ગોડાઉનની બરાબર મધ્યમાં ટેબલ પડ્યું હતું. ટેબલ પર કેટલીક ચીજવસ્તુઓ પડી હતી, કાનજીનો મોબાઇલ પણ પડ્યો હતો અને ટેબલની બીજી તરફ સોમચંદ શાહ ચૅર પર બેઠા હતા.
ઇલસ્ટ્રેશન
‘બા, તે મોબાઇલ લઈને ગયો... તેણે બીજી કોઈ ઇન્ક્વાયરી કરી નહીં એનો સીધો અર્થ એક જ છે કે તે હવે અરેસ્ટ વૉરન્ટ સાથે આવશે.’
ઘરમાં બધા બેઠા હતા અને બધાની સામે શશી ઊભો હતો. ઘરના તમામેતમામના ચહેરા સફેદ પૂણી જેવા થઈ ગયા હતા, પણ શશીએ હજી ધરપત રાખી હતી કારણ કે તેના મનમાં
ADVERTISEMENT
કવર-અપનો પ્લાન રેડી હતો.
‘આપણે એક જ કામ કરવાનું છે.’ શશીએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, ‘હવે ઢાંકવાથી કશું નથી થવાનું. તમારે સિમ્પલ એક જ વાત યાદ રાખવાની છે કે તમે કશું નહીં બોલો. બધું હું કહીશ ને તમારે એમાં હાએ હા કરતા રહેવાની છે.’
‘હા, પણ ભાઈ, તું કહીશ શું?’ મંગળાબાએ ધીમેકથી પૂછ્યું, ‘અમને એ તો ખબર હોવી જોઈએને?’
‘એટલે જ અત્યારે આપણે અહીં ભેગાં થયાં છીએ. હું કહેવાનો છું કે કાનજીનું મર્ડર મેં કર્યું છે...’ મંગળાબા કંઈ વચ્ચે બોલવા જાય એ પહેલાં જ શશીએ કહી દીધું, ‘મારી વાત સાંભળી લો... આપણી પાસે હવે વધારે સમય નથી અને મને કોઈની બીજી-ત્રીજી વાત પણ નથી સાંભળવી. અરુણ, જો તું...’
શશી કંઈ આગળ બોલે એ પહેલાં જ તેના મોબાઇલમાં મેસેજનું નોટિફિકેશન આવ્યું અને શશીએ સ્ક્રીન સામે જોયું કે તરત તે હેબતાઈ ગયો.
‘સોમચંદનો મેસેજ છે...’ શશીએ મેસેજ ખોલ્યો અને જોરથી વાંચ્યો, ‘શશીભાઈ, રાતના સવાનવ વાગ્યા છે. તમારે લોકોએ ૧૦ વાગ્યા સુધીમાં તમારા બાપુજી ગૌતમભાઈના ગોરાઈ ખાડી પાસે આવેલા ગોડાઉન પર પહોંચવાનું છે. ફૅમિલીના બધા લોકો સાથે... આપણે છેલ્લી ચા ત્યાં પીશું.’
શાહ ફૅમિલીમાંથી કોઈ કશું બોલે એ પહેલાં જ ફરી મેસેજ નોટિફિકેશન આવ્યું.
‘બીજો મેસેજ આવ્યો...’ શશીએ એ મેસેજ પણ વાંચ્યો, ‘ઘરનો એકેએક મેમ્બર મને ત્યાં હાજર જોઈએ... કોઈ દલીલ નહીં, કોઈ ખોટા જવાબ નહીં...’
પરિવારના તમામ સભ્યોના ચહેરા પર સન્નાટો પ્રસરી ગયો.
‘ચાલો, જલદી...’ શશીએ ફરી સ્વસ્થતા કેળવી, ‘બાકીની વાત રસ્તામાં કરીશું...’
‘પણ બા...’ ભારતીએ તરત પૂછ્યું, ‘તેમનો તો સૂવાનો ટાઇમ થઈ ગયો છે ને બાનું બ્લડપ્રેશર...’
‘આજે આ જવાબ નહીં આપી શકાય ભારતી... જવું પડશે. આ સોમચંદ જડભરત છે.’ શશીએ ગાડીની ચાવી હાથમાં લીધી, ‘હવે વાત ખુલ્લી પડી જ ગઈ છે તો આપણે નવો પ્લાન પણ મનમાં રાખવો પડશે...’
lll
‘તમારી પાસે નવો પ્લાન તૈયાર છે એની મને ખબર છે...’
ગોરાઈનું એ ગોડાઉન પણ ખુલ્લું હતું. પરિવારના સૌકોઈને એ ખુલ્લું જોઈને ઝાટકો લાગ્યો હતો, પણ શશી સમજી ગયો હતો કે આ કારનામું પણ સોમચંદનું જ છે.
ગોડાઉનની બરાબર મધ્યમાં ટેબલ પડ્યું હતું. ટેબલ પર કેટલીક ચીજવસ્તુઓ પડી હતી, કાનજીનો મોબાઇલ પણ પડ્યો હતો અને ટેબલની બીજી તરફ સોમચંદ શાહ ચૅર પર બેઠા હતા. ટેબલ પર પીળો બલ્બ લટકતો હતો. દરિયાની ભીની અને ખારાશવાળી હવા ગોડાઉનની બારીઓમાંથી અંદર આવતી હતી.
‘આવો શશીભાઈ... આવો...’ શાહ ફૅમિલીને જોયા પછી પણ સોમચંદ ઊભા થયા નહીં, ‘અત્યારે તકલીફ આપવા બદલ માફી પણ બીજો કોઈ ઑપ્શન નહોતો.’
‘જુઓ સોમચંદભાઈ...’
‘જોવાનું મારે નહીં તમારે છે શશીભાઈ...’ સોમચંદે અધવચ્ચે જ શશીને કાપ્યો, ‘તમારી પાસે નવો પ્લાન છે એની મને ખબર છે... હવે પૂછો મને, મને એ ખબર કેવી રીતે પડી?’
શશી ચૂપ રહ્યો પણ વૈભવીએ બફાટ કરી નાખ્યો.
‘કેવી રીતે?’
‘એક નાનકડો સૉફ્ટવેર... જે મેં શશીના મોબાઇલમાં કાલે બપોરે નાખી દીધો હતો. ત્યારે જ્યારે તમે લોકો ઘરમાં કાનજીનાં કપડાંનો નિકાલ કરતા હતા ત્યારે...’ સોમચંદે પોતાનો મોબાઇલ હાથમાં લીધો, ‘બ્લુટૂથથી શશીનો મોબાઇલ મેં મારા મોબાઇલ સાથે કનેક્ટ કર્યો, શશીના મોબાઇલમાં સૉફ્ટવેર નાખ્યો અને પછી મેં જ એ સૉફ્ટવેર ઍક્ટિવ કર્યો; પણ તમારા લોકોનું ધ્યાન નહોતું. શું છે, તમે લોકો બહુ મોટા કામમાં બિઝી હતા.’
શશી આગળ આવ્યો. તેના ચહેરા પર હાર સ્વીકારવાના ભાવ હતા.
‘સોમચંદભાઈ, તમે પોલીસ બોલાવી લો... હું... હું મારો ગુનો...’
‘યાર, આમ નહીં... તમે આવું કરો તો-તો મારી મહેનત લાજે.’ સોમચંદના ચહેરા પર સ્માઇલ હતું, ‘મેં શું મહેનત કરી, કેટલી મહેનત કરી અને તમે ક્યાં-ક્યાં ભૂલ કરી, કેવી રીતે એ ભૂલ થઈ એ બધું મને કહેવા તો દો... શું છે, મારી વાત સાંભળશો તો બીજી વાર મર્ડર કરશો ત્યારે તમને ખબર પડશે કે કઈ-કઈ વાતનું ધ્યાન રાખીએ તો પર્ફેક્ટ કવર-અપ થાય... હવે સાંભળો...’
સોમચંદે ટેબલ પર પડેલી ડાયરી ખોલી.
‘શશીભાઈ, તમે મહેનત સારી કરી, પણ એમાં કેટલીક એવી ભૂલો હતી જે મારા જેવા ખાંધિયાની નજરે ચડ્યા વિના રહે નહીં. શું છે, આમ પણ હું ભૂલ નથી શોધતો, ભૂલ મને શોધે અને મારા કાનમાં બરાડા પાડી-પાડીને કહે... પકડ મને, પકડ મને...’
સામેથી કોઈ પ્રત્યાઘાત આવ્યા નહીં એટલે સોમચંદે વાત આગળ વધારી.
‘કાલે બપોરે હું તમારા ઘરે આવ્યો ત્યારે લિવિંગ રૂમની કાર્પેટ પર લોહીનો ડાઘ હતો. તમે જવાબ પણ આપી દીધો કે આ તો અરુણને વાગ્યું. સાચે જ... હું માની ગયો, તમારા બે ભાઈનો પ્રેમ એટલે કહેવું પડે. લાગે અરુણને અને ઘા શશીભાઈ તમને થાય!’
ઓહ નો!
શશીને તરત પોતાની ભૂલ સમજાઈ ગઈ, પણ તે કંઈ કહેવા જાય એ પહેલાં ફરી સોમચંદે બાજી હાથમાં લીધી.
‘ના, ના... ખુલાસાની કોઈ જરૂર નથી. શું છે તમે લોકોએ બરાબરના લોચા માર્યા. હવેનો લોચો હું કહું કે પછી મારા વતી તમને આ માણસ કહે...’
સોમચંદે એક દિશામાં હાથ કર્યો. જાણે કે તેના ઇશારાની જ રાહ જોવાતી હોય એમ એ ખૂણામાંથી એક પડછાયો આગળ આવ્યો.
‘આ તો સુભાષ...’
‘એક્ઝૅક્ટ્લી... મને એમ કે મારને કારણે તમે તેને કદાચ નહીં ઓળખો, પણ સુભાષ...’ સોમચંદ સુભાષ તરફ ફર્યા, ‘આ તો તને ઓળખી ગયા.’
‘સાહેબ, મેં કંઈ નથી કર્યું... આ લોકો કાકાની લાશ લઈને આવ્યા...’
‘સીઈઈઈશશશ...’ સોમચંદે નાક પર આંગળી મૂકીને નજર શશી પર ફેરવી, ‘તમારી આ બીજી ભૂલ. વિશ્વાસ અને ભરોસો તેનો કરવાનો હોય જે મારથી નહીં લાગણીથી ડરતા હોય... ૪ અડબોથ પડી કે આ સુભાષ તો બધું બકી ગયો. તેણે કહી પણ દીધું કે કાનજીનું મોત ગરદનનું હાડકું તૂટવાને કારણે થયું અને એ પણ કહી દીધું કે લાશના ટુકડા રહમાન કસાઈએ કર્યા... પણ એ ઠીક છે. આમાં માણસ શોધવાની ભૂલ થઈ છે. આપણે વાત કરીએ પર્ફેક્ટ કવર-અપની તો તમારી બીજી ભૂલ...’
સોમચંદે કાનજીનો મોબાઇલ હાથમાં લીધો.
‘ઘરના મેઇન ડોરની બરાબર સામે તમે જે કૂંડાં મૂકો છો એમાં તમે આવડો મોટો પુરાવો દાટો... આવડો મોટો પુરાવો. જ્યારે તમને ખબર પણ નથી કે આ મોબાઇલમાં શું-શું છે?’ સોમચંદે મોબાઇલની એક ઍપ ખોલીને શશીની સામે ધરી, ‘કાનજી પર તેના જ પાર્ટનરને ભરોસો નહોતો એટલે તેણે કાનજીના મોબાઇલમાં ઍપ નાખી હતી, જે ઍપ દ્વારા કાનજીનું લોકેશન તેને મળતું હતું. મોબાઇલ સ્વિચ્ડ-ઑફ હોય તો પણ એ મોબાઇલનું લોકેશન તેના સુધી પહોંચી જાય...’
‘એવું થોડું હોય...’
અરુણે શંકા વ્યક્ત કરી અને સોમચંદે ઍપ તેની આંખ સામે ધરી.
‘આ ઍપ ઑલરેડી અત્યારે ગૂગલ પર મળે છે અને ઇન્ડિયામાં પણ લૉન્ચ થઈ ગઈ છે. આ ઍપનો મોટા ભાગે પેરન્ટ્સ યુઝ કરે છે, જેથી તેઓ પોતાનાં બાળકો પર નજર રાખી શકે; પણ ઍપનો ઉપયોગ કાનજીના પાર્ટનરે કર્યો અને તમે મને આમંત્રણ આપી દીધું ઘર સુધી આવવા માટે...’
સોમચંદે એક ઊંડો શ્વાસ લીધો.
‘તમે લોકો કાનજીની લાશને કાંદિવલીના ફ્લૅટમાં ગોઠવવા ગયા અને પછી ત્યાંથી એ લાશ સુભાષે રહમાનને ત્યાં પહોંચાડી, પણ તમે એ ભૂલી ગયા કે સિક્યૉરિટી કૅમેરા ૧૦ મિનિટ માટે બંધ થાય એ વાત નાની તો ન કહેવાયને... ખાસ તો ત્યારે જ્યારે સુભાષ કૅમેરા-રૂમમાં જાય છે અને એ પછી એ કૅમેરા બંધ થાય છે!’
ગોડાઉનમાં ભયાનક સન્નાટો છવાઈ ગયો. ભારતી ઘૂંટણિયે બેસીને રડવા લાગી. શશીએ આંખો બંધ કરી દીધી. કવર-અપની આખી ઇમારત ડિટેક્ટિવ સોમચંદે કડાકાભેર તોડી નાખી હતી.
‘હવે વાત કરીએ તમારા પ્લાનની તો... એ પ્લાનને જ હું આગળ વધારું અને કહું તો આ મર્ડર માટે શશી તને હત્યા કરવા, પુરાવાઓ નાશ કરવા અને લાશ સાથે જઘન્ય કૃત્ય કરવા બદલ...’ સોમચંદે મનોમન ગણતરી માંડી, ‘૧૮ વર્ષની સજા થાય...’
અત્યાર સુધી શાંત ઊભેલાં મંગળાબા ધીમે-ધીમે આગળ આવ્યાં. તેમના ચહેરા પર હવે જેલનો ડર નહોતો પણ પસ્તાવાની લાગણી હતી.
‘ભાઈ...’ મંગળાબાએ ધ્રૂજતા અવાજે કહ્યું. ‘તમે જે કહો છો એ બધું સાચું; પણ એમાં મારા દીકરાઓએ કંઈ નથી કર્યું, જે પાપ થયું એ મારા હાથે...’
‘બા... તમે ચૂપ રહો.’
‘ના શશી, હવે નહીં...’ મંગળાબાએ સોમચંદ સામે હાથ જોડ્યા. ‘કાલે બપોરે ભાઈ અમારા ઘરમાં આવ્યા. તે મારા પતિની આબરૂ બજારમાં ઉછાળવાની ધમકી આપતો હતો. તેણે મારી આંખ સામે મારા દીકરા... શશી પર હાથ ઉપાડ્યો, મારા નાના દીકરાને લાત મારી અને મારી દીકરીનું ઘર ભાંગવાની ધમકી આપી. બહાર સોસાયટીમાં બૂમો પાડવા ભાગતો હતો. મેં તો તેને રોકવા માટે...’
મંગળાબાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં.
‘જો તે બહાર જઈને બૂમો પાડત તો મારા પતિની આખી જિંદગીની આબરૂ ધોવાઈ જાત. ગામમાં અમારા પર થૂ-થૂ થાત... મારા ઠાકોરજીના સોગન, હું... હું તે ભાઈને મારવા નહોતી માગતી, હું તો તે માગત એ બધું દેવા પણ તૈયાર હતી. ખાલી વાત એટલી હતી કે છોકરાંવના બાપુજીનું તેરમું પતી જાય, પણ... પણ...’ મંગળાબા સામે એ બપોર આવી ગઈ હતી, ‘ઝપાઝપીમાં મારાથી તે ભાઈ... મારાથી આવડું મોટું પાપ થઈ ગયું... આ છોકરાઓ તો બસ પોતાની માને જેલમાં જતી બચાવવા અને તેમના બાપુજીની આબરૂ રાખવા માટે આ બધું ખોટું બોલ્યા... ભાઈ, ગુનેગાર હું છું, મારા દીકરાઓને છોડી દો... તેમણે કંઈ નથી કર્યું...’
મંગળાબા સોમચંદના પગમાં પડવા ગયાં, પણ સોમચંદે તરત જ આગળ વધીને તેમના ધ્રૂજતા હાથ પકડી લીધા અને તેમને આદરપૂર્વક ઊભાં કર્યાં.
‘મંગળાબા...’ સોમચંદનો અવાજ મોટો થયો પણ એમાં આદર હતો, ‘તમે જેને માર્યો તે દૂધે ધોયેલો નહોતો. કાનજીને તો દસ-વીસ વર્ષ પહેલાં મારવાની જરૂર હતી અને એ પણ પોલીસે, પણ... પૈસાએ પોલીસની તાકાત છીનવી લીધી એટલે તે ચૂપ રહી પણ પત્નીની તાકાત કામ લાગી ગઈ. પોતાના પતિની આબરૂ માટે ૮૦ વર્ષે પહોંચેલાં લેડીએ રાક્ષસનો સંહાર કર્યો એ માટે જો મારું ચાલે તો-તો હું તમને અવૉર્ડ આપું, પણ મારું ચાલતું નથી... હા, હું એક અવૉર્ડ આપી શકું...’
સોમચંદે ટેબલ પરથી કાનજીનો મોબાઇલ અને તમામ પુરાવા ઉપાડ્યા અને બારી પાસે જઈને ગોડાઉનની બહાર વહેતી ગોરાઈ ખાડીના ઊંડા પાણીમાં ફેંકી દીધા!
છપાક...
એક તીણો અવાજ આવ્યો અને પુરાવા હંમેશ માટે પાણીમાં ગરકાવ થઈ ગયા.
શાહ પરિવાર સ્તબ્ધ થઈ ગયો. શશીને વિશ્વાસ નહોતો આવતો.
‘સોમચંદભાઈ... આ... આ... તમે શું કર્યું?’
‘શશીભાઈ, સોમચંદ કાયદા કરતાં ન્યાયમાં વધુ માને છે અને ન્યાય તો કાનજીના મોત સાથે જ થઈ ગયો...’ શશીની નજીક આવીને સોમચંદે તેના ખભા પર હાથ મૂક્યો, ‘પણ શશીભાઈ, કાનજી દુબઈ અને પછી ત્યાંથી કોઈ આફ્રિકન દેશમાં ભાગી ગયો એ વાર્તા પૂરી; પણ હા, તમારા બાપુજીના પાપના જે પૈસા ટ્રસ્ટમાં છે એમાંથી એક રૂપિયો તમારા ઘરમાં ન આવવો જોઈએ. એ પૈસા મુંબઈના અનાથાશ્રમો અને ગૌશાળાઓમાં જવા જોઈએ, મંજૂર?’
‘૧૦૦ ટકા મંજૂર સોમચંદભાઈ...’
શશીની આંખોમાંથી પસ્તાવા અને કૃતજ્ઞતાનાં આંસુ વહી રહ્યાં હતાં.
સોમચંદે મંગળાબાના ચરણસ્પર્શ કર્યા.
‘બા, કાલે સવારે ઠાકોરજી સામે એક દીવો કરજો જેથી આ સોમચંદને કાયદાના પાપમાંથી મુક્તિ મળે.’
(સંપૂર્ણ)
