Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > બચુભાઈ બમ્બાટ ઍક્શન અનલિમિટેડ (પ્રકરણ ૪)

બચુભાઈ બમ્બાટ ઍક્શન અનલિમિટેડ (પ્રકરણ ૪)

Published : 30 April, 2026 01:32 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

પાંડેએ રૂમનો દરવાજો ખોલ્યો કે તરત સાવંત રૂમમાં દાખલ થયો. રૂમમાં લાઇટ પહેલેથી બંધ હતી. ધુમાડામાં તેને કશું દેખાતું નહોતું. જેવો તે પલંગ તરફ આગળ વધ્યો કે છતની દીવાલ પરથી બચુભાઈ સાવંતના ખભા પર કૂદ્યા.

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


માથેરાનના એ પહાડોમાં રાતના ૩ વાગ્યા હતા. બહાર પ્રસરેલી પહાડી હવા જૂના બંગલાની બારીઓ સાથે અથડાઈને ડરને વધારે બિહામણો બનાવવાનું કામ કરતી હતી તો વાતાવરણમાં રહેલાં તમરાંનો અવાજ એ ડરને ડબલ કરવાનું કામ કરતો હતો.

બેઠા ઘાટના એ બંગલાની અંદર નીચેના ભાગમાં આવેલી રૂમના અંધારા ખૂણામાં કબાટની પાછળ શ્વાસ દબાવીને ઊભેલા બચુભાઈના કાનમાં હજી પણ ઇન્સ્પેક્ટર દેશમુખના શબ્દો અકબંધ હતા. તેમને ખબર હતી કે સબ-ઇન્સ્પેક્ટર સાવંત પોતાના બૉસની વાત માનીને કડક પગલે પહેરો ભરતો હશે.



દેશમુખ અને સાવંત બન્ને બહાર ગયા પછી પણ બચુભાઈ કલાકો સુધી સ્થિર ઊભા રહ્યા. તે ઇચ્છતા નહોતા કે પોતે કરેલી મહેનત પાણીમાં જાય. એક વખત સામેથી જ સંધ્યા તેમની પાસે આવી ગઈ ત્યારે પણ તેમણે ઇશારો કરીને પાછી મોકલી દીધી હતી. બચુભાઈનો અત્યાર સુધીનો અનુભવ કહેતો હતો કે સાવચેતી શરૂઆતના કલાકમાં આક્રમક હોય, પણ જો એ શરૂઆતના કલાકોમાં કશું મળે નહીં તો એ સાવચેતીમાંથી સાવધાનીની હવા ધીમે-ધીમે ઓસરવા માંડે.


ટણ... ટણ... ટણ...

ઘડિયાળમાં ૩ ટકોરા પડ્યા, પણ આ વખતે ટકોરાને તાલ આપતો સિક્યૉરિટી ગાર્ડના દંડાનો અવાજ આવ્યો નહીં એટલે બચુભાઈએ અનુમાન લગાવ્યું કે રાતના છેલ્લા પ્રહરની ઊંઘ હવે તેને ઘેન અને સાથોસાથ માથેરાનના પર્વતો પરથી ચણાઈને આવતી ઠંડી હવાએ આળસ આપવાનું કામ શરૂ કરી દીધું છે.


બચુભાઈ ધીમેથી કબાટની પાછળથી બહાર નીકળ્યા.

‘સંધ્યા...’

‘બચુભાઈ, તમે પ્લીઝ અહીંથી નીકળો... જાઓ અહીંથી. તમને ખબર નથી કે મારા પપ્પા કેવા છે... પ્લીઝ,

તમે નીકળો...’

‘બેટા, તું મારું ટેન્શન નહીં કર...’

‘અરે, તમે સમજો... પપ્પા આવી જશે તો સાચે જ ટેન્શન ઊભું થશે.’ સંધ્યાએ કહ્યું, ‘મારા પપ્પાએ તેના પેલા સાવંતને કીધું છે કે જો તમે તેના હાથમાં આવો તો તમને તે... તમે પ્લીઝ

અહીંથી જાઓ...’

‘જઈશ, પણ એકલો નહીં...’ બચુભાઈએ બારી તરફ જોયું, ‘આપણે સાથે જઈશું.’

‘હું...’

સંધ્યા કંઈ આગળ બોલે એ પહેલાં જ બચુભાઈએ તેને ચૂપ રહેવાનો ઇશારો કર્યો અને પછી તે બારી પાસે ગયા. બારીની અંદરની સાઇડ પર લોખંડના સળિયા હતા. બચુભાઈએ એક સળિયો પકડીને સહેજ ખેંચ્યો અને પછી સંધ્યાની સામે જોયું. જાણે કે સંધ્યા બધું સમજી ગઈ હોય એમ બચુભાઈ પાસે આવી.

‘બચુભાઈ, બારી એમ નહીં ખૂલે...’

બચુભાઈના ચહેરા પર સ્માઇલ આવી ગયું.

‘બેટા, તારા આ બચુભાઈએ હીરોને હવામાં ઊડતાં શીખવ્યું છે તો આ શું ચીજ છે... આજે તારા આ બચુભાઈ જમીન પર રહીને અસલી ઍક્શન કરશે અને તું... તું એમાં મને સાથ આપશે...’

‘બચુભાઈ, હું... હું અહીં મારું ફોડી લઈશ. તમે જાઓ...’

બચુભાઈએ નકારમાં માથું ધુણાવ્યું.

‘ના બેટા... તને સાથે લઈ જવી જરૂરી છે. તું પાર્થની અમાનત છે. હું એમ નહીં કહું કે પાર્થની ગેરહાજરીમાં તું એકલી દુખી થા...’ ટૉપિક ચેન્જ કરતાં બચુભાઈએ કહ્યું, ‘તું સાથે હશે તો હું સલામત રહીશ. તને મારી સલામતી જોઈએ છેને?’

સંધ્યાની આંખમાં આંસુ આવી ગયાં.

બચુભાઈએ સંધ્યાના માથા પર હાથ મૂક્યો અને પછી નાક પર આંગળી મૂકીને ચૂપ રહેવાનો ઇશારો કર્યો.

બચુભાઈનું ઍક્શન-ડિરેક્ટર માઇન્ડ કામ પર લાગી ગયું હતું.

તેમણે રૂમમાં નજર દોડાવી. કોઈ હાઈ-ટેક ગૅજેટ રૂમમાં નહોતું જેનો તે આધાર લઈ શકે. બચુભાઈએ હવે બાથરૂમ તરફ નજર કરી અને પછી તે સીધા બાથરૂમમાં ગયા. બાથરૂમના એક ખૂણામાં ફિનાઇલનું કૅન હતું અને બાથરૂમ પાસે એક જુનવાણી સ્ટાઇલનું મોટું ઇલેક્ટ્રિક હીટર હતું.

બચુભાઈએ ઊંડો શ્વાસ લીધો અને તે ફરી સંધ્યા પાસે આવ્યા.

‘જો બેટા, દરવાજો તોડીશું તો અવાજ થશે અને બહાર તારા પપ્પાના માણસોને ખબર પડશે. આપણે બીજું કંઈક પ્લાનિંગ કરવું પડશે.’ બચુભાઈએ આજુબાજુમાં જોયું અને સંધ્યાને કહ્યું, ‘એ ફાઇનલ છેને કે તું સાથે આવે છે?’

સંધ્યાએ હા પાડી કે તરત બચુભાઈએ ક્રીએટિવ ડિરેક્શનનો ઉપયોગ શરૂ કર્યો.

‘તારે એક કામ કરવાનું છે. તું ઓશીકા નીચે મોઢું રાખીને જોર-જોરથી ઉધરસ ખાવાનું અને રડવાનું શરૂ કર.’ બચુભાઈએ કહ્યું, ‘એવું લાગવું જોઈએ કે અંદર આગ લાગી છે અને તારો શ્વાસ રૂંધાય છે.’

સંધ્યાએ જેવી હા પાડી કે તરત બચુભાઈએ ઇલેક્ટ્ર‌િક હીટર ચાલુ કર્યું અને પછી હીટરની કૉઇલ ગરમ થઈ એટલે બચુભાઈ ગાદલા પાસે આવ્યા. તેમણે ગાદલાની કૉર્નર ફાડી, એમાંથી રૂનો મોટો જથ્થો ખેંચી લીધો અને નીકળેલું એ રૂ કૉઇલ પર મૂક્યું. કપાસના એ ફૂમતાં તરત સળગવા માંડ્યાં અને એણે ધુમાડો પણ જન્માવી દીધો. થોડી જ સેકન્ડમાં ધુમાડો રૂમમાં ફેલાવા લાગ્યો.

બચુભાઈએ હવે દીવાલ પર નજર કરી અને સહેજ ઊંડો શ્વાસ લઈને ભીંત પર પગ મૂકીને ક્ષણવારમાં દરવાજાની ઉપરના ભાગમાં આવેલી છત પર ચીપકી ગયા! કૉર્નર હોવાને કારણે બચુભાઈએ એક પગ જમણી બાજુએ અને બીજો પગ ડાબી બાજુએ ભરાવી દીધો હતો. 

છતની દીવાલ પર ચીપકેલા બચુભાઈએ સંધ્યાને સિસકારો કર્યો. સંધ્યાની નજર તેમના પર જ હતી. બચુભાઈ જે ઝડપથી ભીંત પર ચડીને છત પર ચોંટી ગયા હતા એ જોઈને સંધ્યા સ્તબ્ધ હતી.

‘સીઈઈઈશશશ...’

સંધ્યા અચરજમાંથી બહાર આવી કે તરત બચુભાઈએ ઇશારાથી જ તેને રડવાનું કહ્યું અને સંધ્યા ફરી પલંગ પર આવીને બેસી ગઈ. બચુભાઈએ સમજાવ્યું હતું એમ સંધ્યાએ ઓશીકું મોઢા પર રાખ્યું અને મોટા અવાજે રડવાનું શરૂ થયું. રડવાના આ અવાજે બહારની બાજુએ રહેલા સબ-ઇન્સ્પેક્ટર સાવંતનું ધ્યાન રૂમ તરફ ખેંચ્યું.

lll

‘અરે પાંડે... જલદી દરવાજો ખોલ...’

સંધ્યાને જે રૂમમાં રાખી હતી એ રૂમના વેન્ટિલેશનમાંથી આછો સરખો ધુમાડો બહાર આવતો જોઈને સાવંતની આંખો પહોળી થઈ ગઈ. તેણે પાંડેને તરત બોલાવ્યો.

‘અંદર આગ લાગી છે... રૂમ ખોલ, ફાસ્ટ...’ પાંડે ખ‌િસ્સામાંથી ચાવી કાઢે એટલી રાહ પણ સાવંતથી જોવાતી નહોતી, ‘અરે, જલદી કર... હરામખોર દેશમુખસાહેબ તને ને મને મારી નાખશે. ખોલ જલદી...’

પાંડેએ રૂમનો દરવાજો ખોલ્યો કે તરત સાવંત રૂમમાં દાખલ થયો. રૂમમાં લાઇટ પહેલેથી બંધ હતી. ધુમાડામાં તેને કશું દેખાતું નહોતું. જેવો તે પલંગ તરફ આગળ વધ્યો કે છતની દીવાલ પરથી બચુભાઈ સાવંતના ખભા પર કૂદ્યા. ઉંમરને કારણે આ ઉતરાણ થોડું અઘરું રહ્યું. બચુભાઈના પગમાં ઝટકો આવ્યો, પણ તેમણે સાવંતને સમજવાની કે પ્રતિકાર કરવાની તક આપી નહીં. પોતાના મજબૂત હાથોથી સાવંતનું ગળું પકડીને એવી ભીંસ આપી કે સાવંતની આંખો બંધ થઈ ગઈ. સાવંતની પાછળ આવેલો પાંડે પણ કંઈ કરે કે સમજે એ પહેલાં બચુભાઈએ સાવંતનું માથું પાંડેના માથા સાથે જોરથી અફળાવ્યું અને બે નારિયેળ એકબીજા સાથે ભટકાય એ રીતે બન્નેનાં મસ્તક ભટકાયાં.

સાવંત બેભાન થઈને બચુભાઈના હાથમાં જ ઢળી પડ્યો, પણ પાંડે હજી ભાનમાં હતો. તે અલર્ટ થાય એ પહેલાં જ બચુભાઈએ સાવંતને ધીમેકથી જમીન પર મૂકીને પાંડેને કૉલરથી પકડ્યો અને કૉલર પર રહેલા હાથનો અંગૂઠો ગળાના મધ્ય ભાગમાં દબાવવાનો શરૂ કર્યો. ગળાની બરાબર વચ્ચેથી પસાર થતી શ્વાસનળી પર ભારણ વધ્યું અને પાંડેની આંખો ચકળવકળ થવા લાગી. અડધી જ મિનિટમાં પાંડેની આંખો પણ બંધ થઈ ગઈ. પાંડે પણ બેભાન થઈ ગયો.

પાંડેના શરીરને ધીમેકથી જમીન પર પાથરીને બચુભાઈએ પહેલું કામ કર્યું.

‘હાશ...’

‘બચુભાઈ, યુ આર સો એનર્જેટિક...’

‘વખાણ રસ્તામાં કરજે. આમ પણ હવે વખાણ કોઈ કરતું નથી એટલે થોડું વધુ ગમશે, પણ નિરાંત હશે તો... ’ સંધ્યા માટે આ બધું ખરેખર મૅજિક જેવું હતું, પણ તે વધારે કંઈ બોલે એ પહેલાં બચુભાઈએ કહી દીધું, ‘અત્યારે તારે કંઈ લેવાનું હોય તો ફટાફટ લે.’

સંધ્યાએ પોતાનો મોબાઇલ લીધો. એટલી વારમાં બચુભાઈએ સાવંતના ખિસ્સામાંથી તેની જીપની ચાવી કાઢી લીધી.

lll

બંગલાની બહાર નીકળતાં જ પહાડી રસ્તો શરૂ થતો હતો. બચુભાઈએ મેઇન રોડ વાપરવાને બદલે જંગલનો કાચો રસ્તો લીધો.

‘આપણી પાસે જીપની ચાવી છે તો શું કામ આપણે આમ... ઊતરીને જઈએ છીએ?’ સંધ્યાએ સવાલ કર્યો, ‘જીપ

લઈ લઈએને...’

‘ભાગવા માટે ચાવી નથી લીધી...’ છાતીમાં ઑક્સિજન ભરતાં બચુભાઈએ કહ્યું, ‘તે લોકો તરત આપણો પીછો ન કરે એ માટે ચાવી લીધી છે... ચાલ, હવે પગ ઉપાડ.’

lll

માથેરાનની તળેટીમાં બચુભાઈએ પહેલેથી જ ગનીને બોલાવીને રાખ્યો હતો. ગનીએ પોલીસયાર્ડમાંથી બચુભાઈની ફીઆટ કાઢી લીધી હતી. પોતાની ગાડી જોતાં જ બચુભાઈના શરીરમાં જીવ આવી ગયો. તેમણે ફીઆટના બોનેટ પર પ્રેમથી હાથ ફેરવ્યો.

‘બચુભાઈ, પાછળ જુઓ!’

ગનીએ ગભરાઈને ઇશારો કર્યો અને બચુભાઈએ પાછળ નજર કરી.

બંગલાની લાઇટો ચાલુ થઈ ગઈ હતી અને પહાડની ઉપરથી પોલીસની જીપોની સાયરન સંભળાવાની શરૂ થઈ ગઈ હતી. બચુભાઈ સંધ્યા સાથે ગાડીમાં બેઠા અને ફીઆટનું સ્ટીઅરિંગ પકડ્યું. ગિયર બદલતી વખતે તેમનો હાથ સહેજ ધ્રૂજ્યો, પણ નજરમાં કોઈ ધ્રુજારી નહોતી.

માથેરાનના વાંકાચૂંકા રસ્તા પર ફીઆટ દોડવા માંડી. પાછળ દેશમુખની સ્કૉર્પિયો જીપ ઝડપથી નજીક આવી રહી હતી. બચુભાઈએ અરીસામાં જોયું. દેશમુખ પોતે ગાડી ચલાવતો હતો. અચાનક બચુભાઈના ડૅશબોર્ડ પર રહેલો મોબાઇલ રણક્યો. ફોન દેશમુખનો હતો. બચુભાઈએ ફોન સ્પીકર પર મૂક્યો.

‘બચુભાઈ, આ રસ્તાઓ મારા, પોલીસફોર્સ મારી, ભાગીને ક્યાં જઈશ... અને એ પણ આ તારી જૂની ખટારા ગાડીમાં...’

‘દેશમુખ, ગાડી જૂની પણ એનો ડ્રાઇવર બહુ જૂનો જોગી.’ બચુભાઈના ચહેરા પર નિરાંત હતી, ‘સિસ્ટમ તારી, પણ સત્ય તો મારુંને...’

દેશમુખનો પિત્તો ગયો. તેણે પોતાની ગાડી ફીઆટની બરાબર બાજુમાં લાવી. બચુભાઈને એનો અણસાર હતો જ અને એટલે જ તેમણે તરત ચપળતા વાપરી. ફીઆટની બ્રેક પર પગ મૂક્યો કે તરત ફીઆટ ઊભી રહી ગઈ. બચુભાઈએ જ્યારે ફીઆટ ઊભી રાખી ત્યારે જ દેશમુખ પોતાની ગાડી ફીઆટ સાથે અથડાવાનો હતો અને એ માટે તેણે પોતાની ગાડીની સ્પીડ વધારી હતી.

એક ગાડીનું ઊભા રહેવું અને બીજી ગાડીએ સ્પીડ પકડવી.

એ જ બન્યું જે ઍક્શન ડિરેક્ટરના મનમાં ગોઠવાયેલું હતું.

દેશમુખની જીપ રસ્તાની ધાર પર ધકેલાઈ.

બચુભાઈના સદ્નસીબે દેશમુખની ગાડી રસ્તાની જે ધાર પર ગઈ એ જગ્યાએ મોટો પથ્થર હતો. એ પથ્થરે દેશમુખની ગાડીને નીચેના ભાગથી સળંગ ચીરી નાખી અને દેશમુખની ગાડી ડચકાં ખાતી ત્યાં જ ઊભી રહી ગઈ.

બચુભાઈએ ફીઆટની સ્પીડ વધારી. થોડી જ મિનિટોમાં માથેરાનનો ઘાટ ઊતરીને તે મુંબઈના હાઇવે પર ચડી ગયા. સવારના ૪ વાગવા આવ્યા હતા. હવે તેમનું આખું શરીર તૂટતું હતું, પણ તૂટતા શરીર વચ્ચે પણ બચુભાઈના મનમાં એક વાત ક્લિયર હતી.

હવે છેલ્લા ૨૪ કલાક.

lll

કાંદિવલી આવતાં બચુભાઈએ સંધ્યા અને ગનીને એક જગ્યાએ ઉતારીને તરત જ ગનીને કાનમાં સૂચના આપી.

સૂચના સાંભળી લીધા પછી ગનીએ બચુભાઈને પૂછ્યું...

‘બચુભાઈ, તમે એકલા જશો? તે લોકો જોખમી છે.’

‘ગની, જોખમ હાથમાં આવી ગયું છે ત્યારે વિચારવાનો સમય નથી. તું માત્ર એક વાતનું ધ્યાન રાખજે. સંધ્યાને સાચવજે, તેને કંઈ થવું ન જોઈએ.’

 

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

30 April, 2026 01:32 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK