બોરીવલીના જૂના દોશી વિલામાં અભય દોશીની હત્યા થાય છે. સુરેશ શાહ ખૂન કરવા પહોંચે છે, પણ અભય પહેલેથી જ મરેલો હોય છે. પોલીસને સુરેશ વિરુદ્ધ પુરાવા મળે છે, ત્યારે ડિટેક્ટિવ સોમચંદ કેસમાં નવો વળાંક લાવે છે.
ઇલસ્ટ્રેશન
આકાશમાં કાળાં ડિબાંગ વાદળો જાણે આખેઆખા મુંબઈને ગળી જવા બેઠાં હોય એ રીતે બોરીવલી-ઈસ્ટના કાર્ટર રોડ પર અત્યારે સાંબેલાધાર વરસાદ વરસતો હતો. આ એ એરિયા હતો જ્યાં વીસેક વર્ષ પહેલાં હારબદ્ધ બંગલાઓ અને હરિયાળાં વૃક્ષો હતાં. જોકે આજની વાત જુદી હતી. પારસી બંગલાઓની જગ્યાએ પહેલાં ચાલ અને હવે ચાલની જગ્યાએ ત્યાં ગગનચુંબી,
ચાલીસ-પચાસ માળના ટાવરોની સિમેન્ટ-કૉન્ક્રીટની દીવાલો ખડકાઈ ગઈ હતી. આ આધુનિક બિલ્ડિંગોના જંગલ વચ્ચે કાર્ટર રોડ નંબર ત્રણના છેવાડે એક જ જૂનો બંગલો દોશી વિલા હજી પણ અકબંધ હતો.
લગભગ દોઢ એકર જમીનમાં ફેલાયેલો આ જૂનો લાકડા અને પથ્થરની પોર્ટુગીઝ છાંટવાળો બંગલો આઝાદી પહેલાંથી અકબંધ હતો. સમયાંતરે એની મરમ્મત થતી, પણ બંગલાના મૂળભૂત માળખામાં કોઈ ફેરફાર કરવામાં નહોતા આવ્યા. બોરીવલી-ઈસ્ટ આખું સ્કાયસ્ક્રૅપરથી ભરાવા લાગ્યું હતું. એની વચ્ચે દોશી વિલા બંગલો હજી પણ કોઈ જૂના જમાનાના જિદ્દી મહારાજા જેવો અડીખમ ઊભો હતો.
શહેરના મોટા બિલ્ડરો આ જમીન પર હાઇરાઇઝ સોસાયટી ઊભી કરવા કરોડોની ઑફરો લઈને દરવાજે આવી ચૂક્યા હતા, પણ બંગલાના માલિક અભય દોશીનો એક જ જવાબ રહેતો...
‘મારી લાશ આ દરવાજામાંથી નીકળશે પણ બંગલાની એક ઈંટ પણ નહીં નીકળે!’
‘શેઠ, અહીં જે ટાવર બનશે એનું પેન્ટહાઉસ તમારું. આપણે તમારા માટે ૩ માળનું પેન્ટહાઉસ બનાવીશું...’ છેલ્લે તો બિલ્ડરે આ ઑફર પણ આપી દીધી હતી, ‘તમારે એક પૈસો પણ નહીં ચૂકવવાનો અને એ પછી પણ તમને ૧૦૦ કરોડ કૅશ આપું.’
‘પેન્ટહાઉસમાં સુસાઇડ થાય, બંગલામાં આઝાદી રહે...’ વ્હિસ્કીનો ગ્લાસ હાથમાં લેતાં અભય દોશીએ કહી દીધું હતું, ‘ચાલ નીકળ... માગાં દીકરીનાં હોય, વહુનાં નહીં. આ મારા બાપદાદાનો બંગલો છે. મારા છેલ્લા શ્વાસ સુધી હું અહીં જ રહીશ.’
એ સમયે અભયને ખબર નહોતી કે એ દિવસ પણ હવે વધારે દૂર નહોતો!
lll
રાતના ૯ વાગી ગયા હતા. ધોધમાર વરસાદના સુસવાટા વચ્ચે બંગલાના વિશાળ ગેટ પાસે એક પડછાયો ભીંજાતો-ધ્રૂજતો ઊભો હતો. તે સુરેશ શાહ હતો. પાંત્રીસેક વર્ષના પાતળા બાંધાવાળા સુરેશની આંખોમાં ભયંકર ફફડાટ હતો. તેના ચહેરા પરથી ટપકતું પાણી વરસાદનું હતું કે પરસેવાનું એ કહેવું મુશ્કેલ હતું.
સુરેશ છેલ્લાં ૮ વર્ષથી અભય દોશીની કંપનીમાં હેડ અકાઉન્ટન્ટ હતો, પણ છેલ્લા ૬ મહિનાથી તેની જિંદગી નર્ક બની ગઈ હતી. શૅરબજારના સટ્ટામાં સુરેશે કંપનીના અકાઉન્ટમાંથી પચાસ લાખ રૂપિયાની ઉચાપત કરી અને અભયે એ પકડી પાડી.
ક્લિયર હતું કે સુરેશને અભય પોલીસમાં સોંપી દે, પણ એવું કરવાને બદલે અભયે તેને એક ખતરનાક રમતમાં લગાડી દીધો. અભય તેને રોજ ઑફિસમાં બોલાવીને માનસિક ટૉર્ચર કરતો, ગાળો ભાંડતો અને તેની પત્ની-બાળકોને રસ્તે રઝળાવી દેવાની ધમકી આપીને પોતાની બ્લૅકની ઇન્કમને વાઇટમાં કન્વર્ટ કરવા માટે ગેરકાયદે કાગળો પર સહીઓ કરાવતો. રોજેરોજનું અપમાન અને રોજેરોજના ડરથી હવે સુરેશ ગળા સુધી આવી ગયો હતો. આજે સવારે તો હદ થઈ ગઈ હતી.
અભયે સ્ટાફની સામે સુરેશને લાફો ઝીંકી દીધો હતો
‘કાલે સવારે તારી આખી ફૅમિલી જેલમાં જશે સુરેશિયા... તેં અભય દોશીને સાઇન કરવાની ના પાડી. હવે તું છે અને હું છું... જો તું... તારાં ટાબરિયાં સહિત બધાને જેલમાં નખાવું છું કે નહીં...’
ઑફિસમાંથી તો સુરેશ નીકળી ગયો પણ તેના મગજની નસ ફાટી ગઈ હતી. તેણે નિર્ણય કરી લીધો હતો, કાલ સવાર કોઈ એક નહીં જુએ.
કાં તો પોતે અને કાં તો અભય દોશી.
lll
વરસતા વરસાદ વચ્ચે સુરેશે રેઇનકોટના ખિસ્સામાં હાથ નાખ્યો. ખિસ્સામાં સ્ટીલનું ધારદાર ખંજર હતું, જે તેણે મલાડથી સવારે જ ખરીદ્યું હતું. અહીં આવતાં પહેલાં સુરેશે હાથમાં સર્જિકલ ગ્લવ્ઝ પહેરી લીધાં હતાં. તે કોઈ રીઢો ગુનેગાર નહોતો. ક્રાઇમ પૅટ્રોલ, CID અને યુટ્યુબ પર મર્ડર મિસ્ટીના વિડિયો જોઈને તેણે નક્કી કર્યું હતું કે તે અભયનો જીવ લઈ લેશે. આમ પણ જેલમાં જવાનું જ છે તો પછી ફૅમિલીને બચાવીને જેલમાં જવું શું ખોટું? એવો સુરેશના મનમાં ભાવ હતો.
સુરેશે બંગલાની પાછળની લોખંડની નાની જાળીવાળી બારી ધીમેકથી ખોલી. આ બારી બપોરે જ સુરેશે પોતાની એન્ટ્રી માટે અંદરથી અનલૉક કરી નાખી હતી.
બારી ખોલીને સુરેશ ધીમેકથી અંદર સરક્યો અને જાણે કે તેની એન્ટ્રીની જ રાહ જોવાતી હોય એમ બરાબર ૯ વાગીને ૧૦ મિનિટે અચાનક આકાશમાં વીજળીનો કડાકો થયો અને આખા વિસ્તારનું ટ્રાન્સફૉર્મર ફાટતાં કાર્ટર રોડની તમામ લાઇટો ગુલ થઈ ગઈ.
આને કુદરતનો જ સંકેત સમજીને સુરેશના હોઠ પર સ્માઇલ આવી ગયું. હવે અંધારું તેનું સાથી બની ગયું હતું.
બંગલાના ગ્રાઉન્ડ ફ્લોર પર સન્નાટો હતો. દબાતા પગલે સુરેશ લાકડાના દાદરા ચડીને પહેલા માળે અભયના સ્ટડીરૂમ તરફ આગળ વધ્યો. રૂમનો દરવાજો સહેજ ખુલ્લો હતો. અંદર ટેબલ પર એક મીણબત્તી બળતી હતી.
રૂમમાં સામે જ રિવૉલ્વિંગ ચૅર પર અભય પીઠ ફેરવીને બેઠો હતો. તેનું માથું ટેબલ પર ઝૂકેલું હતું.
સુરેશનું હૃદય એટલા જોરથી ધડકવા માંડ્યું કે તેને લાગ્યું કે અભય એ ધબકારા સાંભળી જશે. સુરેશે સાવચેતી સાથે ખિસ્સામાંથી ખંજર કાઢ્યું. તેના બન્ને હાથ ધ્રૂજવા માંડ્યા હતા, પણ અત્યારે અટકવું કે જાતને રોકવી તેને વાજબી નહોતું લાગતું.
‘આણે મારું જીવન બરબાદ કર્યું... આ રાક્ષસ છે...’
જાતને મનોમન ઉશ્કેરતો સુરેશ આગળ વધ્યો અને ઝડપ સાથે તેણે અભયના ખભા પર હાથ મૂકીને અભયનું મોઢું ફેરવ્યું. અભયની આંખો ફાટી ગઈ. તે કંઈ બોલે કે બૂમ પાડે એ પહેલાં જ સુરેશે આંખો મીંચીને પૂરી તાકાતથી ખંજર અભયની છાતીમાં હુલાવી દીધું.
ખચાક...
છાતી ફાડીને ખંજરે માંસનો લોચો બહાર કાઢી નાખ્યો, જેનો વિચિત્ર અવાજ આવ્યો; પણ આ શું?
અભયના મોઢામાંથી ચીસ નીકળી નહીં. ન તો ચીસ નીકળી, ન તો કોઈ તરફડાટ થયો. કોઈ પણ જીવતો માણસ છાતીમાં આઠ ઇંચનું ખંજર ઊતરી જાય ત્યારે તેના હાથ-પગ જે પ્રકારે ધ્રૂજે એવું પણ થયું નહીં.
સુરેશે ધ્રૂજતા હાથે નાની પૉકેટ-ટૉર્ચ ચાલુ કરી અને અભયના ચહેરા પર નાખી.
તેણે જે જોયું એ જોઈને સુરેશના આખા શરીરમાં ધ્રુજારી પ્રસરી ગઈ.
અભયના મોંમાંથી સફેદ ફીણ નીકળીને તેની દાઢી અને ગળા પર સુકાઈ ગયું હતું. તેના હોઠ ભૂરા પડી ગયા હતા. સૌથી ભયાનક વાત એ હતી કે ખંજર ભોંકાયા પછી પણ ઘામાંથી લોહીની પિચકારી નહોતી ઊડી. કાળું, ઘટ્ટ લોહી ધીમેથી બહાર આવ્યું હતું. વિજ્ઞાનનો નિયમ છે : લોહી ત્યારે જ ઊછળે જ્યારે હૃદય ધબકતું હોય.
સુરેશે ધ્રૂજતા હાથે અભયની ગરદનની નસ તપાસી.
શરીર બરફ જેવું ઠંડું હતું અને નાડી બિલકુલ શાંત હતી.
અભય ખંજરના ઘા પહેલાં જ મરી ગયો હતો. તેને ઝેર આપીને મારવામાં આવ્યો હોવાની દેખીતી શંકા હતી.
‘ઓહ ગૉડ... આ... આ તો પહેલેથી મરેલો છે.’
સુરેશે એક લાશ પર ખંજર ચલાવ્યું હતું. હવે તેની બધી હોશિયારી, વિડિયો જોઈને શીખેલી ટ્રિક્સ હવામાં ઊડી ગઈ હતી. તે ઍમૅચ્યોર સાબિત થયો હતો. ગભરામણમાં તેણે પાછળ હટવાનો પ્રયત્ન કર્યો, પણ તેનો પગ ટેબલ સાથે અથડાયો. ટેબલ પર પડેલો કાચનો ગ્લાસ નીચે પડીને તૂટ્યો અને એ જ વખતે નીચેથી અવાજ આવ્યો.
‘કોણ આહે તિથે? સાહેબ? કાય ઝાલં?’
અવાજ ઘરની મેઇડ સુમનબાઈનો હતો.
હવે અહીં રોકાવામાં સાર નહોતો. સુરેશે જીવ બચાવીને ભાગવાનું નક્કી કર્યું. તેણે તરત અભયના શરીરમાંથી ખંજર ખેંચવાનો પ્રયાસ કર્યો, પણ એ છાતીની પાંસળીઓમાં ફસાઈ ગયું હતું. ઉતાવળ વચ્ચે તેણે પોતાનાં સર્જિકલ ગ્લવ્ઝ ઉતારીને ટેબલ પર ફેંક્યાં અને આ જ ઉતાવળ વચ્ચે સુરેશથી બીજી મૂર્ખામી થઈ.
અભયને ધમકી આપતો જે બનાવટી કાગળ તેણે લખ્યો હતો એ તેના શર્ટના ખિસ્સામાંથી સરકીને લોહીના ખાબોચિયા પાસે પડી ગયો. અલબત્ત, સુરેશ પાસે આવી ચીવટ માટે હવે સમય નહોતો રહ્યો. અંધારામાં ઠોકરો ખાતો સુરેશ પાછળની બારી કૂદીને કાદવ-કીચડ ખૂંદતો વરસાદમાં રફુચક્કર થઈ ગયો.
lll
ઉપરથી જવાબ મળ્યો નહીં એટલે મીણબત્તી લઈને સુમનબાઈ સ્ટડીરૂમમાં આવી અને તેની આંખો ફાટી ગઈ. સામે લોહીથી લથપથ અભયની લાશ હતી, જેની છાતીમાં ખૂંપેલું ખંજર અકબંધ હતું.
‘અરે દેવા રે દેવા, સાહેબ... ખૂન... ખૂન ઝાલં રે!’
સુમનબાઈની ચીસથી આખો વિસ્તાર ગાજી ઊઠ્યો.
lll
રાતના બરાબર પોણાઅગિયાર વાગ્યે પોલીસની વૅન સાયરન વગાડતી આવી ગઈ. આજુબાજુના લોકો પણ છત્રી સાથે કમ્પાઉન્ડની બહાર ભેગા થઈ ગયા હતા.
ઇન્સ્પેક્ટર વિલાસ સાવંત ૪ કૉન્સ્ટેબલો સાથે બંગલામાં દાખલ થયા અને સીધેસીધા પહેલા માળે ગયા. ક્રાઇમ સીન સીલ કરી દેવામાં આવ્યો હતો. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પાણી ભરાયાં હોવાથી ફૉરેન્સિક ટીમ હજી રસ્તામાં હતી.
‘હં... તો યે હૈ અભય દોશી.’ સાવંતે લાશનું નિરીક્ષણ કરતાં સુમનબાઈ સામે જોયું, ‘તુમ્હી કાય પાહિલંત? સાંગા પટપટ!’
‘સાહેબ, મી ખાલી કિચન મધ્યે હોતી. લાઇટ ગેલી ત્યાનંતર વરતી જોરાત આવાજ આલા. મી મીણબત્તી ઘેઉન વરતી આલી તર્... સાહેબ રક્તાચા થારાળ્યાત પડલે હોતે!’
સાવંતે રૂમમાં નજર કરી અને તેની નજર ટેબલ પર પડેલાં લોહીવાળાં સર્જિકલ ગ્લવ્ઝ પર પડી તો એ જ સમયે કૉન્સ્ટેબલ શિંદેને લાશ પાસેથી ચિઠ્ઠી મળી.
શિંદેએ કાગળ ચીપિયાથી પકડીને સાવંતને આપ્યો:
‘સાહેબ, આ ચિઠ્ઠી અહીં પડી હતી...’
સાવંતે ચિઠ્ઠી ખોલી.
અભય, તું મને રસ્તે રઝળાવવા માગે છેને? મારી ફૅમિલીને જેલમાં નાખવા માગે છેને? એ બધું તારું સપનું... આજે તારી જિંદગીનો છેલ્લો દિવસ છે.
કાગળના પાછળના ભાગમાં બ્લુ પેનથી એક હિસાબ લખેલો હતો, જેના પર રબર-સ્ટૅમ્પ હતો : ‘સુરેશ શાહ - અકાઉન્ટ્સ હેડ’.
એટલું જ નહીં, ઉતાવળમાં ગ્લવ્ઝ કાઢતી વખતે સુરેશના પોતાના ડાબા હાથના અંગૂઠાની લોહીવાળી સ્પષ્ટ છાપ એ કાગળના ખૂણા પર ઊપસી આવી હતી.
સાવંતના ચહેરા પર સ્માઇલ આવી ગયું.
‘આવો કિલર પહેલી વાર જોયો જે લાશ પાસે પ્રૂફ પણ આપતો જાય અને વિઝિટિંગ કાર્ડ પણ મૂકતો જાય.’ સાવંતે મૂછના વળ ઊંચા કર્યા, ‘શિંદે, સુરેશ શાહનું સરનામું શોધો, પકડી લાવો તેને... આ કેસ ક્લિયર છે.’
‘ના સાવંતસાહેબ... જે સ્પષ્ટ હોય એ જ ઘણી વાર વધારે અસ્પષ્ટ હોય છે.’
ઇન્સ્પેક્ટર સાવંતે અવાજની દિશામાં જોયું.
દરવાજાની ફ્રેમ પાસે ડિટેક્ટિવ સોમચંદ ઊભા હતા. સોમચંદના હોઠ વચ્ચે સળગાવ્યા વિનાની, કોરી સળગાવ્યા વિનાની એક સિગારેટ દબાયેલી હતી. સિગારેટ માત્ર દાંત વચ્ચે પકડાયેલી હતી, જે હોઠના એક ખૂણેથી બીજા ખૂણે ફરતી હતી.
‘તુમી કોણ આહાત? બહાર જાઓ! આ મર્ડર સીન છે, તમાશો નથી!’
સોમચંદે ખિસ્સામાંથી કાગળ કાઢ્યો અને શાંતિથી સાવંત તરફ લંબાવ્યો અને એ જ સમયે સાવંતના મોબાઇલની રિંગ વાગી. ફોન મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના જૉઇન્ટ પોલીસ-કમિશનરનો હતો.
‘જયહિન્દ સર...’ સાવંતે ફોન રિસીવ કરતાં જ કહ્યું અને પછી તરત સૂચનાઓ સાંભળી, ‘જી... હા સર, હું ક્રાઇમ સીન પર જ છું... શું? પ્રાઇવેટ ડિટેક્ટિવ? પણ સર, અમે સંભાળી લઈશું... ઓકે સર... યસ સર.’
સાવંતે ફોન કટ કર્યો. તેનો ચહેરો સહેજ ઊતરેલો હતો. સાવંતના હાવભાવને અવગણીને ડિટેક્ટિવ સોમચંદે સાવંત સામે હાથ લંબાવ્યો.
‘હું ડિટેક્ટિવ સોમચંદ, સોમચંદ શાહ.’ સોમચંદે સિગારેટ હાથમાં લીધી, ‘મારી એન્ટ્રીથી નારાજ થવાની જરૂર નથી. હકીકત એ છે કે અભયને હું વર્ષોથી ઓળખું છું. આજે બપોરે ૩ વાગ્યે તેનો મને કૉલ આવ્યો, જેમાં તેણે મને કહ્યું કે મારો જીવ જોખમમાં છે અને આજે રાતે કદાચ મારું મર્ડર થશે. તેને ડાઉટ હતો કે તેના પોતાના લોકો જ તેનું મર્ડર કરે... અભયે જ મને ફોનમાં કહ્યું હતું કે આજની રાત તું મારા ઘરે રહેજે, જેને લીધે હું અહીં આવ્યો છું... વરસાદને કારણે મને આવતાં થોડું મોડું થયું અને ત્યાં સુધીમાં બનવાનું હતું એ બની ગયું. મારે કમિશનર સાથે વાત થઈ ગઈ. તેણે જ મને આ કેસમાં આગળ વધવાનું કહ્યું છે.’
‘એવી જરૂર લાગતી નથી.’ સાવંતે પ્રૂફ દેખાડતાં કહ્યું, ‘આ જુઓ ખૂનીનાં ગ્લવ્ઝ, ધમકીની ચિઠ્ઠી અને તેની ફિંગરપ્રિન્ટ્સ... સુરેશ શાહ નામનો અકાઉન્ટન્ટ છે, તેણે જ આ મર્ડર કર્યું છે.’
‘હું એ જ કહું છું... જે સ્પષ્ટ હોય એ જ ઘણી વાર વધારે અસ્પષ્ટ હોય છે.’
(ક્રમશ:)
