રાત્રિભોજના આયોજનમાં કેન્દ્રીય પ્રધાનોએ પણ નેતૃત્વની બાગડોર સંભાળી હતી
ગઈ કાલે સાંજે ડિનર માટે NDAના સંસદસભ્યો રાજ્યવાર બસોમાં બેસીને નરેન્દ્ર મોદીના ઘરે પહોંચ્યા હતા.
બિહારમાં જીત મેળવ્યા પછી નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)ના તમામ સંસદસભ્યોનું મિલન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે યોજાયું હતું. આટલાબધા VVIP સભ્યો એકસાથે એકઠા થયા હોવા છતાં વ્યવસ્થાપન જબરદસ્ત હતું. તમામ સંસદસભ્યો પોતાની કારને બદલે બસમાં આવ્યા હતા. દરેક રાજ્યના સંસદસભ્યોની અલગ બસ રાખી હતી જેથી રાજ્યના નેતાઓ પણ ડિનર પહેલાં એકબીજા સાથે હળેમળે.
હકીકતમાં આ ડિનરનું આયોજન સંસદના મૉન્સૂન સત્ર દરમ્યાન થવાનું હતું, પરંતુ પંજાબ અને અન્ય રાજ્યોમાં વરસાદને કારણે આવેલી કટોકટીને પગલે એ મોકૂફ રખાયું હતું. સૂત્રોનું કહેવું છે કે સંગઠન તરીકે વિચારધારાની આપ-લે કરીને મજબૂત વિકાસયાત્રાની શરૂઆત માટે આ બેઠક કરવામાં આવી હતી.
ADVERTISEMENT
બે કલાક ચાલેલા રાત્રિભોજ પછી નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘NDA સંસદસભ્યોના યજમાન બનવાનું બહુ સારું લાગ્યું. NDA પરિવાર સુશાસન, રાષ્ટ્રીય વિકાસ અને ક્ષેત્રીય મહત્ત્વાકાંક્ષાઓ પ્રત્યે સંયુક્ત પ્રતિબદ્ધતા ધરાવે છે. સાથે મળીને દેશની વિકાસયાત્રામાં આ જ રીતે વધુ મજબૂતાઈથી આગળ વધતા રહીશું.’
૫૪ ટેબલો પર ભાવતાં ભોજન
રાત્રિભોજના આયોજનમાં કેન્દ્રીય પ્રધાનોએ પણ નેતૃત્વની બાગડોર સંભાળી હતી. તમામ સંસદસભ્યો આવે એ સુનિશ્ચિત કરાયું હતું. ૫૪ ટેબલો પર સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવી હતી. દરેક ટેબલ પર ૮ સંસદસભ્ય અને એક કેન્દ્રીય પ્રધાનની બેઠક ગોઠવવામાં આવી હતી. નરેન્દ્ર મોદીએ દરેક ટેબલ પર જઈને થોડો-થોડો સમય બધા સાથે સમય ગાળ્યો હતો. BJPના સંસદસભ્ય અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે ‘બિહારમાં ઐતિહાસિક જીત પછી વડા પ્રધાને અમને બોલાવ્યા છે. હવે પશ્ચિમ બંગાળની જીત પછી ફરીથી રાત્રિભોજ પર મળીશું.’


