ગોહિલ ટેલર્સના રમેશભાઈ ગોહિલને મળવા માટે રાતે અગિયાર વાગ્યે સોમચંદ તેના ઘરે પહોંચ્યા ત્યારે ઘરની બહાર લોકોની ભીડ હતી અને લોકલ પોલીસ પણ ત્યાં હાજર હતી.
ઇલસ્ટ્રેશન
‘એમ તો કેમ ખબર પડે કે આ કોનું શર્ટ છે, કોણ માપ આપવા આવ્યું હતું?’ કલ્પેશે જવાબ આપ્યો, ‘હું તો માત્ર સિલાઈ કરું છું, માપ લેવાનું ને કટિંગ કરવાનું કામ તો પપ્પા કરે છે ને પપ્પાને પણ એમ યાદ નહીં આવે...’
‘હંમ... એક કામ થઈ શકે.’ સોમચંદે રસ્તો કાઢ્યો, ‘મને આ શર્ટનું માપ લઈ આપ, આપણે પછી રજિસ્ટરમાં ચેક કરીએ કે એ માપ કોનું છે?’
ADVERTISEMENT
‘એમ કેવી રીતે ખબર પડે સાહેબ...’ કલ્પેશ અકળાયો, ‘અમારી પાસે માપનો કોઈ ડેટા હોય જ નહીં. નોટબુક કે ચોપડો રાખીએ, એ ભરાઈ જાય એટલે અમે જવા દઈએ. કપડાના માપ લેવામાં થોડું કંઈ આધાર કાર્ડ જેટલું ધ્યાન રાખવાનું હોય.’
‘વાંધો નહીં, મને આ શર્ટનું માપ લઈ આપીશ?’
‘મેં કીધુંને તમને, મને માપ લેતાં આવડતું નથી.’
‘તને કપડાં સીવતાં આવડે છે, મશીન પર બેસતાં ફાવે છે પણ માપ લેતાં નથી આવડતું અને એ પણ દરજીનો દીકરો થઈને...’
‘વડા પ્રધાનનો દીકરો થઈને રાહુલ ગાંધીને સરકાર જીતતાં નથી આવડતીને?’ કલ્પેશના જવાબથી સોમચંદની આંખો પહોળી થઈ, ‘એવી જ રીતે મને પણ નથી આવડતું. તમે, તમે એક કામ કરો, પપ્પા આવે ત્યારે આવો. તેને તમારે જે પૂછવું હોય એ પૂછી લેજો.’
‘ઠીક છે...’ સોમચંદે શર્ટનો ડૂચો કરી એ બૅગમાં ભરવાનું શરૂ કર્યું, ‘પપ્પા મને કાલે જ મળશેને?’
‘હા.’
કલ્પેશ ફરી પોતાના મશીન પર જઈને બેસી ગયો અને સોમચંદ ત્યાંથી રવાના થયા. જો કલ્પેશે રાડ ન પાડી હોત તો ચોક્કસ સોમચંદના મનમાં શંકા જાગી હોત, ચોથા દિવસે જ કેસ સૉલ્વ થઈ ગયો હોત અને વધુ એક મોત અટકી ગયું હોત પણ સોમચંદની પીઠ પર અવાજ આવ્યો.
‘એ સાહેબ, તમારી ચા...’
‘અરે હા.’ સોમચંદ પાછા ફર્યા, ‘એ તો ભૂલી જ ગયો.’
ચાની ચૂસકી લઈ સોમચંદે કલ્પેશની સામે જોયું. કલ્પેશ ફરી કામે લાગી ગયો હતો. તેની નજર મશીન પર અને પોલિયોગ્રસ્ત પગ મશીનના પેડલ પર હતો.
‘કલ્પેશ, હું કાલ સુધી અહીં રહી શકું નહીં. મને એક હેલ્પ કરશે દોસ્ત?’ સોમચંદે ચાનો પેપર કપ ખાલી કર્યો, ‘મને ઘરનું ઍડ્રેસ આપી દેશે. હું પપ્પાને મળવા રાતે જ ઘરે આવી જઈશ.’
‘હા, લખી લો.’
કલ્પેશે ઍડ્રેસ લખાવ્યું અને સોમચંદે મોબાઇલમાં ઍડ્રેસ સ્ટોર કરી લીધું.
lll
‘વૉટ?’
ગોહિલ ટેલર્સના રમેશભાઈ ગોહિલને મળવા માટે રાતે અગિયાર વાગ્યે સોમચંદ તેના ઘરે પહોંચ્યા ત્યારે ઘરની બહાર લોકોની ભીડ હતી અને લોકલ પોલીસ પણ ત્યાં હાજર હતી.
‘શું થયું?’
‘રમેશભાઈનું મર્ડર થઈ ગયું.’
ટોળામાંથી એક વ્યક્તિએ જવાબ આપ્યો કે તરત જ બીજો બોલ્યો.
‘બહુ ભલો માણસ... ક્યારેય મરતાંને મર ન કહે ને બોલો, તેને કોઈ મારી ગયું.’
‘ક્યાં થયું, શું થયું, કેમ થયું?’ સોમચંદની જીભથી પ્રશ્નોનો વરસાદ શરૂ થઈ ગયો, ‘કંઈ ખબર પડી?’
‘ભાઈ, એ બધી તો પોલીસને ખબર હોય. બહુ રસ હોય તો પૂછો તેને.
ડેડ-બૉડી લઈને એ જ આવી છે.’
પોલીસ પાસે જવું સોમચંદને વાજબી ન લાગ્યું એટલે તેણે આજુબાજુમાં નજર દોડાવી. લોકલ ચૅનલનો એક પત્રકાર કૅમેરામૅન સાથે ઘરના બહારનાં વિઝ્યુઅલ્સ લેતો હતો. સોમચંદ તેની પાસે પહોંચ્યા.
‘શું થયું ભાઈ?’ સોમચંદે હાથમાં ચૅનલ-ID સાથેનું માઇક લઈને ઊભેલા રિપોર્ટરને પૂછ્યું, ‘કેવી રીતે રમેશભાઈનું ડેથ થયું?’
‘એ તો હજી ઇન્ક્વાયરી થાય ત્યારે ખબર પડેને અંકલ...’ રિપોર્ટરે જવાબ આપ્યો, ‘હજી તો લાશ મળી છે.
રેલવે-ટ્રૅક પરથી. કોઈએ માથામાં પથ્થર મારીને પહેલાં બેભાન કર્યા ને પછી તેના શરીરમાં છરીઓ મારી દીધી.’
‘માણસ કેવા હતા?’
‘એ તો અમને નથી ખબર પણ હા, આજુબાજુવાળા બધા બહુ વખાણ કરે છે.’
રિપોર્ટર કંઈ કહે એ પહેલાં કૅમેરામૅન પણ સોમચંદ પાસે આવી ગયો.
‘અંકલ, હું તો આ રમેશઅંકલને ઓળખું છું. જીવદયાનું બહુ મોટું કામ કરતા. રોજ સવારે કીડિયારું પૂરવા જાય, તળાવે માછલાંને ખવડાવે. પછી ત્યાંથી પાછા આવતાં કબૂતરોને ચણ ખવડાવે.’ રિપોર્ટરને યાદ કરાવતો હોય એમ કૅમેરામૅને તેની સામે જોયું, ‘જોને કબૂતરને ચણ ખવડાવવાનું બંધ કરવાનો ઑર્ડર આવ્યો ત્યારે રમેશઅંકલ તો ભૂખ-હડતાળ પર ઊતરી ગયા હતા.’
‘ઓહ, હા... આ એ અંકલ છે કેમ...’
રિપોર્ટરે તરત ખિસ્સામાંથી સ્ક્રિપ્ટ કાઢી અને એમાં નવો ઉમેરો કરવાનું શરૂ કર્યું અને સોમચંદ ત્યાંથી નીકળી ગયા.
lll
સાલું સવાર સુધી કંઈ નથી. એક માણસ મૅરેજમાં જાય છે અને મૅરેજમાંથી પાછો આવે છે ત્યારે રેલવે-ટ્રૅક પર તેનું કોઈ મર્ડર કરે છે. મર્ડર પણ એ જ વ્યક્તિનું થાય છે જે ગોહિલ ટેલર્સનો માલિક છે. એ ગોહિલ ટેલર્સનો માલિક જે
રેપ-મર્ડરના આરોપી સુધી તેને પહોંચાડવામાં હેલ્પફુલ થવાનો હતો, પણ હવે...
lll
‘અહીંથી સ્ટેશન કેટલું દૂર હશે?’
‘એક કિલોમીટર...’ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરતાં કૉન્સ્ટેબલે સોમચંદની સામે જોયું, ‘આપની ઓળખાણ...’
‘મુંબઈ પોલીસ...’
ખોટું આઇ-કાર્ડ દેખાડવામાં સોમચંદને ક્યારેય સંકોચ નહોતો થતો. તેણે કૉન્સ્ટેબલ સામે કાર્ડ ધરી દીધું.
‘બીજા એક મર્ડરકેસની ઇન્ક્વાયરી માટે અહીં આવ્યો છું.’
પોતાનાથી સિનિયર વ્યક્તિ સામે ઊભી હોય ત્યારે આપોઆપ જુનિયરમાં અદબ આવી જતી હોય છે. અત્યારે કૉન્સ્ટેબલમાં પણ એ જ થયું હતું.
‘આજુબાજુમાં CCTV કૅમેરા છે
કે નહીં...’
‘સર, અહીં લાઇટ નથી તો પછી CCTV ક્યાંથી હોવાના...’ કૉન્સ્ટેબલ સોમચંદની નજીક આવ્યો, ‘એક વાત કહું સાહેબ, થોડાક સમય પહેલાં આવી જ રીતે એક મર્ડર થયું. બે સ્ટેશન વચ્ચેનો જે સૂમસામ રેલવે-ટ્રૅક હોય એનો જ ઉપયોગ થયો હતો.’
‘ક્યાં?’ સોમચંદે પૂછી લીધું, ‘બોરીવલીમાં?’
‘અરે ના સાહેબ, વાપી સ્ટેશન પર. આમ જ. આવી જ રીતે એક છોકરીને મારી નાખી હતી. મારતાં પહેલાં તેનો રેપ પણ કર્યો, હજી સુધી આરોપી પકડાયો નથી.’ કૉન્સ્ટેબલે જ્ઞાન આગળ વધાર્યુ, ‘આ તો મેં પેપરમાં વાંચ્યું એ કહું છું.’
‘કયા પેપરમાં ને કેટલા દિવસ પહેલાં?’
‘હંમ...’ કૉન્સ્ટેબલે મોબાઇલ હાથમાં લીધો, ‘કદાચ મારી પાસે પેપરની PDF છે. ઊભા રહો, દેખાડું.’
કૉન્સ્ટેબલે જેવું પેપર દેખાડ્યું કે સોમચંદે એ ન્યુઝપેપરની PDF પોતાના મોબાઇલમાં લઈ લીધી. કેટલીક વખત નાના માણસો પણ કામની વાત કરી જાય અને મહત્ત્વની કડી આપવાનું કામ કરી બેસે એ વાત વધુ એક વાર સોમચંદ સામે પુરવાર થઈ.
lll
‘ખાંડેકર, ધ્યાનથી વાત સાંભળો. દીપ્તિ જોષીની એક ઘટના, બીજી ઘટના મેં તમને ન્યુઝપેપરમાં વંચાવી એ અને ત્રીજી ઘટના રમેશભાઈ ગોહિલની. આ ત્રણેત્રણ ઘટનામાં એક વાત કૉમન છે. બધાં મર્ડર રેલવે-ટ્રૅક પર અને પ્લૅટફૉર્મથી એક કિલોમીટર આગળ, અંધારું હોય એવી જગ્યાએ થયાં છે. ઘટના માટેની મોડસ ઑપરેન્ડીમાં બન્ને છોકરીઓનું મર્ડર ઑલમોસ્ટ એક જ સ્ટાઇલથી થયું છે. ગળું દબાવીને. બન્ને છોકરીઓ સાથે રેપ થયો છે અને બન્ને છોકરીઓના ફૉરેન્સિક રિપોર્ટમાં એક જ વાત કહેવાય છે કે રેપ છોકરી મરી એ પછી થયો છે. જો છોકરી જીવતી હોત તો સીમેન પ્રાઇવેટ પાર્ટમાં અંદર ગયું હોત પણ બન્ને છોકરીના પ્રાઇવેટ પાર્ટના બહારના ભાગમાં જ એ રહ્યું છે.’ સોમચંદે પાણીનો એક ઘૂંટડો મોઢામાં ભરી ગળું ભીનું કર્યું, ‘એકમાત્ર રમેશભાઈ ગોહિલ એવા છે જેના મર્ડરમાં પથ્થર અને છરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.’
‘રમેશભાઈવાળી ઘટનાને બાકીની બે ઘટના સાથે કંઈ નિસબત ન હોય એવું પણ બની શકેને?’
‘બની શકે પણ મને લાગતું નથી.’ સોમચંદના ચહેરા પર દૃઢતા હતી, ‘હું માનું છું કે આપણે આ ત્રણેય ઘટનાને એક જ રાખવી જોઈએ અને આગળ ઇન્ક્વાયરી કરવી જોઈએ. ખાંડેકર... આઇડિયા...’
સોમચંદ પોતાની ચૅર પરથી ઊભા થઈ ગયા.
‘આપણે એક કામ કરીએ. બોરીવલી, વસઈ અને વાપી... આપણે ઘટનાના દિવસનાં આ ત્રણેત્રણ રેલવે-સ્ટેશનનાં CCTV ફુટેજ ચેક કરાવીએ. બને કે કોઈ એકાદ નાનકડી કડી મળી જાય.’
‘ડન, મને વાંધો નથી. આપણે ટીમ મોકલી દઈએ. એક સ્ટેશન પર તમે ચેક કરો. બીજા પર હું ને ત્રીજા સ્ટેશને...’
‘ના, ત્રણેત્રણ સ્ટેશનનાં CCTV ફુટેજ હું જ ચેક કરીશ.’ સોમચંદે ચોખવટ કરી, ‘સ્ટાફની કાર્યક્ષમતા પર અવિશ્વાસનો પ્રશ્ન નથી પણ કઈ વાતને હું ચેક કરવા માગું છું એ મને જ ખબર હોય અને દરેક વખતે જરૂરી નથી કે તમે એ વાત સામેવાળાને સમજાવી પણ શકો...’
‘ઍઝ યુ વિશ...’ ખાંડેકરે
ખેલદિલી સાથે કહ્યું, ‘મારે શું અરેન્જમેન્ટ કરવાની છે?’
‘બીજું કંઈ જ નહીં.’ સોમચંદે ચોખવટ કરી, ‘ત્રણેત્રણ સ્ટેશન પર કો-ઑપરેશન મળી રહે એ માટે ઍડ્વાન્સમાં કહેવાઈ જાય તો સારું. હું સવારે આઠ વાગ્યે બોરીવલી સ્ટેશન પર હોઈશ અને રાતે આઠ સુધીમાં વસઈ-વાપીના સ્ટેશન પર કામ પતાવીને રિટર્ન થઈ જઈશ...’
lll
‘ફટાફટ ચલાવ.’ સોમચંદની અકળામણ વધી રહી હતી, ‘કોઈની પણ ચિંતા નહીં કર. આપણે વસઈ પહોંચવાનું છે, એ પણ તાત્કાલિક.’
ડ્રાઇવરે ગાડીની સ્પીડ વધારી અને વધેલી સ્પીડ સાથે સોમચંદની આંખો સામે દિવસભરની ઘટનાઓ પસાર થવાની ઝડપ પણ વધી.
lll
‘એક મિનિટ...’ એક વિઝ્યુઅલ પર અટકીને સોમચંદે CCTV ઑપરેટરને કહ્યું, ‘સ્ક્રીન પર આ જે છોકરો છે એ છોકરાને જ ફૉલો કરવો છે. બધા કૅમેરા ચેક કરવા માંડો. આપણે આ છોકરો
ક્યાં-ક્યાં ગયો એ જાણવું છે...’
ઑપરેટરની આંગળીઓ કી-બોર્ડ પર ફટાફટ ફરવા માંડી અને સોમચંદની જીભ પણ એ જ ઝડપે ચાલતી ગઈ.
‘એ છોકરો પ્લૅટફૉર્મ પર એન્ટર થયો ત્યારથી લઈને એ છોકરો છેલ્લે ટ્રેનમાં ચડે છે ત્યાં સુધીનાં બધાં વિઝ્યુઅલ્સની એક પૅનલ બનાવવાની છે.’
‘જી સર.’ ઑપરેટરે કહ્યું, ‘બની જશે પણ એકાદ કલાક લાગશે.’
‘ટાઇમ ઓછો છે, મારે એ લઈને વસઈ જવાનું છે. કામ ફટાફટ કર...’
lll
‘સર, જુઓ આ...’
સોમચંદે સ્ક્રીન પર નજર કરી.
હાથમાં બૅગ સાથે એ છોકરો પ્લૅટફૉર્મમાં એન્ટર થયો અને બોરીવલીના ચાર નંબરના પ્લૅટફૉર્મ પર તે ઊભો રહ્યો. તેનું ધ્યાન વારંવાર ટ્રેનની અપડેટ પર જતું હતું અને પ્લૅટફૉર્મ પર મુંબઈ લોકલનું આવાગમન પણ ચાલુ હતું.
એક લોકલ આવ્યા પછી અચાનક છોકરો ગાયબ થઈ ગયો અને ૧૪ મિનિટ પછી તે બૅગ સાથે પ્લૅટફૉર્મ છોડીને આગળ વધતો દેખાયો. CCTV કૅમેરાની રેન્જ સુધી તે દેખાયો અને પછી અંધારામાં ઓગળી ગયો.
‘પછી એ ફરી દેખાયો?’
‘હા સર...’ ઑપરેટરે છેલ્લી ફ્રેમ પ્લે કરી, ‘ચાલીસ મિનિટ પછી તે ફરી સ્ટેશન પર દેખાયો છે પણ આ વખતે તે પ્લૅટફૉર્મ-નંબર છ પર છે.’
‘તેના હાથમાં બૅગ હતી એ ક્યાં?’ સોમચંદ સ્ક્રીનની વધારે નજીક ગયા, ‘ફ્રેમ ઝૂમ કર...’
ફ્રેમ ઝૂમ થવાથી એની ક્લૅરિટી ઓછી થઈ ગઈ હતી પણ એટલું સ્પષ્ટ દેખાતું હતું કે તે છોકરાના હાથમાં હવે બૅગ નથી.
‘આ બધાં વિઝ્યુઅલ્સ મને ઇમિડિએટલી વૉટ્સઍપ કર...’
પેલો કંઈ પૂછે કે કહે એ પહેલાં સોમચંદ બહાર નીકળી ગયા હતા. અહીંથી હવે તે સીધા વસઈ જવાના હતા.
(ક્રમશ:)


