Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ધ કિલર ટૅટૂ નાનો હોય કે મોટો, ન્યાયનો હક દરેકનો (પ્રકરણ ૩)

ધ કિલર ટૅટૂ નાનો હોય કે મોટો, ન્યાયનો હક દરેકનો (પ્રકરણ ૩)

Published : 22 July, 2026 10:45 AM | IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ભોંયરાની ઉપર બનેલી લાકડાની કૅબિન પાસે કદાવર રીંછ જેવો અન્ના ઊભો હતો. અન્નાના હાથમાં લોખંડનો બેલ્ટ હતો અને તેની પાછળ ૪ હથિયારધારી બૉડીગાર્ડ હતા.

ઇલસ્ટ્રેશન

વાતૉ-સપ્તાહ

ઇલસ્ટ્રેશન


કાંદિવલી પોલીસ-સ્ટેશનના સ્પેશ્યલ ઇન્ટરોગેશન રૂમનું વાતાવરણ ગંભીર હતું. બહાર પડતો વરસાદ ક્યારેક ધીમો તો ક્યારેક સાંબેલાધાર વરસતો હતો. વરસતો એ વરસાદ રૂમની અશાંતિને વધુ ગાઢ બનાવતો હતો. લૉક-અપમાં બેઠેલા રાનુના મોઢેથી રાજુના ગુનાઓની વાત સાંભળીને ઇન્સ્પેક્ટર સુરેશ સાળુંકે સ્તબ્ધ હતા, પણ ડિટૅક્ટિવ સોમચંદના ચહેરા પર સ્મિત પ્રસરી ગયું હતું. તેની નજર રાનુ પર હતી.

‘સાળુંકે, આ માણસ કમનસીબ છે. તેનામાં પ્રોફેશનલ સ્ક્રિપ્ટ-રાઇટર જેવી ટૅલન્ટ હોવા છતાં જુઓ બિચારો હજી પણ કરીઅરમાં કેવાં ગોથાં ખાય છે.’



‘ના, હું... હું હવે સાચું કહું છું.’


સટાક...

સોમચંદના હાથની છાપ રાનુના ચહેરા પર છવાઈ ગઈ.


‘ગુનેગાર જ્યારે ચારેય તરફથી ઘેરાય ત્યારે તે એક એવી ચાલ રમે જેથી પોલીસ દિશાહીન થાય.’ સોમચંદે સાંળુકે સામે જોયું, ‘રાનુ આપણને રાજુના નામે હજી પણ ફેરવી રહ્યો છે, પણ એને ખબર નથી કે વધુ પડતી ચાલાકી પણ કેટલીક વાર જોખમી બની જાય.’

સોમચંદ રાનુની નજીક ગયા. રાનુ ખુરસી પર ટટ્ટાર બેઠો હતો. તેના ચહેરા પરથી લાચારી ગાયબ થઈ ગઈ હતી.

‘રાનુ, તેં તો રાજુને સિરિયલ કિલર બનાવી દીધોને... પણ...’ સોમચંદે ઘટસ્ફોટ કર્યો, ‘તું એક જગ્યાએ ભૂલ કરી ગયો.’

‘કઈ ભૂલ, શેની ભૂલ?’

‘તેં કહ્યું કે રાજુએ વસઈમાં પોતાની બીજી પત્નીને મારી નાખી, પણ જો તેણે એ કામ કર્યું હોત તો તે પોતાની લાલટેન લઈ જવાનું ચૂક્યો ન હોત. એ લાલટેન રાજુએ મૂકી જ નથી, એ લાલટેન તેં મૂકી છે.’

‘ના, એ... એ રાજુની જ છે.’

‘જે માણસ એક મર્ડર કરીને લાશને છેક જંગલ સુધી લઈ જઈ શકે, લાશને બાળવાની આખી કાર્યવાહી પૂરી કરે તે માણસ ઉતાવળે તો ત્યાંથી ભાગ્યો ન જ હોય રાનુ...’ ડિટેક્ટિવ સોમચંદે તર્ક લગાવ્યો, ‘આ લાલટેન રાજુની છે જ નહીં, આ લાલટેન તેં મૂકી છે... અને આ આખો કાંડ પણ તારો છે.’

‘ખોટી વાત, તમે... તમે મને ફસાવવા માગો છો. ગરીબ માણસને હેરાન કરો છો... હું... હું તમારી સામે ઍટ્રોસિટી...’

ટ્રિન... ટ્રિન... ટ્રિન...

રાનુ આગળ કંઈ બોલે એ પહેલાં જ ઇન્સ્પેક્ટર સાળુંકેના ફોનની રિંગ વાગી. સાળુંકેએ સ્ક્રીન પર જોયું. ફોન વસઈ પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર પાટીલનો હતો. સાળુંકેએ ફોન સ્પીકર પર મૂક્યો.

‘હા પાટીલ બોલ...’ સોમચંદે

ઊંચા અવાજે કહ્યું, ‘હું અને સાળુંકે સાથે જ છીએ.’

‘સર, બહુ મોટી અપડેટ છે...’ પાટીલના અવાજમાં જબરદસ્ત ઉત્સાહ હતો, ‘વસઈમાં જે ઘરની તપાસ કરવાની હતી એ અમે કરી લીધી. એ રૂમના માલિકનું સ્ટેટમેન્ટ હમણાં જ લીધું. એ મકાન રાજુના નામે નહીં પણ રાનુના નામે બુક થયું છે.’

સોમચંદે રાનુ સામે જોયું. રાનુના ચહેરા પર પ્રસ્વેદબિંદુ બાઝવા માંડ્યાં હતાં. મોબાઇલના સ્પીકરમાંથી હજી પણ પાટીલનો અવાજ આવતો હતો.

‘પાડોશીઓએ રાજુનો ફોટો જોઈને ચોખ્ખી ના પાડી દીધી કે આ માણસ ત્યાં રહેતો જ નહોતો. ત્યાં રાનુ પોતે કોઈ છોકરી સાથે રહેતો હતો. અમે રાનુનો ફોટો દેખાડ્યો તો રાનુને એ લોકો તરત ઓળખી ગયા...’

સાળુંકે અને સોમચંદે એકબીજા

સામે જોયું.

‘થૅન્ક યુ પાટીલ... ગુડ જૉબ.’

સાળુંકેએ ફોન કટ કર્યો અને સોમચંદે રાનુના શર્ટનો કૉલર પકડી લીધો. સોમચંદની આંખોમાં ગુસ્સો હતો.

‘બહુ મોટી ચાલ રમવા જતો હતોને, રાજુને બદનામ કરી જાતને બચાવવી હતી?! હવે લાસ્ટ ચાન્સ છે, જલદી બોલ... તે છોકરી કોણ હતી? શું કામ તેં તેને મારી, જવાબ દે...’

આટલી ઝડપથી આખી બાજી બદલાઈ જશે એવું રાનુએ કલ્પનામાં પણ નહોતું વિચાર્યું. તેની આંખોમાં આંસુ આવી ગયાં હતાં.

‘મને મૂકો સાહેબ, હું... હું બધું કહું...’

સોમચંદે રાનુના બે પગ વચ્ચે ધીમેકથી લાત મારી.

‘સાલ્લા, અહીં વાર્તા સાંભળવા આવ્યો છું? નીચ... બધેબધું સાચું કહી દે, હવે બીજું કંઈ નીકળ્યું છે તો જે લાત ધીમેકથી મારી એ કચકચાવીને મારીશ.’

સોમચંદની ધીમી લાત પણ રાનુનો જીવ અધ્ધર કરી ગઈ હતી.

‘કોણ હતી તે છોકરી, બોલ...’

‘ગીતા... ગીતા હતી એ.’

‘ગીતા કોણ, તારી મા?!’

‘ના...’ થપ્પડની બીકે રાનુએ બન્ને ગાલ પર હાથ મૂકી દીધા, ‘શોભાની નાની બહેન ગીતા... ધરમપુરથી આવી હતી.’

‘શું કામ મારી...’

સોમચંદે એકદમ શાંતિથી સવાલ કર્યો અને રાનુએ જેવો ગાલ પરથી હાથ હટાવ્યો કે કચકચાવીને ગાલ પર લાફો જડી દીધો.

‘આખી વાત ને સાચી વાત... ફટાફટ.’

‘ગીતા... ગીતા ધરમપુરથી તેની બહેન શોભાને શોધવા મુંબઈ આવી. તે બેય બહેનો ફોનમાં વાતો બહુ કરે. શોભાની વાતોથી ગીતાને શક થ્યો કે મોટી બેનને કાંયક તકલીફ છે એટલે તે કાંદિવલી આવી અને ત્યારે તેને ખબર પડી કે હું ને શોભા લગન કર્યાં હોય એમ ભેગાં રહીએ છીએ. થોડીક વધારે પૂછપરછ કરતાં તેને ખબર પડી ગઈ કે મેં અને શોભાએ બે મહિના પહેલાં જ રાજુને કાયમ માટે રસ્તામાંથી હટાવી દીધો અને તેની લાશને ક્યારનીય સગેવગે કરી નાખી.’

‘મતલબ, રાજુનું મર્ડર તેં કર્યું છે, તે હવે હયાત નથી?’ સવાલના જવાબમાં રાનુ નીચું જોઈ ગયો એટલે સોમચંદે કહ્યું, ‘આગળ બોલ...’

‘ગીતાને રાજુ સાથે સારું બનતું એટલે તેણે ઘરે જઈને માબાપને વાત કરવાની જીદ પકડી અને એવું પણ કહ્યું કે તે પોલીસમાં ફરિયાદ કરશે. અમે તેને સમજાવવાની બહુ કોશિશ કરી પણ તે અમારું માની નહીં એટલે તેને ઘરે મૂકવાના બહાને હું મારા ભાઈબંધની ગાડીમાં રવાના થયો અને વસઈમાં મારે એક કામ છે એવું કહીને મેં તેને ત્યાં જ પૂરી દીધી. તે વધારે દેકારા ન કરે એ માટે હું તેને અફીણ દેવા માંડ્યો...’

રાનુએ સોમચંદની સામે જોયું, ‘આમ કેટલા દિવસ નીકળે? એટલે પછી મેં એક દિવસ ગીતાનું ગળું દબાવી દીધું અને લાશ જંગલમાં સળગાવી નાખી, પણ શોભાને ખબર પડી ત્યારે તે ગાંડી થઈ ગઈ. કાંદિવલીની રૂમમાં અમારી વચ્ચે ઝઘડો થયો, જેમાં તેણે કીધું કે હવે તે પોલીસમાં જઈને બધું કબૂલી લેશે એટલે નાછૂટકે મારે શોભાનું પણ ગળું દબાવીને મારવી પડી અને પછી લાશ મેં કૂવામાં...’

રાનુની આ કબૂલાત સાવ સાચી હતી, કારણ કે તેણે દરેક વાત સ્વીકારી લીધી હતી અને એ પણ સ્વીકાર્યું હતું કે રાજુ, શોભા અને ગીતા એમ ત્રણ-ત્રણ મર્ડર તેણે કર્યાં છે. હવે તે કોઈ રમત રમતો હોય એવી સંભાવના નહોતી અને સિંગલ સુસાઇડથી શરૂ થયેલી આખી સ્ટોરી ટ્રિપલ મર્ડર પર આવીને અટકી હતી. જોકે હજી એક મહત્ત્વની તપાસ બાકી હતી અને એ હતી દેવા અને

મીનુને શોધવાની.

‘રાનુ, હવે દેવા અને મીનુનું સાચેસાચું કહી દે...’ સોમચંદે સળગાવ્યા વિનાની સિગારેટ મોઢામાં મૂકી, ‘તે બન્ને ક્યાં છે?’

‘સર, એમાંય સાચું જ કીધું છે. એ લોકોને મેં વેચી દીધા...’ રાનુએ સમ ખાતો હોય એમ ગળાની ચામડી સહેજ પકડી, ‘શોભાને માર્યાની બીજી સવારે જ મેં છોકરાઓ આપી દીધાં. મારે તે છોકરાઓને ટ્રેનમાં બેસાડી દેવાના હતા. મેં બેસાડી દીધા. એ લોકોએ કબજો લઈ લીધો અને મને પૈસા મળી ગયા.’

‘છોકરાઓ કોને વેચ્યા...’

‘સાહેબ, તમને પણ ખબર છે કે આ પ્રકારના છોકરાઓ કોણ-કોણ લે છે?’

સટાક...

‘તું મારો ઇન્ટરવ્યુ લેવા આવ્યો છો કે સવાલ કરે છે...’ મા-સમાણી ગાળ સાથે સોમચંદની આંખોમાં ગુસ્સો આવી ગયો, ‘જવાબ આપ કોને છોકરા વેચ્યા?’

‘ધારાવી, અન્નાને...’

સોમચંદની આંખ સામે ચાઇલ્ડ ટ્રાફિકિંગનો ખતરનાક માફિયા અન્ના આવી ગયો. છ ફુટ ઊંચો અને એક હાથ પહોળો એવો અન્ના જો રાતે કોઈ કાચાપોચાની સામે આવી જાય તો તેનાં છીછી-પીપી થઈ જાય.

lll

‘સાળુંકે, હવે ટાઇમ બગાડવાનો કોઈ અર્થ નથી. વહેલામાં વહેલી તકે જો છોકરાઓને પાછા નહીં લાવીએ તો આ અન્ના દેશમાં ક્યાંય પણ તેમને વેચી નાખશે અને જિંદગીભર આપણે દેવા અને મીનુને પાછા નહીં લાવી શકીએ.’

‘સોમચંદ, તમે વિચાર તો કરો. અન્ના ધારાવીમાં છે. છોકરાઓ પણ તેણે અત્યારે ત્યાં જ રાખ્યા હશે. ધારાવીમાં જો પોલીસની ગાડીઓ ગઈ તો બધું ખલાસ. છોકરાઓ પણ હાથમાં નહીં આવે, અન્ના પણ સતેજ થઈ જશે અને આખું ઑપરેશન બગડી જશે.’

‘આપણે વેશપલટો કરીને એન્ટર થઈશું સાળુંકે...’ સોમચંદે પોતાની મસ્ત થઈ ગયેલી બિઅર્ડ પર હાથ ફેરવ્યો, ‘આ ઉતારવાનું અને અન્નાને ત્યાં જવાનું રિસ્ક તો લેવું પડશે.’

સાળુંકેએ હકારમાં માથું ધુણાવ્યું.

lll

રાતનો દોઢ વાગ્યો હતો.

એકધારા વરસાદને લીધે ધારાવીની ગલીઓમાં ઘૂંટણ સુધી પાણી ભરાયાં હતાં. ચારેય તરફ ફેલાયેલી ગંદકી વચ્ચે જૂના જમાનાનો ફાટેલો કાળો રેઇનકોટ પહેરીને સોમચંદ અને સાળુંકે સ્થાનિક કચરો વીણનારા મજૂરોનો વેશ ધારણ કરીને આગળ વધતા હતા. રાનુ પાસેથી મળેલી બાતમી મુજબ ધારાવીના શાહુનગરની ત્રીજી ગલીના છેડે પ્લાસ્ટિક રીસાઇક્લિંગનું એક ગોડાઉન અન્નાની ખરીદાયેલા છોકરાઓને સંતાડવાની જગ્યા હતી.

સોમચંદ અને સાળુંકે ગોડાઉન પાસે પહોંચ્યા કે તરત સોમચંદે એ દિશામાં જોયું તો ગોડાઉનની બહાર બે માણસો હાથમાં લાકડીઓ લઈને ઊભા હતા. ગોડાઉનની અંદરથી મશીનનો ઘોંઘાટ આવતો હતો, જે આસપાસના અવાજને દબાવી દેવા માટે પૂરતો હતો.

‘સાળુંકે, ગલી સાંકડી છે. બૅકઅપ ફોર્સને કહો કે ગલીના બન્ને નાકા બ્લૉક કરે, પણ અંદર આવે નહીં...’ સોમચંદે દબાયેલા અવાજે સૂચના આપી, ‘આપણે કામ પર લાગીએ.’

સોમચંદે હાથમાં પ્લાસ્ટિકની ગૂણી લીધી અને લંગડાતા પગે ચાલતા ગેટ પાસે ગયા.

‘એય બુઢ્ઢા! ચલ હટ અહીંથી!’

‘સાહેબ, અન્ના માટે માલ લાવ્યો છું... દેખલો...’ જેવો એક ગુંડો સોમચંદનો થેલો જોવા માટે નીચે નમ્યો કે તરત સોમચંદે પોતાની લાકડીનો ફટકો તેની ગરદન પર માર્યો. એ જ સેકન્ડે સાળુંકે પાછળથી આવ્યા અને બીજા ગુંડાનું મોં દબાવીને તેને જમીનદોસ્ત કર્યો. બન્નેને બેભાન કરીને સોમચંદ-સાળુંકે ગોડાઉનમાં દાખલ થયા.

ગોડાઉનમાં ગરમી, અંધકાર અને પ્લાસ્ટિક બળવાની તીવ્ર દુર્ગંધ હતી. મશીનોની પાછળ લોખંડનો સીડીવાળો રસ્તો નીચે ભોંયરામાં જતો હતો. સોમચંદ-સાળુંકે સાવધાની સાથે પગથિયાં ઊતરવા માંડ્યા.

lll

ભોંયરામાં પચાસ જેટલાં નાનાં બાળકો, ધૂળથી ખરડાયેલાં કપડાંમાં, લોખંડના પાંજરા જેવા નાના કમ્પાર્ટમેન્ટ્સમાં બેસીને પ્લાસ્ટિકની બૉટલો અલગ કરતા હતા.

હૉલના છેવાડાના ખૂણામાં દેવા પોતાની ૪ વર્ષની નાની બહેન મીનુને પોતાની ગોદમાં સુવડાવીને બેઠો હતો. ફૅમિલી ફોટોને કારણે સોમચંદ દેવા-મીનુને ઓળખી ગયા.

‘મીનલી, તું રો નઈ... બા

આપણને અઈયાં પોહચી જ જવાની સે... તું જોજે...’

સાળુંકે પોતાના પરનો કાબૂ ગુમાવી બેઠા અને બાળકો તરફ જવા ગયા, પણ સોમચંદે તેનો હાથ પકડી લીધો.

‘સાળુંકે, ઉપર જુઓ...’

સાળુંકેએ ઉપર નજર કરી અને તેની આંખો પહોળી થઈ ગઈ.

ભોંયરાની ઉપર બનેલી લાકડાની કૅબિન પાસે કદાવર રીંછ જેવો અન્ના ઊભો હતો. અન્નાના હાથમાં લોખંડનો બેલ્ટ હતો અને તેની પાછળ ૪ હથિયારધારી બૉડીગાર્ડ હતા.

‘કાંદિવલી પોલીસ...’ અન્ના બોલ્યો, ‘મને ખબર જ હતી કે રાનુ લાંબું નહીં ટકે... પણ અહીં આવવાની ઉતાવળ તમે ખોટી કરી... હવે તમે પાછા

નહીં જાઓ...’

સોમચંદ અને સાળુંકેને હતું કે તેમનો પ્લાન કોઈને ખબર નહીં પડે, પણ અન્ના પહેલેથી સાવધ હતો. તેણે સીટી વગાડી. ક્ષણવારમાં બીજા દસેક ગુંડાઓ લોખંડના સળિયા સાથે બહાર આવી ગયા.

સોમચંદ અને સાળુંકે ચારેય તરફથી ઘેરાઈ ગયા હતા.

‘તમારી ગન ફેંકી દો ઇન્સ્પેક્ટર...’ તામિલ મિશ્રિત હિન્દીમાં અન્નાએ કહ્યું, ‘જો અહીં કંઈ પણ ગરબડ થઈ તો આ બચ્ચાંઓ અહીંથી ક્યારેય જીવતાં બહાર નહીં જાય. ચાલો, જલદી કરો. ગન નીચે નાખો.’

‘અન્ના, એક સિટી હું મારી લઉં?’

અન્નાના જવાબની રાહ જોયા વિના જ સોમચંદે આંગળી અને અંગૂઠો મોંમાં મૂક્યો અને ફેફસાંમાંથી હવા જોશભેર બહાર કાઢી. બીજી સેકન્ડે જે બન્યું એની અન્નાએ કલ્પના નહોતી કરી.

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

22 July, 2026 10:45 AM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK