીને ડ્રગ્સનું ઇન્જેકશન આપીને સુવડાવી રાખે છે, જેથી તે ભાગી ન જાય કે મદદ માટે ફોન ન કરે.’

‘આ કેવી રીતે ખબર પડી?’

‘દેશમુખના માણસો રેગ્યુલર ડ્રગ્સ લે છે, પણ છેલ્લા બે દિવસથી તેમની ડ્રગ્સ લેવાની ક્વૉન્ટિટી વધી ગઈ છે... ધ્યાન પણ રાખવાનું હોય અને નશો

પણ કરવાનો હોય એવું બને નહીં. મતલબ કે તે બન્ને કોઈ ત્રીજાને ડ્રગ્સ આપતા હશે...’

બચુભાઈની મુઠ્ઠી ભીંસાઈ અને દાંત પણ...

lll

બચુભાઈ માથેરાન પહોંચ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી. પહાડો પર ધુમ્મસ પ્રસરી ગયું હતું. દેશમુખના માણસો બંગલાની બહારથી પસાર થતા દરેકને શંકાની નજરથી જોતા હતા. બચુભાઈએ ઉંમરનો ફાયદો ઉઠાવ્યો અને તેમણે જૂનાં ફાટેલાં કપડાં પહેરીને માથે લાકડાંનો ભારો લઈ લીધો. માથેરાનમાં

રહેતા સ્થાનિક લોકો આજે પણ

ચૂલાનો જ વપરાશ કરે છે એ બચુભાઈને ખબર હતી.

લાકડાંનો ભારો લઈને બચુભાઈ ધીમેકથી બંગલાની સામેથી પસાર થયા. બન્ને ગુંડાઓએ તેમને છેક છેલ્લે સુધી જોયા. જેવા બચુભાઈ અંધારામાં દેખાતા બંધ થયા કે તેમણે નજર ફેરવી અને બચુભાઈ પણ આ જ તકની રાહ જોતા હતા. ભાર બાજુ પર મૂકીને અવાજ ન આવે એની કાળજી રાખતાં બચુભાઈ ધીમે પગલે બંગલાની પાછળ ગયા. પહાડી રસ્તો હોવાથી પાછળના ભાગમાં ખીણ હતી. સામાન્ય માણસ માટે ત્યાંથી ચડવું અશક્ય હતું, પણ બચુભાઈની ફિટનેસ અને ફિલ્મોમાં પહાડો પરથી પડવાના-ચડવાના જાતે કરેલા સ્ટન્ટ્સ તેમને કામ લાગ્યા. અફકોર્સ, ઉંમરને કારણે શરીરને ઘસારો લાગ્યો હતો, પણ હૈયે લાગેલા ઘાની સામે એ ઘસારો સાવ મામૂલી અને ક્ષુલ્લક હતો.

લગભગ અઢીસો ફુટના ચઢાણ પછી બંગલાની દીવાલ આવી. આ દીવાલ પણ બારેક ફુટ ઊંચી હતી. વાંદરાઓ દીવાલ પર બેસે નહીં એ માટે એના પર કાચના ટુકડા લગાડી દીધા હતા, જે રાતના ચંદ્રના પ્રકાશમાં ચળકતા હતા. દીવાલ ચડતા પહેલાં બચુભાઈએ પોતાના પૅન્ટને હાફ પૅન્ટ બનાવી નાખ્યું અને પૅન્ટના કપાયેલા એ બન્ને ટુકડાઓ હાથ પર વીંટી દીધા, જેથી કાચ ઓછા લાગે.

સાવધાની સાથે બચુભાઈએ દીવાલ ચડવાની શરૂ કરી અને જેવા કાચ આવ્યા કે તેમણે એક હાથે દીવાલ પર લટકતા રહીને એક પછી એક કાચ બટકાવી નાખ્યા.

બચુભાઈ બંગલામાં દાખલ થયા ત્યાં સુધીમાં રાતના સાડાનવ થઈ ગયા હતા.

lll

બચુભાઈએ ધીમેથી બારી ખોલી, ઊંડો શ્વાસ લીધો. રૂમમાંથી આવતી દુર્ગંધના આધારે તે સમજી ગયા કે સંધ્યાને આ જ રૂમમાં રાખવામાં આવી હશે.

બચુભાઈ રૂમમાં દાખલ થયા. સંધ્યા પલંગ પર સૂતી હતી. તેનો ચહેરો ફિક્કો પડી ગયો હતો.

‘સંધ્યા... બેટા, હું બચુભાઈ...’ બચુભાઈએ દબાયેલા અવાજે કહ્યું,

‘આંખ ખોલ...’

‘બચુભાઈ... તમે... પાર્થ... પાર્થ ક્યાં?’ સંધ્યાની આંખો માંડ-માંડ ખૂલતી હતી, ‘પપ્પા કહે છે કે તેને વાગ્યું છે એટલે તે ફૉરેન ગયો છે, ટ્રીટમેન્ટ માટે...’

‘બેટા, પાર્થ હવે આપણી વચ્ચે નથી. તારા પપ્પાએ તેને મારી નાખ્યો છે.’

સંધ્યાના મોઢામાંથી ચીસ નીકળી જાત, પણ બચુભાઈએ મોઢું દબાવી દીધું.

‘બેટા, આપણે અહીંથી નીકળવાનું છે. તારા પપ્પાએ પાર્થને બદનામ

કર્યો છે.’

‘બચુભાઈ, એ દિવસે મેં જોયું... પપ્પાએ પાર્થને બહુ માર્યો. મને પણ અહીં...’

સંધ્યા વાત આગળ કરે એ પહેલાં નીચેથી ગાડીનો અવાજ આવ્યો અને તે બોલતાં અટકી ગઈ.

‘પપ્પા...’

બચુભાઈએ બારીમાંથી જોયું. ઇન્સ્પેક્ટર દેશમુખ હતા. તેમની સાથે સાવંત પણ હતો.

‘સંધ્યા, હું અહીં સંતાઈ જઉં છું. તું સૂઈ જા. દેશમુખને ખબર ન પડવી જોઈએ.’

બચુભાઈએ કબાટની પાછળ અંધારા ખૂણામાં જગ્યા કરી લીધી.

lll

ઇન્સ્પેક્ટર દેશમુખ રૂમમાં આવ્યા. તેમણે સંધ્યાના માથે હાથ મૂક્યો, પણ તેમની આંખોમાં પિતાનો પ્રેમ નહીં પણ સત્તાનો ગર્વ હતો.

‘સાંભળ, સવારે આપણે મુંબઈ જવાનું છે. તારાં મૅરેજ ડેપ્યુટી કમિશનરના દીકરા સાથે નક્કી છે. પાર્થ જેવો રખડુ છોકરો હવે તારી જિંદગીમાં ક્યારેય નહીં આવે. તે ડ્રગ પેડલર હતો, કોઈએ તેનું મર્ડર કરી નાખ્યું. તારે ચૂપચાપ આ મૅરેજ કરવાનાં છે, નહીં તો તે બચુભાઈને પણ મારે જેલમાં નાખવા પડશે...’

સંધ્યા ચૂપ રહી, પણ તેનાં આંસુ ઓશીકા પર પડતાં હતાં. દેશમુખ

ત્યાંથી બહાર નીકળ્યો અને સાવંતને સૂચના આપી.

‘સાવંત, બંગલાની બધી બારીઓ બહારથી સીલ કરી દો. સવારે પાંચ વાગ્યે નીકળવાનું છે.’

‘સર, અહીં કોણ આવવાનું?’

‘પેલો બચુભાઈ બમ્બાટ... તેનો ભરોસો નહીં.’ ઇન્સ્પેક્ટર દેશમુખે સાવંતની સામે જોયું, ‘તે હરામખોર ક્યાંય પણ દેખાય તો... તેનું પત્તું કાપી નાખજે.’

દેશમુખ રૂમની બહાર નીકળી ગયો અને થોડી જ સેકન્ડમાં બારીઓ બહારથી લૉક થવાનો અવાજ આવવા માંડ્યો.

બચુભાઈ અને સંધ્યા હવે અનાયાસ જ એક પાંજરામાં પુરાઈ ગયાં હતાં.

બચુભાઈએ અંધારામાં પોતાની મુઠ્ઠી ભીંસી. તેમની પાસે કોઈ ફોન નહોતો, કોઈ ટેક્નૉલૉજી નહોતી; પણ તેમની પાસે ઍક્શન ડિરેક્ટરનો અનુભવ હતો. દેશમુખે બારીઓ બંધ કરી હતી, પણ બચુભાઈ બમ્બાટના મગજની બારીઓ તો હજી ખુલ્લી જ હતી.

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

29 April, 2026 12:44 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK