Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઠાકોરજી 3 : યદા યદા હી ધર્મસ્ય (પ્રકરણ ૫)

ઠાકોરજી 3 : યદા યદા હી ધર્મસ્ય (પ્રકરણ ૫)

Published : 04 September, 2026 07:13 PM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

રાધા શર્મા શેખરના કબજામાંથી ઠાકોરજીની પ્રાચીન મૂર્તિ બચાવવા વલ્લભ સાથે ધર્મશાળામાં પહોંચે છે. શેખરની સાજિશ, રઘુનું હૃદયપરિવર્તન અને વિસ્ફોટના ખતરાની વચ્ચે વલ્લભ ઠાકોરજી અને આસ્થાનું રક્ષણ કરે. અંતે, વિરહમાં પુનરાગમનની આશા જાગે છે.

ઇલસ્ટ્રેશન

વાર્તા-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


‘એ કોણ છે તું?!’
‘દરેક નામ જાણવું જરૂરી નથી શેખર...’
સામેથી અવાજ આવ્યો અને અવાજે પ્રસ્થાપિત કર્યું કે આગમન કરનારી વ્યક્તિ કોઈ મહિલા છે. શેખરે આંખ પર છજું બનાવીને દરવાજા પર નજર કરી અને દરવાજાની બરાબર મધ્યમાં ઊભેલી યુવતી આગળ આવી. તે યુવતીએ કાળા રંગનું વૉટરપ્રૂફ ટૅક્ટિકલ જૅકેટ, ડાર્ક કાર્ગો પૅન્ટ અને કાદવથી ખરડાયેલાં કમાન્ડો બૂટ પહેર્યાં હતાં. તેના ભીના વાળ પીઠ પાછળ ટાઇટ પોનીટેલમાં બાંધેલા હતા અને ખભા પર એક મજબૂત લેધર હોલ્સ્ટરમાં ગ્લોક પિસ્તોલ લટકતી હતી. તેના ચહેરા પર એવું તીક્ષ્ણ, વ્યાવસાયિક અને શાંત તેજ હતું જે માત્ર વર્ષોના ફીલ્ડ-ઑપરેશન પછી જ આવે. 
તે યુવતીના હાથમાં અષ્ટધાતુની મૂર્તિની અસલી, પ્રાચીન સોનાની વાંસળી હતી.
‘તું આને જ શોધે છેને?’
યુવતી ધીમેકથી આગળ આવી કે તરત વલ્લભ એક ડગલું આગળ વધ્યો.
વલ્લભ પોતાની છાતીએ પેલી કાળી મોરપીંછ ચીતરેલી બૅગ વળગાડીને હતો. હવે તેનો ડાબો ખભો સહેજ પણ થીરકતો નહોતો. તેની આંખોમાં ચમક આવી ગઈ હતી અને આવનારી વ્યક્તિમાં તેને પોતીકાપણાનો અહેસાસ થતો હતો.
‘એય લવારી બંધ કર... જવાબ આપ, કોણ છે તું?’ શેખરના દિમાગની નસ ફાટી ગઈ હતી. તેણે રઘુની સામે જોયું, ‘રઘુ, ઉડાડી દે આને...’
યુવતીની ચાલમાં ચપળતા આવી અને તેણે હવામાં ફ્લાઇંગ કિક સાથે પગ ઉછાળ્યો કે બીજી જ સેકન્ડે રઘુના હાથમાં રહેલી પિસ્તોલ હવામાં ઊછળી અને રઘુ ચીસ પાડીને પોતાનું કાંડું પકડીને બેસી ગયો.
હવામાં ઊછળેલી રઘુની પિસ્તોલ પેલી યુવતીએ કૅચ કરીને પોતાના હાથમાં લીધી. 
‘હું કોણ છું એ કહું કે દેખાડું?’
યુવતી હવે શેખરની નજીક આવી અને શેખરની સામે સહેજ પણ ખચકાયા વિના તેણે પોતાના જૅકેટના પૉકેટમાંથી મેટલ બૅજ કાઢીને શેખરની સામે ધરી દીધો.
‘રાધા શર્મા...’ નામ સાંભળતાં વલ્લભની આંખોનું તેજ બમણું થઈ ગયું, ‘સ્પેશ્યલ ક્રાઇમ ઍન્ડ આર્કિયોલૉજિકલ થેફ્ટ વિંગ, સિનિયર ઇન્વેસ્ટિગેટિવ ઑફિસર, રાધા શર્મા.’
‘રાધાજી...’
વલ્લભના મોઢામાંથી નીકળી ગયું કે તરત રાધાએ વલ્લભ સામે જોયું.
‘હા રાધા... ઠાકોરજીને લેવા આવી છું.’ રાધાએ ફરી શેખરની સામે જોયું, ‘નાથદ્વારામાંથી તેં મૂર્તિ ચોરી ત્યારથી અમારી ટીમની નજર શેખર તારા પર હતી. તને એમ કે તું ભાઈ ઠાકોરજીના નામે તેના આ વલ્લભનો લાભ લઈશ અને નીકળી જઈશ, પણ તું ભૂલી ગયો... યદા યદા હી ધર્મસ્ય... જરૂરી નથી કે દરેક વખતે કૃષ્ણ જ જન્મ લે. કોઈ વખત તે પોતાના બ્રૅન્ડ ઍમ્બૅસૅડરને પણ મોકલીને કામ કરાવી લે.’ 
‘બ્રૅન્ડ ઍમ્બૅસૅડર... કોણ આ?!’ શેખર વલ્લભને જોઈને હસી પડ્યો, ‘આ ગાંડિયો, ચક્રમ ભગવાનનો બ્રૅન્ડ ઍમ્બૅસૅડર... ઑફિસર, તે અડધો ગાંડો ને તું આખી ગાંડી. તને એમ છે કે તું એકલી અહીં આવીને અમને પકડી જશે?’
શેખરે રઘુ અને બીજા ગુંડાઓ સામે જોયું.
‘અહીંથી કોઈ જીવતું પાછું ન જોવું જોઈએ. રઘુ, બૅગ અને રાધાના હાથમાંથી વાસંળી આંચકી લે...’
‘શેખર, ભૂલી ગયો...’ રાધાએ વાંસળી સામે જોયું, ‘ગોકુળ છોડતી વખતે જે કૃષ્ણએ પોતે રાધાના હાથમાં વાંસળી સોંપી હોય એ વાંસળી તું પડાવી લઈશ... તું?’
‘પાડ માન, હજી રાધાજીના હાથમાં વાંસળી છે. જો તે વાંસળી મૂકીને ઠાકોરજીનું સુદર્શન હાથમાં લેશે તો તારું શું થાશે વિચાર...’
‘વિચારવાનું મારે નહીં તારે છે વલ્લભ... હવે તમે કોઈ બચવાના નથી.’ શેખરે આજુબાજુમાં જોયું, ‘જો તું, તારા ને આ છોકરી સિવાય અહીં બીજું કોઈ નથી.’
‘તારી ભૂલ છે વાલીડા...’ વલ્લભમાં હિંમત આવી ગઈ હતી, ‘ઠાકોરજી હોય ત્યાં રાધા હોય કે ન હોય, પણ રાધા હોય ન્યાં તો મારો ઠાકોરજી હાજરાહજૂર હોય.’
‘સાવ સાચું વલ્લભ... હું એકલી નથી.’ રાધાએ પોતાના કાને લાગેલો વાયરલેસ ઇઅર-પીસ દબાવ્યો, ‘તું જેને તારો બાયર માનતો હતો તે બીજું કોઈ નહીં અમારી જ ટીમના અન્ડરકવર ઑફિસર હતા. વલ્લભને હેલ્પ કરનારા મુરલીધર, ગોપાલદાસ અને ખાડીમાં મળેલો વાસુદેવ એ તમામ આ સ્પેશ્યલ ઑપરેશનના અધિકારી હતા અને અત્યારે પણ આ ધર્મશાળાની આજુબાજુમાં બધા તહેનાત છે... આ જો.’
રાધાએ પોતાના ટૅબ્લેટની સ્ક્રીન શેખર તરફ ફેરવી. 
ટૅબ્લેટ પર મુંબઈ પોલીસ હેડક્વૉર્ટરનો કન્ટ્રોલ-રૂમ લાઇવ દેખાતો હતો. શેખરે અત્યાર સુધી કરેલી તમામ કબૂલાતો, પૈસાની લેતીદેતી અને ખૂન કરવાના આદેશો સીધાં ઑડિયો-વિડિયો સાથે રેકૉર્ડ થઈ ચૂક્યાં હતાં.
પરિસ્થિતિ હાથમાંથી સરકતી જોઈને શેખરે જમીન પર પડેલી પિસ્તોલ ઉપાડીને રાધા પર તાકી. 
‘વલ્લભ, બૅગ આપી દે, નહીં તો આ છોકરી કાયમ માટે જશે.’ ઍક્શન મુદ્રામાં રહીને જ શેખરે આદેશ આપ્યો, ‘રઘુ, જલદી કર...’
રઘુ પોતાની જગ્યાએથી એક ઇંચ પણ મૂવ ન થયો.
શેખર માટે એ નવીન હતું.
શેખરે ફરી રાડ પાડી.
‘રઘુ... જલદી કર...’ 
‘સૉરી...’ 
રઘુ આગળ આવ્યો.
‘શેખરભાઈ, હવે બહુ થયું... હું થાક્યો છું આ બધાથી.’ રઘુનો અવાજ ભારે હતો. ‘હૉસ્પિટલમાં જ્યારે વલ્લભે પોતાના જીવના જોખમમાં પિન્કીની દવાની બૅગ પાછી આપી ત્યારે જ હું આ માણસને ઓળખી ગયો હતો.’
‘પિન્કી સાથે તારે શું લેવાદેવા...’
‘તે મારી સગી ભાણેજ છે શેખરભાઈ...’ રઘુની આંખમાં આંસુ આવી ગયાં, ‘બૅગની અદલાબદલી થઈ ગઈ અને મૂર્તિવાળી બૅગ એ લોકો પાસે જતી રહી ત્યારે તમે શું કહ્યું હતું?’
lll
‘રઘુડા, મારી નાખ તેના બાપને, મારી નાખ તે છોકરીને. મારી એક જ વાત છે...’ શેખરે ફોન પર જ આદેશ આપ્યો હતો, ‘મને એ બૅગ જોઈએ. મૂર્તિ કોઈના હાથમાં જવી ન જોઈએ. વલ્લભ નડે તો તેને પણ માર અને જેની પાસે બૅગ છે એ હૉસ્પિટલની પેશન્ટનો બાપ કે પેશન્ટ નડે તો તેને પણ માર...’ 
lll
‘હું તમારી વાત માની ગયો હોત જો મેં મારા બનેવીને ત્યાં જોયા ન હોત, જો મને ખબર ન પડી હોત કે હૉસ્પિટલમાં મારી જ ભાણેજને દાખલ કરી છે.’ રઘુની આંખોમાંથી આંસુ વહેતાં હતાં, ‘એ તો વલ્લભ હતો જે પિન્કીની હૉસ્પિટલની ફાઇલ અને મારા બનેવીના પૈસા લઈને સામેથી આવ્યો અને તેને પોતાની બૅગ મળી નહીં તો પણ તેણે સામેથી, દલીલ વિના, વાત વિના, પિન્કીના ઑપરેશનના પૈસા આપી દીધા.’
રઘુએ વલ્લભની સામે જોયું.
‘હું ગુનેગાર છું, પણ હું... હું તમારા જેવા ભલા માણસ પર ફરી હાથ ઉપાડીને નર્કમાં જવા નથી માગતો. મને માફ કરો...’
શેખર એકલો પડી ગયો હતો, પણ શૈતાન ક્યારેય એકલો હોતો નથી. 
‘સારું... તો આ રમત હવે હું મારી રીતે પૂરી કરું. સ્ટોરીનો વિલન હું તો પછી નૅચરલી એન્ડ પણ મારે લાવવાનોને? 
શેખરે પોતાના જૅકેટની અંદરથી એક નાનું રિમોટ ડિટોનેટર બહાર કાઢ્યું. 
‘અત્યારે આ આખી ધર્મશાળા, જેના પર તમે ઊભા છો એ મથુરા છે મથુરા... આખી ધર્મશાળાના પાયામાં મેં RDX પાથરી રાખ્યો છે! જો હું મરીશ તો તમે બધા પણ મારી સાથે મરી જશો અને સાથે તમારો આ બૅગમાં ભરેલો ઠાકોરજી પણ...’
શેખરના ચહેરા પર રાક્ષસી ભાવો હતા.
તેણે રિમોટનું લાલ બટન દબાવવા માટે અંગૂઠો ઊંચો કર્યો અને આખી ધર્મશાળામાં મોતનાં પડઘમ પથરાઈ ગયાં. રાધા પણ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગઈ. જોકે હજી એક ઘટના બાકી હતી.
શેખરે રિમોટ ઊંચું કર્યું કે અડધી સેકન્ડમાં વલ્લભના શરીરમાં અદ્ભુત અને અકલ્પ્ય ઊર્જાનો સંચાર થયો. તેના કાનમાં ભાઈ ઠાકોરજીના શબ્દો ગુંજી ઊઠ્યા.
‘વલ્લભ... રામ પણ તારામાં ને કંસ પણ તારી અંદર. જે સમયે મેં નિર્દોષને હેરાન કર્યા એ સમયે હું કંસ ને જે સમયે મેં કંસનો નાશ કર્યો એ સમયે હું કૃષ્ણ... કંસ પણ તું ને કૃષ્ણ પણ તું...’ 
વલ્લભે ક્ષણવાર માટે આંખો બંધ કરી અને તેની સામે પાંચ માથોળા તાકાત ધરાવતો કંસ આવી ગયો. વલ્લભે આંખો ખોલી અને બીજી જ સેકન્ડે તેણે પોતાના હાથમાં રહેલી ભારે કાળી બૅગ તાકાતથી સાથે શેખરના હાથ પર ફટકારી.
આહ...
બૅગ સીધી શેખરના કાંડા સાથે અથડાઈ અને આંચકા સાથે રિમોટ ડિટોનેટર શેખરના હાથમાંથી છટકીને ધર્મશાળાની દીવાલ સાથે અથડાતાં ખાડીના પાણીનાં મોજાંમાં જઈને પડ્યું. શેખર હજી પણ અવઢવમાં હતો, પણ વલ્લભમાં રહેલો ઠાકોરજી જાગી ગયો હોય એમ તેણે શેખરનો કાંઠલો પકડીને તેને ધર્મશાળાના વિશાળ પથ્થરના થાંભલા સાથે પછાડ્યો. શેખરના હાથમાંથી પિસ્તોલ છટકી ગઈ અને તે લોહીલુહાણ થઈને જમીન પર ઢળી પડ્યો.
વોઓંઓંઓં...
સાયરનો વગાડતી મુંબઈ પોલીસની ક્વિક રિસ્પૉન્સ ટીમ ધર્મશાળામાં ધસી આવી. કમાન્ડોએ ક્ષણવારમાં શેખર અને તેના બાકીના સાથીઓને જમીનદોસ્ત કરીને હાથકડીઓ પહેરાવી દીધી.
આ બધી પ્રક્રિયા દરમ્યાન વલ્લભે ફરીથી બૅગ ઉપાડી લીધી હતી અને ઓછામાં ઓછા પાંચ વાર પગે પણ લાગી લીધું હતું. રાધા ધીમા પગલે વલ્લભ પાસે આવી. તેણે વલ્લભ સામે હાથ લંબાવ્યો અને યંત્રવત્ રીતે વલ્લભનો બૅગવાળો હાથ પીઠ પાછળ જતો રહ્યો. રાધાના ચહેરા પર સ્માઇલ આવી ગયું.
‘વલ્લભ, હવે એણે જવાનું છે... એની સાચી જગ્યાએ.’
‘આવું તો રાધાજી પણ ઇચ્છતા હશેને, જ્યારે કૃષ્ણ કાયમ માટે ગોકુળ છોડીને જવા માટે નીકળ્યા ત્યારે?’ રાધાના ચહેરા પર મક્કમતા હતી, ‘વલ્લભ વિરહનો, વિદાયનો અર્થ એવો નથી કે એ તમને છોડીને જાય છે. વિરહનો અર્થ એ છે કે તમે તેના વિના પણ તેની સાથે જીવવાનો અનુભવ કરો અને એ અનુભવના આધારે જ્યારે તે તમને તમારું પ્રિય પાત્ર ફરી મળે ત્યારે તેને એવો પ્રેમ આપો કે તે ક્યારેય તમને મૂકીને જાય નહીં ને જાય તો જતી વખતે પણ તેને વહેલા પણ પાછા ફરવાનું મન થઈ આવે.’
‘હું... હું તો સાવ ગાંડિયો છું... બધાય મને મગજ-મેડ કયે. બસ, ખાલી આ મારો ઠાકોરજી એક એવો હતો જેણે મને ક્યારેય ગાંડિયો કે મગજ-મેડ માન્યો નહીં...’ વલ્લભનો ડાબો ખભો ફરી ખેંચાવો શરૂ થઈ ગયો હતો, ‘પહેલાં માબાપ પાસેથી ઠાકોરજી મળ્યા ને પછી ઠાકોરજીને લીધે ભાઈ ઠાકોરજી મળ્યા. પણ પછી તો તેણે પણ હાથ મૂકી દીધો ને એય ઠાકોરજી પાસે ધામમાં જતા રહ્યા... હવે આ... આ...’
‘આ ત્રીજા ઠાકોરજી આવ્યા...’ રાધાએ ધીમેકથી બૅગ વલ્લભના હાથમાંથી લીધી, ‘ત્રીજા ઠાકોરજીએ તને ત્રણગણી તાકાત આપી, તારી પાસે આટલું મોટું કામ કરાવ્યું ને તમે, તમે માત્ર મૂર્તિ નહીં... પણ દેશની પવિત્ર ધરોહર અને લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું રક્ષણ કર્યું.’ 
‘આ જશે પછી તો હું પાછો એકલોને...’
‘આવું રાધાજી ક્યારેય બોલ્યાં નથીને?’ રાધાની આંખો સહેજ ભીની થઈ, ‘રુક્મિણી એક વાર રાધાને મળ્યાં ત્યારે તેણે રાધાને પૂછ્યું હતું કે કૃષ્ણ વિના તું કેવી રીતે રહી શકે છે? ખબર છે રાધાએ ત્યારે શું જવાબ આપ્યો હતો...’
‘પૂછો તમારા શ્યામને, તે મારા વિના કેવી રીતે શ્વસી શકે છે...’ વલ્લભની આંખોમાં આંસુ આવી ગયાં, ‘ને પછી રુક્મિણીએ કાનાના હૃદય પર કાન મૂક્યો ત્યારે ખબર પડી કે એમાં તો એકેય ધબકારો જ નથી...’
‘તું ઠાકોરજીનો ધબકારો છો... તારા વિના તારો ઠાકોરજી ન રહે...’ રાધાએ કૃષ્ણની મૂર્તિને ફરી વાંસળી પહેરાવી, ‘જોજે તું, તે આવશે, ફરી પાછો તારી પાસે આવશે ને આ વખતે આવેને વલ્લભ, ત્યારે તેને કહેજે કે હવે તારે મને છોડીને નથી જવાનું.’
‘હા, એવું જ કહી દઈશ હું...’ 
આંખ સાફ કરતાં વલ્લભે સામે જોયું અને તેની આંખો પહોળી થઈ ગઈ.
સામે ઇન્સ્પેક્ટર કદમ ઊભા હતા. તેના હાથમાં બૅગ હતી અને કદમે તેને સૅલ્યુટ કરી હતી. વલ્લભની આંખોમાં આંસુની સાથે આ વખતે ચમકારો પથરાઈ ગયો હતો.
કદંબના વૃક્ષની તાજી ખૂશ્બુ વલ્લભનાં ફેફસાં ભરાવા માંડી હતી.
(સંપૂર્ણ)


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2026 07:13 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK