મુંબઈ-થાણેમાં પ્રતિબંધિત તમાકુ-ગુટકા પર FDAની કાર્યવાહી
તપાસ દરમ્યાન આશરે ૧,૭૪,૨૪,૯૨૨ રૂપિયાના પ્રતિબંધિત તમાકુ અને ગુટકા સહિતના ખાદ્ય પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો હતો
મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં બેફામ વેચાતાં તમાકુ-ગુટકા, પાનમસાલા, સુગંધી સોપારી અને એનાથી સંબંધિત તમામ પ્રકારના મિશ્રિત ખાદ્ય પદાર્થો પર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)એ કડક કાર્યવાહી કરી છે. આ પ્રતિબંધના અમલ માટે ૧થી ૧૯ એપ્રિલ દરમ્યાન FDAએ વિશેષ અભિયાન ચલાવ્યું હતું. એ દરમ્યાન FDAના અધિકારીઓએ કુલ ૧૪૩ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન આશરે ૧,૭૪,૨૪,૯૨૨ રૂપિયાના પ્રતિબંધિત તમાકુ અને ગુટકા સહિતના ખાદ્ય પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો હતો. ભવિષ્યમાં આવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે એવી સ્પષ્ટતા FDAના અધિકારીઓએ કરી છે.
મુંબઈ FDAના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ અભિયાન દરમ્યાન પોલીસ સાથે મળીને કાયદેસરનાં પગલાં ભરવામાં આવ્યાં હતાં. મુંબઈ, થાણે અને આસપાસના વિસ્તારોમાં તમાકુ અને ગુટકા સહિતના ખાદ્ય પદાર્થો સાથે પકડાયેલા લોકો સામે વિવિધ પોલીસ-સ્ટેશનમાં ૧૩૦ FIR નોંધાયા હતા. આ કેસમાં ૧૪૫ વ્યક્તિઓની ધરપકડ પોલીસે કરી હતી. અમે જનતાને પણ આ અભિયાનમાં સહભાગી થવાની અપીલ કરી છે. જો કોઈ સ્થળે પ્રતિબંધિત ખાદ્ય પદાર્થોની બનાવટ, સંગ્રહ, પરિવહન અથવા વેચાણ વિશે માહિતી મળે તો 1800-222-365 આ ટોલ-ફ્રી નંબર પર જાણ કરવામાં આવે. એ સાથે આવા પદાર્થોના સેવનથી માનવશરીર પર થતા ગંભીર દુષ્પરિણામને ધ્યાનમાં રાખીને લોકોમાં જાગૃતિ ફેલાવવાની અપીલ પણ કરવામાં આવી છે.’
