પશ્ચિમ રેલવેએ જણાવ્યા અનુસાર આ બધાં જ ગેરકાયદે બાંધકામો રેલવેની સુરક્ષા માટે જોખમરૂપ છે
ગેરકાયદે બાંધકામો હટાવવાની આખી ઝુંબેશ તબક્કાવાર રીતે અને યોજનાબદ્ધ તરીકાથી હાથ ધરવામાં આવશે અને રેલવે પ્રશાસન ઉપરાંત સ્થાનિક પ્રશાસન અને પોલીસની મદદથી આખી કાર્યવાહી પાર પાડવામાં આવશે એમ વેસ્ટર્ન રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
વેસ્ટર્ન રેલવેએ ચર્ચગેટ અને વિરાર કૉરિડોર દરમ્યાન આવેલાં આશરે ૯૫૦૦ અતિક્રમણો હટાવવા માટે હિલચાલ શરૂ કરી દીધી છે. બાંદરા-ઈસ્ટમાં ગરીબનગરમાં વેસ્ટર્ન રેલવેની પ્રૉપર્ટી પર વર્ષોથી બંધાયેલાં ૫૦૦ કરતાં વધુ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યાં ત્યાર પછી અન્ય વિસ્તારોમાંથી પણ વેસ્ટર્ન રેલવેની જમીન પર બંધાયેલાં ગેરકાયદે બાંધકામો હટાવવાની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે.
રેલવેની સુરક્ષા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તથા મેઇન્ટેનન્સનાં કામો માટે આ બાંધકામો હટાવવાં જરૂરી હોવાનું વેસ્ટર્ન રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. આ તમામ ૯૫૦૦ બાંધકામોને ચિહનિત કરી દેવાયાં છે અને ટૂંક સમયમાં તબક્કાવાર રીતે એને હટાવવામાં આવશે.
પશ્ચિમ રેલવેએ જણાવ્યા અનુસાર આ બધાં જ ગેરકાયદે બાંધકામો રેલવેની સુરક્ષા માટે જોખમરૂપ છે અને એને કારણે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને સ્ટેશનોને અપગ્રેડ કરવાનાં કામોમાં પણ અડચણ ઊભી થાય છે એટલે એમને હટાવવાં અનિવાર્ય છે.
