અહીં ઉજાસ હતો. ક્યાંકથી શુદ્ધ હવા પણ ફેંકાતી હતી. કોઈ કારણસર રાજપરિવારે છુપાઈને રહેવું હોય તો વાંધો ન આવે એવી તમામ સવલત અહીં હતી
ઇલસ્ટ્રેશન
લતા મંગેશકરના કંઠે મઢી
ગણેશસ્તુતિસાંભળી તર્જનીએ શ્વાસમાં
ADVERTISEMENT
હામ ભરી.
આમ તો કેતુ-તર્જનીએ ઘણા અટપટા કેસો રમતાં-રમતાં ઉકેલેલા, પણ રાજમાતા જેવું અંગત સ્વજન મુશ્કેલીમાં હોય ત્યારે કેતુ-તર્જની જેવી જાસૂસ જોડીએ પણ ભગવાનને ભજી પાર પડવાની હિંમત કેળવવી પડે.
છાતીમાં હામ ભરી શનિવારની ઢળતી સાંજે તર્જની હમીરગઢ
જવા નીકળી.
lll
‘કેમ છો, રાજમાતા? અમારી સરભરામાં કોઈ કચાશ તો નથીને?’
રાજમહેલના ગુપ્ત ભોંયરાનાં પગથિયાં ઊતરી વિજયસિંહે
મલકાટભેર પૂછ્યું.
અહીં ઉજાસ હતો. ક્યાંકથી શુદ્ધ હવા પણ ફેંકાતી હતી. કોઈ કારણસર રાજપરિવારે છુપાઈને રહેવું હોય તો વાંધો ન આવે એવી તમામ સવલત અહીં હતી. મખમલનો બિસ્તર, સ્વચ્છ બાથરૂમ, ખાવાપીવાની સામગ્રી પણ ખરી. આ સુરંગ વિરાટનગરની સરહદે ખૂલે છે એની તો હવે રાજમાતાને પણ જાણ હતી.
તર્જની સાથે વાત કરતી વેળા રણમલે ગાડી અટકાવવી પડી. મારગમાં ઝાડ પડ્યું હતું. વાત કરતાં વિન્ડશીલ્ડમાંથી નજર ગઈ તો બુકાનીધારી આદમી દેખાતાં રાજમાતાએ કૉલ કટ કર્યો એવો જ કારનો દરવાજો ખોલી વિજયસિંહે ફોન ખૂંચવ્યો, ગન દેખાડી : પ્રણામ, રાજમાતા!
તેને તાબે થયા વિના છૂટકો નહોતો. વિજયના આદમીએ રણમલને ફટકો મારી બેહોશ કરી દીધેલો. સુરંગના રસ્તે અમને આ ભોંયરામાં લવાયાં. રણમલ આ રૂમની બહાર બંધનગ્રસ્ત હાલતમાં છે, જ્યારે વિજયની માનીતી દાસી રંભા મારી ચોકીમાં છે. બેશક, કિડનૅપિંગ છતાં વિજયે મારી અદબ પૂરેપૂરી જાળવી છે. ભોંયરામાં મને કોઈ તકલીફ ન પડે એની કાળજી પણ રાખી છે. એમ તેના સૂચવ્યા મુજબનો વિરાટનગરની સફારી માણવાનો વૉઇસ-મેસેજ છોડવો પડ્યો એટલે બે દિવસ તો દીકરાઓએ ખમી ખાધું હશે, પણ આજે સવારથી ચોક્કસ તપાસમાં લાગ્યા હશે... એમાં કેતુ-તર્જની જોડાયા પછી તું કેટલું ટકવાનો, વિજય!
રાજમાતા મનમાં જ મલક્યાં.
‘તમારે અડધી રાતે રૂમમાંથી નીકળી જાસૂસી કરવા જેવી નહોતી, રાજમાતા.’
મીનળદેવીને આની પણ જાણ હતી: પોતે વિજય-રંભાની ચોરી પકડી પાડી એમ વિજયે મારી હાજરી નોંધી. તેનો ભેદ ખોલી ન દઉં એ માટે તે બીજી સવારથી સતત મારી આજુબાજુ રહેલો એ કિડનૅપિંગ પછી સમજાયું.
ભેદ.
રાજમાતાએ દમ ઘૂંટ્યો ઃ માવડિયાપણાનો ભેદ!
વિજયસિંહ, રંભા અને રાજમાતા - એ અડધી રાતના ભેદી જેવા ત્રણે સમક્ષ એ પળો તરવરી રહી.
lll
‘માય ગૉડ! વૉટ અ લેડી! પળવાર તો થયું રાજમાતાએ મારું મન વાંચી લીધું કે શું!’ વિજયે રંભા સમક્ષ હૈયું ખોલ્યું.
ડિનર દરમ્યાન રાજમાતાએ ઉદય પાસે ઐયાશીના, જુગારના પૈસા ક્યાંથી આવે છે કહી નાના ભાઈ માટેના પ્રેમને કારણભૂત ઠરાવ્યો ન હોત તો મારી માનસિકતા ત્યાં ખુલ્લી થઈ ગઈ હોત!
એ માનસિકતા જોકે રંભાથી હવે છૂપી ક્યાં હતી?
ના, વિજયસિંહ ઐયાશ નહોતો કે મહેલની દાસી પર નજર બગાડે. તેને શરાબ-સિગારેટ કોઈ કહેતાં કોઈ વ્યસન નહોતું, ક્યાંય સુધી તો તનના આવેગોને પણ તેણે ગણકાર્યા નહીં. ત્રણેક વર્ષ અગાઉ, વિરમગામની કન્યાને ઇનકાર ફરમાવ્યા પછી કામનાનો તરફડાટ કાબૂ બહાર જતો લાગ્યો. વકરતી વૃત્તિને ઠારવા વિજયસિંહ હાથવગો ઉપાય અજમાવતો થયો ને એમાં એક સાંજે સાવ અનાયાસ રંભાની નજરે કઢંગી અવસ્થામાં ઝિલાઈ ગયો.
બિચારી દાસી.
વિજયસિંહ તેમના કક્ષમાં હોવાની બિલકુલ ધારણા નહીં : હુંય વાલામુઈ ધડાધડ ધસી આવી! કુંવરજી ખફા થઈ હકાલપટ્ટી કરશે તો ચડતી જુવાની લઈ ક્યાં જઈશ, રંભા? તારે બીજો આશરો શું છે? એના કરતાં...
‘ક્ષમા, રાજકુમાર!’ ઘૂંટણિયે પડી તે માફી માગવા લાગી. વિજયસિંહ એટલો જ સંકોચાતો હતો. તેને ફડક હતી કે દાસી મારી ટેવ કે કુટેવનું ગામગજવણું કરી મૂકશે!
ત્યાં...
‘મને નોકરીમાંથી કાઢશો નહીં, જોઈએ તો...’ રંભાએ કબ્જાનાં બટન ખોલ્યાં. અને કમરે ટુવાલ વીંટાળવા જતા વિજયસિંહે દાસીને જકડી લીધી!
પછી તો રાતનું અંધારું ઓઢી રંભા વિજયસિંહના કક્ષમાં આવી જાય છે એની મહેલમાં આજ સુધી કોઈને ભનક સુધ્ધાં નથી!
તનમેળ વધતો ગયો એમ ધીરે-ધીરે વિજયસિંહનું મન પણ દાસી સમક્ષ ઊઘડતું ગયેલું. અને એ જેવું હતું એવું રંભાને સ્વીકાર્ય હતું. તે વિજયને સમર્પિત થતી એ વાસના નહોતી, કેવળ વફાદારી પણ નહોતી, એમાં પ્યારના ઓરતા પરોવાતા ગયેલા.
સામે વિજયસિંહ પણ રંભા સાથે સૂતા પછી કન્યા જોવાનું ટાળવા માંડ્યો. તેને એવું લાગતું પોતે તનથી કોઈનો થઈ ચૂક્યો એ થનારી જીવનસંગિની સાથે બેવફાઈ નહીં ગણાય? અને
કોઈને વરી તેને તનનો હક આપું તો એ રંભાને અન્યાય ન કહેવાય? રંભાનો સમર્પણભાવ વિજયમાં હૃદયમાં પ્રેમનાં બીજ વાવી ચૂકેલો.
તેને અપનાવામાં વિજયને બીજો કોઈ ખોફ નહોતો, ફક્ત માની ધાસ્તી હતી: દાસી સાથેનો મારો સંબંધ માને સ્વીકાર્ય ન હોય તો...
વિજય મોહિનીમાની વિરુદ્ધ તસુય સાંખી ન લે એની રંભાને સમજ હતી.
સગી માની વિદાય બાદ વિજય જે મમતા માટે તરસતો હતો એ મોહિનીમાં સાગમટે ભરી હતી.
પહેલી જ મુલાકાતમાં પોતાના માટે સાપનું ઝેર ખાનારી સ્ત્રી માટે માતૃભાવ જાગ્યો, મોહિની પણ તેની સવાઈ મા બનીને રહી.
આમાં વિજયને પહેલો ઝાટકો માની પ્રેગ્નન્સી વિશે જાણીને લાગ્યો. મહેલના ચાકરવર્ગમાં કાનાફુસી થતી: રાણીમાનું પોતાનું સંતાન આવે એટલે કુંવરજી હાંસિયામાં ધકેલાઈ જવાના!
માનું વહાલ વહેંચાઈ જશે? હું માને પ્રિય નહીં રહું?
તેર વર્ષનો કિશોર મનોમન અકળાતો, ગાંઠ વાળતો : ના, એક વાર મેં મા ગુમાવી છે, બીજી વાર તો મારી માને મારાથી દૂર નહીં જ થવા દઉં!
પણ થવું પડતું. ઉદયના આગમન બાદ મોહિનીમા વિજય સાથે સાપસીડી કે સોગઠાબાજી રમતાં હોય ને દાસી રડતા ઉદયને લઈ આવે, તે ભૂખ્યો થયો હોય એટલે પરાણે વિજયે દૂર સરકી જવું પડે...
ઉદય મોટો થતો ગયો એમ
વિજયમાં તેને દૂર કરવાની મનસા બળવત્તર થવા માંડી. બહુ શરૂ-શરૂમાં તો એવું થતું કે કોઈ હોય નહીં ત્યારે ઉદયને મહેલની અગાસી પરથી નીચે પટકી દીધો હોય તો!
પણ પછી દીકરાના વિયોગમાં મા અડધી ગાંડી જેવી થઈ જશે એ વિચારે સહેમી જવાતું. ના, માને હું દુખી જોઈ ન શકું. ઉદય ભલે જીવે, મને તો મા મારી રહે એટલું જ જોઈએ! પિતાજી બે દીકરાઓને રામ-લક્ષ્મણની ઉપમા આપતા ને વિજયના ચિત્તમાં પડઘો પડતો: હું રામ ખરો, પણ ઉદયને લક્ષ્મણ પુરવાર નહીં જ થવા દઉં! યસ, ઉદય અપલક્ષણિયો પુરવાર થાય તો મા તેનાથી ખફા જ રહેવાની!
વિજયને માર્ગ મળી ગયો. એના પર ચાલવાની આવડત અને હિંમત રહે એવી ઉંમર પણ હતી.
પ્રાથમિક શાળામાં જતા થયેલા ઉદયના ખાણામાં તે તામસી ગુણ વકરાવે એવાં વૈદજીનાં પડીકાં ભેળવી દેતો. પરિણામે ઉદય નાની વાતમાં ગુસ્સે થઈ જાય, ઝઘડા-મારપીટની ફરિયાદો રોજની થતી ગઈ. મા-પિતાજી ઉદયને ખિજાય તો ચાલાકીથી તે ઉદયની ઢાલ બની ઊભો રહે ને માવતરને એવું લાગે કે મોટા ભાઈને નાના ભાઈનું કેટલું દાઝે છે! ખુદ ઉદય મોટા ભાઈને ભગવાન જેવો માને છે! કોઈ જાણી જ ન શક્યું કે ઉદયની રૂમમાં શરાબની પહેલી બૉટલ ખુદ વિજયે મૂકી હતી, ગુરુકુળમાં છોકરી મોકલનાર પણ તે જ ને જુગારીઓની સોબતનો બંદોબસ્ત કરનારો પણ તે જ! અલબત્ત, આમાં તે ક્યાંય પ્રગટપણે નહીં પણ તેના ઇશારે કામ કરે એવું એક આખું તંત્ર તેણે ઊભું કર્યું હતું.
માના ફોકસ માટે, માના પ્રેમ માટે કોઈ આ હદે જાય એ મનાય નહીં એવી હકીકત હતી.
એ રાતે રંભાનો ઇરાદો લાગણીશીલ બનેલા વિજયને તૃપ્ત કરવાનો હતો, પણ વિજય સચેત બન્યો : નહીં રંભા, રાજમાતાનો ઉતારો આ જ ફ્લોર પર છે, તેમની હાજરીમાં તારે અહીં આવવાનું જ નહોતું. ચૂપચાપ નીકળી જા!
lll
‘તેના નીકળવામાં છુપાયેલાં તમે મારી આંખે ચડી ગયાં...’
વિજયે કડી સાંધી. રાજમાતાએ ડોક ધુણાવી પોતે બધું જાણી ચૂક્યાં છે એ છુપાવવાનો અર્થ નહોતો.
‘ભૂલ મારી છે. રાબેતા મુજબ માની નજરમાં ડાહ્યો, લાડકો ઠરવા મિલકતની વહેંચણીમાં સિદ્ધાંતવાદી બનવા ગયો એ થોડું વધારે તણાઈ ગયું. માએ તમને બોલાવ્યા એમાં છેવટે શું થયું?’ વિજય રાજમાતાની સામે ગોઠવાયો, ‘મારે તમારી સાથે કોઈ દુશ્મની નથી પણ હું એ પણ જાણું છું કે માને તમે સચ કહ્યા વિના રહેવાનાં નથી, જે મને પરવડે એમ નથી.’
એક દીકરાની આ તે કેવી માતૃભક્તિ! રાજમાતાની કીકીમાં પહેલી વાર વિજયસિંહ માટે કરુણા ઘૂંટાઈ, ‘વિજય, તારા સંસ્કાર મને પરખાઈ ગયા, તું ઇચ્છે તો પણ મને શું, કોઈને મારી ન શકે. પણ મને આમ ક્યાં સુધી છુપાવી રાખીશ? મારાં બાળકો મને શોધી નહીં શકે?’
વિજય મલક્યો, ‘મેં તમને કિડનૅપ કર્યાં છે એવું જાહેર થાય તો-તો આખું રાજપુતાના તલવાર લઈ મારું ગળું કાપવા આવી ચડે. પણ એ ક્યારેય જાહેર નહીં થાય. તમારા છોકરા તમને નહીં શોધે, કારણ કે...’ વિજયસિંહે ડોક ધુણાવી, ‘ના, એ કારણ તો નહીં જ કહું!’
તેના ગૂઢ સ્મિતે રાજમાતા વિચારમાં પડી ગયાં.
lll
આ..હ!
રાતે અગિયારના સુમારે બેડરૂમમાં મીંચેલી આંખે કામિની હાંફી રહી. સ્મરણપટ પર લંડનના હનીમૂન સ્વીટની સુહાગરાત ફિલ્મની જેમ ફરતી હતી.
અને પરાકાષ્ઠાના દૃશ્યે સિસકારો નાખી બેઠી થઈ ગઈ કામિની.
હવે ક્યાં એ દિવાકર! ક્યાં એ મર્દાના દેહ, ક્યાં તેની જંગલિયત! ક્યાં ગયું એ સુખ?
હળવો નિસાસો સરી ગયો. દિવાકર તો હજી હમણાં ગયા, પણ એ સુખ તો ક્યારનું રિસાયેલું!
લગ્નના ચોથા વર્ષે સ્વિટ્ઝરલૅન્ડનો એ પ્રવાસ. ઍલ્પ્સની પર્વતમાળામાં પૅરાગ્લાઇડિંગ બહુ વખણાય છે. આમ તો એનો સેફ્ટી રેકૉર્ડ વર્લ્ડમાં બેસ્ટ ગણાય છે, પણ હાય રે.
અકસ્માતની રેર ગણાતી ઘટના અમારા પૅરાગ્લાઇડિંગ દરમ્યાન દિવાકર સાથે ઘટી. હાર્નેસની ખામીને કારણે દિવાકરે ક્રૅશ લૅન્ડિંગ કરવું પડ્યું, એમાં ગુપ્ત ભાગમાં બહુ ખરાબ ઈજા થઈ. બેચાર માઇક્રો સર્જરી પછી ત્યાંના એક્સપર્ટ ડૉક્ટર્સે ફાઇનલ વર્ડિક્ટ આપી દીધું : તમે મેડિકલ એઇડથી પિતા તો બની શકશો, પણ શરીરસુખ નહીં માણી શકો...
તરત તો આદર્શ પત્નીની જેમ કામિનીએ દિવાકરને સાચવી લીધો. ઇન્ડિયા પરત થયાં ત્યારે મિત્રો-સ્નેહીઓએ તો એવી જ મજાક કરી કે સ્વિટ્ઝરલૅન્ડથી તમે ધરાયાં ખરાં!
અહીં કોઈને વિદેશમાં શું બન્યાની ગંધ નહોતી, ઇન્શ્યૉરન્સ ક્લેમ કર્યો નહોતો એટલે વીમાકંપનીના રેકૉર્ડ પર પણ કશું નથી.
પણ બેડરૂમમાં હું તો જાણુંને! ક્યાં એક સમયનો પૂર્ણ પુરુષ જે રાતે મટકુંય મારવા ન દેતો ને ક્યાં હવેનો કાપુરુષ!
એટલે પછી...
‘મૅડમ...’ તીણી ચીસે કામિનીને ઝબકાવી દીધી.
દરવાજે નૈના હતી : મૅડમ, લો, ફાર્મહાઉસથી ચોકીદારનો ફોન છે. કહે છે તેણે સાહેબનું ભૂત જોયું!
હેં!
‘બહાદુર, શું બકવાસ કરે છે?’ તે કૉર્ડલેસ પર વૉચમૅનને ખખડાવવાના મૂડમાં હતી, પણ...
‘બકવાસ નથી, મૅડમ... થોડી વાર પહેલાં જ મેં સાહેબને જોયા, પૂલ પાસે. રડતા હતા...’ ચોકીદારનો અવાજ ધ્રૂજતો હતો, ‘મારે અહીં નથી રહેવું.’
કહી બહાદુરે ફોન કાપી નાખ્યો.
lll
બહાદુરે ફોન મૂક્યો, પછી ડોક ફેરવી પીઠ પાછળની પૂલ-સાઇડ પર નજર ફેરવી : ના, ત્યાં કોઈ નથી...
તેણે વળી પોતાની સામે બેઠેલા ખાખી વરદીવાળાને જોયો : તો પછી પોલીસબાબુએ આવો ફોન કેમ કરાવ્યો?
‘એ તને નહીં સમજાય...’ પોલીસના વેશમાં કેતુના ટીમ-મેમ્બરે પાંચસોની દસ નોટ ધરી, ‘હવે અઠવાડિયા સુધી ડ્યુટી પર આવતો નહીં. ચલ ભાગ!’
અને ચોકીદાર એવી રીતે ભાગ્યો જાણે ખરેખર ભૂત જોયું હોય!
(આવતી કાલે સમાપ્ત)


