રૂઢિગત બાબતોને પડકારતું નાટક "ચાય ક્વીન્સ" મુંબઈમાં રજૂ થશે
અર્ચના પટેલ નાંદી અને તરણજીત કૌર આ નાટક મુંબઈમાં પહેલીવાર રજૂ કરશે
આંતરરાષ્ટ્રીય મંચ પર અનેક એવોર્ડ્સ જીત્યા બાદ અને વિવેચકોની પ્રશંસા મેળવ્યા પછી, મલ્ટી-એવોર્ડ વિજેતા થિયેટ્રિકલ પ્રોડક્શન ‘ધ ચાય ક્વીન્સ’ (The Chai Queens) હવે મુંબઈ આવી રહ્યું છે. ‘ધ ફોરબિડન પ્રોડક્શન્સ’ દ્વારા પ્રસ્તુત આ નાટક માત્ર બે દિવસ માટે, 22 અને 23જાન્યુઆરીના રોજ અંધેરી વેસ્ટ સ્થિત વેદા ફેક્ટરીના ‘ચૌબારા’ ખાતે સાંજે 6:00 અને 8:00 વાગ્યે ભજવવામાં આવશે.

ADVERTISEMENT
એક ભવ્ય ભારતીય લગ્નના સમારોહની પૃષ્ઠભૂમિમાં આકાર લેતું આ નાટક, બે બાળપણની સખીઓ - બબલી અને તેજલની વાત કરે છે. ૧૫ વર્ષના લાંબા ગાળા બાદ લગ્નની ધમાલ વચ્ચે ફરી મળતી આ બે સખીઓ સામાજિક અપેક્ષાઓ અને અંગત સત્ય વચ્ચેના નાજુક તણાવને રજૂ કરે છે. જે એક રમતિયાળ પુનઃમિલન તરીકે શરૂ થાય છે, તે ધીમે ધીમે દબાયેલી ઈચ્છાઓ, મૌન સંવાદો અને પ્રથમ પ્રેમના પુનઃશોધ તરફ વળે છે. આ નાટક પ્રેમ, ઝંખના અને પરંપરાના અદ્રશ્ય બંધનો પર એક ઊંડું ચિંતન રજૂ કરે છે.
વૈશ્વિક સફળતા
આ નાટકે આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલ સર્કિટમાં, ખાસ કરીને પ્રાગ ફ્રિન્જ ફેસ્ટિવલ અને કોલચેસ્ટર ફ્રિન્જમાં જબરદસ્ત સફળતા મેળવી છે. યુકે (UK) ટૂરમાં પણ તેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. હવે આ નાટક ‘ફેસ્ટિવલ ડી ઈટાલિયા’માં જઈ રહ્યું છે, તે પહેલાં મુંબઈના પ્રેક્ષકો માટે તેને જોવાની આ એક વિશેષ તક છે.
રમણજીત કૌર દ્વારા દિગ્દર્શિત અને તરણજીત કૌર દ્વારા નિર્મિત આ નાટકમાં તરણજીત કૌર (બબલી) અને અર્ચના પટેલ (તેજલ) મુખ્ય ભૂમિકામાં છે. વિક્રાંત ધોતેની મૂળ સ્ક્રીપ્ટ ‘સો ફાર’ પર આધારિત આ નાટકમાં પંડિત તન્મય બોઝનું સંગીત વાર્તાને વધુ જીવંત બનાવે છે. ‘ધ ફોરબિડન પ્રોડક્શન્સ’ હંમેશા બોલ્ડ અને સામાજિક રીતે પ્રસ્તુત વાર્તાઓ કહેવા માટે જાણીતું છે. વિવેચકોએ આ નાટકને "પ્રેમની જટિલતાઓની ઉજવણી" અને ક્વીર (queer) સંબંધોનું સંવેદનશીલ ચિત્રણ ગણાવ્યું છે.

આ નાટકના શો 22 અને 23 જાન્યુઆરીના રોજ સાંજે 6:00 અને 8:00 વાગ્યે, ચૌબારા, ગ્રાઉન્ડ ફ્લોર, વેદા ફેક્ટરી, અંધેરી વેસ્ટ, મુંબઈ ખાતે યોજાશે.
રસ ધરાવતા દર્શકો માટે ટિકિટ બુકમાયશો (bookmyshow.com) પર ઉપલબ્ધ છે. શો મર્યાદિત હોવાથી વહેલા તે પહેલાના ધોરણે બુકિંગ કરવું હિતાવહ છે


