Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > રક્ષાબંધન : ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના (પ્રકરણ ૨)

રક્ષાબંધન : ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના (પ્રકરણ ૨)

Published : 25 August, 2026 06:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વૈદેહી અને સાસુ ઉષામા વચ્ચે અરેનને માનેલા ભાઈ તરીકે સ્વીકારવાની જૂની ગાંઠ હજી જીવંત છે. બીજી તરફ અરેનની પ્રામાણિકતા સામે પિતરાઈ ભાઈ સાગરે સરકારી કૉન્ટ્રૅક્ટ માટે લાંચની ઑફર કરતાં સંબંધોમાં તણાવ સર્જાય છે.

ઇલસ્ટ્રેશન

ઇલસ્ટ્રેશન


‘ચિંતા ન કરતી વહુ, વેવાણને સારું થઈ જશે... ઈશ્વર બેઠો છેને.’
થોડા કલાકમાં વૈદેહીની ગાંધીનગરની ટ્રેન હતી. જોડે અદ્વય પણ આવે છે. ઉષામાએ જ કહેલું. અત્યારે પણ મને સધિયારો પાઠવતાં મા કેવાં પ્રેમાળ લાગ્યાં. મને પહેલી વાર જોવા નવસારી આવેલાં ત્યારે લાગ્યાં હતાં એવાં જ.
વૈદેહીએ વાગોળ્યું:
અદ્વયને જોવા-મળવાનું બન્યું એ અરસામાં અરેન ટૂરિઝમ ડેવલપમેન્ટના અભ્યાસ અર્થે ડેલિગેશનને લઈને જપાન ગયો હતો. અત્યંત સોહામણા અને ડ્રીમ જૉબ ધરાવતા અરેનની હૈયાપાટી કોરી હતી. તેના માટે લગ્નનાં કહેણ આવતાં રહેતાં, પણ નોકરીની વ્યસ્તતાને કારણે તે ટાળી જતો.
આ બાજુ વૈદેહીની અદ્વય સાથે વાત જામી ગઈ...
‘છોકરો અમને બધાને ગમી ગયો છે અરેન. તું એક વાર તેને જોઈ-મળી લે પછી વાત આગળ વધારીએ.’
દિવાકરભાઈએ અરેનને બ્રીફ કરતાં તેણે જુદું કહ્યું, ‘માણસ પારખવાની તમારા જેટલી સમજ મને ઓછી પડે કાકા. વૈદેહીનું મન હું જાણી ચૂક્યો છું. તેણે અદ્વય સાથે વિડિયો-કૉલ પર વાત પણ કરાવી. આવું પાત્ર જવા ન દેવાય. મારા આવતા સુધીમાં દેવ પોઢી જશે તો વાત ખોટી લંબાઈ જશે. એના કરતાં કરો કંકુના! હા, સગાઈ મારા આવ્યા પછી જ થશે એ મેં અદ્વયકુમારને કહી રાખ્યું છે.’
નિકટનાં સગાંઓની હાજરીમાં શુકનનો સવા રૂપિયો આપીને ગોળધાણા ખાતી વેળા સ્નેહામાને અરેન જુદી રીતે સાંભરેલો : ‘સંબંધ આપણે નક્કી ઠેરવ્યો, પણ વેવિશાળ તો વૈદેહીનો ભાઈ વિદેશથી આવે પછી જ થશે.’
‘વૈદેહીનો ભાઈ!’ ગોળની ગાંગડી ગળામાં અટકી હોય એમ ઉષામાને અંતરાશ આવી, ‘વહુ તમારી એકની એક. વૈદેહીનાં મામા-ફોઈના પિતરાઈ ભાઈઓ તો આજે અમને મળ્યા, વિદેશમાં વળી કયો ભાઈ છે?’
‘સગા ભાઈથીયે વિશેષ ગણાય એવો માનેલો ભાઈ અરેન.’
‘મા...નેલો ભાઈ.’ ઉષામા મોં વકાસી ગયાં. બોલ્યાં ત્યારે અવાજમાં ધાર છૂપી ન રહી, ‘તમે હવે આની જાહેરાત કરો છો. બીજું તો કંઈ નથી છુપાવ્યુંને.’
સ્નેહામા ફિક્કા પડ્યાં એ જોઈને અદ્વય બેઉ માતાઓની નિકટ સર્યો, વૈદેહી તેને અનુસરી.
‘શું વાત છે મા?’
‘આ તારી સાસુએ રહી-રહીને બૉમ્બ ફોડ્યો. કહે છે કે વૈદેહીનો કોઈ માનેલો ભાઈ પણ છે!’
‘હા, છેને. અરેન. મારી તો વિડિયો-કૉલ પર વાત પણ થઈ છે તેની જોડે.’
હેં! ઉષામાને આનું થોડું વધારે વસમું લાગ્યું હોય એમ તેમનાં જડબાં તંગ થયાં, ‘તો તારે મને કહેવું ન જોઈએ?’
‘જુવાનિયાઓને શું સમજ પડે વહેવારની વાતોમાં!’ સ્નેહાબહેને વાળી લેવાની ઢબે કહ્યું, ‘વાંક મારો છે ઉષાબહેન. મારે જ તમને જણાવવાનું હતું, પણ હું ચૂકી ગઈ. મન મોટું રાખીને મને માફ કરી દો.’
તેમણે હાથ જોડતાં અદ્વય મા પ્રત્યે કતરાયો. ઉષાબહેન પણ ઓઝપાયાં, ‘હું કંઈ તમારી માફી માટે નહોતી કહેતી. છોડો આ વાત.’
ઉષામાએ ભલે કહ્યું, પણ આ વાતની જ ગાંઠ ક્યાંક તેમના હૈયે ગંઠાઈ ગઈ હોવી જોઈએ : વહુના ઘરનાએ મને ન કહ્યું ને મારી જાણ બહાર મારા દીકરાને પલોટી લીધો.
અત્યારે વર્તમાનની કડી સાંધતી વૈદેહીએ નિ:શ્વાસ ખાળ્યો : અરેનભાઈનો ઉલ્લેખ તો મારી-અદ્વયની પહેલી એકાંત મુલાકાતમાં જ થઈ ગયેલો... અરેનભાઈના અપ્રૂવલ વિના આપણી વાત આગળ નહીં વધે એવું પણ મેં કહેલું. સમહાઉ, બહાર વડીલોની વાતોમાં અરેનભાઈનો ઉલ્લેખ નહીં થયો અને અદ્વયને પણ એવો મોકો નહીં મળ્યો હોય... બાકી આમાં અમારે કે અદ્વયે માથી છુપાવવા જેવું શું હતું!
અને છતાં માનો તેમનાથી કશુંક છુપાવ્યાનો ખટકો ક્યારેક વહુ માટેના ભાવમાં અભાવનો ભાવ ભેળવતો થઈ જાય છે. બાકી મા કેવાં પ્રેમાળ છે! વચમાં મને મલેરિયા થયો તો માએ રાતે જાગીને મારા માથે પાણીનાં પોતાં પણ મૂક્યાં છે.
અને વૈદેહીને ગયા વર્ષની સાસરીની પહેલી બળેવ સાંભરી ગઈ:
લગ્નને ત્યારે દસેક મહિના થયા હશે. પહેલી વાર પોતે સાસરેથી ભાઈને રાખડી બાંધવા જવાની એટલે રિયા સાથે વલસાડની માર્કેટમાં ફરી-ફરીને રાખડી-મીઠાઈ પસંદ કર્યાં હતાં. ઘરે પહોંચ્યાં ત્યારે અદ્વય હજી નિશાળેથી આવ્યા નહોતા, પણ માએ રાખડી જોતાં જુદું જ પૂછ્યું, ‘અસલ ચાંદીની રાખડી કુરિયરવાળો લઈ જશે?’
‘કુરિયર શું કામ મા?’
મારા પહેલાં રિયા બોલી ઊઠી, ‘ભાભી પોતે જશે ગાંધીનગર. આગલા દિવસે પહોંચી જશે, બળેવ પતાવીને ભલે બીજા દિવસે આવતાં...’
‘ઓહ, એટલે અદ્વય સાથે વહુએ બધું નક્કી જ કરી રાખ્યું હોય તો...’
ઉષામાના અધ્યાહારનો ભાર મને સચેત કરવા 
પૂરતો હતો.
‘નક્કી કશું નથી કર્યું મમ્મી. તમે કહેશો એમ જ કરીશું.’
‘એમાં કહેવાનું શું હોય વહુ? તને કેમ એટલી ગતાગમ નથી કે બળેવ તો અહીં પણ થવાની. તારી નણંદ ભાઈ સાથે હવેથી ભાભીને પણ રાખડી બાંધશે ત્યારે તારે અહીં રહેવાનું હોય કે પિયર દોડી જવાનું હોય? એ પણ માનેલા ભાઈ માટે?’
માને કંઈક કહેવા જતી રિયાને મેં ઇશારાથી વારી.
‘વહુની ફરજ હું સમજી ગઈ મા. એક વિનંતી તમને પણ કરું છું : ફરીથી અરેનભાઈ માટે માનેલા ભાઈ જેવો શબ્દપ્રયોગ મારી આગળ ન કરશો. તે મારા માટે સગા ભાઈથીયે વિશેષ છે.’
મારા રણકાથી મા કેવાં સડક થઈ ગયેલાં! અદ્વય અને અરેનભાઈને પણ મેં બળેવ આઠમે કરવા વિશે સમજાવી દીધાં. જોકે ખરી સરપ્રાઇઝ મને બળેવના દિવસે મળી. ખુદ અરેનભાઈ સવારના પહોરમાં ઘરે આવી ઊભા અને આ સરપ્રાઇઝ માના કહેવાથી અદ્વયે પ્લાન કરી હતી! સપરમા દિવસે હું ભાઈને સંભારીને ઉદાસ ન બનું એટલે જને?
અને છતાં કશુંક તો એવું છે માની ભીતર જે પૂરેપૂરું નિરાવૃત થતું નથી. અદ્વયને અમે સ્ત્રીઓએ કશી ગંધ સુધ્ધાં આવવા નથી દીધી. રિયા ક્યારેક મારો પક્ષ લઈને માને છણકો કરી પાડતી હોય છે એ મારાથી સાવ છૂપું નથી, પણ એમ તો મા દીકરી સમક્ષ પણ આ બાબતે ઊઘડ્યાં નથી.
‘મા, તમારું આ રૂપ મને બહુ વહાલું છે, પણ ક્યારેક કશું એવું થઈ જાય છે કે મને થાય કે તમારા મનમાંથી હજી વેવિશાળ પહેલાંનો ખટકો ગયો નથી?’ અત્યારે વૈદેહીએ માનો પહોંચો પસવાર્યો, ‘જાણે-અજાણે અરેનભાઈ બાબત તમને કહેવાનું રહી ગયું એ વાંકને તમે વિસારી દો મા.’
વાંક મને જાણ ન કરી એનો નથી. વાંક એટલો જ કે તમે એકબીજાનાં માનેલાં ભાઈ-બહેન છો અને આવા કહેવાતા સંબંધની વરવી સચ્ચાઈનો બહુ વસમો અનુભવ મને છે! અરે, તું જેને ખટકો સમજે છે એ ખરેખર તો જે મારા પર વીતી એ મારા દીકરાએ વેઠવાનું ન થાય એનો ધ્રાસકો છે.
હૈયે ઊઠતો સળવળાટ બહાર ધસી ન આવે એ માટે ઉષાબહેને હોઠ સજ્જડપણે ભીંસેલા રાખ્યા.
lll
‘સાગર તું!’
રિસેસમાં સચિવાલયની કૅન્ટીન જવા ઑફિસમાંથી નીકળેલો અરેન મુલાકાતીઓ માટેના વેઇટિંગ-રૂમમાં પોતાનાથી મોટા પિતરાઈ ભાઈને જોઈને નવાઈ પામ્યો, ‘અહીં કોને મળવા આવ્યો છે?’
‘કામ તો તારું જ છે અરેન!’ સાગરે સ્મિત ફરકાવ્યું. અરેને સામેથી બોલાવ્યો અને મેં તેને એકવચનમાં સંબોધ્યો એટલે બીજા જાણે હું VIP હોઉં એમ મને જોઈ રહ્યા છે! સારું છે; બીજી વાર તેની સેક્રેટરી મને આમ વેઇટ નહીં કરાવે, સીધો અંદર મોકલી આપશે.
અરેન સહેજ ખચકાયો. કાર્યસ્થળે પોતે શિસ્તબદ્ધ રહ્યો છે. લાંચરિશવત કે લાગવગશાહીમાં માનતો નથી એ હવે તો જાહેર છે. બીજા આગળથી આવીને વેઇટ કરતા હોય ત્યારે પોતે કઝિનને તેડાવી લે એ ઠીક ન ગણાય, પણ તેને લંચ માટે તો ઇન્વાઇટ કરી જ શકાય...
‘કામની વાતો પછી, પહેલાં લંચ લઈએ... કેટલાં વર્ષે આપણે મળ્યા!’
રણમલકાકા-ભામિનીકાકીએ તો ભત્રીજાના ખબર રાખ્યા નહોતા અને કામે લાગ્યા પછી તો અરેનને સોશ્યલ થવાની ફુરસદ જ ક્યાં મળતી?
‘ખોટું ન બોલ. તારાં પેલાં કાકા-કાકી અને તેમની ડૉટર - યા, વૈદેહી માટે તો ફુરસદ હોતી જ હશેને! તેં તો તેમને જ પોતાનાં ગણ્યાં.’
લંચ માટે ગોઠવાયા એમાં ખબરઅંતરના મુદ્દે સાગરે ટકોર કરી. તેની ભાષામાં ભામિનીકાકી જ પડઘાયાં.
‘કેમ કે તેમણે મને પોતીકાની જેમ રાખ્યો સાગર. હું અનાથ છું એવું ક્યારેય મહેસૂસ થવા નથી દીધું.’
‘અફકોર્સ!’ સાગરે પોતાની ગરજે વાળી લીધું, ‘શું ખબર છે તેમનાં? વૈદેહી મજામાં?’
‘શી ઇઝ મૅરીડ. સાસરે સુખી છે.’ અરેને બહેનનું સુખ સંભળાવીને ઉમેર્યું, ‘જોકે કાકીને કૅન્સર નીકળ્યું એટલે તેમની સારવાર નિમિત્તે પખવાડિયાથી અહીં જ છે.’ પછી પૂછ્યું, ‘તું પરણ્યો કે નહીં? અને તારી બહેનો...’
‘બહેનો હજી ભણે છે... અને મારાં લગ્ન લીધાં હોત તો તને નિમંત્રણ તો હોત જને! વી આર ફૅમિલી બડી!’
‘યા, અફકોર્સ!’
‘તું આટલી ઊંચી પોસ્ટ પર લાગ્યો એ જાણીને પપ્પા બહુ ખુશ થયેલા.’
‘અને ભામિનીકાકીએ એવું કંઈક કહ્યું હશે કે મેં અરેનને સંજોગોની ભઠ્ઠીમાં તપવા દીધો ન હોત તો તે આજે આ પોઝિશન પર પહોંચ્યો ન હોત...’
સાગર સહેજ ડઘાયો. માએ બિલકુલ આવો જ પ્રત્યાઘાત પાઠવ્યો હતો. મૂછમાં મલકીને અરેને પૂછ્યું : અને તારી કરીઅર?
‘મારો ટ્રાન્સપોર્ટનો બિઝનેસ છે. વિજય ચાર રસ્તા પાસે ઑફિસ રાખી છે. તને મળવું પણ એટલે જ હતું 
કે...’
‘અહં, કામની વાત ઑફિસમાં સાગર. તારો વારો આવે ત્યારે.’
સાગરે બીજા બે કલાક બહાર બેસવું પડ્યું, શું થાય.
છેવટે ઑફિસમાં પ્રવેશતાં આભા બની જવાયું. ફાઇવસ્ટાર હોટેલના કોઈ સ્વીટ જેવી મોટી અને વૈભવી કૅબિન હતી અરેનની.
‘તારો તો વટ છે ભાઈ!’ મલાવો કરતો સાગર અરેનની સામી બાજુ ખુરસી પર ગોઠવાયો, ‘હવે મારો ઉદ્ધાર કરવાનું પણ તારા હાથમાં છે ભાઈ.’ કહેતાં તે મુદ્દે આવ્યો, ‘સરકાર સિનિયર સિટિઝન માટે ગુજરાતનાં યાત્રાધામો પૂરતી ડેઇલી સ્પેશ્યલ બસ દોડાવવાની યોજના લાવી રહી છે. એ કૉન્ટ્રૅક્ટ તારે અલૉટ કરવાનો છે તો એ મને મળે એટલું કરી દે.’
‘વેલ, એનાં ટેન્ડર બહાર પડ્યાં છે, અપ્લાય કરી દેજો.’ અરેને રેડીમેડ જવાબ આપી દીધો. સરકારી નોકરીમાં પ્રામાણિક રહેવું મુશ્કેલ બને એટલું દબાણ અને એટલી લાલચ હોય છે, પણ પોતે સાફસૂથરા વહીવટ માટે મક્કમ છે. એમાં સાગર પણ અપવાદ કેમ હોય?
‘આઇ નો, એ બધી પ્રોસીજર તો કહેવા પૂરતી - થતી રહેશે.’ સાગર અરેન સમક્ષ ઝૂક્યો, ‘ફાઇનલ યસ તો તારે જ કરવાનું હોય છેને. મને ફાઇનલ કરી દે તો ૧૦ - ના, ૨૦ ટકા તારા, ખુશ.’
અરેન ખુરસીને અઢેલ્યો, પગ પર પગ ચડાવ્યા.
‘માર્કેટમાં તો દસનો જ રેટ છે પણ ચાલ, પચીસ તારા!’ એવો જ આગળ ઝૂકી ટેબલ પર બન્ને હાથના પંજાની થાપટ ઠોકતાં અરેને લાલચોળ ચહેરે સંભળાવ્યું, ‘હાઉ ડેર યુ! મને રિશવત ઑફર કરવાની તારી હિંમત કેમ થઈ!’ પછી આંગળીના ઇશારાથી દરવાજો દેખાડ્યો : ગેટ આઉટ!
તેના તેવરથી સાગર ડઘાયો.
‘તું મને ગે...ટ આઉટ કહે છે. આપણે એક કુટુંબના બે દીકરા...’
‘ઇનફ સાગર, આટલાં વર્ષે તને આપણો સંબંધ યાદ આવ્યો. એ સંબંધ જેમાં લાગણીનું સિંચન ક્યારેય હતું જ નહીં? ખેર, પ્રોફેશનલ હોય કે પર્સનલ રિલેશન, હું નીતિમત્તામાં માનું છું અને પ્રામાણિકતાથી નિભાવું છું... જે ગુણ કદાચ તમને ગળથૂથીમાં જ મળ્યા નથી.’
‘અરેન!’ સાગર તમતમી ઊઠ્યો.
‘બિઝનેસમાં શૉર્ટકટ લેવાનું છોડ સાગર, એટલી જ સલાહ આપીશ. નાઓ પ્લીઝ લીવ.’
સાગર બહાર નીકળ્યો. બંધ થતા દરવાજા પર ક્રોધભરી નજર નાખી : આ ટેન્ડર જો મારા હાથમાંથી ગયું અરેન તો એ તને બહુ મોંઘું પડશે, જોઈ લેજે સત્યવાદીના પૂતળા.

(ક્રમશઃ)


Whatsapp-channel Whatsapp-channel

25 August, 2026 06:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK