‘કાલ નહીં થાય, એકાદ દિવસ લાગશે. તેનું રૂટીન ચેક કરવું પડશે.’ ફોનના સામા છેડેથી ઉસ્માને જવાબ આપ્યો, ‘કામ થઈ જશે એ નક્કી પણ થોડીક શાંતિ રાખવી પડશે.’
ઇલસ્ટ્રેશન
‘ભાઈસા, અત્યારે શાંતિ રાખને...’
સ્ટેશને મળતાં જ વલ્લભ ઠાકોરજીને ભેટી પડ્યો હતો. તેની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. વલ્લભને રડતો જોઈને ઠાકોરજીની આંખમાં પણ આંસુ આવી ગયાં હતાં. દૂર બેઠેલા એક રેલવે-કૉન્સ્ટેબલની નજર પણ એ બન્ને પર ક્યારથી હતી. પાંચ મિનિટથી પણ વધારે સમય સુધી બન્ને એકબીજાને ભેટેલા રહ્યા અને એ પછી વલ્લભે પગથી માથા સુધી ઠાકોરજીને જોયા.
ADVERTISEMENT
‘ઠાકોરજી, તમે તો એયને મસ્ત શરીર બનાવી લીધુંને કંઈ...’ વલ્લભે ઠાકોરજીનાં બાવડાં પર હાથ ફેરવ્યો, ‘ઉંમર જરાય દેખાતી નથી.’
‘ક્યાંથી દેખાય વાલીડા.’ ઠાકોરજીના ચહેરા પર સ્માઇલ હતું, ‘ચોખ્ખા ઘી-દૂધની અસર તો દેખાયને?’
‘એ પણ છે હં. બાકી અમારા મુંબઈમાં તો ચોખ્ખા દૂધના નામે વાસ વિનાનું ફિનાઇલનું પાણી પધરાવી દે છે.’
‘દોસ્ત, આ ભેળસેળ કરવાવાળાએ પણ જવાબ દેવાનો આવશે. તું જોતો જા.’ ઠાકોરજીએ વલ્લભના ખભે હાથ મૂક્યો, ‘ઔર કાઈ સમાચાર હૈ? રાજી-ખુશી હો ને?’
‘અરે, ઠાકોરજી બેઠા હોય પછી આપણે શેની ચિંતા?’ વલ્લભે ચોખવટ પણ કરી, ‘મારા ઠાકોરજીનું કહું છું હં... તમારો ઉપકાર તો છે જ, તમે નોકરી અપાવી એ હજી સુધી અકબંધ છે ને શેઠેય સારા છે.’
‘શું નામ હતું તેનું?’
‘હતું નહીં, છે. હજી એ જ નામ રાખ્યું છે... આકાશ મહેતા...’ વલ્લભે વાતનો તંતુ પકડ્યો, ‘અરે ઠાકોરજી, તેને તમારું બહુ અગત્યનું કામ છે. ખબર છે, તમને ગોતવા હું છેક જોધપુર આવી ગયો પણ ક્યાંય તમે મળ્યા જ નહીં ને પાછું મારી પાસે તમારું ઍડ્રેસ નહીં. નામ આપું તો અડધોઅડધ સામે ઠાકોરજી મળે.’
ઠાકોરજી ખડખડાટ હસી પડ્યા.
‘હું આકાશ શેઠને ફોન કરું કે તમે સામેથી મુંબઈ આવી ગયા.’
‘ભાઈસા, અત્યારે શાંતિ રાખને.’ ઠાકોરજીએ ધરપત આપી, ‘હું અહીં તારી પાસે બે દિવસ રોકાવાનો છું. સવારે આપણે આરામથી મળી લેશું. અત્યારે તારા શેઠ સૂતા હશે, તેને સૂવા દે...’
એવું જરા પણ નહોતું.
રાતે અઢી વાગ્યાના સુમારે આકાશ મહેતાનો ફોન ચાલુ હતો.
lll
‘ફોટો મોકલ્યો છે, જોઈ લે ધ્યાનથી. વિગત તને પહેલાં જ આપી દીધી છે.’ આકાશ મહેતાનો અવાજ સહેજ દબાયેલો હતો, ‘બપોર પહેલાં કામ થઈ જવું જોઈએ.’
‘કાલ નહીં થાય, એકાદ દિવસ લાગશે. તેનું રૂટીન ચેક કરવું પડશે.’ ફોનના સામા છેડેથી ઉસ્માને જવાબ આપ્યો, ‘કામ થઈ જશે એ નક્કી પણ થોડીક શાંતિ રાખવી પડશે.’
‘પરમ દિવસથી સહેજ પણ મોડું ન થવું જોઈએ.’ હૉલમાં પોતે એકલો જ છે એની ખાતરી કરી આકાશે વાત આગળ વધારી, ‘પેમેન્ટ વધારવું હોય તો વધારી દે પણ પરમ દિવસથી એક મિનિટ પણ મોડું નહીં ચાલે.’
‘ડન... જો કામને વધારે સેફ કરવું હોય તો એનો રસ્તો પણ છે.’ ઉસ્માને કહ્યું, ‘એવા ડ્રાઇવરને કામ સોંપું જેની પાસે દુબઈના કરન્ટ વીઝા છે. તમારા કૉર્પોરેશનના પેલા ઑફિસરને હિટ ઍન્ડ રનમાં ઉડાડીને તે ત્યાંથી નીકળી જશે અને ઘટનાના ચાર કલાકમાં દુબઈ જવા રવાના થઈ જશે. એનો ફાયદો તમને થશે. ગાડી ચોરાઈ અને ડ્રાઇવર ફરાર, જે દેશમાં છે જ નહીં... પણ ખર્ચ, તમે કહ્યું એમ વધી જશે.’
‘કેટલા વધશે?’
‘બીજા પંદર લાખ... પૂરેપૂરા એ ડ્રાઇવરને મળશે.’
‘ડન... પણ તેણે ચેક કરવાનું રહેશે કે રસ્તોગી મરી ગયો છે. જો રસ્તોગી મરે તો જ મારું કામ આગળ વધે એમ છે.’
‘કન્ફર્મ... બધું પાક્કા પાયે થશે.’ ઉસ્માને ફોન મૂકતા પહેલાં છેલ્લી સૂચના આપી, ‘પેમેન્ટ દિરહામમાં, દુબઈમાં કરવાનું છે. હવાલો પડે એટલે મને મેસેજ કરી દેજો.’
lll
‘હું શું બોલ્યો હતો ઠાકોરજી, શેઠ સૂતા ન હોય... તે બહુ ટેન્શનમાં છે.’ વલ્લભે ફોન કટ કરતાં કહ્યું, ‘અત્યારે પણ તે બિચારા ફોન પર ચોંટેલા છે. મને થાય છે ઠાકોરજી, આપણે સીધા તેના ઘરે જઈએ. શેઠ આપણને મળશે જ.’
‘તારે અત્યારે છેક બોરીવલીથી જુહુ જવું છે?’
‘હા, જો તમે મને મળવા છેક જોધપુરથી અહીં આવી શકો તો પછી હું મારા શેઠને મળવા જુહુ ન જઈ શકું?’
વલ્લભે પીઠ પાછળ નજર કરી ટ્રેનનું શેડ્યુલ જોયું. જોકે એ જોયા પછી તેના ચહેરા પરથી રોનક ઊડી ગઈ હતી.
‘હવે તો ચાર ને પંચાવને છેક ટ્રેન મળશે.’ અચાનક વલ્લભે પૂછ્યું, ‘ઠાકોરજી, રિક્ષાવાળો આવશે, રિક્ષામાં જાવું છે?’
‘અરે ભાઈ, કાંઈ ઉતાવળ છે? માયલા (અંદર) શાંતિ રાખ...’
‘આ તમે મારવાડી બહુ બોલવા માંડ્યા ઠાકોરજી... પહેલાં અહીં હતા તો કેવું ફાટ-ફાટ હિન્દી ને ગુજરાતી બોલતા, હવે આ મારવાડી...’
‘આટલાં વર્ષથી ત્યાં રહેવા માંડ્યો છું તો પછી જબાન પર મારવાડી આવેને વાલીડા...’ ઠાકોરજીએ સ્માઇલ સાથે કહ્યું, ‘ચાલ અત્યારે તારા ઘરે જઈએ. જોઉં તો ખરું તારું ઘર કેવું છે.’
‘એક વાર, છેલ્લી વાર શેઠને ફોન કરી લઉં? કદાચ વાત થઈ જાય.’ વલ્લભભે વધુ એક વાર ચોખવટ કરી, ‘તે સાચે જ બહુ ટેન્શનમાં હોય છે. તમે આવી ગયા એ ખબર તેને રાજી કરી દેશે. છેલ્લી વાર...’
ઠાકોરજીના જવાબની રાહ જોયા વિના જ વલ્લભે ફરી આકાશ મહેતાને ફોન લગાડી દીધો. આ વખતે આકાશના ફોન પર રિંગ ગઈ. આકાશ અને ઉસ્માનની વાત હજી હમણાં જ પૂરી થઈ હતી. હાથમાં રહેલો ફોન હજી તો સહેજ વાઇબ્રેટ થયો ત્યાં જ આકાશે ફોન રિસીવ કરી લીધો.
‘બોલ વલ્લભ...’
આટલી મોડી રાતે વલ્લભ તેને ફોન કરે એવું ક્યારેય બને નહીં એટલે આકાશે ફોન આવવાનું અનુમાન લગાવી લીધું હતું અને એ જ બન્યું.
‘શેઠ, ઠાકોરજી આવી ગયા. સામેથી. અત્યારે અહીં મારી સામે જ ઊભા છે.’ વલ્લભનું બડબડ શરૂ થયું, ‘મેં તમને કીધું હતુંને, મારો ઠાકોરજીને બધાં કામ કરી આપે. જુઓ, તેણે જીવતાજાગતા ઠાકોરજીને મોકલી દીધા. સીધો તેનો ફોન જ આવ્યો. તે પોતે બોરીવલી આવ્યા છે. બેચાર દિવસ મારી સાથે રહેવા...’
‘હંમ... વલ્લભ, એક કામ કર, ઠાકોરજીને સવારે ઑફિસ લઈ આવ.’
આકાશનું કામ પૂરું થઈ ગયું હતું એમ છતાં ઠાકોરજી હાથમાં રાખવા પડે એમ હતા એ વાત તેને
સમજાતી હતી.
‘તારા ઘરે તેને ન ફાવે તો તું નીલમને ફોન કરીને હોટેલ બુક કરવાનું કહી દે.’ આકાશે ચોખવટ સાથે કહ્યું, ‘ઠાકોરજીને અત્યારે આપણા મહેમાન છે. તેને જરા પણ તકલીફ ન પડવી જોઈએ.’
‘અરે, મહેમાન-બહેમાન છોડો શેઠ, આપણે કહીએ તો ઠાકોરજી બાંકડા ઉપર પણ મારા ભેગી રાત કાઢી નાખે.’ વલ્લભના અવાજમાં ઉત્સાહ હતો, ‘તમે જાગતા હો તો ખાલી મને એટલું કહો કે અમે અત્યારે તમને મળવા બંગલે આવી જાઈ? શું છે, તમને ટેન્શનમાં જોઈને મારો જીવ બહુ બળતો હતો.’
‘ના, ના... અત્યારે હેરાન થવાની જરૂર નથી વલ્લભ. ઠાકોરજી પણ થાક્યા હશે. સવારે શાંતિથી મળીએ. તું તેને સવારે જ ઑફિસ પર લઈ આવ...’
‘ભલે શેઠ...’ ફોન કટ કરીને વલ્લભે ઠાકોરજી સામે જોયું, ‘જુઓ, આનું નામ શેઠ. મને કહે છે કે ઠાકોરજી અત્યારે થાક્યા હશે, તું તેને આરામ કરવા દે... ને ભાઈ, બીજું મને શું કીધું ખબર છે તમને, મને કહે કે ઠાકોરજીને તારે ત્યાં ન ફાવે તો આપણે હોટેલ કરી નાખીએ. મને કહી પણ દીધું કે પેલી તેની સેક્રેટરી છેને, નીલમ, તેને ફોન કરીને હોટેલનું કહી દઉં. બોલો, કેવા ભલા માણસ છે?’
ઠાકોરજીના ચહેરા પર સ્માઇલ હતું.
‘હવે તમે નક્કી કરો શું કરવું છે? હોટેલના મસ્તમજાના પોચા-પોચા ગાદલામાં સૂવું છે કે પછી આ ભાઈના ઘરે એય મસ્તીની વાતુ કરતાં-કરતાં જાગવું છે?’
‘જાગવું છે. મારા આ ભાઈ સાથે મસ્તીથી વાતો કરવી છે.’ ઠાકોરજીએ વલ્લભના ખભા પર હાથ મૂક્યો, ‘ચાલ, તારે ત્યાં જઈએ.’
વલ્લભ અને ઠાકોરજીને ક્યારના જોતા દૂર બેઠેલા પેલા કૉન્સ્ટેબલને ખબર નહીં કેમ, પણ એ મિત્રતામાં સુદામા અને કૃષ્ણ દેખાયા!
lll
સવારે દસ વાગ્યે આકાશ લિફ્ટમાંથી હજી તો બહાર
નીકળ્યો ત્યાં જ તેની સામે વલ્લભ આવી ગયો.
‘શેઠ, ઠાકોરજી ભેગા જ આવી ગયા છે. તમારી જ રાહ જુએ છે.’
‘અરે વાહ.’
આકાશ ઑફિસમાં દાખલ થયો અને સામે રહેલા આલીશાન સોફાના એક કૉર્નર પર ઠાકોરજી બેઠા હતા. તેના ચહેરા પર સ્માઇલ હતું અને નજર તેની ઑફિસમાં ફરતી હતી.
‘આવો આવો ઠાકોરજી... વર્ષો પછી.’ આકાશે ઠાકોરજી સામે હાથ લંબાવ્યો, ‘આવો, આપણે અંદર બેસીએ.’
ઠાકોરજીએ વલ્લભ સામે જોયું.
‘આવ વલ્લભ.’
‘તમે શેઠ સાથે જાઓ. હું મારાં બીજાં કામ પતાવું.’ વલ્લભે ઠાકોરજીને રવાના કરતાં પહેલાં તાકીદ પણ કરી, ‘બપોરનું જમવાનું મારી ભેગું છે હં... આપણે પહેલેથી નક્કી કર્યું છે.’
lll
‘સારું થયું કામ બીજાને સોંપી દીધું.’ ટેબલ પર પડેલી ઠાકોરજીની મૂર્તિ પર નજર સ્થિર કરતાં ઠાકોરજીએ આકાશને કહ્યું, ‘મેં આ કામ છોડી દીધું છે.’
‘મને ખબર છે અને એટલે જ તમે કાયમ માટે રાજસ્થાન તમારા ઘરે ચાલ્યા ગયા, પણ મારી એક રિક્વેસ્ટ છે. જો આ કામ ન થયું તો તમારે મને હેલ્પ કરવી પડશે.’ આકાશના અવાજમાં સહેજ ગડમથલ હતી, ‘મને લાગે છે કે કામ થઈ જવું જોઈએ પણ જો ન થયું તો મારી પાસે તમારા સિવાય બીજું કોઈ નથી ઠાકોરજી. તમારે જ આમાંથી રસ્તો કાઢવો પડશે.’
‘આવું બધું કરવાને બદલે સરળ કરોને. રસ્તોગીને મળો, વાત કરો, તેને સમજાવો.’
‘બધું કરી જોયું પણ તે માનતો જ નથી. વાત રહી મારી મળવાની તો ઠાકોરજી, એ જડ જેવો મને તો મળવા પણ નથી માગતો.’ આકાશના ચહેરા પર સ્ટ્રેસ હતું, ‘મારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. રસ્તોગીએ હવે મરવું પડશે.’
‘તમારી ઇચ્છા... એમાં તો હું કંઈ કહી શકું નહીં.’ ઊભા થઈને ઠાકોરજીએ હાથ જોડ્યા, ‘હું હવે નીકળું, મારે અહીં બીજા મિત્રોને પણ મળવું છે.’
‘હા શ્યૉર... તમને ગાડી જોઈતી હોય તો મારો ડ્રાઇવર સાથે આવે.’ ઠાકોરજીએ નકારમાં માથું ધુણાવ્યું એટલે આકાશે આગ્રહ કર્યો, ‘આ ફૉર્માલિટી નથી ભાઈ, આપણા જૂના સંબંધોના નાતે કહું છું.’
‘એ જ જૂના સંબંધના નાતે હું ના પાડું છું.’ ઠાકોરજીએ સ્માઇલ સાથે કહ્યું, ‘વલ્લભ છે, જો તમને વાંધો ન હોય તો હું તેને મારી સાથે લઈ જઉં. શું છે, મુંબઈ ઘણું બદલાઈ ગયું છે.’
‘હા શ્યૉર... મારે એનું કંઈ કામ નથી. તમે વલ્લભને લઈ જાઓ.’
દરવાજે પહોંચીને ઠાકોરજીએ પાછળ ફરીને જોયું.
‘શેઠ, વલ્લભને અત્યાર સુધી સાચવી રાખવા માટે થૅન્ક યુ.’
‘વલ્લભ આપવા માટે મારે પણ તમને એ જ કહેવું પડે... થૅન્ક યુ.’ આકાશના ચહેરા પર પહેલી વાર સ્માઇલ આવ્યું, ‘બસ, એટલું ધ્યાન રાખજો. કામ ન થાય તો તમારે મને હેલ્પ કરવાની છે.’
ઠાકોરજી ચેમ્બરની બહાર
નીકળી ગયા.
હવે તેણે વીજળીવેગે કામે લાગવાનું હતું અને એમાં વલ્લભ સિવાય બીજું કોઈ તેને મદદ કરી શકે એમ નહોતું.
વધુ આવતી કાલે
