પપ્પા કંઈ નક્કી કરે એ પહેલાં જ એન્જલ ડ્રૉઇંગ રૂમમાંથી નીકળીને ફરી પોતાના બેડરૂમમાં આવી ગઈ. પીચ કલરનો એન્જલનો એ બેડરૂમ પણ ઑલમોસ્ટ તમે જ ડિઝાઇન કર્યો હતો
ઇલસ્ટ્રેશન
‘આવ બેટા, આ છે...’
એન્જલ જેવી પપ્પાની ચેમ્બરમાં એન્ટર થઈ કે તરત પપ્પા સામે આવ્યા અને તેમણે પોતાની સામે રહેલી ચૅર તરફ ઇશારો કર્યો.
ADVERTISEMENT
‘આર્યન, આર્યન મહેતા...’
એન્જલે આર્યનને સહેજ સ્માઇલ આપ્યું પણ આર્યનના ચહેરા પર સિનેમાસ્કોપ સ્માઇલ હતું. પાછળ પપ્પાના પ્રશંસાનાં પુષ્પો પાથરવાનું ચાલુ હતું.
‘આર્યનની મેં તને વાત કરી હતી. ઑક્સફર્ડમાં બિઝનેસ ઍન્ડ ફાઇનૅન્સમાં આર્યને માસ્ટર્સ કર્યું છે અને હવે તે આપણી કંપનીમાં વીસ પર્સન્ટનો ઇક્વિટી પાર્ટનર બનવાનો છે.’ પપ્પા એન્જલની પાસે આવ્યા, ‘જસ્ટ, હમણાં જ અમે બધી ફૉર્માલિટી પૂરી કરી અને સેબીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું. એન્જલ, હમણાં કલાકમાં એક નવી અનાઉન્સમેન્ટનો કરન્ટ આપણા શૅર્સમાં દેખાશે...’
‘નવી અનાઉન્સમેન્ટ...’
‘યસ... લિથિયમ બૅટરી પ્રોડક્શન.’ ક્યારેય જોવા ન મળી હોય એવી ગુલાબી પપ્પાના ચહેરા પર પથરાયેલી હતી, ‘આર્યનનો આઇડિયા છે. તેણે જ મને કહ્યું કે ઈ-રિક્ષાના મૅન્યુફૅક્ચરિંગમાં ગયા પછી પણ બૅટરી માટે આપણા ગ્રુપે બીજા પર નિર્ભર રહેવું પડશે. એવું કરવાને બદલે આપણે જ બીજી કંપનીઓને આપણા પર નિર્ભર કરવી જોઈએ. એન્જલ, ઇન્ડિયામાં આપણે સૌથી પહેલાં લિથિયમ બૅટરી મૅન્યુફૅક્ચરિસ્ટ બનીશું અને પહેલા વર્ષથી આપણું સેલ હન્ડ્રેડ પર્સન્ટ હશે કારણ કે અત્યારે લિથિયમ બૅટરી આપણે ઇમ્પોર્ટ જ કરવી પડે છે.’
એન્જલે આર્યન સામે જોયું.
આર્યનની નજર તેના પર જ હતી.
‘આર્યને તો ત્યાં સુધી કહ્યું કે તે સેન્ટ્રલ ગવર્નમેન્ટમાં પણ મીટિંગ કરી લેશે અને બધી પરમિશન સીધી ત્યાંથી લઈ આવશે. આર્યન થૅન્ક્સ. તું એવા ટાઇમે આવ્યો જે સમયે મને...’ આર્યનની નજીક જઈને પપ્પાએ સુધારો કર્યો, ‘આઇ મસ્ટ સે, અમને - મને અને એન્જલને કોઈનો સપોર્ટ જોઈતો હતો. થૅન્ક્સ બેટા...’
‘સર, થૅન્ક્સની જરૂર નથી. સિમ્પલ ફન્ડા છે.’ આર્યને કહ્યું, ‘કોઈ પર ડિપેન્ડ રહેવાને બદલે બીજાને તમારા પર નિર્ભર રાખો તો કૉમ્પિટિશનનો ડર ન રહે...’
lll
‘સિમ્પલ છે એન્જલ. ફિલ્મ માટે તમારે પ્રોડક્શન-હાઉસથી માંડીને ડિરેક્ટર-ઍક્ટર પર નિર્ભર રહેવાનું, પણ સિરિયલ રાઇટિંગમાં ચૅનલથી લઈને પ્રોડક્શન-હાઉસ, ડિરેક્ટર-ઍક્ટર તમારા પર નિર્ભર હોય.’ તમે એન્જલને કહ્યું હતું, ‘આપણો તો સિમ્પલ ફન્ડા છે. બીજા પર ડિપેન્ડ રહેવાને બદલે બીજાને ડિપેન્ડન્ટ બનાવવાના. જો તમે એ કરી ગયા તો તમે સક્સેસફુલ...’
‘તારે તો યાર માર્કેટિંગમાં આવવાની જરૂર હતી.’ એન્જલ તમારા જવાબથી ખુશ થઈ ગઈ હતી, ‘કેટલું નૉલેજ છે તારી પાસે અને એ પણ કેટલું સાચું... તને કોની પાસેથી આ સ્ટ્રૅટેજી ખબર પડી?’
‘ધીરુભાઈ અંબાણી પાસેથી.’
‘વૉટ?’ એન્જલનો અવાજ ફાટી ગયો, ‘તું તેમને મળ્યો છે?’
‘હા. કાલે જ અમે મળ્યા...’ તમે સ્માઇલ સાથે જવાબ આપ્યો, ‘બુકમાં. એન્જલ, વાંચવાથી જેટલું નૉલેજ મળે છે એટલું નૉલેજ એક સ્કૂલનો ક્લાસરૂમ પણ નથી આપી શકતો. તને ખબર છે, આજે હું જ્યાં છું એ કોના કારણે?’
‘મારા કારણે...’ એન્જલે જવાબ આપ્યો, ‘હા, સાચે. જો હું તારી લાઇફમાં ન હોત તો તું હજી પણ બહુ એટલે બહુ એટલે બહુ આગળ હોત.’
‘એટલા આગળ ક્યારેય ન જવું જ્યાંથી એકલા પાછા આવવું અઘરું થઈ જાય.’
‘વાહ, સરસ લાઇન છે.’ એન્જલે પૂછી લીધું, ‘તારી લાઇન છે?’
‘ના...’ નકારમાં નોડ કરતાં તમે જવાબ આપ્યો, ‘એકનાથ શિંદેની...’
lll
‘યસ સર, હન્ડ્રેડ પર્સન્ટ મીટિંગ થઈ જશે.’ આર્યને પપ્પાને કહ્યું, ‘આ વીકમાં હું તમારી એકનાથ શિંદે સાથે મીટિંગ કન્ફર્મ કરાવી દઉં છું.’
જતી વખતે આર્યને પપ્પા સાથે હાથ મિલાવ્યા અને પપ્પાએ તેને ગળે વળગાવ્યો.
‘બેટા, કેવો લાગ્યો છોકરો?’
‘પપ્પા, તમે મને છોકરો જોવા બોલાવી હતી?’
‘હા બેટા...’ ખુશી વચ્ચે પણ પપ્પાની આંખમાં આંસુ આવી ગયાં, ‘બેટા, છ મહિના પૂરા થઈ ગયા. તારા એ... એનો કોઈ પત્તો નથી અને હું માનતો પણ નથી કે એ માણસને હવે તારે લાઇફમાં જગ્યા પણ આપવી જોઈએ. બેટા, જીવનમાં આગળ વધવાનું હોય. રોકાયેલું પાણી હોય કે જીવન, એમાં ખારાશ આવી જ જાય. દરિયો એનું ઉદાહરણ છે.’
lll
‘ગોલ્ડન વર્ડ્સ છે, ક્યારેય ભૂલતી નહીં. જેમ પાણી પોતાનો રસ્તો બનાવી લે એમ લાઇફ પણ મુશ્કેલીમાંથી નીકળવા માટે પોતાનો રસ્તો બનાવી જ લે.’
કેમ આજે આવું થાય છે?
કેમ આજે તેની આટલી યાદ આવે છે?
એવું બિલકુલ નહોતું કે એન્જલ તમને ભૂલી હોય, ભૂલી શકી હોય. ના, સહેજ પણ નહીં. હજી પણ તમે એન્જલ સાથે જીવતા હતા, શ્વસતા હતા. દરેક ક્ષણે તેણે તમને પોતાનામાં અકબંધ રાખ્યા હતા પણ આજે, આજે કેમ એવું બને છે કે જે વાત તમે કોઈને કોઈ રીતે અગાઉ કહી છે એ જ વાત ફરીથી સાંભળવા મળે છે.
આ અનાયાસ છે, જોગાનુજોગ કે પછી...
તમે પપ્પાની ચેમ્બરમાંથી બહાર આવીને તમારી ચેમ્બરમાં આવી ગયા.
તમને એકાંત જોઈતું હતું,
‘એકાંતને તોડવાનો એક રસ્તો છે, મ્યુઝિક... ભલે તમે એકલા હો પણ મ્યુઝિક તમારી આજુબાજુમાં તમારા જેવા મૂડના લોકોને લાવી દે છે.’
હૈ ક્યા યે જો તેરે મેરે દરમિયાં હૈ
અનદેખી અનસુની કોઈ દાસ્તાં હૈ
લગને લગી, અબ ઝિંદગી ખાલી
લગને લગી હર સાંસ ભી ખાલી,
બિન તેરે, બિન તેરે, બિન તેરે
કોઈ ખલિશ હૈ હવાઓં મેં બિન તેરે...
ફિલ્મ ‘આઇ હેટ લવ સ્ટોરી’નું સૉન્ગ ઇઅર-બડ્સ મારફત એન્જલના દિલોદિમાગ પર કબજો કરવા માંડ્યું હતું. ગીતના એકેક શબ્દ અત્યારે તેને પોતાના જીવન સાથે જોડાયેલા લાગતા હતા. તમારા વિના જીવન ખાલી હતું, શ્વાસનો પણ બોજ લાગતો હતો. કલ્પના નહોતી કરી કે તમે આવું કરી શકો, આવું કરશો અને એ બધું જ હકીકત બનીને અત્યારે આંખ સામે હતું.
lll
‘પપ્પા, હું આર્યન માટે સિરિયસ છું પણ એક શરતે...’
‘અરે, એક શું, તારી ૧૦૦ શરત મંજૂર...’ એન્જલની વાત સાંભળીને વિક્રમ શાહ રીતસરના ઊછળી પડ્યા, ‘બોલ શું કરવાનું છે? આપણે પેલા હરામી...’
એન્જલના શાર્પ લુકે પપ્પાએ જીભ પર આવેલી ગાળ અધૂરી જ છોડી દીધી.
‘હું એમ કહું છું કે આપણે તેને પણ ખબર પડે એવી ધામધૂમથી મૅરેજ કરવાં છે? તું બોલ, આખું બૉલીવુડ, બધી ટીવી ચૅનલના સ્ટાર્સને એમાં નચાવવા છે? તું કહે એ આપણે કરીએ. તારી ઇચ્છા એ મારી ઇચ્છા.’
‘હું આર્યનને બધી વાત કરીશ.’ પપ્પાના ચહેરા સામે જોવાની એન્જલની હિંમત નહોતી, ‘વાત કર્યા પછી હું થોડો સમય જોઈશ કે આર્યનના બિહેવિયરમાં ફેરફાર આવે છે કે નહીં, એ પછી હું નક્કી કરીશ કે મારે હા પાડવી કે ના.’
પપ્પા કંઈ નક્કી કરે એ પહેલાં જ એન્જલ ડ્રૉઇંગ રૂમમાંથી નીકળીને ફરી પોતાના બેડરૂમમાં આવી ગઈ. પીચ કલરનો એન્જલનો એ બેડરૂમ પણ ઑલમોસ્ટ તમે જ ડિઝાઇન કર્યો હતો. એ સમયે હજી વિક્રમ શાહે તમને સ્વીકાર્યા નહોતા એટલે ઘરે અવરજવર કરવાના કોઈ ટર્મ્સ નહોતા પણ એન્જલ એ રૂમની એકેક ઇંચની ડીટેલ તમને આપતી, પોતાની ઇચ્છા કહેતી અને એ મુજબ તમે એ રૂમનું પ્લાનિંગ સૂચવતા.
‘દરેક જગ્યાએ તું છો યાર. હું શું કરું?’
રૂમમાં દાખલ થતાં જ એન્જલની આંખમાં આંસુ આવી ગયાં. મહામુશ્કેલીએ તેણે પોતાની જાતને સમજાવી હતી, આર્યન સાથે આગળ વધવા માટે તૈયાર કરી હતી અને હવે ફરીથી એ જાતે સાથ છોડવાનું શરૂ કરી દીધું.
‘પ્લીઝ, ક્યાંક તો મને એકલી છોડ. પ્લીઝ...’
વૉશરૂમમાં જઈને એન્જલે વૉશ-બેઝિનનો નળ ચાલુ કરી મિરરમાં જોયું. જોકે અંધારું હોવાથી મિરરમાં તેને કશું દેખાયું નહીં અને એન્જલને એ દિવસ યાદ આવી ગયો.
lll
‘તું સમજ એન્જલ, આ જ મિરર ફાઇનલ કર. એમાં આઇ-સેન્સિટિવિટી છે.’ તમે સમજાવતાં કહ્યું હતું, ‘તારે પ્રૉપર આંખો ખોલવાની. જો તું આખી આંખો ખોલીશ તો મિરરનું સેન્સર તને ઓળખી લેશે અને આપોઆપ લાઇટ થઈ જશે.’
‘હા પણ એનાથી શું ફાયદો?’
‘સમયસર તારી આંખો ખૂલી જશે અને એ પણ મોટી થઈને...’
lll
એન્જલથી અત્યારે પણ આંખો મોટી થઈ.
યશ, તારે આમ જ મારી આંખો ખોલાવવી હતી?
એન્જલની આંખો ફરી ભીની થઈ ગઈ.
અજનબી સે હુએ હૈ ક્યોં પલ સારે
કિ નઝર સે નઝર યે મિલાતે હી નહીં,
ઇક ઘની તન્હાઇ છા રહી હૈ
મંઝિલેં રાસ્તોં મેં હી ગુમ હોને લગી,
હો ગઈ અનસુની હર દુઆ અબ મેરી
રહ ગઈ અનકહી બિન તેરે...
બિન તેરે, બિન તેરે, બિન તેરે
કોઈ ખલિશ હૈ હવાઓં મેં બિન તેરે...
lll
‘સૉરી યાર. મારાથી નહીં આવી શકાય. યુ સી, અત્યારે પૅરિસમાં શૂટ ચાલુ છે અને પ્રોડ્યુસર તરીકે મારું ત્યાં હોવું જરૂરી છે. સાથે એક નાનકડું વેકેશન પણ ઑન છે.’
એન્જલ તમારો મેસેજ વાંચતી હતી.
આજે આર્યન સાથે તેની એન્ગેજમેન્ટ હતી અને તમે તેને મેઇલ પર ઇન્વિટેશન મોકલ્યું, જેનો જવાબ તમે ગિફ્ટ મોકલીને આપ્યો હતો. ગિફ્ટમાં એન્જલની જ ડાયરી હતી જે એક આખું વર્ષ લખીને તેણે તમને આપી હતી.
‘તારી આ છેલ્લી ચીજ મારી પાસે હતી જે હું તને મોકલું છું. શું છે, મને ઘરમાં ક્લટર, બૉસી નેચર અને ઑર્થોડોક્સ માઇન્ડસેટના લોકોને સંઘરવાની આદત નથી.’ તમે આગળ લખ્યું હતું, ‘હવે આ ચૅપ્ટર મારા માટે કાયમ માટે ક્લોઝ. હું મારા રસ્તે અને તું, તું આર્યનના રસ્તે...’
‘હેય, એન્જલ.’ અચાનક આર્યન રૂમમાં આવી ગયો હતો, ‘શું થયું?’
એન્જલે કંઈ કહ્યા વિના હાથમાં રહેલું ગિફ્ટ-બૉક્સ આર્યનના હાથમાં મૂકી દીધું.
‘આર્યન, મારી લાઇફનો એક જ ગોલ છે. મારે તેને બતાવવું છે કે હું તેના વિના પણ કેટલી ખુશ છું, સુખી છું...’
આર્યનના ફેસ પર સ્માઇલ હતું, તેની જીભ પર શબ્દો આવી ગયા, જે હોઠના દરવાજા પર અટકી ગયા.
‘એટલે તો હું અહીં છું એન્જલ... તારા હમસફરનો દૂત બનીને.’
lll
‘તું સમજતો કેમ નથી... અત્યારે તારી સાથે, તારી પાસે કોઈ હોવું જોઈએ.’
‘કેમ, અત્યારે સાથે હશે તે મારી સાથે આવશે?’ ડૉ. કીર્તિ પટેલની સામે તમે સ્માઇલ કર્યું, ‘ડાર્લિંગ, એક વાત યાદ રાખવાની. જે મુસાફરી મારી છે એનો થાક મારા લોકો સહન શું કામ કરે? હું મારો બોજ બીજા પર મૂકીને તેના હસતા ચહેરા પર પસ્તાવો જોવા નથી માગતો...’
‘ડાયલૉગ...’
તમને એન્જલ યાદ આવી ગઈ. તમે સ્માઇલ સાથે ડૉક્ટર સામે જોયું.
‘ડાર્લિંગ, લાઇફ બુક જેવી છે. એનું કયું પેજ છેલ્લું હશે એ કોઈને ખબર નથી તો પછી The End લખાય એ પહેલાં શું કામ બીજાની લાઇફમાં સ્માઇલ ન પાથરવું... યુ નો, કોઈકે મને શીખવાડ્યું છે, જો જિંદગી હસતા મોઢે જીવ્યા હો તો મોતને પણ હસતા મોઢે મળવું.’ તમે ઊભા થયા, ‘આ ડાયલૉગ છે...’
તમે ડૉક્ટરની ચેમ્બરમાંથી બહાર નીકળી ગયા.
ક્યૂં નઝર કે કિનારે
ટૂટે હૈં ખ્વાબ સારે તૂ બતા,
સૂના-સૂના સમા હૈ
ખાલી-ખાલી જહાં હૈ અબ મેરા,
બિન તેરે, બિન તેરે, બિન તેરે
કોઈ ખલિશ હૈ હવાઓં મેં
બિન તેરે...
(વધુ આવતી કાલે)


