Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઠાકોરજી 3 : યદા યદા હી ધર્મસ્ય (પ્રકરણ ૨)

ઠાકોરજી 3 : યદા યદા હી ધર્મસ્ય (પ્રકરણ ૨)

Published : 01 September, 2026 12:50 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

શેખરની ચાલમાં ફસાયેલો વલ્લભ પ્રાચીન ઠાકોરજીની મૂર્તિ બચાવવા મક્કમ બને છે. માધવરાયની મદદથી ગુંડાઓનો સામનો કર્યા બાદ તે મૂર્તિને સુરક્ષિત સ્થળે પહોંચાડવા જીવના જોખમે ભાગે છે. હવે શેખરના માણસો તેની પાછળ પડ્યા છે. મોટો ખતરો સામે છે.

ઇલસ્ટ્રેશન

ઇલસ્ટ્રેશન


બોરીવલી-ઈસ્ટના કાર્ટર રોડ પર આવેલા પોતાના ઘરમાં વલ્લભ ત્રિકમરાય સોજિત્રા સ્તબ્ધ થઈને બેઠો હતો. કાલબાદેવીની એ સાંકડી ગલીઓમાં પોલીસની સાયરન અને એ પછી થયેલી અફડાતફડી વચ્ચે તે 
જેમ-તેમ કરીને નીકળી તો ગયો, પણ આખા રસ્તે તેના કાનમાં શેખરના શબ્દો સતત ગુંજતા હતા: 
‘આ તો જેસલમેરના મંદિરની પવિત્ર મૂર્તિ છે... ભાઈ ઠાકોરજીની અમાનત છે.’
વલ્લભે પોતાના ડાબા ખભા પરથી સરી પડતા સુતરાઉ સદરાને ધ્રૂજતા હાથે સરખો કર્યો. તેના શરીરમાં અકળામણને કારણે ઝાટકા આવવાના શરૂ થઈ ગયા હતા. વલ્લભની સામે ટેબલ પર એ જ કાળી ચેઇનવાળી ટ્રાવેલ બૅગ પડી હતી જેના પર મોરપીંછ હતું. મુરલીધર ઓરિજિનલ મૂર્તિ લઈને આવી ગયો હતો.
વલ્લભે સ્વર્ગસ્થ ઠાકોરજી ઉપાધ્યાયની તસવીર સામે જોયું. 
‘ભાઈ, તમે તો કહેતાને કે કોઈ ગરીબ કે ભોળાનો ગેરલાભ લેવો એ સૌથી મોટો અધર્મ. આ... આ... આ શેખર આવીને તમારા નામે મને ભોળવી ગયો. મારી સાથે આટલો મોટો વિશ્વાસઘાત કર્યો? હવે હું શું કરું? પોલીસને સોંપી દઉં કે આ મુસીબતમાંથી ભાગી છૂટું?’ વલ્લભની આંખમાં આંસુ હતાં, ‘મને કંઈક રસ્તો સુઝાડો ભાઈ... હું આમાંથી કેમ બહાર નીકળું... કેવી રીતે...’ 
‘વલ્લભ...’ 
અચાનક ઠાકોરજીનો અવાજ વલ્લભના કાને પડ્યો અને વલ્લભની આંખો પહોળી થઈ ગઈ.
‘ભાઈ, તમે... તમે બોલ્યા...’
‘વલ્લભ, છળ સામે આંખો મીંચવી એ તો કાયરતાની નિશાની છે... નક્કી તું કર, કાયર બનવું છે કે પછી તારા સાચા ઠાકોરજીની મૂર્તિને સાચી જગ્યાએ પાછી પહોંચાડવી છે.’ વલ્લભના અંતરાત્માએ જવાબ આપ્યો, ‘તું જો... તું વિચાર. તારે જે કરવું હોય એ તું કરી શકીશ; પણ બસ, વિચાર કરે ત્યારે એ યાદ રાખજે કે ભવિષ્યમાં તને એ વાતનો અફસોસ ન થવો જોઈએ.’
જાણે કે એ શબ્દોને સાથ પુરાવવો હોય એમ એ જ વખતે પાસે રહેલા મંદિરના બેલનો અવાજ આવ્યો અને વલ્લભમાં નવેસરથી મક્કમતા આવી.
વલ્લભ ઊભો થયો. તેણે ધ્રૂજતા હાથે બૅગની ચેઇન ખોલી. અંદર સોના અને હીરાજડિત પ્રાચીન અષ્ટધાતુની ઠાકોરજીની મૂર્તિ ઝળહળતી હતી. મૂર્તિ હાથમાં લેતાં વલ્લભનું ધ્યાન નીચે ગયું. મૂર્તિની નીચે વાદળી રંગની ડાયરી અને એક નાની પેન ડ્રાઇવ જેવું ડિવાઇસ પડ્યું હતું. 
‘આ શું?’
વલ્લભે ડાયરી ખોલી. 
ડાયરીનાં પાનાં ફેરવતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.
શેખરે દાવો કર્યો હતો કે તે ઠાકોરજીનો જૂનો મિત્ર છે, પણ ડાયરીની વાતો સાવ જુદી હતી. ડાયરીમાં જેસલમેરના એ ટ્રસ્ટના દસ્તાવેજો હતા જેમાં ઠાકોરજીએ પોતાના જીવનની તમામ કમાણી દાન કરી હતી. એ કમાણી પર ત્યાં અન્નક્ષેત્ર અને હૉસ્પિટલ ચાલતાં હતાં. શેખર એ ટ્રસ્ટ સાથે જોડાયેલો હતો અને ટ્રસ્ટનો બધો હિસાબ શેખર પાસે રહેતો હતો. ડાયરીમાં ક્લિયર લખ્યું હતું કે ઠાકોરજીને આ મૂર્તિ ચોરવાનું કામ મળ્યું, પણ સાચા રસ્તે વળી ગયેલા ઠાકોરજીએ તે માણસને હાંકી કાઢ્યો અને શેખરે ઠાકોરજીની આડશમાં આ કામ કરી લીધું.
વાત હવે માત્ર ભગવાન ઠાકોરજી સાથેની ગદ્દારીની નહોતી. આ તો ભાઈ ઠાકોરજી સાથેની ગદ્દારીની પણ હતી.
વલ્લભના લોહીમાં અચાનક ધ્રુજારી આવી ગઈ. તેની આંખોમાં રતાશ અંજાઈ ગઈ અને હૃદયના ધબકારા વધી ગયા.
‘ભાઈ, આપણે... આપણે આ માણસને પાડી દેવો પડે ભાઈ...’
વલ્લભે ઠાકોરજીના ફોટો સામે જોયું અને એ જ વખતે વલ્લભની પીઠ પર અવાજ આવ્યો.
ઠક... ઠક... ઠક...
વલ્લભે ઝાટકા સાથે દરવાજા તરફ જોયું અને ફરી દરવાજે ટકોરા પડ્યા.
ઠક... ઠક... ઠક... 
પોતે આ સમયે ઘરમાં હોય એ કોઈ માની ન શકે. વલ્લભ સાવચેત થયો. તેણે તરત ડાયરી અને મૂર્તિ બૅગમાં મૂકીને ચેઇન બંધ કરી અને દબાયેલા અવાજે પૂછ્યું...
‘કોણ?’
‘હું... મિત્ર....’ બહારથી અવાજ આવ્યો, ‘વલ્લભ, દરવાજો ખોલ... મદદ માટે આવ્યો છું.’
વલ્લભે ઠાકોરજીની મૂર્તિ સામે જોયું. મૂર્તિ પર એ જ ચીરપરિચિત સ્માઇલ હતું, પણ અત્યારે એ સ્માઇલમાં ભાવ ઉમેરાયા હોય એવું વલ્લભને લાગ્યું.
‘આવું...’
વલ્લભે દરવાજો ખોલ્યો. સામે આધેડ પણ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતો માણસ ઊભો હતો. તેણે ધોતી-કુરતો પહેર્યાં હતાં. તેની આંખોમાં વર્ષોનો અનુભવ તરવરતો હતો.
‘હું માધવરાય મિશ્રી...’ આગંતુકે ઓળખાણ આપી અને બીજી જ સેકન્ડે તેણે પોતે જ દરવાજો બંધ કર્યો, ‘હું કાલબાદેવીના રાધા-ગોવિંદ ટ્રસ્ટ સાથે જોડાયેલો છું, જ્યાં આ મૂર્તિની ડિલિવરી થવાની હતી.’
વલ્લભ બે ડગલાં પાછળ હટી ગયો. 
‘તમે ઓ’લા... ઓ’લા શેખરના માણસ છો?!’
વલ્લભના ચહેરા પર ડર હતો પણ માધવરાયના ચહેરા પર સ્મિત હતું.
‘જો હું તેનો માણસ હોત તો અત્યારે અહીં એકલો ન આવ્યો હોત ભાઈ...’ માધવરાય જરા નજીક આવ્યા, ‘હું તો તને ચેતવવા આવ્યો છું. શેખરે તને જેમાં ફસાવ્યો છે એમાંથી નીકળવું હવે સહેલું નથી. શેખરના માણસો કોઈ પણ ભોગે તારી પાસેથી આ મૂર્તિ લેવા આવશે અને તને ખબર છે, શેખરને તારા ઘરની ખબર છે...’
‘મને થાય છે કે હું પોલીસમાં જતો રહું... ત્યાં જ હવે વાત સામેસામી થઈ જાય.’
માધવરાયે વલ્લભના ખભા પર હાથ મૂક્યો. 
‘વલ્લભ, ગીતામાં એક વાત કહી છે. ખરાબ પરિસ્થિતિ સારા માણસને ક્યારેય ડરાવે નહીં. એટલે અત્યારે તારા ગભરાટને શાંત રાખ... તારું એક જ કામ છે - આ મૂર્તિ કોઈ હિસાબે શેખરના હાથમાં ન જવી જોઈએ. જો આ મૂર્તિ બહાર ગઈ તો યાદ રાખજે, બદનામી તારા ભાઈ ઠાકોરજીની થશે. તું ઇચ્છે છે કે તે મર્યા પછી...’ 
‘ના, જરા પણ...’ વલ્લભ તરત બોલ્યો, ‘એટલે જ કહું છું કે આપણે પોલીસમાં જ વાત કરી દઈએ. પોલીસ બધું સાચવી લેશે...’
‘ના...’ માધવરાયે ગંભીરતાથી કહ્યું, ‘પોલીસમાં શેખરના માણસો હશે જ હશે અને એટલે જ તેને ખબર પડી ગઈ હશે કે મૂર્તિની ડિલિવરી કરવા તે જશે તો ફસાશે. બીજી વાત. મૂર્તિ જો પોલીસ-સ્ટેશનમાંથી ગાયબ થઈ તો આખો કેસ ક્યાં ગોટે ચડી જશે એની કોઈને ખબર નહીં પડે... વલ્લભ, યાદ રાખ... તારે માત્ર મૂર્તિ બચાવવાની નથી, તારે હવે શેખરને પણ સામે લાવવાનો છે.’
વલ્લભ અને માધવરાયની વાતો ચાલતી હતી ત્યાં જ નીચે કમ્પાઉન્ડમાં દેકારો મચી ગયો. સિક્યૉરિટીવાળાની રાડો સંભળાઈ અને કમ્પાઉન્ડમાં એકસાથે ચાર-પાંચ ગાડીઓ દાખલ થઈ ગઈ.
વલ્લભ બાલ્કનીમાં જવા જતો હતો, પણ માધવરાયે તેને ઇશારાથી રોક્યો અને પછી ધીમા પગલે બારી પાસે જઈને માધવરાયે બહાર જોયું. શેખરના સશસ્ત્ર સાગરીતો ગાડીના દરવાજા ખોલીને બહાર આવતા હતા. સિક્યૉરિટીવાળો વચ્ચે પડવા ગયો કે એક હટ્ટાકટ્ટાએ તેને પેટમાં મુક્કો જડી દીધો. માધવરાયે જોયું કે આવનારા એ ગુંડાઓના હાથમાં વેપન હતાં જે સરકારી હતાં.
‘વલ્લભ, તારે જલદી નીકળવું પડશે. એ લોકો પોલીસની હેલ્પથી જ અહીં સુધી આવ્યા છે...’ માધવરાયે બૅગ હાથમાં લીધી, ‘આપણે પાછળની બાલ્કનીમાંથી નીકળવું પડશે. બીજો કોઈ રસ્તો નથી...’
‘હા...’
વલ્લભ આગળ કંઈ બોલે કે કહે એ પહેલાં તો દરવાજા પર જોરથી લાત પડી.
ધાડ...
અને લાકડાનો દરવાજો મિજાગરામાંથી છૂટો પડી ગયો. 
વલ્લભના ચહેરા પર ઝાટકો હતો અને માધવરાયના ચહેરા પર અસમંજસ.
‘ક્યૂં, કહા નિકલતા થા સાલ્લા હરામી...’ શેખરના રાઇટહૅન્ડ જેવો રઘુ હાથમાં રિવૉલ્વર સાથે આગળ આવ્યો, ‘ભાઈ સાથે હોશિયારી કરી તેં... ’
વલ્લભના મોતિયા મરી ગયા હતા. ભાગવા માટે તેની પાસે કોઈ રસ્તો નહોતો અને રસ્તો હોત તો પણ વલ્લભના પગમાં એવી તાકાત રહી નહોતી.
રઘુ વલ્લભની બિલકુલ નજીક આવ્યો અને તેણે કમરેથી સ્નિફર નાઇફ બહાર ખેંચીને વલ્લભની ગરદન પર મૂકી.
‘બૅગ અને મૂર્તિ દલીલ કર્યા વિના આપી દે. નહીંતર, રાજસ્થાનમાં પાંચ મર્ડર માટે પોલીસ શોધે છે, એમાં એક વધારો થશે...’ 
રઘુએ ડર્યા વિના નાઇફ વલ્લભની ગરદન પર સહેજ ઘસી અને વલ્લભની ગરદનમાંથી લોહીનો ટશિયો ફૂટી ગયો.
‘વલ્લભ, સાચું જ છે...’ માધવરાયે વલ્લભની આંખોમાં જોયું, ‘યદા યદા હી ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત, અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્...’
વલ્લભની આંખો ચમકી, તેના શરીરમાં વીજળીનો સંચાર થયો. તેણે રઘુ સામે જોયું. આ વખતે તેની આંખોમાંથી ડર દૂર થઈ ગયો હતો. રઘુ કંઈ સમજે, કહે એ પહેલાં જ વલ્લભ ઝાટકા સાથે ઝૂક્યો અને તેણે નીચે પડેલો પિત્તળનો પૂજાનો લોટો ઉપાડી આખા શરીરની તાકાત વાપરીને રઘુના મોઢા પર ઝીંકી દીધો. નાક અને હોઠ પર લાગેલા પિતળના લોટાને કારણે રઘુનો હોઠ ચિરાઈ ગયો અને બત્રીસીના આગળના ૪ દાંત નીચેના હોઠમાં ભરાઈ ગયા. 
રઘુ ચીસ પાડીને જમીન પર પટકાયો.
રઘુની આ હાલત જોઈને સાથે આવેલા બીજા ગુંડાએ વલ્લભ તરફ પિસ્તોલ તાકી, પણ આ વખતે માધવરાયે સમયસૂચકતા વાપરીને વલ્લભને બાજુ પર ખેંચી લીધો. વલ્લભ પણ આવી જ તકની રાહ જોતો હોય એમ તેની બાજુમાં ગરમ ચાનું તપેલું પડ્યું હતું. વલ્લભે એ તપેલું ઊંચકીને એ પેલા બીજા ગુંડાના માથા પર માર્યું. તપેલું ગરમ હતું અને વલ્લભનું મગજ પણ. ડબલ ગરમી સાથે માથા પર લાગેલા તપેલાએ ગુંડાની આંખોમાં અંધકાર પ્રસરાવી દીધો અને તે જમીન પર પડ્યો. વલ્લભે તપેલું તેના મોં પર ફેંક્યું.
સોસાયટીમાં ભારે દેકારો મચી ગયો. 
પરમિશન વિના કમ્પાઉન્ડમાં આવીને ગાડી પાર્ક કરી દેનારા અને એ પછી સિક્યૉરિટીવાળાની સાથે તોછડાઈ કરનારા કોણ છે એ જોવા માટે બહાર આવી ગયેલા લોકોને વલ્લભના ઘરમાંથી દેકારો સંભળાતાં બધા સીધા વલ્લભના ફ્લૅટ પાસે પહોંચી ગયા. ગુંડાઓ સમજી ગયા કે હવે અહીં રહેવામાં સાર નથી એટલે તેઓ બહારની તરફ ભાગ્યા, પણ ભાગતા-ભાગતા રઘુએ ગોળી ચલાવી. 
ઢીંચિયાંવ...
રઘુની ગોળી સીધી માધવરાયના ખભામાં વાગી.
માધવરાય લોહીથી લથપથ થઈને ઢળી પડ્યા. 
‘માધવરાય...’ વલ્લભ સીધો માધવરાય પાસે પહોંચ્યો, ‘તમને... તમને કંઈ નહીં થાય.... હું... હું ડૉક્ટરને...’
માધવરાયે હાંફતાં-હાંફતાં વલ્લભનો હાથ પકડ્યો અને હાથમાં ચાવી મૂકી.
‘મારી ચિંતા નહીં કર વલ્લભ... આ ચાવી... દાદરના ગોવિંદજી મંદિરના ભોંયરાની છે... મૂર્તિ ત્યાં સુધી પહોંચાડ...’ માધવરાયના છેલ્લા શબ્દો હતા, ‘ઠાકોરજી તારી સાથે છે. તું... તું ગભરાતો નહીં. જા...’
માધવરાયની આંખો બંધ થઈ અને વલ્લભના કાનમાં સાયરનનો અવાજ આવ્યો.
વલ્લભ પાસે હવે સમય નહોતો. ક્ષણનો પણ વિચાર કર્યા વિના તેણે બૅગ ખભે ભેરવી. હવે તેના ખભા પર ઠાકોરજીનો હાથ હતો, જેણે વલ્લભમાં નવી તાકાત ભરી હતી અને એ જ નવી તાકાત વલ્લભને આગળ લઈ જવાની હતી.
‘તું જા માયલા...’ વલ્લભના મોઢામાંથી નીકળી ગયું, ‘આવી જા શેખરિયા, આ વખતે તો ત્રણ-ત્રણ ઠાકોરજી મારી સાથે છે.’
વલ્લભ સીધો ગૅલરી તરફ ભાગ્યો અને બીજા માળેથી તેણે નીચે છલાંગ મારી દીધી.

(ક્રમશ:)


Whatsapp-channel Whatsapp-channel

01 September, 2026 12:50 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK