ઇન્ટરનૅશનલ એનર્જી એજન્સીએ વૈશ્વિક એનર્જી માર્કેટને સ્થિર કરવા માટે ઉઠાવ્યું અભૂતપૂર્વ પગલું
પ્રતીકાત્મક તસવીર
પશ્ચિમ એશિયામાં ઘેરાયેલા ભૂ-રાજનીતિક તનાવ વચ્ચે ઇન્ટરનૅશનલ એનર્જી એજન્સી (IEA)એ વૈશ્વિક ઊર્જા કટોકટીને પહોંચી વળવા માટે મોટો નિર્ણય લીધો છે. તેલનો પુરવઠો અવરોધાશે એવી આશંકાઓને ધ્યાનમાં રાખીને IEAના ૩૨ સભ્યદેશોએ સર્વાનુમતિથી પોતાના ઇમર્જન્સી ભંડારમાંથી ૪૦ કરોડ બૅરલ ઑઇલ રિલીઝ કરવાનું નક્કી કર્યું છે.
આ ઐતિકહાસિક નિર્ણય છે જે IEAના ઇતિહાસમાં અત્યાર સુધીમાં પહેલી વાર લેવાયો છે. આ પહેલાં ૨૦૨૨માં જ્યારે રશિયાએ યુક્રેન પર પૂરી તાકાતથી આક્રમણ શરૂ કરી દીધેલું ત્યારે એજન્સીના સદસ્ય દેશોએ બજારમાં ૧૮.૨ કરોડ બૅરલ તેલ ઉતાર્યું હતું. હાલમાં નક્કી કરાયેલો ઑઇલ-રિલીઝનો આંકડો પાછલા રેકૉર્ડ કરતાં બમણાથીયે વધુ છે. IEAના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ફાતિહ બિરોલે કહ્યું હતું કે ‘ઑઇલ માર્કેટ હાલમાં જે પડકારોનો સામનો કરી રહ્યું છે એ અભૂતપૂર્વ સ્તરનો પડકાર છે. મને આનંદ છે કે IEAના સભ્યદેશો આટલા મોટા પાયે સામૂહિક ધોરણે ઇમર્જન્સી કાર્યવાહી કરી રહ્યા છે.’
ADVERTISEMENT
પૅરિસમાં આવેલી IEA સંસ્થા વૈશ્વિક આપૂર્તિ સંકટ દરમ્યાન સદસ્ય દેશોની વચ્ચે ઇમર્જન્સી ઑઇલ સ્ટૉક રિલીઝ કરીને સંતુલન જાળવવાનો પ્રયત્ન કરે છે. નિયમો અનુસાર અચાનક આવનારા પુરવઠાના અવરોધોથી બચવા માટે સદસ્ય દેશો તેમના શુદ્ધ તેલ આયાતમાંથી કમસે કમ ૯૦ દિવસ ચાલે એટલો ઇમર્જન્સી તેલ ભંડાર જાળવી રાખે છે, જે કટોકટીના સમયમાં કામ લાગે છે.
ભારતને એનાથી શું ફાયદો થશે?
વિશ્વના ત્રીજા નંબરના સૌથી મોટા ઑઇલ ઇમ્પોર્ટર તરીકે ભારત પોતાની ઘરેલુ ઊર્જા-ડિમાન્ડને પૂરી કરવા માટે કાચા તેલની આયાત પર નિર્ભર છે. ભારત IEAનું સહયોગી સભ્ય છે. વૈશ્વિક પુરવઠામાં આવનારા અચાનક અવરોધમાં બફર મળી રહે એ માટે ભારતે વિશાખાપટ્ટનમ, મૅન્ગલોર અને પાડુરમાં પોતાના ભૂમિગત સ્ટ્રૅટેજિક પેટ્રોલિયમ ભંડારની સુવિધા સ્થાપિત કરી છે.
