નંદનનો નશો ઊતરી ગયો. અંતરીક્ષને ફોન કર્યો, પણ લાગ્યો નહીં. સિક્યૉરિટીને કૉલ કરવો હતો, પણ બિરજુએ કરવા ન દીધો : તુમ્હારા વૉચમૅન ખુદ વુમન જૈસા હે, વો ક્યા કર લેગા? ચલો, મૈં આતા હૂં...
ઇલસ્ટ્રેશન
મધરાતે ગરમીને કારણે કદાચ નંદનની આંખ ઊઘડી ગઈ. સામા પલંગ પર બિરજુને ન ભાળીને બબડ્યો : બાથરૂમ ગયો લાગે છે... રાતે ઊંઘ બગાડે એના કરતાં પીવાનું ઓછું કરતો હો તો.
ત્યાં મુખ્ય દરવાજાના ખખડાટે ચમકવા જેવું થયું : બારણે તો મેં આગળો દીધો હતો... એ કેમ ખુલ્લું છે? બાથરૂમના દરવાજે બહારથી આગળો છે એ જોઈને તે પથારીમાં બેઠો થઈ ગયો : બિરજુ કૉટેજમાં નથી?
ADVERTISEMENT
અડધી રાતે તે ક્યાં ગયો હશે એના અનુમાને નંદનનાં જડબાં તંગ થયાં. ૪ દિવસ અગાઉની બીના સાંભરી ગઈ.
ટેરેસ પર અમે બેએ દારૂની મહેફિલ જમાવી હતી ત્યાં મધરાતના સન્નાટામાં વૅલી ક્રૉસિંગના રોપ પર કોઈ સરકતું હોય એવો અવાજ સાફ સંભળાયો.
ટેરેસ પરથી કંઈ નજર પડે એમ નહોતું, પણ મધરાતે વૅલી ક્રૉસ કરીને આવનારો ચોર કે ત્રાસવાદી જ હોય.
નંદનનો નશો ઊતરી ગયો. અંતરીક્ષને ફોન કર્યો, પણ લાગ્યો નહીં. સિક્યૉરિટીને કૉલ કરવો હતો, પણ બિરજુએ કરવા ન દીધો : તુમ્હારા વૉચમૅન ખુદ વુમન જૈસા હે, વો ક્યા કર લેગા? ચલો, મૈં આતા હૂં...
ક્રિકેટના બૅટને હથિયાર તરીકે સાથે રાખીને વૅલીની નજીક પહોંચ્યા તો...
આ તો સર-મૅડમ!
સામી વૅલીથી પરત થતાં અંતરીક્ષ-અરુંધતીને જોઈને નંદન બઘવાયેલો. બન્ને કેવાં મદહોશ લાગ્યાં!
‘તેરી માલકિન કો દેખ... તેરે માલિક કા શર્ટ પહના હૈ સિર્ફ...’
હંમેશાં સાડીની સજાવટમાં ગરવાઈપૂર્ણ લાગતાં મૅડમનો પરિવેશ નંદનને નવાઈરૂપ લાગ્યો; પણ ગમે તેમ તોય આ પતિ-પત્નીની અંગત પળો હતી, એના પર ત્રીજા કોઈની નજર પણ શું કામ પડે?
‘દોનોં કી હાલત દેખકે લગતા હૈ કિ અભી અંદર રંગીન મૂવી શુરૂ હોને વાલી હે...’ બિરજુના શ્વાસોમાં ગરમી ભળવા લાગી, ‘હો સકતા હૈ પહલા રાઉન્ડ સામને ખુલે મેં હી નિપટા દિયા હો! ચલ, ઉસ ખિડકી સે દેખતે હૈં...’
‘પાગલ હૈ ક્યા!’ નંદન ભડકી ગયેલો, પરાણે બિરજુને કૉટેજમાં ખેંચી ગયેલો.
પણ લાગે છે કે તે આજે ત્યાં જ ગયો હોવો જોઈએ. વહેશી. બિહારનો જાણીને તેને સાથે રાખ્યો એ પણ ભૂલ થઈ. સર તો વાસંતીવાળા કિસ્સા પછી તેને હાંકવાના જ મતના હતા. ત્યારે મેં સર સમક્ષ તેની ગૅરન્ટી લીધી. હવે એ ભારે ન પડે તો સારું.
શર્ટ ચડાવીને નંદન વૅલી તરફ ભાગ્યો.
lll
‘ન છેડો કલ કે અફસાને... કરો ઇસ રાત કી બાતેં...’
રાબેતા મુજબ વૅલી ક્રૉસ કરીને તે લતાનું ગીત ગણગણતી ઉપરના ઢોળાવ તરફ જઈ રહી છે, પાછળ દોરાતો અંતરીક્ષ દોડીને તેની આગળ જવાનું વિચારે છે કે...
‘મૈં આ ગયા ગુલબદન!’
વળાંકેથી અચાનક તે સામે
આવી ગયો.
તે સહેજ સહેમી, ‘બિ...ર...જુ, તું!’
પાછળ ઊભો અંતરીક્ષ ચમક્યો : આરઝૂ મને અંતરીક્ષ તરીકે નથી જાણતી. તે બિરજુને ઓળખે છે?
પણ આ સવાલ-જવાબનો
સમય નથી.
‘ક્યા હે બિરજુ!’ પત્નીને પાછળ કરીને અંતરીક્ષે અવાજ કાઢ્યો, ‘અત્યારે અહીં શું કરે છે?’
‘એય મૅનેજર! આ તારો રિસૉર્ટ નથી...’ બિરજુએ ગજવામાંથી
ફોલ્ડેડ ચાકુ કાઢીને કળ દબાવતાં ધાર ચમકી, ઊઠી,
‘પેલે દહાડે રોજ પર આવતી વાસંતી સાથેના રંગમાં ભંગ પાડીને મને કાઢી મૂકવાની ધમકી આપેલી. આજે તારી નજર સામે તારી બૈરી સાથે રંગરેલી મનાવું છું, થાય એ કરી લે.’
‘નો!’ તે ચીખી ઊઠી. અંતરીક્ષે તેનો પહોંચો દબાવ્યો. બિરજુને ત્યારે જ હાંકી કાઢવાનો હતો. નંદનના ભરોસે મેં ભૂલ કરી.
‘બિરજુ, મારા જીવતાં તો તું અરુને અડીયે નહીં શકે.’
બિરજુ હસ્યો, ‘એમ! તો મરવા તૈયાર થઈ જા. આમેય બિહારમાં મારા નામે એક હત્યા તો નોંધાયેલી જ છે.’
હેં! અંતરીક્ષ ચમકી ગયો : અમારે ત્યાં કૉન્ટ્રૅક્ટરે દરેક કર્મચારીનું પોલીસ-વેરિફિકેશન કરવાનું હોય છે. એમ છતાં બિરજુ જેવા ખુલ્લેઆમ હરતા-ફરતા રહે એ કેવું તંત્ર!
‘સાદિયા નામ હતું તેનું. ખેતરની મજૂરણ. કુંવારી હતી, પણ બહુ ભાવ ખાતી હતી એટલે મોકો મળતાં બપોર વેળા ખેતરના એકાંતમાં જ દબોચી. ચીસ ન પાડે એ માટે મોં પર હાથ ભીંસ્યો. મરદની પકડ. કામ પત્યું ત્યાં સુધીમાં તો બિચારી ખ...ત...મ.’
અંતરીક્ષનું ધ્યાન તેની વાતોમાં નહોતું, તે લાગ શોધતો હતો : બિરજુ જરા જેટલો ગાફેલ બને તો...
‘જોકે ત્યાં સુધીમાં બે-ચાર મજૂરોનું ધ્યાન જતાં હોકારો થવા માંડ્યો ને બંદા એવા ભાગ્યા કે...’
બોલતાં બિરજુની ચીસ સરી ગઈ. અંતરીક્ષે નજર ચૂકવીને, ચાકુવાળા હાથ પર તરાપ મારીને કાંડું મચકોડ્યું હતું.
‘અંત...રીક્ષ!’ તે ચીખી ઊઠી. આરઝૂ મને જાણે છે.
પળ પૂરતો અંતરીક્ષ પૂતળા જેવો થયો એમાં પકડ છોડાવીને બિરજુએ ચાકુનો ઘા કરતાં અંતરીક્ષને હડસેલીને તેણે ઘા ઝીલી લીધો.
ખચાક. ચાકુ પેટમાં ખૂંપ્યું.
‘આ...ર...ઝૂ!’ અંતરીક્ષે તેને થામી.
એ જ વખતે આવી પહોંચેલા નંદને નજીકનો પથ્થર ઉઠાવીને નિશાન
તાક્યું ને...
ધડામ. માથામાં થયેલા ઘાએ બિરજુને ઘડીભર તમ્મર આવી ગયાં ને દોડીને નંદને તેને દબોચી લીધો.
‘નંદન... ગાડી બોલાવ...’ અંતરીક્ષે ચીસ નાખી, પછી પત્નીનો ગાલ થપથપાવ્યો, ‘આરઝૂ... હું તને કંઈ નહીં થવા દઉં.’
અને ઉઘાડબંધ થતી પાંપણે તેના હોઠ વંકાયા, ‘આરઝૂ નહીં, અરુંધતી.... આરઝૂ ક્યારેય હતી જ નહીં મારા અંતરીક્ષ.’
તેણે હોશ ગુમાવ્યા. અંતરીક્ષ પત્નીને નિહાળી રહ્યો.
આરઝૂ ક્યારેય હતી જ નહીં? આનો મતલબ શું?
અરુંધતી આરઝૂનો અભિનય કરતી રહી? સ્પ્લિટ પર્સનાલિટીનો ભરમ ઊપજાવ્યો! શા માટે?
lll
‘આના જવાબનો એક ભાગ મારા ઉછેરમાં છે...’
મહિના પછી અરુંધતી એકદમ સ્વસ્થ છે. સદ્ભાગ્યે ઘા ઊંડો નહોતો એટલે રિકવરી પણ ફાસ્ટ રહી. અઠવાડિયામાં તો તે હરતી-ફરતી થઈ ગયેલી. બિરજુની ધરપકડ થતાં તેનો હવાલો બિહાર પોલીસે લીધો. પછી જે ધુલાઈ થઈ એણે બિરજુને રાગ માણવા કાબેલ નથી રાખ્યો, જેવી જેની કરણી.
અરુંધતીના ખબરે દોડી આવેલાં તેનાં માબાપ-વિદ્યામા આજે જ ગામ જવા રવાના થયાં અને રાતના એકાંતમાં અંતરીક્ષ પૂછે એ પહેલાં અરુંધતી નિખાલસપણે કહેતી ગઈ. ચાકુ લાગતાં પોતે નહીં બચે એવું ધારીને અંતરીક્ષને સત્ય તો કહેલું જ, હવે એની પૂર્વભૂમિકા પણ સમજાવવી રહી.
‘મારાં તપ-વ્રત દંભ હતાં એવું નહીં અંતરીક્ષ; પણ હું સંસ્કારી, અણીશુદ્ધ હોવાનો આડંબર તો જરૂર પોષાતો. મા મને વખાણતી એ ગમતું. કૉલેજમાં માહોલ થોડો બદલાયો. છોકરો છોકરીને કિસ કરે એવી ગૉસિપ મને બહેકાવે એ પહેલાં હું લગામ તાણી દેતી : સંસ્કારી છોકરી આવું થોડું વિચારે. આવામાં મારી સખીએ મને એક ઇરૉટિક મૅગેઝિન આપ્યું...’
અંતરીક્ષને રસ પડ્યો : ઓહ, પછી?
‘સંસ્કારી અરુંધતી પોકારી રહી, પણ મૅગેઝિન ફગાવી ન શકી...’ ઘટના વર્ણવીને અરુંધતીએ ઉમેર્યું, ‘ત્યાર બાદ મને અહેસાસ થયો કે મારી ભીતર, કદાચ ૭ પાતાળ ઊંડે એક અલગ અરુંધતી શ્વસે છે... મૅગેઝિન વાંચનની રાતે જે પ્રગટેલી તે.... બેખોફ, બેમર્યાદ, બેસુમાર વાસનાથી લથબથ.’
તે કહેતી રહી, ‘આ સ્પ્લિટ પર્સનાલિટી નહોતી, દરેક મનને હોય એવું એક આવરણ હતું અને એ મારે આપણા દામ્પત્યમાં પણ જાળવવું હતું. ધૅટ અરુંધતીના બહાર આવતાં હું તમારી નજરમાં મારું માન ગુમાવી બેસીશ એના ડરે હું જાતને એટલી સંકોરી રાખતી કે આપણું સહશયન તમારા માટે મડદા સાથેના શયન જેવું જ બની રહેતું...’
નવી જ અરુંધતી ઊઘડતી હોય એમ અંતરીક્ષ પત્નીને નિહાળી રહ્યો.
‘તમે ક્યારેય આની ફરિયાદ ન કરી...’ અરુંધતીનો ગર્વ ઊઘડ્યો, ‘અરે, પત્નીમાં કામ ઓછો છે એવું માનીને તમે તો એ કર્યું અંતરીક્ષ જે બીજા કોઈ પુરુષને સૂઝ્યું પણ ન હોત.’
અંતરીક્ષનો ભાવ પલટાયો. પત્નીને ઑફિસની સેફ તરફ જતી જોઈને ઝબકારો થયો અને એવું જ નીકળ્યું.
સેફ ખોલીને અરુંધતીએ ડૉક્ટર દીવાનજીવાળી ફાઇલ દેખાડી, ‘ડૉક્ટરને કન્સલ્ટ કરીને તમે કામવાસનાને શાંત કરે એવી દવાનો કોર્સ શરૂ કર્યો.’
અંતરીક્ષને સમજાઈ ગયું કે પોતે પચાસ હજાર મગાવેલા ત્યારે જ અરુએ જાણ્યું હોય, ભલે મને જણાવ્યું કે જતાવ્યું નહીં.
‘આ જાણતાં જ મને જાત પર શરમ થઈ, ભીતર દબાયેલી કામના માથું ઊંચકવા લાગી : આખરે કહેવાતા સંસ્કારની આડમાં હું એક નૉર્મલ જુવાનને દવાના રવાડે ચડાવીને શું સાબિત કરવા માગું છું? જે પતિ પત્ની સાથે એકરૂપ થવા આટલી હદે જાય તેના પર તો ભીતરની અબળખાઓ ખુલ્લી પાડીને વરસી જવાનું હોય...’
અરુંધતી કહેતી રહી, ‘છતાં, મારું એકાએક શય્યાસુખમાં અગ્રેસર થવું તમને સમજાયું ન હોત, મારી છબિ વીખરાય તો તમે મને પહેલાં જેવું ન ચાહો એનો ધ્રાસકો તો શરૂથી હતો જ... એ અવઢવમાં ડબલ પર્સનાલિટી ધરાવતી નાયિકાની ફિલ્મ ‘રાત ઔર દિન
’ વિશે વાંચેલું સાંભરી ગયું... ને બસ, આરઝૂનો જન્મ મારા માનસમાં એ જ ઘડીએ થઈ ગયો.’
સ્પ્લિટ પર્સનાલિટી પર ફિલ્મો બની છે, ફિક્શન નૉવેલ્સ લખાઈ છે; પણ એમાંના કોઈનો આધાર લઈને પતિને રીઝવવા ડબલ પર્સનાલિટીનો ભ્રમ ઊભો કરવા જેવું આજ અગાઉ કોઈએ નહીં કર્યું હોય.
‘તમે તો આરઝૂને પણ અજાતશત્રુ બનીને જાળવી, મારી થેરપી માટે ડૉક્ટરની અપૉઇન્ટમેન્ટ પણ લીધી... તમે તો તમે જ અંતરીક્ષ!’
અરુંધતીએ સાદ ખંખેર્યો, ‘વાંક મારો છે અંતરીક્ષ. પત્ની માટે જે પુરુષ ટ્રીટમેન્ટ લેવા સુધી જાય તે તેનું અંતરમન સમજી જ શકે, સ્વીકારી શકે એવું કેમ હું પહેલેથી સમજી ન શકી, શા માટે મારું મન નિરાવૃત ન કરી શકી?’
અંતરીક્ષ કંઈ ન બોલ્યો. બસ,
નજીક જઈને અરુંધતીની પેશાનીએ ચુંબન ભર્યું માત્ર.
‘આજે સઘળાં આવરણ હટી ગયાં અંતરીક્ષ. આજે આરઝૂ તરીકે અજાતશત્રુને નહીં, અરુંધતી રહીને મારા સ્વામીને રીઝવવા માગું છું.’
અને ફરી એક વાર બેડરૂમની દીવાલો પાણી-પાણી થવા લાગી.
lll
ત્યાર પછી એક નવી જ અરુંધતી બીજાને પણ દેખાઈ.
‘ના મા, મેં આજે પૂનમ નથી કરી. સવારે મન થયું એટલે ચા સાથે બિસ્કિટ ખાઈ લીધાં...’ હવે તે મમતાબહેનને પણ નરવા કંઠે કહી શકે છે. હવે સારા ઘરની, સંસ્કારી દીકરી કે વહુ હોવાની ઇમેજ માટે કશું નથી થતું. વ્રત-પૂજા થાય છે તો કેવળ પોતાના મનથી, શ્રદ્ધાથી.
શરૂ-શરૂમાં મમતાબહેન અકળાતાં, વિદ્યામા નવાઈ પામતાં; પણ ધીરે-ધીરે બધું સહજ, સ્વીકૃત થતું ગયું. શયનખંડનાં તોફાોમાં રસવૃત્તિ અકબંધ રહી, પણ ઉછાંછળાપણું એમાંય નેપથ્યમાં સરકતું ગયું.
lll
‘સાચું કહું છું દીદી, ક્યારેક રૂપ બદલી જુઓ તો ભાગ્ય બદલાતું
હોય છે.’
એક દિવસ મોહિનીએ ખબર પૂછવા ફોન કરીને અરુંધતીના બદલાવ વિશે જરાતરા અચરજ જતાવતાં અરુંધતીએ મોઘમ બોલી ઉમેર્યું, ‘બોલો, હું કહું એમ કરશો?’
અને નોરતાના પ્રથમ દિવસે મહોલ્લાના રાસગરબામાં મોહિની એકાએક ધૂણવા લાગી.
અરે આનામાં તો માતાજી આવ્યાં!
કોઈએ શ્રીફળ ધર્યું, કોઈએ દંડવત્ કર્યા, કોઈ આરતી ઉતારવા લાગ્યું. મોહિનીનો ધણી છક્કડ ખાઈ ગયો, સાસુ-સસરાની આંખો ફાટી રહી. સગાંસ્નેહી કહી ગયાં : તમારી વહુમાં માતાજીનો વાસ છે, તેને નારાજ કરી તો તમારું ધનોતપનોત નીકળી જશે.
બસ, ત્યાર પછી ન તો કોઈ દી મોહિનીના વરે તેના પર હાથ ઉપાડ્યો કે ન સાસુએ મહેણાં દીધાં.
lll
‘ખરેખર!’
અરુંધતીની સલાહે મોહિનીના જીવનમાં છેવટે સુખની પૂર્તિ કરી એ જાણીને અંતરીક્ષ હરખાયો.
પત્નીના આ રૂપને પણ અંતરીક્ષ આકંઠ ચાહે છે. તેમના સંસારમાં સુખ જ સુખ રહ્યું.
અને હા, ‘રાત ઔર દિન’ આજે પણ દંપતીની મોસ્ટ ફેવરિટ ફિલ્મ છે એટલું વિશેષ.
(સમાપ્ત)
