યાદ રાખવું જોઈએ કે અભિપ્રાય એ મત છે, ન્યાય કે ચુકાદો નહીં કે એનું પાલન દરેક કરવું પડે, દરેકે એ માનવું પડે. તમારો મત છે, તમે એ મતને માન આપો અને સામેવાળા પાસે પોતાનો મત છે, એ મતને તે ન્યાય આપે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
સહિષ્ણુતા. હવે એની તાતી જરૂર છે. લોકોમાં અસહિષ્ણુતા હદ બહાર વધી ગઈ છે. નાની-નાની અને જરૂરી ન હોય એવી વાતોમાં તે પ્રત્યાઘાત આપે છે અને એ પ્રત્યાઘાત વચ્ચે અમાનુષી વર્તન અને વ્યવહાર ચરમસીમાએ પહોંચે છે. હવે હદ થઈ છે. સ્વભાવમાં આવેલું આ પરિવર્તન ઘાતક બનતું જાય છે. અગાઉ અનેક વખત કહ્યું છે કે આપણે આંખો બંધ કરીને અહિંસાનું પાલન ન કરવું જોઈએ, પણ સાથોસાથ આજે કહેવાનું કે આંખો બંધ રાખીને ગાડરિયા પ્રવાહમાં હિંસા અને નરાધમતાના રસ્તે પણ નથી ચાલવાનું.
હવે દરેકને પોતાનો અભિપ્રાય આપવો છે અને એ આપવા માટે ક્ષણની પણ રાહ નથી જોવી. જો તેનો અભિપ્રાય સાંભળવામાં નથી આવતો તો રીઍક્ટ કરવાના બીજા રસ્તાઓ શોધવામાં આવે છે, પણ યાદ રાખવું જોઈએ કે અભિપ્રાય એ મત છે, ન્યાય કે ચુકાદો નહીં કે એનું પાલન દરેક કરવું પડે, દરેકે એ માનવું પડે. તમારો મત છે, તમે એ મતને માન આપો અને સામેવાળા પાસે પોતાનો મત છે, એ મતને તે ન્યાય આપે. બસ, વાત આટલી જ હોવી જોઈએ, રહેવી જોઈએ; પણ ના, સહિષ્ણુતાના અભાવે વાત આગળ વધે છે અને છેક હિંસા સુધી પહોંચે છે. તમે જુઓ, છેલ્લા થોડા સમયમાં અમુક કિસ્સાઓ એવા-એવા બન્યા છે જેનાથી દુનિયાને કોઈ ફરક ન પડતો હોય અને એ પછી પણ માણસ છેક છેલ્લી પાયરીએ જઈને બેસી ગયો હોય.
ADVERTISEMENT
સૌરાષ્ટ્રની એક ધાર્મિક સંસ્થામાં કોઈ મૅનેજિંગ ટ્રસ્ટી નથી, બધા જ ટ્રસ્ટી છે. પણ એક કલાકાર દ્વારા કોઈ એકને મૅનેજિંગ ટ્રસ્ટી ગણાવી દેવામાં આવ્યો તો પણ વિવાદ થઈ ગયો અને ક્રિસમસના દિવસે એક મૉલની શૉપની બહાર સૅન્ટા ક્લૉઝનું કટ-આઉટ રાખવામાં આવ્યું તો એમાં પણ વિવાદ થયો. વિવાદ પણ કેવો, વાત છેક તોડફોડ અને મારામારી સુધી પહોંચી ગઈ. આવું થવાનું કારણ શું? આવી ઘટનાઓ એકધારી પુનરાવર્તિત થવા પાછળનું કારણ શું?
અભિવ્યક્તિ માટે ઊભી થયેલી અનેક તકનો દુરુપયોગ. પ્રજાને વિચાર વ્યક્ત કરવાની તક મળવી જ જોઈએ પણ એ વિચારો જો ખોટા હોય તો એ અભિવ્યક્તિને પ્રાધાન્ય ન મળવું જોઈએ, પણ એ માટે સારા-નરસા અને સાચા-ખોટાનો ભેદભાવ પણ ખબર હોવી જોઈએ. અયોગ્ય વ્યક્તિના ગેરવાજબી વિચારોને પ્રાધન્ય ન આપવું જોઈએ અને જીઝસના આ નવા વર્ષથી એ જ કરવું જોઈએ જેથી દેશમાં સહિષ્ણુતા જોવા મળે. વૈમસ્યનું વાતાવરણ દૂર થાય અને સમાજવ્યવસ્થાને અકબંધ રાખવાનો દાવો કરતાં અસામાજિક તત્ત્વોનું જોર ઘટે.


