Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મુખવટો – સાધુ કે શૈતાન? (પ્રકરણ ૪)

મુખવટો – સાધુ કે શૈતાન? (પ્રકરણ ૪)

Published : 12 March, 2026 12:06 PM | IST | Mumbai
Samit (Purvesh) Shroff

કંપનીની કૉર્પોરેટ ઑફિસમાં રાબેતા મુજબ વિશાળ કૉન્ફરન્સ હૉલમાં ઉજવણીનો માહોલ છવાયો છે. રંગબેરંગી પતાકા લહેરાય છે. લતા મંગેશકર, ઇન્દિરા ગાંધી, સુનીતા વિલિયમ્સ જેવાં નારી રત્નોની છબી દીવાલે શોભે છે

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


મરીન લાઇન્સની ઇન્કમ ટૅક્સની મુખ્ય ઑફિસ આયકર ભવન આગળ ટૅક્સીમાંથી ઊતરી વિલિયમે આમતેમ જોયું.

અહીં પોતાને ઑફિસનું કામ તો હતું જ, એ પહેલાં બીજું કામ પતાવવાનું છે, બ્લૅકમેલરનું કામ! 



વર્ષોથી કંપની સાથે જોડાયેલા વિલિયમે આનંદની ચડતી જોઈ હતી. આનંદ જેવા કુશાગ્ર અને વિઝનરી બૉસની અપેક્ષામાં PA તરીકે ખરા ઊતરવું ચૅલેન્જિંગ હતું. વિલિયમે પોતાની કાબેલિયત પુરવાર કરી


હતી અને બદલામાં આનંદે ઇન્સેન્ટિવ્સ આપવામાં કદી કંજૂસાઈ નહોતી દાખવી.  

એ હિસાબે મારે બ્લૅકમેલરને ઇનકાર જ કરવાનો હોય. પણ વર્ષો જૂના લફરાનો ભેદ પત્ની સમક્ષ ખૂલે તો સંસાર પડી ભાંગવાનો. ક્યાંક લિલી જ આ બધા પાછળ હોય કે તેણે અજાણતાં કોઈને અમારા અફેરનો કોઈ પુરાવો આપી દીધો હોય તો મારો નકાર બૂમરૅન્ગ જેવો પુરવાર થાય.


એના કરતાં ફોન કરનારને જોઈતું આપવામાં સમજદારી છે. તરત તો પોતે થોડા દિવસની મુદત માગી લીધી. બાકી આનંદનો પાસપોર્ટ હાથવગો કરવો એટલું મુશ્કેલ નહોતું. બિઝનેસના કામે તેમણે ગમે ત્યારે ફ્લાઇટ પકડવાની થતી હોય એટલે સર તેમનો પાસપોર્ટ ઑફિસના તેમના ટેબલના ડ્રૉઅરમાં જ રાખે છે જેનો કોડ મને માલૂમ છે. આમેય સર હમણાં ગોવા જવાના છે એટલે પાસપોર્ટની જરૂર નહીં પડે.

અત્યારે, આજુબાજુ જોતાં વિલિયમની કીકી ચમકી : ગઈ કાલે ફરી ફોન કરનારે પાકું કરેલું એમ આયકર ભવનના ગેટને સમાંતર ફુટપાથ પર પીળી ડસ્ટબિન છે. તેણે કહેલું, બપોરે બે અને અઢીની વચ્ચે આમાં પાસપોર્ટવાળું એન્વેલપ નાખી જજો!

ઉતાવળી ચાલે એટલું કામ પતાવી વિલિયમે પીઠ ફેરવી ચાલવા માંડ્યું. ફોન કરનારે તાકીદ કરી હતી – ડસ્ટબિનમાં ડિલિવરી કર્યા પછી એ દિશામાં જોયું તો ખબરદાર... 

એ ધમકી સાંભરી કાંપી જતાં વિલિયમથી ગરદન અજાણતાં જ ઘૂમી ગઈ અને ડસ્ટબિનમાંથી પાસપોર્ટનું એન્વેલપ કાઢનારી વ્યક્તિનો ચહેરો જોઈ ચકરાઈ જવા જેવું થયું : આ તો આ..નંદ સર પોતે!

પોતાનો જ પાસપોર્ટ ચોરાવીને આ રીતે હાથ કરવાનો શું મતલબ!

દિમાગના ઘોડા દોડાવીને તે થાકી ગયો, પણ આનો કોઈ જવાબ મળ્યો નહીં!

lll

ગોવા!

મંગળવારની રાતે પણજીની હોટેલમાં ઊતરી તેણે સામાનમાંથી પાસપોર્ટ કાઢ્યો ને બીજી હથેળીમાં એને થપથપાવતાં તેના ચહેરા પર સ્મિત પ્રસરી ગયું.

lll

બુધવારની રાત્રે અગિયારનો સુમાર.

બ્લેઝરનું બટન ભીડતો તે છટાભેર સેવન સ્ટાર હોટેલના ગેટમાંથી નીકળી હોટેલની ટૅક્સીમાં ગોઠવાઈ ગયો: ગોલ્ડન કસીનો લે લો!

વીસ મિનિટ પછી ટૅક્સી નૉર્થ ગોવાના જાણીતા કસીનો આગળ ઊભી રહી.

આમ તો ટૅક્સીનું બિલ હોટેલના બિલમાં ઍડ કરવાની સગવડ હતી પણ તેણે ગજવામાંથી પાંચસોની ચાર નોટ કાઢી : કીપ ધ ચેન્જ!

પછી દરવાજો ખોલતાં પૂછ્યું: વેઇટ કરોગે? તીન ચાર ઘંટા... યા જીતતા ગયા તો સુબહ તક!

મોંઘી હોટેલમાં રોકાયેલા ઉતારુ છુટ્ટા હાથે પૈસા વેરતા હોય પછી વેઇટ કરવામાં ટૅક્સીવાળાને શું વાંધો હોય?

જોકે દોઢ જ કલાકમાં તે ધૂઆંપૂઆં થતો બહાર આવ્યો: વાપસ ચલો!

રિટર્ન સવારીમાં તે અંગ્રેજીમાં ગાળો બોલતો કસીનોવાળાને ભાંડતો રહ્યો એમાં ડ્રાઇવર બાબુને એટલું સમજાયું કે કસીનોની બેત્રણ ગેમમાં તે લાખ રૂપિયા હારી ગયો, પાસપોર્ટ મૂકી ત્રણ લાખની ઉધારી લીધી એય હારી ગયો... એટલે કસીનોવાળાએ પાસપોર્ટ જપ્ત કરી લીધો!

‘કરવા દો તેમને જે કરવું હોય એ. કોઈનો પાસપોર્ટ રાખવો ગેરકાયદે છે. આઇ વિલ કૉલ ધ કમિશનર..’

(એક તો ચોરી, ઉપરથી સીનાજોરી! તું ઉધારી લે તો કસીનોવાળા કંઈક ગૅરન્ટી તો માગેને? આમાં કમિશનર શું કરવાનો?)

અને હોટેલ પર ઊતરી તેણે ધાર્યા મુજબ જ કહ્યું : તારા પૈસા હોટેલના બિલમાં ચુકવાઈ જશે. ડોન્ટ વરી!

મનમાં જ ગાળ દઈ બાબુ તેને ઘૂરતો રહ્યો : બિલમાં ટિપ ઓછી આવવાની? આવો કંજૂસ ક્યાં માથે પડ્યો?

lll

‘યસ, આરોહી, લીવિંગ... યા, મીટિંગ ફ્રૂટફુલ રહી. મોસ્ટ્લી મારે નેક્સ્ટ વીક ઍટ્લાન્ટા જવાનું થશે.’

ગુરુવારની બપોરે ઍરપોર્ટ જવા આનંદ પોર્ચમાં આવી આરોહી સાથે વાત કરે છે કે આલીશાન ગાડી આવીને ઊભી રહી.

ઓત્તારી! હોટેલના ટૅક્સી-સ્ટૅન્ડ પર ઊભેલા બાબુની કીકી ચમકી : ગઈ કાલે હોટેલની મામૂલી ટૅક્સીમાં જનારો આજે મોંઘી રોલ્સરૉયસ ભાડે મગાવે છે! 

ઉતાવળે આનંદ તરફ દોડી તેણે સલામ ઠોકી લાલચુ સ્મિત ફરમાવ્યું : સાહેબ, કાલે જે થયું એ, અત્યારે જો ટિપ આપી દો તો... 

બ્રૅન્ડેડ ગૉગલ્સના ભૂરા કાચ પાછળની આંખોમાં ઊપસતો ભાવ તો બાબુને કળાયો નહીં, પણ આનંદે ગજવામાંથી બે હજારની કૅશ કાઢી થમાવી અને કારમાં ગોઠવાઈ ગયો.

ના, શેઠ એટલો પણ કંજૂસ નહોતો! બાબુએ સ્મિત વેરી ટિપ ગજવામાં સરકાવી દીધી!

lll   

‘આ શું કરે છે!’

કજરીના સ્વરમાં કામક્રીડામાં વિક્ષેપની અકળામણ ટપકી. શનિવારની રાતે હોટેલ રૂમમાં શૈયાસુખમાં અધવચાળ અળગો થઈ આનંદ પૅન્ટના ગજવામાં શું ફંફોળે છે?

તેણે કાચની નાનકડી શીશી કાઢતાં કજરી હસી: તને માંડ-માંડ હું ઝેલું છુ આનંદ, એમાં પાછું તારે જપાની તેલનો ઉપયોગ કરવો છે! નિર્દય.

‘આ તેલ નથી...’ તેના હોઠ વંકાયા. શીશીનું ઢાંકણ ખોલી તે કજરીની કમર આગળ ઝૂક્યો...

બીજી મિનિટે કજરી કાળી ચીસો નાખતી હતી ને તે અંધારામાં કાળા ચોરની જેમ હોટેલ બહાર સરકી ગયો!

lll

શનિવારની એ રાતે આનંદ ઘરે પ્રવેશ્યો ત્યારે ઘડિયાળમાં ચાર વાગ્યા હતા.

lll

સોમવારની સવારે ધડાકો થયો. અમેરિકાની ટિકિટ કરાવવા માટે આનંદે પાસપોર્ટ કાઢવા ડ્રૉઅર ખોલ્યું ને તે ચોંકી ગયો:

‘વૉટ ધ હેલ! મારો પાસપોર્ટ ક્યાં જાય?’

આનંદ જે રીતે ખાનાં ફંફોસતો હતો એ જોઈ વિલિયમને દાંત કાઢવાનું મન થતું હતું : સર કેવો આબાદ અભિનય કરી જાણે છે! કોણ કહે કે તેમણે જ મને બ્લૅકમેલ કરી પોતાનો જ પાસપોર્ટ ચોરાવ્યો છે?

પાસપોર્ટ ઘરે પણ નથી એની ખાતરી કરી આનંદે છેવટે પોલીસમાં પાસપોર્ટ ગુમ થયાની ફરિયાદ નોંધાવી આકારને કહ્યું : નવો પાસપોર્ટ આવે ત્યાં સુધી ઍર ટૅક્સીના પ્રોજેક્ટની ડીલ લટકતી રહેવાની...

આહા!

હવે વિલિયમને ગડ બેઠી : આનંદનો મુખવટો ઊતરી ગયો! તે આમ ભલે આકારને પુત્રવત ગણે, હકીકતમાં તો શેઠનો દીકરો વેપારમાં આગળ વધે એ જમાઈને ગમતું નહીં હોય એટલે તો આકારના ડ્રીમ પ્રોજેક્ટને ઘોંચમાં નાખવા પાસપોર્ટ ગુમાવવાની કેવી આબાદ ચાલ રમ્યા આનંદસાહેબ!

lll

અને પછીના શનિવારે...

‘મહિલા દિનની સૌને વધાઈ!’

કંપનીની કૉર્પોરેટ ઑફિસમાં રાબેતા મુજબ વિશાળ કૉન્ફરન્સ હૉલમાં ઉજવણીનો માહોલ છવાયો છે. રંગબેરંગી પતાકા લહેરાય છે. લતા મંગેશકર, ઇન્દિરા ગાંધી, સુનીતા વિલિયમ્સ જેવાં નારી રત્નોની છબી દીવાલે શોભે છે. સામે વૉલ સાઇઝની LED સ્ક્રીન તરફ નાનકડું સ્ટેજ છે. ત્યાં આનંદ, આરોહીદીદી અને મીતા શેઠાણી બિરાજ્યાં છે. અદ્વિતીય ડાહ્યો થઈ સ્ટેજની સામી હરોળમાં સ્ટાફ ભેગો ગોઠવાયો છે. એક બાજુ કૉફી-સ્નૅક્સના કાઉન્ટર છે. આરોહીદીદી મને મળી કેવાં ખુશ હતાં : મારી પાસે તારા માટે એક ખુશ ખબર છે. પણ હમણાં નહીં કહું!

અને મારી પાસે તમારા જીવનના કદાચ સૌથી આઘાતજનક ખબર છે, એ કેમ કહેવા એ મને હજીયે સૂઝતું નથી!

થોડે દૂર ઊભી અવનિએ નિશ્વાસ ખાળ્યો. આનંદને જોતી ને ભીતર અણગમો ઘૂંટાતો. આકુ તેના બનેવીલાલને વખાણે ત્યારે હોઠને સજ્જડપણે ભીંસી રાખવા પડતા. અવનિને સમજ હતી કે આનંદ વિરુદ્ધ બોલી હું આકારના હૈયે ન રહી શકું!

તો શું એક સ્ત્રીને તેના પતિથી છેતરાતી જોઈ રહું? અત્યારે અમને સંબોધતી વેળા સ્ત્રી સશક્તીકરણની મોટી-મોટી વાતો કરતો આનંદ થૂંક ઉડાડતો લાગે છે. તેના પડખે બેઠેલી સ્ત્રીને અણસાર પણ નથી કે તેનો વર તક મળ્યે પરસ્ત્રીનું પડખું સેવી લે છે! દીદીથી પતિનું લફરું છાનું રાખી હું સ્ત્રીમાત્રની ગુનેગાર તો નથી ઠરતીને!

અવનિ માટે સંતાપ અસહ્ય બની ગયો.

‘કેમ આમ અલગ અતડી ઊભી છે!’ કૉફીની ચૂસકી લેતો આકાર બાજુમાં આવી ઊભો રહ્યો.

કારણ કે હું તમારી આદર્શ મૂર્તિને ધ્વસ્ત કરવાનો દારૂગોળો સંઘરીને બેઠી છું!

હોઠે આવેલા શબ્દો ગળી જવા અવનિ જોર વાપરે છે ત્યારે...

‘એક્સ્ક્યુઝ મી!’

કૉન્ફરન્સ હૉલના કાચના બારણે સ્ટિક ઠોકી ઇન્સ્પેક્ટરે પોતાની હાજરી નોંધાવી. સાથે લાકડી ઠોકતો હવાલદાર પણ હતો.

પોતાનું વક્તવ્ય પૂરું કરી પોડિયમથી ખુરસી તરફ જતો આનંદ અટક્યો, ‘યસ?’

બધાની નજર પોતાના પર છે એની નોંધ લેતાં ઇન્સ્પેક્ટરે સ્ટેજ તરફ કદમ ઉપાડ્યાં, પછી અચાનક યાદ આવ્યું હોય એમ આકાર-અવનિ પાસે અટકી ગજવામાંથી પેનડ્રાઇવ કાઢી, ‘પ્લીઝ, આ જરા પેલા ટીવી પર ચાલુ કરાવો.’

આનંદને જોઈ આકારે અવનિને ઇશારો કર્યો એટલે તે પેનડ્રાઇવ લઈ સ્ક્રીન તરફ ગઈ.

‘વાત શું છે, ઇન્સ્પેક્ટર?’ 

‘વેલ, હું ઇન્સ્પેક્ટર મિત્તલ, આ હવાલદાર મોહનસિંહ. અમુક બાબતના ખુલાસા માટે આપને મળવું હતું. આમ તો તમને થાણે તેડાવત, પણ આપનો સમય મારા પગારની સરખામણીએ ઘણો કીમતી ગણાય એટલે હું સામેથી આવી ગયો.’

મિત્તલની લઢણમાં ઇન્સ્પેક્ટર-હવાલદારની જોડીમાં કશુંક અગમ્ય તત્ત્વ લાગ્યું આનંદને.

‘ધન્યવાદ સાહેબ, ચાલો આપણે મારી કૅબિનમાં...’

જવાબમાં તેણે કટુ સ્મિત સાથે ડોક ધુણાવી, ‘કેમ, સ્ટાફની વચ્ચે તમારાં કપડાં ઊતરી જશે એનો ભય લાગે છે?’

‘ઓ ભાઈ...’ આકારે દમામ દાખવ્યો, ‘તમે પોલીસ છો એટલે તમને સજ્જન માણસનું અપમાન કરવાનો અધિકાર નથી મળી જતો.’

‘અફકોર્સ! કોણ કેટલું સજ્જન છે એનો ખુલાસો હમણાં થઈ જવાનો.’ કહેતાં તેણે જોયું તો સ્ક્રીન પર પેનડ્રાઇવ ખૂલી ચૂકી હતી.

‘ગોવા લખ્યું છે એના પર ક્લિક કરો.’ કહી તેણે આનંદ તરફ નજર કરી, ‘તમે પાસપોર્ટ ખોવાયાની અરજી કરી છેને?’

પાસપોર્ટ! અદ્વિતીયની બાજુમાં બેઠેલો વિલિયમ ચમક્યો. ક્યાંક અહીં સાળાનો પ્રોજેક્ટ ખાડે નાખવાની સરની રમતનો ભેદ ખૂલી તો નથી રહ્યોને!

‘તમારી ફરિયાદ ખોટી હતી, મિસ્ટર આનંદ!’ ઇન્સ્પેક્ટરે દમામ દાખવ્યો, ‘ખરેખર તો ગોવામાં તમારો પાસપોર્ટ કસીનોવાળાએ જપ્ત કર્યો છે, કારણ કે તમે જુગારમાં હારેલા રૂપિયા આપી ન શક્યા.’

જુ..ગા..ર! વીજળી જેવી પડી.

‘ઇન્સ્પેક્ટર, તમારી ભૂલ થાય છે.’ આકાર બોલી ઉઠયો, ‘અવ્વલ તો બનેવીલાલ જુગાર રમે નહીં અને ધારો કે રમે પણ તોય ધારે તો આખો કસીનો ખરીદી શકનારો આદમી જુગારના દાવના પૈસા ન ચૂકવી શકે એ તો મનાય એમ નથી.’

‘બેન, ફોલ્ડરના વિડિયો ચાલુ કરો તો.’

અને ફાઇલ ઓપન કરતાં અવનિનો હાથ ધ્રૂજી ગયો.

રાત્રિ વેળા આનંદનું હોટેલમાંથી નીકળી ટૅક્સીમાં રવાના થવું, કસીનોમાં બાજી ગુમાવવી અને એ જ ટૅક્સીમાં રિટર્ન થઈ પાંચમા માળે લિફ્ટમાંથી નીકળી તેના રૂમના વળાંક સુધીનાં CCTVનાં દૃશ્યો જોઈ બીજા તો ડઘાયા જ, આનંદે નવાઈ દર્શાવી: ગોવામાં મેં આ ક્યારે કર્યું! પછી ઝબકારો થતો હોય એમ ડોક ધુણાવી: ઓહ, પેલો ટૅક્સી-ડ્રાઇવર શાની ટિપ માગતો હતો એ હવે સમજાયું!

‘થૅન્ક્સ. તમે તમારો પાસપોર્ટ ગુમ થયાનું કહો છો એ કસીનોવાળાએ તમારી પાસેથી જ જપ્ત કર્યો હોવાનું કબૂલ્યું છે.’

‘હે જીઝસ. તમારે સાળાનો પ્રોજેક્ટ ડિલે કરવા પાસપોર્ટ જપ્ત જ કરાવવો હતો તો મારી પાસે ચોરાવ્યો શું કામ? તમારી જુગારી વૃત્તિને ઢાંકવા જને!’  વિલિયમના બયાને સૌ ચમકી ગયા. અલબત્ત, બ્લૅકમેલિંગનું મૂળ - લિલી સાથેનું

અફેર - તેણે ઉજાગર કર્યું નહીં, નૅચરલી.

‘તમારા સાહેબનાં અપલક્ષણ જુગાર અને બ્લૅકમેલ પૂરતાં જ મર્યાદિત નથી...’ જરાય આવેશ વિના બોલતા ઇન્સ્પેક્ટરે દાઢી પસવારી.

અને વ્યભિચારના અપલક્ષણના અનુમાને અવનિનું હૈયું ધડકી ગયું: આખરે આનંદનો મુખવટો બધા આગળ ઉતરડાઈ જવાનો!

(ક્રમશઃ)

Whatsapp-channel Whatsapp-channel

12 March, 2026 12:06 PM IST | Mumbai | Samit (Purvesh) Shroff

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK