ભિવંડીની શિક્ષિકાને સાડાસાત લાખ રૂપિયા સામે ૧૦ લાખ મેળવવાની લાલચ ભારે પડી : ગઠિયાઓએ પોલીસની રેઇડનો ડ્રામા ઊભો કરીને ખંખેરી લીધી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
નોટોની અદલાબદલીમાં મોટો ફાયદો થવાની લાલચ આપીને ભિવંડીમાં રહેતાં ૩૫ વર્ષનાં શિક્ષિકા પાસેથી ઘાટકોપર-વેસ્ટના લાલ બહાદુર શાસ્ત્રી (LBS) રોડ પર આવેલા એક જાણીતા મૉલના પાર્કિંગમાં ૭.૩૦ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ મામલે પાર્કસાઇટ પોલીસે ગઈ કાલે પોલીસ હોવાની ખોટી ઓળખ આપનારા ૪ લોકો સામે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપીઓએ ૭.૩૦ લાખ રૂપિયાને બદલે ૧૦ લાખ રૂપિયાની નોટો આપવાનો દાવો કરીને મંગળવારે બપોરે શિક્ષિકાને ઘાટકોપર બોલાવ્યાં હતાં. ત્યાં પૈસાના એક્સચેન્જ દરમ્યાન પોલીસે છાપો માર્યો હોવાનો ઢોંગ કરીને આરોપીઓએ રકમ તફડાવી લીધી હતી.
ઘટનાની શરૂઆત અને મહિલાની લાલચ
ADVERTISEMENT
પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર આકાશ વાઘે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ સમગ્ર બનાવની શરૂઆત પચીસ એપ્રિલે થઈ હતી. ફરિયાદી મહિલાની ઓળખીતી એક વ્યક્તિએ મહિલાને ફોન કરીને એક આકર્ષક ઑફર વિશે જાણ કરી હતી. આ ઑફર મુજબ એક વ્યક્તિ પાસે ૨૦૦૦ રૂપિયાની નોટોનાં ૧૦ લાખનાં બંડલ હતાં જે માત્ર ૭.૩૦ લાખ રૂપિયામાં બદલવામાં આવશે એવી માહિતી આપવામાં આવી હતી. જોકે હાલમાં ૨૦૦૦ રૂપિયાની નોટ ચલણમાં ન હોવાનું કહેતાં મહિલાને એમ કહેવામાં આવ્યું હતું કે RBIની મુખ્ય બ્રાન્ચમાં ૨૦૦૦ રૂપિયાની નોટોનાં તમામ બંડલ તાત્કાલિક બદલી થઈ જશે એટલું જ નહીં, મહિલાને વિશ્વાસમાં લેવા માટે મોબાઇલમાં નોટોનો વિડિયો પણ બતાવવામાં આવ્યો હતો. ઓળખીતાની વાતમાં આવીને અને વધુ લાભની આશામાં મહિલાએ આ સોદા માટે સંમતિ આપી હતી.’
મૉલના પાર્કિંગમાં બોગસ પોલીસ
પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલાને નોટની અદલીબદલી માટે ઘાટકોપરના LBS રોડના જાણીતા મૉલમાં બોલાવવામાં આવી હતી. મહિલા એકલી ન જતાં પોતાના ભાઈ અને મામાને સાથે લઈને ત્યાં પહોંચી હતી. ત્યાંથી નોટોની બદલી માટે પાર્કિંગમાં જવાની સૂચના આપવામાં આવી હતી. મહિલાએ પોતાની પાસે રહેલી ૭.૩૦ લાખ રૂપિયાની રકમ ભરેલી બૅગ આરોપી સામે દેખાડી હતી. ત્યારે અચાનક એક સફેદ કાર આવી હતી અને એમાંથી બે-ત્રણ અજાણ્યા લોકો બહાર આવ્યા હતા. તેમણે પોતાની ઓળખ પોલીસ-અધિકારી તરીકે આપીને ધમકાવ્યા બાદ તેઓ પૈસાની બૅગ લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ મહિલાને સમજાયું કે સમગ્ર કાવતરું પૂર્વનિયોજિત હતું અને ખોટો વિડિયો બતાવીને તથા લાલચ આપીને તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ કેસમાં મહિલાના ઓળખીતા લોકોનો પણ સહભાગ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ કેસમાં વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.’
